કાલના જ સમાચાર છે. સુરતના ગોડાદરાની ઘટના છે. ધોરણ એકમાં ભણતા એક દીકરાએ ટ્યૂશને જવું ન હતું ને તેને, તેની મમ્મીએ ટપારીને ટ્યૂશને જવાની ફરજ પાડી તો તે ટ્યૂશને જવાને નામે બહાર તો નીકળ્યો, પણ ટ્યૂશને ગયો નહીં. ટ્યુશનનો ટાઈમ પૂરો થવા આવ્યો, છતાં છોકરો આવ્યો નહીં તો તપાસ ચાલી. પોલીસમાં જાણ થઈ ને પોલીસે અપહરણની શંકાથી તપાસ શરૂ કરી. સી.સી.ટી.વી.ના ફૂટેજમાં છોકરો બહાર જતો દેખાયો નહીં એટલે પોલીસે આજુબાજુમાં તપાસ કરી તો છોકરો તેની જ પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો. બન્યું હતું એવું કે છોકરો બાજુવાળાને ત્યાંથી તેની અગાશીએ પહોંચ્યો ને ત્યાંથી પોતાની અગાશી પર આવવા પાણીની ટાંકી પર ઊતર્યો, પણ તેનું ઢાંકણું ઢીલું હતું એટલે તે ટાંકીમાં જઈ પડ્યો ને 2000 લિટરની ટાંકીમાં ગરકાવ થઈ ગયો. તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારે વધુ વિગત બહાર આવે એમ બને, પણ પોલીસને ટાંકીની પાસે તેની સ્કૂલબેગ અને ચંપલો મળી આવી છે તે એ પ્રશ્ન ઊભો કરે છે કે તે અકસ્માતે ટાંકીમાં પડ્યો હોય તો બેગ અને ચંપલ સાથે જ પડે ને ! તેને બદલે બેગ, ચંપલ ટાંકીની બહાર છે ને છોકરો ટાંકીમાં ડૂબ્યો છે. જો આ અકસ્માત હોય તો ટાંકીની બહાર ચંપલ કાઢવા ને બેગ મૂકવાં એ રોકાય ને પછી ટાંકીમાં પડે એ ગળે ઉતરતું નથી. એ જે હોય તે, પણ ટ્યૂશન છ વર્ષનાં બાળકનાં મોતનું કારણ બન્યું છે તે ખરું.
આવું બનતું રહે છે ને બીજી ઘટના બને ત્યારે આગલી ઘટના ભુલાઈ જતી હોય છે, પણ આ ઘટના શિક્ષણ સંબંધે માબાપની માનસિકતા છતી કરે છે. એક વસ્તુ આપણે બધાંએ સમજી લેવાની જરૂર છે કે સારું શિક્ષણ અકસ્માતે જ અપાતું હશે. સારી સરકારી કે ખાનગી સ્કૂલ કોલેજો ય હશે જ, સારા શિક્ષકો, અધ્યાપકો પણ છે જ, સારા મહેનતુ વિદ્યાર્થીઓ પણ ખરા જ ને શિક્ષણ સારું અપાય એવી સરકારની દાનત પણ ખરી, પણ એ બધું હવે આકસ્મિક છે. અપવાદ રૂપે છે. શિક્ષણ ખાડે જ નહીં, અખાડે પણ ગયું છે. બધાં જ શિક્ષણના અખાડામાં ઊતર્યાં છે ને એકબીજાને પછાડીને ઉપર ઊઠવા મથતા હોય એવો દેખાવ છે. બધાં જ રમે છે, ધંધો કરે છે. એમાં કોઈ શંકા નથી કે શિક્ષણ નફાકારક ધંધો છે ને એ સરકાર કે સંચાલકો, કમાવાને ઇરાદે કરે