Opinion Magazine
Number of visits: 9449150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મકરંદભાઇ-કુંદનિકાબહેનનાં લગ્ન અને નંદિગ્રામ

રજનીકુમાર પંડ્યા|Opinion - Opinion|18 February 2022

1997માં નંદિગ્રામમાં મેં લીધેલા કુંદનિકાબહેનના રેકોર્ડેડ ઇંન્ટરવ્યુના આધારે, મકરંદ દવેની શતાબ્દી નિમિત્તે : રજનીકુમાર

લગ્ન કરવા વિષે કુંદનિકાબહેને કોઇ ચોક્કસ વિચાર નહોતો સેવ્યો, ત્યારે સાલ ૧૯૬૫ના એક દિવસે એકવાર કંઇક જાણીતા – કંઇક અજાણ્યા એવા અક્ષરોમાં એમના ઉપર એક પત્ર આવ્યો. પત્ર હતો તો વિનય-વિવેક ભર્યો પણ એ ડેસ્ટિનીનો કૉલ લેટર (વિધાતાનું વેણ) થઇ જશે એવી એમને ખબર નહોતી. પત્ર કવિ મકરંદ દવેનો હતો ! નવાઇ તો લાગી પણ નકારાત્મક ભાવ પેદા થાય તેવી કોઇ વાત એમાં નહોતી. એમનું નામ ખાસ્સું સાંભળેલું પણ હતું. વખાણ પણ સાંભળેલાં. ખાસ તો એમનાં ભાઇ સુરેન્દ્ર કાપડિયા અમદાવાદની એચ.કે. કૉલેજમાં લેક્ચરર હતા. એ વર્ષો સુધી અને વારંવાર મકરંદના કોઇ ને કોઇ નિમિત્તે વખાણ કર્યાં કરતા. ‘નવનીત’નાં તો કુન્દનિકાબહેન સંપાદિકા હતાં અને એમાં મકરંદભાઇનાં કાવ્યો પણ છપાતાં એટલે નામ પણ પરિચિત. અક્ષરો પણ જરા યાદ કરે તો લખનારની ઓળખ પડી જાય એવા પણ આમ એમનો પત્ર આવશે અને એમાં જોડાવા વિષે બહુ ધીમો સંકેત હશે એવી કલ્પના તો ક્યાંથી હોય ?  એટલે પહેલાં તો એમને થયું કે એમણે કોઈ બીજાને મોકલવાને બદલે ભૂલથી મને આ પત્ર મોકલી દીધો છે. પણ કોઇના પત્રનો જવાબ તો દેવો જ પડે. એટલે એ કાગળ જેમનો તેમ પાછો મોકલવાને બદલે માત્ર પોસ્ટકાર્ડથી જવાબ એ રીતે લખ્યો કે ભાઈશ્રી મકરંદભાઇ, તમારા કોઈ કાગળિયાં ભૂલથી અહીં આવી ગયાં લાગે છે. જો આપ જણાવો તો આપને પાછાં મોકલી આપું.

તરત એનો જવાબ તો ‘એવી જરૂર નથી, એ પત્ર તમારા માટે જ છે’ એવો આવી ગયો. અને પછી થોડો પત્રવ્યવહાર વધુ થયો. એમાં કુન્દનિકાબહેન પામી ગયાં  કે મકરંદભાઇને પક્ષે કંઇક એવી ગડભાંજ ચાલતી હતી. બિમાર બા ‘હવે તું લગ્ન કર’ એમ સીધું નહોતાં કહી શકતાં પણ ‘મારી આશા અધૂરી રહી જશે’ એમ તો રટ્યાં જ કરતાં હતાં. મકરંદભાઇ કાયમ જવાબ આપતા કે ‘ચિંતા ન કર, બા. મને યોગ્ય લાગશે ત્યારે લગ્ન કરીશ. કોઇ પાત્રને અને મને અમે એકબીજાને યોગ્ય છીએ એવું લાગશે ત્યારે હું એક દિવસ પણ મોડું નહીં કરું.’

કદાચ બાને સંતોષવાની એ માનસિકતાને કારણે જ આ પત્ર લખાયો હતો. પણ ત્રણ વર્ષ ચાલેલા એ પત્રવ્યવહારનો અંજામ છેલ્લે લગ્નમાં પરિણમ્યો.

