જ્યોત ૧૧ : કાવ્યમાધ્યમ :
કાવ્યનાં માધ્યમો જાણીતાં છે : પદરચના. અક્ષરમેળ. પ્રવાહી પદ્યરચના. માત્રામેળ. પરમ્પરિત. અછાન્દસ. વગેરે.
આમ તો કાવ્યમાધ્યમ પદ્યને કે ગદ્યને ઢાળવા માટેનું બીબું કહેવાય. કાવ્યમાધ્યમ અક્ષરમેળથી હોય, માત્રામેળથી કે અછાન્દસમાં હોય છે એવા શકલોથી હોય, પણ હમેશાં જન્માવે છે, લય. અને તેથી એ માત્ર બીબું નથી રહી જતું, સર્જનપ્રક્રિયાનું અવિનાભાવી અંગ બની જાય છે.
કોઈપણ લયમેળથી સિદ્ધ થયેલું પદ્યવહન, તે કાવ્યરચનાનું માધ્યમ છે.
‘લય’ માટે અંગ્રેજીમાં શબ્દ છે, rhythm. રીધમનો અર્થ ‘લય’-ને બિલકુલ સમાન નથી, વળી તે સંગીતકલાની ચર્ચામાં પણ પ્રયોજાય છે અને ત્યાં એનો બીજો અર્થ ’તાલ’ પણ થાય છે, તેમ છતાં, કામચલાઉ ધૉરણે રીધમ શબ્દનો ઉપયોગ કાવ્યમાધ્યમની ચર્ચામાં કરી શકાય.
કેમ કે મૂળે તો એ ધ્વનિના સુયુત એકમોનું નિયમસરનું પુનરાવર્તન હોય છે. જેમ કે, ધ્વનિશાસ્ત્રમાં – ફોનેટિક્સમાં – સ્ટ્રેસ, ટાઇમિન્ગ અને સિલેબલની માત્રાથી અંકિત થયેલી વાણીની ગતિ રીધમ છે. કાવ્યશાસ્ત્રમાં – પોએટિક્સમાં – પદ્યમાં કે વાક્યોમાં આવતા ધ્વનિ અને શાન્તતાનાં લઘુ કે ગુરુ, કોમળ કે પરુષ, વગેરે તત્ત્વોના આવર્તક પરિવર્તનથી અનુભવાય તે રીધમ છે.
ગુજરાતીનો છે તેમ દરેક ભાષાનો પોતાનો લય હોય છે. ભાષાના લય પર સર્જક કામ કરે એટલે એક સર્જનાત્મક લય પ્રગટે છે. કાવ્ય હમેશાં લયમાં હોય, તે ગદ્યમાં હોય તો પણ. સમજવાનું એ છે કે સર્જકને પોતાની ભાષા – નેટિવ લૅન્ગ્વેજ – આત્મસાત્ થઈ હશે તો જ એ કાવ્યભાષાના સ્વરૂપ અને કાર્ય વિશે સરખું વિચારી શકશે, અને તો જ એ પોતાના કાવ્યને અનુરૂપ માધ્યમ શોધી શકશે.
એવું અનુરૂપ માધ્યમ સંગીત પ્રગટાવે છે અને કૃતિને એ સંગીત નિર્વ્યાજ કાવ્યત્વ અર્પે છે. કાવ્ય ગદ્યમાં હોય તો પણ ગદ્યની લુખ્ખાસ ઓગળી જાય છે અને પદ્યની સુંવાળપ અનુભવાય છે.
સમજની એ બેવડ ત્રેવડ ભૂમિકાએ ઊભીને સર્જકે પોતાની રચના કયા માધ્યમમાં કરવી તેનો પાકો નિર્ણય કરવાનો હોય છે. એ નિર્ણય પાકો પુરવાર ત્યારે જ થશે જ્યારે સરજાનારી કૃતિને એ જ માધ્યમ વહી શકતું હશે, કૃતિને આકાર આપવામાં એ જ માધ્યમ કાર્યક્ષમ પુરવાર થતું હશે.