છે. એમાં શિક્ષણ ગૌણ છે, આકસ્મિક છે. શિક્ષણને નામે થઈ શકે એવી ઈતર પ્રવૃત્તિઓ પણ કમાવાના હેતુથી જ ચાલે છે. શિક્ષણ થોડું ઘણું થતું હશે, પણ મોટે ભાગે સમય ફીની ઉઘરાણીમાં અને પરીક્ષાઓ લેવામાં જ જાય છે. ભણાવ્યા વગર પરીક્ષાઓ લેવાનું અને પરીક્ષાઓ વગર પાસ કરવાનું હવે કોઠે પડી ગયું છે. ફી એ જ શિક્ષણ છે, પરીક્ષા એ જ શિક્ષણ છે. એની આસપાસ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંચાલકો ગરબે ઘૂમે છે ને ઉત્તમ કાર્ય થઈ રહ્યું હોય તેમ તેનાં પ્રમાણપત્ર, પગાર ને પ્રસાદ વહેંચાતાં રહે છે. એક વાત સ્પષ્ટ છે કે તંત્રો હવે શિક્ષણને ગંભીરતાથી લેતાં નથી એટલે શિક્ષણ એક વ્યાપક અવ્યવસ્થા છે અને એમાં વગવાળા, ખુશામતિયા લોકોની સરકારે વ્યવસ્થા કરવાની રહે છે. શિક્ષણ મંત્રીથી માંડીને શિક્ષકોને ગોઠવવા સુધીની જવાબદારી એવા જ વગવાળા માણસો નિભાવે છે. એમાં ગુણવત્તા ને પાત્રતા તમામ ક્ષેત્રે આકસ્મિક છે. કેટલાક કુલપતિઓ કે શિક્ષકો, અધ્યાપકો વગ વગરના, પાત્રતા ધરાવનારા હશે, પણ મોટો ફાલ, ખુશામતખોરીનું, સરકારની ભક્તિનું પરિણામ છે. એને ગુણવત્તા કે પાત્રતા જોડે બહુ લેવાદેવા નથી.
જે વિદ્યાર્થીઓ ક્રિએટિવ છે કે કશીક અસાધારણ પ્રતિભા ધરાવે છે તેમાં તેમની પોતાની બૌદ્ધિકતા ને કેટલાક એવા જ શિક્ષકોની નિસ્વાર્થ મદદ કેન્દ્રમાં છે. એમાં આ કહેવાતું શિક્ષણ બહુ મદદમાં આવતું નથી. ખરેખર તો ભણાવાય છે એટલે કે વિદ્યાર્થી અભણ ન ગણાય, પરીક્ષા એટલે લેવાય છે કે પેપરો ફૂટી શકે કે એકને બદલે બીજું પેપર આપી શકાય. પરીક્ષાઓ એટલે પણ છે કે વિદ્યાર્થીઓમાં ચોરીનું અવનવું કૌશલ્ય વિકસે. પેપરો એટલે અપાય છે કે પેપરસેટરો પેપર સેટ કરવાનો અનુભવ પરીક્ષાર્થીઓને ખર્ચે ને જોખમે મેળવે. ટૂંકમાં, ગુજરાતે શિક્ષણને મામલે એટલું પુરવાર કરી દીધું છે કે અહીં બધાં જ શિખાઉ છે. આવું વત્તેઓછે અંશે અગાઉ પણ હતું જ. શિક્ષકોને પગારમાં જ રસ હોય એ આજની શોધ નથી, વિદ્યાર્થી આજે જ ચોરી કરતો થયો એવું નથી, પેપરો આજે જ ફૂટે છે એવું પણ નથી, પણ માથે જે મૂકાતાં હતાં, એ માથાંને શિક્ષણ જોડે લેવાદેવા હતી. એમને શિક્ષણની ચિંતા હતી. આખો કારભાર તુક્કાઓનું પરિણામ ન હતો. આજે સૌથી વધારે ખૂટે છે તે નિસબત !