અને સાલ ૧૯૬૮માં ૩૦મી એપ્રિલે પોતાનાથી પાંચ વર્ષ મોટા મકરંદભાઇ સાથે એ લગ્નથી જોડાયાં. એ દિવસ તે અખાત્રીજનો. મકરંદ રીતસરની જાન લઈને આવેલા હતા. પણ જાનમાં જાનૈયા બહુ ઓછાં હતાં. દીપકભાઈ વસાવા, બનેવી બાબુભાઈ વૈદ્ય, તેમનાં પત્ની દયાબહેન એટલે કે મકરંદભાઇનાં મોટાં બહેન. કુન્દનિકાબહેનને પક્ષે હતાં કાંતાબહેન, રતિભાઈ, નાનાભાઈ. મુંબઈમાં વિહાર તળાવને કિનારે માંડવો બાંધ્યા વગર જ સૂર્ય-ચંદ્રની સાક્ષીએ સાદો વિધિ થયો. (બા એ જોઇને પછી, સંતોષ પામીને ૧૯૭૫માં અવસાન પામ્યાં.)

મેં પૂછ્યું : ‘પણ આટલાં વર્ષ સુધી કેમ નહોતાં પરણ્યાં ?’

‘બસ,’ એ મરકીને બોલ્યાંઃ ‘મારે ન’તું પરણવું એટલે ન’તી પરણી.’

થોડી વાર અબોલ રહીને એ બોલ્યાં : ‘હું એક જ વાત કહીશ કે એ સાયુજ્ય પહેલાં મને ભગવાનની ઓળખ ન હતી.’

વાક્ય અધૂરું લાગે પણ એને પૂરું કરી આપનારા શબ્દો મારા મનમાં ઊગી ગયા.

‘તો એમણે તમને બદલી નાખ્યાં’ એવો જ અર્થ થયો. પણ એ કહો કે એવો તે કયો ધક્કો લાગ્યો? શું લાગ્યું એમને જોઈને ? કયાં કારણો મળ્યાં? વૈચારિક કે એથી વધુ ઊંચુ કે માત્ર બૌદ્ધિક? સાહિત્યિક ?

એમનો જવાબ : ‘સાહિત્ય શબ્દ એના માટે બહુ નાનો પડે. અવ્યક્તમાંથી આવતું કઈંક. આ અંતર શબ્દ અંતર જ પકડે છે. નકરાં બાહ્ય ઉપકરણોથી કાંઈ પ્રીતિ ઉત્પન્ન થતી નથી. મા ભગવતીનું એક પ્રખ્યાત વાક્ય છે. ‘દિલ કો ભા જાયે.’ જેની વ્યાખ્યા થતી નથી. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી. કારણ છે કેવળ પ્રીતિનું !

પછી કહે : ‘પણ એ આપણે જાણતાં નથી કે આપણને આટલા બધા માણસોમાંથી કેમ આ એક જ માણસ ગમ્યો અથવા કેમ આની તરફ જ ખેંચાયાં? બીજા બધાં ઉપરનાં કારણો પણ છે પણ એ કંઈ એટલાં બધાં નક્કર નથી.’

હવે સ્વાભાવિક જ સવાલ જાગે કે નંદિગ્રામની કલ્પના કોના મનમાં પહેલાં આવી?  કુન્દનિકાબહેનના મનમાં કે મકરંદભાઇના મનમાં ?

તેમનો જવાબ : ‘એમને જુદી રીતે કલ્પના આવી અને મને પણ જુદી રીતે આવી. એમના મનમાં કામ કરવાની બ્લુપ્રિન્ટ પડી હશે તે એવું બધું એમણે પોતાના મિત્રો સાથે ઘડી રાખેલું અને મેં પણ એમને મળી તે પહેલાં કંઇક એવું વિચારેલું. એમ તો  છેક ૧૯૬૦થી મારા મનમાં આ વિચાર રમતો હતો કે આવું કશુંક હોવું જોઈએ. એ પછી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ ‘કશુંક પણ’ બદલાતું રહ્યું. પણ એના મૂળમાં હતું બહુ નાનપણમાં કર્યું હોય તે વાચન. પણ જેનાથી આવા વિચારો આવ્યા હોય. એવું વાચન શું હતું તે અત્યારે તો મને યાદ આવતું નથી પણ આવું કંઈ અનોખું કરવું જ છે એવો વિચાર સૌ પ્રથમ આવ્યો સાલ ૧૯૮૦માં.’

