પડી-આખડીને અરીસો બતાવ્યો,
ચીલો ચાતરીને અરીસો બતાવ્યો.
અરીસો અસલ રૂપ દેખાડે તેથી,
ધૂણી ધાખવીને અરીસો બતાવ્યો.
કવિતાથી કોમળ વધુ કંઈ હતું નહિ,
કવિતા લખીને અરીસો બતાવ્યો.
બરાડા ન પાડ્યા, ન ઝંડા ઉપાડ્યા,
ઝીણું ગણગણીને અરીસો બતાવ્યો.
ખમી લે હજારો કટારી, બીજું શું?
મૂરખ, મેદનીને અરીસો બતાવ્યો!
ચકી સાવ નાની અને ઝાડ મોટું,
અદબ જાળવીને અરીસો બતાવ્યો.
હવે તો સજા ભોગવ્યે છૂટકો છે,
ખતા છે ધણીને અરીસો બતાવ્યો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 14