આજે સૌથી વધારે ભોળપણ કદાચ વાલીઓનું છે ને તેનો ભોગ બને છે વિદ્યાર્થીઓ. શિક્ષણને બધાંએ જ હળવાશથી લીધું હોય ત્યારે વાલીઓએ તેને ગંભીરતાથી લીધું છે. ગંભીરતાથી એ અર્થમાં કે તેણે વાપરેલાં નાણાંનું વળતર તેનાં સંતાનો તેને આપે. કેટલાક વાલીઓ બધી રીતે ઉત્તમ હોય છે, તો કેટલાંક સંતાનોને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ માને છે. વ્યાજ સાથે પાછું આપવાના છે એ ગણતરીએ તેઓ સંતાનોનાં શિક્ષણ પાછળ ખર્ચાય છે, તો કેટલાંક કેવળ લાગણીને કારણે, ફરજ સમજીને સંતાનોનું ઉત્તમ થાય એને માટે વેઠે છે. વિદ્યાર્થીઓમાંનાં પણ કેટલાંક તનતોડ મહેનત કરી શ્રેષ્ઠ દેખાવ કરવા મથે છે, પણ ઘણી વાર આ મહેનત વાલીઓ અને વિદ્યાર્થીઓને પક્ષે નિરર્થક પુરવાર થાય છે, કારણ ઓછી આવડતવાળા એક યા બીજા કારણે આગળ જતાં હોય તો જે ખરેખર મહેનત કરીને આગળ જવા મથે છે તેને ભાગે નિરાશા જ આવે છે.
કેટલુંક ધંધાદારી નીતિને કારણે આ સમયમાં પેધું પડ્યું છે. માબાપોમાં એક આગ ઊઠી છે તે સંતાનોને નાનેથી જ ભણાવી દેવાની ! સારું છે કે એ રીતે એડમિશન આપવાનું હજી શરૂ થયું નથી, નહીંતર બાળકને તેની મમ્મી સ્કૂલમાં જ જન્મ આપે એમ બને. નર્સરી ક્લાસમાં મોકલીને માતાને સંતોષ ન થયો તો હવે પ્રિ-નર્સરી પણ શરૂ થયું છે. બને કે એ પહેલાંનો કોઈ વર્ગ પણ આવનાર વર્ષોમાં શરૂ થાય ને તેમાં ઢગલો ફી આપવા છતાં એડ્મિશનનાં ફાંફાં પડે. ખાસ કરીને આજની મમ્મીઓને પોતાનું બાળક સ્માર્ટ હોય ને ફટાફટ અંગ્રેજી બોલતું થાય તે જોવાની તાલાવેલી છે. તેમાં ઓછું ભણેલી હોય તો આ ઘેલછા થોડી વધારે જ હોય છે. પપ્પા પૈસા આપી છૂટે છે કે બહુ બહુ તો બાળકનાં એડમિશન માટે દોડી વળે છે, પણ પોતાનું બાળક બહુ જ હોંશિયાર બને તે માટે મમ્મીઓ મચી પડતી હોય છે. એ ચારેક વર્ષનાં બાળક પર સ્કૂલમાં જે વીતે તે તો વીતે જ છે, પણ મમ્મીઓ પણ કોઈ કસર છોડતી નથી. બાળકને રમાડવાને બદલે તે ભણાવવા બેસે છે. તેને આવડે કે ન આવડે, બાળકને બધું જ આવડવું જોઈએ. પપ્પા કંટાળીને આવે તેની સામે મમ્મી બાળક નથી ભણતો એનું પારાયણ માંડે છે. પપ્પા મૂડ પ્રમાણે બાળકને વેતરે છે ને રડીને સૂઈ ન જાય ત્યાં સુધી તેને વીતે છે. ત્રણચાર વર્ષનાં બાળક માટે આ શિક્ષણ નથી, શિક્ષા છે. એનાથી બાળક ખિલતું નથી, કરમાય છે.
આટલું ઓછું હોય તેમ નવું દૂષણ ઉમેરાયું છે તે ટ્યૂશનનું. નર્સરીનું ટ્યૂશન ચાલે છે કે નહીં, તે નથી ખબર, પણ ધોરણ એકથી ટ્યૂશન ચાલે છે તે તો છોકરો ટાંકીમાં ડૂબી ગયો એ ઉપરનાં સમાચારમાં પણ જોયું. એ છ વર્ષનાં છોકરાએ ટ્યૂશને જવું ન હતું ને મમ્મીએ તેને ટ્યૂશને મોકલવાનો આગ્રહ રાખ્યો ને છોકરો ખોયો. ખબર નહીં, માબાપોમાં કયા પ્રકારની ઘેલછા કામ કરે છે, પણ સંતાનને ટ્યૂશને મોકલ્યા વગર તેમને ચાલતું નથી. ક્યારેક બાળક પણ દેખાદેખી ટ્યૂશને જવાની જીદ પકડે છે. એક સમય હતો જ્યારે ખાનગી ટયૂશનનો વાંધો લેવાતો, પણ આજકાલ તો ટ્યૂશન ફરજિયાત જેવું જ છે. એ પાછું હજારો હજારોમાં પડે છે. માબાપો ફી અને ટયૂશન ફીમાં જ ખપતાં રહે છે. સ્કૂલે ભણવાનું ને ઉપરથી ટ્યૂશનમાં પણ જવાનું ને તેમાંથી એક ધોરણના વિદ્યાર્થી પણ બાકાત નહીં? આ બધી રીતે તિરસ્કારને પાત્ર છે. ઊઠીને ઊભાં થતાં બાળકને આટલો ત્રાસ શેને માટે ને કેવાં શિક્ષણ માટે? ભણાવવાને નામે બાળકને તલવારની ધાર પર રાખવાનો આ આખો ઉપક્રમ નિંદનીય છે.