એટલે કુન્દનિકાબહેને એ વિચારને વ્યક્ત કરતો સૌ પહેલાં એક લેખ લખ્યો ‘જન્મભૂમિ-પ્રવાસી’ની ‘પ્રવાસી’ પૂર્તિમાં. એ લખવાની પ્રેરણા મળી તેમને ‘અમેરિકન રિવ્યુ’માં આવેલા ઈરવિન વિલિયમ થોમસન નામના એક અમેરિકન સાહિત્યકાર, ના, માત્ર સાહિત્યકાર નહીં પણ ઇતિહાસકારનો, એક લેખ વાંચીને. તેમાં એ લેખકે ગ્લોબલ કલ્ચરની વાત કરેલી. ગ્લોબલ કલ્ચર એટલે વૈશ્વિક સંસ્કૃતિ, વૈશ્વિક ફીલિંગ ! મતલબ કે, આ મારું સૌરાષ્ટ્ર કે આ મારો દેશ જેવો વિચાર જ ન રહે મનમાં. પણ ‘આ મારો ગ્રહ એટલે કે પ્લેનેટ!’ એવા કલ્ચરનો વિકાસ થવો જોઈએ એવી એ લેખકે લેખમાં આવી વાત મુકેલી. કુન્દનિકાબહેનને એ પરિકલ્પના બહુ જ જચી ગઈ હતી. અને તેમના મનમાં ઘણા વખતથી જે ધુંધળા વિચારો કે ખયાલો રમતા હતા તેને આ વાંચીને નક્કર આકાર મળ્યો. એ લેખકે એક કોમ્યુન એટલે કે સરખી માન્યતાઓના એક દોરે બંધાયેલી સમૂહજીવન જીવતી એક વસાહતની કલ્પના કરેલી અને વાસ્તવમાં એવું કરેલું પણ ખરું અને બહુ સારા સારા લોકો એ કોમ્યુનના મેમ્બર્સ હતા. લિન્ડિશ ફાર્મ એટલે લૉન્ગ આઈલેન્ડ ન્યુયોર્ક પાસે એ લોકોનું કોમ્યુન હતું. એમાં એ લોકો આ વિચારોને અમલમાં મૂકવાનું કામ કરે છે. એણે તો પછી બીજા એક કોમ્યુનની વાત પણ  કરેલી, ફિન્ડફાર્મ જે સ્કોટલેન્ડમાં છે ત્યાં પણ આવા લોકો વસીને વનસ્પતિજગતમાં કાર્ય કરે છે. આવી બધી વસ્તુ કુન્દનિકાબહેન અને મકરંદભાઇના વિચારો સાથે એટલી મળતી આવતી હતી કે એમાંથી એમને એક નક્કર આકાર મળી ગયો અને એ તે નંદિગ્રામ.

પણ એનું સ્વરૂપ (કંસેપ્ટ) કેવું હોવું જોઇએ ? એના વિષે બે સમાંતર વિચાર મનમાં સમાંતરે જ ચાલી રહ્યા હતાઃ એક તો સાધના અને બીજી સેવા. એ બે એની પાંખો હોવી જોઇએ. એને પરંપરાગત ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. સાધના એટલે કે મન જે આધ્યાત્મક સ્થિતિમાં હોય તેનાથી આગળની દિશામાં વધવું તે અને સેવા એટલે આપણે એકલાં નહીં પણ આપણું અમર્યાદ કુટુંબ છે તેવી સમજણ કેળવવી. હું મારું જ કરી લઉં એવું નહીં પણ આપણી આસપાસ રહેતા લોકો પણ આપણો જ પરિવાર છે, એમ માની તે લોકોને પણ આપણાપણામાં આવરી લેવા. જેમ આપણે આપણાં ભાઈબહેનો માટે શક્ય હોય તેટલું કરી છૂટીએ છીએ એમ બીજા લોકોને પણ આપણામાંના જ ગણીને એમને માટે શક્ય હોય તેટલું કરી છૂટવું. આમાં સાધના આને સેવા બંનેનો ત્યાં સમન્વય થવો જોઈએ. એટલે સાદી ભાષામાં કહીએ તો પોતાનું કલ્યાણ અને બીજાનું પણ કલ્યાણ. ખરા કલ્યાણનો એ જ સાચો માર્ગ હોવો જોઈએ એવી એક કલ્પના અને તેને મૂર્તિમંત કરવાનું સ્વરૂપ એમને આમાં દેખાયું જે એમણે પોતાના લેખમાં વ્યક્ત કર્યો હતો.

કુન્દનિકાબહેનના લેખનો બહુ બધા લોકોએ પડઘો પાડ્યો. અનેક કાગળો આવ્યા. તેમના લેખનો કન્સેપ્ટ જ એવો હતો કે આવું કોઈ કોમ્યુન હોવું જોઈએ કે જ્યાં આવા મિત્રો હળીમળીને રહે અને આવા વિચારોને મૂર્તિમંત કરવાનું કામ સાથે મળીને કરે. એમાં સર્વ જીવ પ્રત્યે આદર હોય, પ્રકૃતિને ખોળે જીવન હોય અને એક સમગ્ર જીવનશૈલી જેમાં વિકસિત થતી હોય. એ જીવનશૈલી પ્રદૂષણમુક્ત હોય, એમાં શોષણને સ્થાન ન હોય. વ્યવસાય પણ પોતે જે કરતાં હોય એ કરે પણ તેમાં લોભ ન હોય એટલે કે બીજાના ભોગે પોતે વધારે મેળવી લેવું અથવા તો વધારે મેળવી લેવું એવી જીવનની દિશા ન હોય. નિર્વાહ માટે જેટલું જરૂરી હોય તેટલું કમાવું પણ એ કમાવા માટેના વ્યવસાયો એવા નિર્દોષ હોય કે જે સમાજને પોષક હોય. એટલે આખી એક અલગ જ જીવનશૈલી હોય કે જેમાં સાદગી હોય. આવાં ઊંચાં મૂલ્યો અને વિજ્ઞાનનો જ્યાં સમન્વય થયો હોય તેવી રીતે જીવન જીવવાની કોશિશ કરવી અથવા તો એ રીતે વિક્સાવવાની કોશિશ કરવી. જો એમ થાય તો એમાં આ બધી વસ્તુઓ આપોઆપ આવી જાય એટલે કે સેવા અને સાધના આવી જાય.

કુન્દનિકાબહેનનો આ લેખ હિન્દીમાં પણ પ્રકાશિત થયો. એના પ્રતિભાવમાં ભવાની પ્રસાદ મિશ્રજી કે જે હિન્દીના બહુ મોટા કવિ હતા એમનો પ્રતિભાવ સૌથી પહેલા આવ્યો. હા, એમના પુત્રે એમને વાંચી સંભળાવ્યો હતો. જે વાંચીને એમનો સુંદર પત્ર આવ્યો હતો. જો કે પછી તો એ મધ્ય પ્રદેશ જતા રહ્યા અને ત્યાં તેમનું અવસાન થયું.

ગુજરાતમાંથી પણ ઘણા સાહિત્યકારો અને લેખકોના પ્રતિભાવોના પત્રો આવ્યા હતા.

આવા સરસ પ્રતિભાવો આવ્યા એટલે પછી એમણે જમીનની શોધ આદરી.

રૂપિયા-પૈસા માટે તો જે સાવ નજીકના મિત્રો હતા તેમની મદદ લીધી. એમાંથી દસ પંદર જણે પાંચસો પાંચસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપી દીધાં એટલે જમીનની શોધે ગતિ પકડી. કાંતિભાઈ કાલાણી, પદ્માબહેન વિઠ્ઠલાણી, કવિ અનિલ જોશી, પછી કાંતાબહેન, મધુસૂદનભાઈ ઠક્કર, ભક્તજ્યોતિ કોઠારી, જગદીશભાઇ મહેતા અને મીનળબહેન મહેતા, બાબુભાઇ રાઠોડ, (કદાચ કોઇ નામ બોલતાં એ ચૂકી ગયાં હોય એમ પણ બને) એ બધાંએ પાંચસોથી પંદરસો રૂપિયા પ્રાથમિક તબક્કે આપ્યા.

પછી જમીનની વધારે સઘન શોધ, પત્રવ્યવહાર, ટ્રસ્ટડીડનું રજિસ્ટ્રેશન અને એ બધું ચાલ્યું. જમીન માટે તો એ લોકો છેક પાલીતાણાના શેત્રુંજ્ય સુધી પણ જઈ આવ્યાં. પહેલાં તો એમના મનમાં એમ હતું કે આમ ગુજરાતમાં રહેવું પણ મુંબઈની નજીક રહેવું. અને અને મુંબઈમાં વધુ મિત્રવર્તુળ, સંપર્કો હતા. એ રીતે નજીકની જમીન શોધવાનું સહેલું પડ્યું. એટલે ઉંમરગામથી શરૂઆત કરી હતી જમીનની. એ માટે બધા મિત્રોથી માંડીને દલાલોને પૂછતાં પણ હતાં. જાહેરખબરો પણ આપી હતી. એ વખતે તો એમને છથી આઠ દસ એકર જમીનની જ જરૂર હતી. એમાં આ વર્તમાન નંદિગ્રામ જ્યાં ઊભું છે તે ખાલી જમીનની ખબર પડી. દમણગંગાની આ જમીન આમ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થળાંતરિત થયેલા લોકોને વસાવવા માટે ફાળવી હતી. પણ કંઇ ઉપયોગ થયો નહોતો અને ફાજલ જ પડી રહેલી. આમ તો એમાં થોડા સ્થળાંતરિત લોકોને વસાવ્યા હતા પણ સંજોગો એવા થયા કે પછી વસાવવાના રહ્યા નહીં. મકાન પણ પડી રહ્યું હતું. જમીન પહેલાં ૩૩ એકર હતી પણ ગામ લોકોને જવા-આવવાનો રસ્તો કરવાનો હતો એટલે પછી એમાંથી ૪ એકર પાછી આપી દેવાની થઇ. ત્રણ વર્ષના પત્રવ્યવહાર પછી એમને આ જમીન સડસઠ હજારના ભાવે મળી. એ વખતે જમીન ખૂબ જ ખરાબ હતી અને આટલાં વર્ષોની મહેનત પછી હજી પણ ઊગતું નહોતું. સૌથી પહેલો કબજો એમને ૧૯૮૪માં મળ્યો. ત્યાર પછી ચોમાસું બેઠું એટલે એમાં વાવેતર પણ શરૂ કર્યું. પણ તે પહેલાં કૂવાનાં પાણીની પણ વ્યવસ્થા કરી. શરૂઆતમાં વાંસના ૨,૦૦૦ વૃક્ષો વાવ્યાં. ત્યાં તો આજુબાજુનાં ગામડાંઓવાળાનો વિરોધ ઊભો થયો અને ચણભણ પણ શરૂ કરી કે આ લોકો મુંબઈથી અહીં શું કરવા આવ્યા છે? શો છૂપો સ્વાર્થ છે એમનો ? એ વિષે અનેક અનુમાનો લોકોમાં ચાલ્યાં. એટલે કશા દેખીતા કારણ વગર જ એક જાતના બેઝિક વિરોધના પ્રદર્શનરૂપે એ લોકોએ એવાં વાવેલાં ઝાડવાં ઉખાડી નાંખ્યા, થોરની વાડ કરી હતી એ તોડી નાંખી, રોપા લઈ ગયા, કુન્દનિકાબહેનની એક છાપરી હતી એ પણ તોડી નખાઇ. લાકડાં એકઠાં કર્યા હતા તે પણ ઉપાડી ગયા. આ બધા અનુભવે બધાંને એવો વિચાર આવ્યો ફેન્સિંગ કરાવી લેવી જોઈએ. પણ આટલી મોટી વિશાળ જગ્યા ફરતી ફેન્સિંગ કરવા માટે લગભગ પચાસ હજાર જેવી રકમ જોઈએ. એટલા બધા રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા તો થાય તેમ ન હતી અને અહીંયા તો ઊભું રહેવાય એમ પણ ન હતું. આ લોકો ઝાડ નીચે ઊભા રહેતાં હતાં. કંઈક ખાવું-પીવું હોય તો ઝાડ નીચે લઈ આવતાં અને ઝાડ નીચે બેસીને ખાતાં. અહીં તો કઈં જ ન હતું. મકાનમાં મોટાં મોટાં બાકોરાં અને મોટી મોટી તિરાડો હતી. બાવળનાં ઝુંડ હતાં.