વિચારો કે “મેઘદૂત”-માં કાલિદાસે યક્ષના વિરહની વાર્તા ૧૦૦થી પણ વધુ શ્લોકોમાં પણ એક જ છન્દ મન્દાક્રાન્તામાં કેમ કરી છે. કાલિદાસે “અભિજ્ઞાન શાકુન્તલમ્” નાટક ગદ્યમાં લખ્યું છે પણ તેમાં કાવ્યશીલ શ્લોકો વિવિધ છન્દોમાં મૂક્યા છે, તેથી શું સિદ્ધ થયું છે.
પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોમાં કડવાના રાગ કે ઢાળ સૂચવ્યા છે, તે કેમ.
દલપતરામે રૂડા લખ્યા છન્દ પણ તેથી કાવ્યત્વ પ્રગટ્યું કે કંઈક બીજું.
કાન્તે ‘સાગર અને શશી’ ઝૂલણા છન્દમાં જ કેમ લખ્યું છે. પોતાના ખણ્ડકાવ્યોમાં, બહુશ: દરેકમાં, કાન્તે છન્દવૈવિધ્ય કેમ પ્રયોજ્યું છે.
'ક્લાન્ત કવિ' બાલાશંકરે પ્રયોજેલા શિખરિણી છન્દથી ઉમાશંકરે પ્રયોજેલો શિખરિણી કેમ રસાળ છે. ઉમાશંકરે શિખરિણી વારંવાર વાપર્યો છે, તે કેમ.
શ્રીધરાણીએ ‘ક્રાન્તિનાદ’ અને ‘ભરતી’ પૃથ્વી છન્દમાં લખ્યાં છે, છતાં, બન્નેની કાવ્યપરક ઉપલબ્ધિ જુદી જુદી રીતે આસ્વાદ્ય કેમ છે.
સુરેશ જોષીએ ‘એક રોમાન્ટિક કવિનું દુ:સ્વપ્ન’ કશા સુખ્યાત છન્દમાં કેમ નથી કર્યું.
લાભશંકર ઠાકરના કોઈ કોઈ અછાન્દસ કાવ્યોમાં છન્દના ટુકડા પણ છે, તે શું સાભિપ્રાય છે કે ઘુસાડેલા છે.
વિચારવાથી મુદ્દો બરાબર અવગત થશે.
કાવ્યમાધ્યમ પાકા નિર્ણય પછી પણ પુરવાર થયું કે કેમ તેની ખરાખરી કાવ્યસિદ્ધાન્તોનો કોઈ મતિયો નહીં કરી શકે, કેમ કે એ કામ કાવ્યકલામર્મજ્ઞ સમીક્ષાપુરુષનું છે.
લયમેળ માટે લઘુ-ગુરુની કે માત્રાઓની કે સિલેબલ્સની ગણતરીમાં સર્જક પાવરધો તો હોવો જ જોઈએ. પરન્તુ લાગે કે કાવ્યત્વને કોઇ વર્ણ કે ધ્વનિ કે શ્રુતિ નડે છે તો એણે યથાશક્ય છૂટ લેવી જોઇએ, બલકે, જરૂર જણાય તો નક્કી કરેલા માધ્યમને ફગાવીને અનુકૂળની શોધમાં નીકળી પડવું જોઇએ.
કોઇ પણ કાવ્યમાધ્યમ સર્જન માટે હોય છે, નહીં કે સર્જન કાવ્યમાધ્યમ માટે ! જોડામાં પગ બેસતો ન હોય તો પગને ચૉમેરથી છોલી નથી નાખતા, જોડો મોટો પડતો હોય તો પગ પર પાટા નથી વીંટી લેતા, નવો જોડો શોધીએ છીએ, એના જેવું !
= = =
(June 5, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર