પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ઉપર નજર કરીએ તો બે નિષ્કર્ષ કાઢી શકાય. ખરું પૂછો તો અત્યારે આને અનુમાન કહેવું જોઈએ, નિષ્કર્ષ પર આવવાને હજુ વાર છે.
એક તો એ કે જો ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા સરકારી રાહત બેંકમાં આવ્યા કરે અને જેમ તેમ બે ટંકનો રોટલો નીકળી રહે તો મુસલમાનોને સીધા કરવા માટે હિંદુ મતદાતાઓ પોતાની એક પેઢી કુરબાન કરવા તૈયાર છે. રોજગારીનો અભાવ, યુવાનોનું અંધકારમય ભવિષ્ય, પેટ્રોલના ભાવ, મોંઘવારી, કોરોનાસંકટનું જગતમાં નાક કપાય એવું મિસમેનેજમેન્ટ, વિકાસ, કાયદાનું રાજ, સહિયારું ભારત, સહિયારો પુરુષાર્થ, ગરીબ અને ખેડૂતવિરોધી નીતિઓ એમ બધું જ ભૂલવા તૈયાર છે. અન્યથા ઉત્તર પ્રદેશમાં તો કમસેકમ બી.જે.પી.ને જીતવા માટે કોઈ કારણ જ નહોતું.
ભારતમાં દરેક નાગરિક એક દુશ્મનને લઈને જીવે છે અને એ દુશ્મન ગરીબી અને અજ્ઞાન નથી, કોઈ વ્યક્તિ પણ નથી પણ કોઈને કોઈ સમૂહ છે. છેલ્લા દાયકા સુધીનું ભારતીય રાજકારણ એક સમૂહના બીજા સમૂહ સામેના અણગમા કે દુશ્મનીના ગણિત ઉપર ચાલતું હતું. એ સમૂહ જ્ઞાતિના સ્વરૂપમાં હતા, ભાષાના સ્વરૂપમાં હતા, પ્રદેશના સ્વરૂપમાં હતા, વગેરે. આને કારણે જ્ઞાતિકીય કે ભાષાકીય અસ્મિતાઓ પર આધારિત અનેક પ્રાદેશિક પક્ષો સ્થપાયા હતા. તેમની રાજકીય જીવાદોરી એક સમૂહના બીજા સમૂહ સામેની દુશ્મનીના ગણિત અને સમીકરણો પર આધારિત હતી. ડો રામમનોહર લોહિયાએ સામાજિક સમૂહોના સશક્તિકરણના નામે સમૂહોની દુશ્મનીનું ચૂંટણીકીય ગણિત રચી આપ્યું હતું.
હવે એ દુશ્મની મુસલમાનની સામે કોમી સ્વરૂપમાં કાયમ થઈ છે અને એ ભારતીય જનતા પક્ષની અને નરેન્દ્ર મોદી – અમિત શાહની અને એકંદરે સંઘ પરિવારની ઉપલબ્ધિ છે. અત્યંત ગણતરીપૂર્વક હિંદુ માનસ ઉપર કબજો કરીને ભારતીય નાગીરિકોની દુશ્મનીની ભાવનાને એક સમૂહ ઉપર કેન્દ્રિત કરી છે. જો ગુજરાન ચાલે એટલા પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા મળી જતા હોય તો બંદો મુસલમાનને સીધો દોર કરવા ઉપલબ્ધ છે. પાછું ડાયરેક્ટ ટ્રાન્સફરની સુવિધાને કારણે કોઈ કચેરીનાં પગથિયાં ઘસવાના નથી, કોઈ અમલદારને ઘૂસ આપવી પડતી નથી અને ઉપરથી વખત બચે છે. મહેનત કર્યા વિના અને અપમાનો સહન કર્યા વિના લહેરથી ભલે જેમતેમ પણ ગુજરાન ચાલે છે. ડેવલપમેન્ટ કેન વેઇટ. સદીઓ જૂનો મુસલમાન સામેનો પૂર્વગ્રહ આધારિત હિસાબ ચૂકતે કરવાનો મોકો મળ્યો છે.
તો વાતનો સાર એ કે ભારતીય રાજકારણમાં ‘દુશ્મન’ની કલ્પનામાં પરિવર્તન થયું છે અને એ પરિવર્તન નિર્ણાયક છે. ડૉ લોહિયાનું હિંદુ બનામ હિંદુની જગ્યા હવે હિંદુ બનામ મુસલમાને લીધી છે. હિંદુ બનામ હિંદુ, હિંદુ બનામ મુસલમાનના કોમી ધ્રુવીકરણને ખાળશે અને ભા.જ.પ.ને ક્યારે ય એકલા હાથે સત્તા સુધી પહોંચવા નહીં દે એ ધારણા ખોટી પડી છે. ભા.જ.પ.ને એકલા હાથે કેન્દ્રમાં બે મુદ્દતથી શાસન કરે છે. દેશનાં કેટલાંક મહત્ત્વનાં રાજ્યોમાં શાસન કરે છે અને હવે ઉત્તર પ્રદેશમાં બીજી મુદ્દત મળી છે જે મળવા માટે કોઈ કારણ નહોતું. ઉત્તર પ્રદેશે સાબિત કરી આપ્યું છે કે હિંદુ બનામ હિંદુની પરંપરાગત દુશ્મનીની ભલે ગમે એટલી વાતો થતી હોય, ભલે મનુવાદનો ભય બતાવવામાં આવતો હોય, ભલે બ્રાહ્મણી સાંસ્કૃતિક વર્ચસ્વ કે સાંસ્કૃતિક આક્રમણની વાતો થતી હોય; અત્યારે તાત્કાલિક દુશ્મન મુસલમાન છે. મોકો મળ્યો છે તો બધું જ બાજુએ. ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા ગુજરાન તો ચાલે જ છે. આમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાત સાચી છે કે ૨૦૨૪ની ચૂંટણી બી.જે.પી.ની છે અને એનો સ્વીકાર રાજકીય પંડિતોએ કરવો જોઈએ. મુસલમાન દુશ્મન અને ગુજરાન ચલવવાની ગેરંટી આપનારી ડાયરેક્ટ ટ્રાન્સફરની વિનિંગ ફોર્મ્યુલા હજુ કામ કરવાની છે.
અત્યારે બી.જે.પી.નો અને આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય અને ગયા મે મહિનામાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાઁન્ગ્રેસનો ભવ્ય વિજય જોતા બીજો નિષ્કર્ષ એ છે કે દાયકાઓ જૂના રાજકીય પક્ષોને હવે તેનો અતિત નડે છે. જે તે રાજકીય પક્ષનું નામ પડતા ચોક્કસ પરિવાર, ચોક્કસ જ્ઞાતિઓની દાદાગીરી, પક્ષપાત, એકનું એક રાજકારણ વગેરેની યાદ આવે છે. તમે કહેશો કે ભારતીય જનતા પક્ષ પણ દાયકાઓ જૂનો પક્ષ છે અને એ પણ એકનું એક રાજકારણ કરે છે, પણ એક હકીકત નોંધવી જોઈએ કે નરેન્દ્ર મોદીના આગમન પછીનો ભા.જ.પ. અલગ છે અથવા અલગ ભાસે છે. નરેન્દ્ર મોદીએ ભા.જ.પ.નો ભૂતકાળ ભુલાવી દીધો છે. એ ભારતનો જયજયકાર હોય કે હિંદુરાષ્ટ્ર હોય ભારતના નાગરિકને કશુંક નવું નજરે પડી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને તૃણમુલ કાઁન્ગ્રેસ અતીતના બોજાથી મુક્ત છે. બન્ને પક્ષ પરિવાર, પક્ષપાત, ચોક્કસ પ્રજાસમૂહની દાદાગીરી અને તેનાં લાંબા કટુ સંસ્મરણોથી મુક્ત છે.
આને કારણે પશ્ચિમ બંગાળમાં મુકાબલો તૃણમૂલ કાઁન્ગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે હતો. કાઁન્ગ્રેસ અને ડાબેરી પક્ષો હોવા છતાં ન હોવા જેવા હતા. ઉત્તર પ્રદેશમાં મુકાબલો ભા.જ.પ. અને સમાજવાદી પક્ષ વચ્ચે હતો. બહુજન સમાજ પક્ષ અને કાઁન્ગ્રેસ હોવા છતાં ન હોવા જેવા હતા. અખિલેશ યાદવ ઠીકઠીક પ્રમાણમાં નવા સમાજવાદી પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ હજુ લોકો સમાજવાદી પક્ષનો અતીત ભૂલ્યા નથી. અખિલેશ યાદવે એ ભૂતકાળ ભૂલાવવો પડશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ તમામ પરંપરાગત રાજકીય પક્ષોના સુપડા સાફ કર્યા છે. ટૂંકમાં અતીતબોજથી મુક્ત નવા શાસકો સામેની નાગરિકોની ફરિયાદો એક તરફ અને તેમની જગ્યા લેવા માગનારા રાજકીય પક્ષોનો ભૂતકાળ એક તરફ. નવા શાસકોની તાત્કાલિક ક્ષતિઓ મતદાતા ભૂલીને માફ કરવા તૈયાર છે, પણ દાયકાઓ જૂનો ભૂતકાળ ભૂલવા તૈયાર નથી.
જો આ નિષ્કર્ષ કે અનુમાન સાચાં હોય તો કાઁગ્રેસે પોતાના ભવિષ્ય વિષે વિચારવું જોઈએ. રાહુલ ગાંધી કે ગાંધીપરિવારનો કોઈ સભ્ય નવી કાઁન્ગ્રેસનું પ્રતિનિધિત્વ નથી કરતો અને કાઁન્ગ્રેસને અતીત ભૂલાવે એવા નવા નેતૃત્વની જરૂર છે. કદાચ એવું પણ બને કે નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ કાઁન્ગ્રેસમાં સમૂળગા પરિવર્તનનું કારણ બને અને જો એમ નહીં બને તો જે સ્થિતિ બહાદુરશાહ ઝફરની અને મુઘલ સામ્રાજ્યની બની હતી એવી સ્થિતિ ગાંધી પરિવાર અને કાઁન્ગ્રેસની થશે. કાઁન્ગ્રેસ સામે અસ્તિત્વની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 માર્ચ 2022