પણ પછી થોડી વધુ રકમ એકઠી થઇ. ૧૯૮૪ના ઑક્ટોબરમાં કુન્દનિકાબહેન અને બીજાં સહવાસીઓએ મકાન બાંધવાની શરૂઆત કરી. પણ કામ કરનારા માણસો એટલા બધાં આળસુ અને કામચોર કે માત્ર એક રૂમ અને એક ઓસરી બાંધવામાં એ લોકોએ એક આખું વર્ષ કાઢી નાખ્યું. ને એમ છેવટ ઑક્ટોબર ૧૯૮૫માં આ મકાન તૈયાર કરાયું. એ દરમિયાન જૂનું મકાન તોડી પડાયું. એ પછી ૧૯૮૬-૮૭માં બીજાં મકાનો તૈયાર થયાં. જરા પગ મૂકી શકીએ તો સારું લાગે એવી વ્યવસ્થા તો છેક ૧૯૮૬માં થઈ. એ પહેલાં તો અહીયાં માત્ર પગારદાર માણસો જ કામ કરતાં હતાં. એ વર્ષની ઑક્ટોબરની ૬ તારીખે થોડા મિત્રો સાથે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો. એ પછી ૧૯૮૭માં તો કુન્દનિકાબહેન અને સહવાસીઓ જેવાં કે બાબુભાઇ રાઠોડ, જગદીશભાઇ અને મીનાક્ષીબહેન મહેતા, કાંતાબહેન મહેતા અને બીજાં બે-ત્રણ મિત્રો કાયમી ધોરણે અહીં રહેવા આવી ગયાં અથવા પ્રસંગોપાત રહેતાં થયાં પણ ખરી. મુશ્કેલી એમને વીજળીની પડી, જે એમને અહીં રહેવા આવ્યા પછી છેક છ-આઠ મહિને મળી. પાણી માટે પહેલા બોરિંગમાં તો પાણી આવ્યું જ નહીં, બીજું બોરિંગ કર્યું ત્યારે પાણી આવ્યું. પણ ત્યાં તો એ ગામવાળાઓએ ફરી વંટોળની જેમ સુસવાટાભેર ધસી આવીને સંસ્થાનાં તમામ વૃક્ષો ઉખેડી નાખ્યાં અને બીજી અનેક તોડફોડ પણ કરી. પણ કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને સાથીઓએ હાર ન માની, ફરી મકાનોમાં બાંધવાનું શરૂ કર્યું, પણ એમાં પણ એમને બહુ જ આપદા પડી. કોન્ટ્રાક્ટર કોઈ દિવસ પૂરું કામ કરે નહીં. ગમે તેવો હલકો સામાન અને સામગ્રી બાંધકામમાં વાપરે. મજૂરો પણ આવે જ નહીં. અહીંના કામ કરનારા લોકોની એક ખાસ ખાસિયત જોવામાં આવી કે વાયદા આપીને પાળે નહીં. દિવસો સુધી એમની રાહ જોવી પડે. કુન્દનિકાબહેન અને ક્યારેક તો મકરંદભાઇ તો થોડો સમય વલસાડમાં રહ્યા. મિત્રો મુંબઈથી ક્યારેક ટ્રેનમાં આવતાં ક્યારેક બસમાં પણ આવતાં. સ્થાનિક અવરજવર રીક્ષામાં કરતાં. રહેવામાં પણ બહુ અગવડ ભોગવવી પડતી, ક્યારેક એ બધા પાંચ-છ જણ અહીં એક જ ઓરડામાં રહેતા અને એક ગોડાઉન જેવું હતું એમાં જમવાનું બનાવતાં. એક છાપરી હતી એમાં બધાં સાથે બેસીને જમતાં. ક્યારેક ઉપર ખપેડામાંથી વીંછી નીચે પડે. સાપ તો પહેલાં ઓસરીમાં ખુરશી પડી હોય તો આવીને બેઠા જ હોય. ઘણીવાર પગથિયાં પર બેઠા હોય. જીવડાંનો પાર નહીં, મચ્છરનો પાર નહીં. ૧૯૮૭થી અહીં વસવાટ શરૂ કર્યો હતો. એ પહેલાં મુંબઇથી આવ-જા કરતાં હતાં. ૧૯૮૭માં એકધારું લગભગ છ સાત મહિના રહ્યાં હતાં. જો કે મકરંદભાઈ તો કાયમી નિવાસ કરવાને બદલે મુંબઇથી અથવા વલસાડથી આવ-જા કરતા રહેતા હતા. 