સંતાનોને બધાંમાં જ નબર વન રાખવાનો માબાપોને ચસ્કો લાગ્યો છે. બધાંને પોતાનું બાળક એક નંબર પર જ જોઈએ છે. એક નંબર પર હોય ને એક નંબર પર રહે તેનો વાંધો નથી, પણ બધાં જ તો એક નંબર પર ન હોય ને ! કોઈ બીજે નંબરે પણ આવે, કોઈ નાપાસ પણ થાય, તો તેને માથે પહાડ તોડવાના? કોઈનાં કરતાં બેચાર માર્ક પણ ઓછા આવે તો મમ્મીઓ વલોવાઈ જાય છે. માર્ક ઓછા આવ્યા જ કઇ રીતે એ મુદ્દે બાળક પર ખટલો ચાલે છે ! એ વખતે માબાપ ભૂલી જાય છે કે પોતાનાં એ ઉંમરે કેટલાં માર્કસ આવતા હતા? બાપ એ ઉંમરે નાપાસ થયો હશે, પણ દીકરા પાસેથી તો એ 100માંથી 200 ટકાની જ અપેક્ષા રાખતો હોય છે. એ પણ એવા બાળક પાસેથી જેની રમવાની ઉંમર છે ને તેને સ્કૂલમાં ભણવાની ને ટ્યૂશને જવાની માબાપે ફરજ પાડી છે.
આજના શિક્ષકો ને વાલીઓએ એ સમજી લેવાની જરૂર છે કે જે સંવેદનશીલ છે તે બાળકો ભણતર, ટ્યૂશનને કારણે સખત તાણ અનુભવે છે. તેમાં માબાપ બાળકો સાથે કડકાઈથી વર્તે છે તો બાળક વાતો છુપાવતું અને અંતર્મુખી થતું જાય છે. તેમાં પરીક્ષાનું પરિણામ ધાર્યું ન આવે તો તે ફ્રસ્ટ્રેટ થાય છે ને માર્કસ ઓછાં આવેલા હોવાનું જાણીને માબાપ કેવી રીતે રિએકટ કરશે એ વાતે બહુ જ મૂંઝાય છે ને એમાં ને એમાં આત્મહત્યા પણ કરી લે છે. પરીક્ષાને કારણે આત્મહત્યા કરનારા બાળકોની સંખ્યા વધતી આવે છે તે ચિંતાનો વિષય છે. શિક્ષણ એને માટે કેટલું જવાબદાર છે તેમાં ન પડીએ, પણ શિક્ષણ નિમિત્તે આ બધું થાય છે તે સ્પષ્ટ છે. આમાં ક્યાંક શિક્ષણનો ધંધાકીય અભિગમ ભાગ ભજવે છે એવું ખરું કે કેમ? બધે બધું જ ઉત્તમ હોય એવું ન પણ બને, પણ ગુજરાતમાં શિક્ષણને નિમિત્તે જે થાય છે તે અનેક સ્તરે સુધારણાને પાત્ર છે, બીજું બધું જવા દઇએ તો પણ સાવ નાનાં બાળકોને માથે શિક્ષણનું ને ટયૂશનનું જે ભારણ વધારવામાં આવ્યું છે એ કુદરતી છે કે તંત્રોની ધંધાદારી નીતિની નીપજ છે એટલું વિચારવાની તાતી જરૂર છે. લાગતા વળગતા વિચારશે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઍપ્રિલ 2022