(મનહર)
કહે છે કે સાઓ પોલો નગરની ચૂંટણીમાં,
કાકારેકુ નામનો ઉમેદવાર ઊભેલો,
એક લાખ મતથી હરાવી દઇ હરીફોને,
જીતેલો ને તે ય વળી ભારેખમ જીતેલો!
પરિણામ જાણી પ્રજા આવી ગઈ ગેલમાં ને
ઘેર ઘેર પહોંચી ગયું પડીકું પેંડાનું,
એક વાત કહેવામાં થાય છે સંકોચ પણ
કહી દઉં? કાકારેકુ નામ હતું ગેંડાનું!
મતદારોને પૂછ્યું કે નગરનાં મોટાં માથાં,
સાવ આવા વનેચર સામે કેમ હારે છે?
તેઓ બોલ્યાઃ આ બિચારો ખાવાનો સાઠ રતલ,
બીજા ઉમેદવારોની ખાયકી વધારે છે!
૧૯૫૯માં બ્રાઝિલના સાઓ પોલોની ચૂંટણીમાં વાજ આવી ગયેલા લોકોએ ગેંડાને ઉમેદવાર તરીકે ઊભો રાખ્યો હતો. નોટાનો આ કદાચ પહેલો પ્રયોગ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 08