નંદિગ્રામ નામ કેમ રાખ્યું ? જવાબ બહુ રસપ્રદ છે. કુન્દનિકાબહેન, મકરંદભાઇ અને કવિ અનિલ જોશી અમદાવાદના ઘરના કમ્પાઉન્ડમાં એકવાર બેઠાં હતાં અને વિચારતાં હતાં કે શું નામ પાડીશું આ સંસ્થાનું ? એકાએક ત્રણમાંથી કોઇ એકના મનમાં ‘નંદિગ્રામ’ નામ ઝબક્યું. પછી એના ઉપર સાગમટે વિચારવિમર્શ કરતાં ગયાં તેમ એ નામનાં ઘણા બધાં સૂચિતાર્થો મળતા ગયા. એક તો એ કે નંદિગ્રામ એ જગ્યા છે કે જ્યાં રહીને ભરતે રામના વનવાસ દરમિયાન રાજ કર્યું હતું. એટલે એવો અર્થ મનમાં ઊગ્યો કે જેમ ભરતે રામ વતી રાજ કર્યું. તો આ કામ આપણે આપણાં સ્વાર્થ માટે નહીં પણ બીજાં માટે આદર્યું છે. ભરતે રામની પાદુકા ગાદી પર મૂકીને રાજ-કાજ અને પ્રજાહિતનાં કામ કર્યાં જેથી એને સતત એવો અહેસાસ દૃઢ થાય કે એ કોઈના વતી રાજ કરે છે. બાકી તેણે નથી ગામડાંમાં રાજ કર્યું, નથી કર્યું શહેરમાં. એણે તો રાજકાજ ચલાવતા રહીને પણ નંદિગ્રામમાં સતત રામની જ રાહ જોઈ. એ રીતે આપણે પણ અહીં કામ કરતાં કરતાં ‘રામ’ની જ રાહ જોવાની છે. બીજું એક સબળ કારણ એ વિચારણા હતી કે રાજ્યશક્તિ કે સંઘશક્તિ એ ગામડામાં કેન્દ્રિત થવી જોઈએ, નહીં કે શહેરમાં. ગામડાની પ્રતીતિ તો આપણને નંદિગ્રામમાં જ થાય. જેને પોતાની જાતને આધ્યાત્મને માર્ગે વાળવી હોય તો તેના મનમાં કે વર્તનમાં કોઇ પણ પ્રકારના કામના ઊંચાનીચાપણાનો ભેદ ન હોવો જોઈએ, એ આ નંદિગ્રામમાં જ બની શકે. જો ગ્રામ સમાજ માટે કઈં કલ્યાણકારી કરવાની વૃત્તિ હોય, એના સમાજજીવનના તંદુરસ્ત પોષણ માટે માટે કઈંક કરી છૂટવાની ભાવના હોય, અને સામૂહિક જીવન જીવતાં જીવતાં બીજા માટે થોડુંઘણું જતું કરવાની ભાવના હોય તે જ નંદિગ્રામનો નિવાસી હોય. પરસ્પર પરત્વે સહિષ્ણુતાની વૃત્તિ હોય તો જ એક નંદિગ્રામ એક કોમ્યુન બની રહે, નહિં તો સામાન્ય ચીલાચાલુ સંસ્થા. અહીં ઈન્ડસ્ટ્રિયઅલ વાતાવરણ નથી. વિજ્ઞાન છે પણ એ આધ્યાત્મને માર્ગે આગળ વધે છે. પ્રકૃતિ સાથે એ દિશામાં હોલિસ્ટિક માર્ગે આગળ વધવાના પ્રયોગો નંદિગ્રામમાં થાય છે.

(લેખકના Zen Opus પ્રકાશનગૃહ દ્વારા પ્રકાશિત થનારા અને ૩૭ જેટલાં શબ્દસાધકોના જીવનચિત્રો અને સંસ્મરણોના પુસ્તક ‘શબ્દનાં સગાં’માંના એક પ્રલંબ લેખનો એક અંશ)

બી-૩, જી.એફ. ૧૧, આકાંક્ષા ફ્લેટ્‌સ, ઇસનપુર રોડ, અમદાવાદ – 380 050

e.mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 09 – 11

Loading

18 February 2022 admin
← ભારતીય માર્ગો પર બુલંદી લાવનાર રાહુલ બજાજ
ચલ મન મુંબઈ નગરી—133 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved