અફઘાનિસ્તાનમાં હિન્દી સિનેમાના દર્શકો ઘણા છે. ૧૯૯૦ના દાયકા સુધી બોલીવૂડ માટે અફઘાનિસ્તાન એક મોટું માર્કેટ હતું. ત્યાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે પણ કાબુલ અને મજારે-શરીફનાં થિયેટરોમાં હિન્દી ફિલ્મો હાઉસફુલ જતી હતી. 'ઇન સર્ચ ઓફ ન્યુ અફઘાનિસ્તાન' નામના પુસ્તકમાં લેખક સુરજીત સરકાર લખે છે કે, "ત્યાંના પ્રદેશોમાં માથાકૂટો વચ્ચે પણ બોલીવૂડનો પ્રભાવ પૂરા અફઘાનિસ્તાન પર સાફ દેખાય છે. ભારતીય ઉપમહાદ્વીપ સાથે ઘેરો સાંસ્કૃતિક સંબંધ હોવાના કારણે બોલીવૂડ ફિલ્મો ત્યાં ઘણી લોકપ્રિય છે."
એ જ કારણ છે કે હિન્દી સિનેમાના સર્જકો અવારનવાર અફઘાનિસ્તાનને તેમની ફિલ્મોનો વિષય પણ બનાવતા રહ્યા છે. એમાં ફિરોઝખાનની 'ધર્માત્મા' (૧૯૭૫), અમિતાભ બચ્ચનની 'ખુદા ગવાહ' (૧૯૯૨), ફિરોઝખાનની જ 'જાનશીન' (૨૦૦૩), કબીર ખાનની 'કાબુલ એકપ્રેસ' (૨૦૦૬), સૈફ અલી ખાનની 'એજન્ટ વિનોદ' (૨૦૧૨) અને સંજય દત્તની 'તોડબાઝ'(૨૦૨૦)માં અફઘાનિસ્તાનની પૃષ્ઠભૂમિ હતી.
આઝાદ ભારતના લોકોને અફઘાનિસ્તાનનો પહેલો પરિચય થયો 'કાબુલીવાલા'થી. ૧૯૫૭માં એ નામથી તપન સિંહાએ બંગાળીમાં ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ એટલી લોકપ્રિય થઇ કે બંગાળી ડિરેક્ટર હેમેન ગુપ્તાએ બલરાજ સહાનીને લઈને હિન્દીમાં 'કાબુલીવાલા' બનાવી હતી.
અફઘાનીસ્તાનના પઠાણ લોકો અત્યંત વિશ્વાસપાત્ર અને દયાળુ હોય છે તેવી ભારતના લોકોમાં જે છાપ છે, તે ઊભી કરવાનું શ્રેય જાય છે 'કાબુલીવાલા'ને. પ્રકાશ મહેરાએ 'ઝંઝીર' ફિલ્મમાં આવી છાપ પરથી જ શેરખાન(પ્રાણ)નું પાત્ર ઊભું કર્યું હતું, જે બહાદુર પણ છે અને વફાદાર પણ છે.
આ હેમેન ગુપ્તા કલકત્તામાં અંગ્રેજો સામે વિદ્રોહ કરવા બદલ જેલમાં પુરાયા હતા અને જેલમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો હતો. જેલમાંથી છૂટીને તે સુભાષ ચંદ્ર બોઝના અંગત સચિવ બન્યા હતા. ૧૯૩૯માં તે કલકત્તાના ન્યુ થિયેટર ફિલ્મ સ્ટુડીઓમાં હેલ્પર તરીકે જોડાયા હતા. ૧૯૪૩માં તેમણે ‘દ્વંદ્વ’નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. બંગાળમાં તેમણે મોટા ભાગની ફિલ્મો આઝાદીની ચળવળ પર બનાવી હતી.
મુંબઈમાં આવ્યા પછી, ૧૯૫૨માં તેમણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી પૃથ્વીરાજ કપૂર અને ગીતા બાલીને લઈને 'આનંદમઠ' નામની યાદગાર ફિલ્મ બનાવી હતી. એ તેમની પહેલી હિન્દી ફિલ્મ. બંકિમચંદ્રએ જ લખેલું અને પૂરા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પ્રેરણાદાયી રહેલું 'વંદે માતરમ' ગીત 'આનંદમઠ'માં ગીતા રોયે ગાયું હતું. ૧૯૬૬માં તેમની છેલ્લી ફિલ્મ સુભાષ ચંદ્ર બોઝ પર હતી.
કહે છે કે દરેક ફિલ્મ સર્જક તેની કારકિર્દીમાં એક ફિલ્મ એવી બનાવે છે, જે તેને સિનેમાના ઇતિહાસમાં અમર બનાવી દે છે. હેમેન ગુપ્તાની કારકિર્દીમાં ‘કાબુલીવાલા’ એ સીમાચિહ્ન હતું. કરુણાનું જો કોઈ નામ પાડવામાં આવે તો તેને ‘કાબુલીવાલા’ કહેવામાં આવે. કાબુલથી એક પઠાણ સૂકો મેવો વેચવા માટે કલકત્તા આવે અને વતનમાં તેની રાહ જોતી દીકરીના વિરહમાં બંગાળી પરિવારની પાંચ વર્ષની મિની સાથે સ્નેહના તાંતણે બંધાઈ જાય તે કહાની એટલી સાદી પણ મર્મસ્પર્શી હતી કે બંગાળી-હિન્દી સિનેમાના બે દિગ્ગજ સર્જકોને તેના પરથી યાદગાર ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હતી.
‘કાબુલીવાલા, કાબુલીવાલા, તુમ્હારી થૈલી મેં ક્યા હૈ?’ મિનીના એ શબ્દો કાયમ માટે એ લોકોની સ્મૃતિમાં જડાયેલા છે જેમણે રવીન્દ્રનાથ ટાગોરની આ વાર્તા વાંચી હશે. ટાગોરે ૧૮૮૨માં, તેમના બંગાળી મેગેઝીન ‘સાધના’ માટે આ વાર્તા લખી હતી. એક જમાનામાં આ વાર્તા ભારતની મોટા ભાગની સ્કૂલોના અભ્યાસક્રમમાં હતી. વાર્તા કૈંક આવી હતી :
રહમત નામનો પઠાણ પૈસા કમાવા માટે તેની મા વગરની દીકરી અમીનાને દાદી પાસે મૂકીને ભારત આવે છે. અમીના તેને જવા દેતી નથી, પણ પઠાણ બળજબરીથી નીકળી જાય છે અને યાદગીરી રૂપે અખબારના પાના પર દીકરીના હાથની છાપ સાથે લઇ જાય છે. કલકત્તામાં એ ઘેર-ઘેરફરીને સૂકો માવો વેચે છે, પણ તેનો દેખાવ એવો છે લોકો ‘બાવો તને પકડી જશે’ કહીને તેમનાં સંતાનોને તેનાથી બીવડાવે છે.
જો કે એક સ્થાનિક લેખકની દીકરી મિનીને ‘બાબા’ની બીક નથી લાગતી અને તે પઠાણ સાથે દોસ્તી કરે છે. મિનીને બહુ બોલવા જોઈએ છીએ અને પઠાણ પ્રેમથી તેની બકબક સાંભળે છે. પઠાણ તેને સૂકો માવો આપે છે, તેની તૂટેલી ઢીંગલી સાંધી આપે છે અને તેને અવનવી વાર્તાઓ કહે છે. ધંધો કર્યા પછી પઠાણ પાછા વતન જવાની તૈયારી કરે છે અને તેની પાસેથી કબુલની શાલ ખરીદનાર પાસેથી ઉધારીના પૈસા લેવા જાય છે. પેલો પૈસા આપવાને બદલે પઠાણ અને તેના પરિવારને ગાળાગાળી કરે છે. ગુસ્સે અને અપમાનિત થયેલા પઠાણથી અકસ્માતે તેનું ખૂન થઇ જાય છે.
પોલીસ પઠાણને પકડી લે છે. કોર્ટમાં સરકારી વકીલ પઠાણને ખોટું બોલવાની સલાહ આપે છે, પણ પઠાણ જજ સામે જે થયું હતું તે કહી દે છે. તેની ઈમાનદારીથી ખુશ થઈને જજ તેને ફાંસીને બદલે ૧૦ વર્ષની કેદની સજા કરે છે. પઠાણ તેની દીકરી અમીના અને મિનીની યાદમાં કેદ ભોગવે છે. જેલમાંથી નીકળીને તે મિનીને મળવા જાય છે, પણ મિની હવે મોટી થઇ ગઈ છે, અને પઠાણને ભૂલી ગઈ છે. પઠાણને આઘાત લાગી જાય છે, ખાસ તો એવી બીકથી કે તેની દીકરી અમીના પણ તેને ભૂલી નહીં ગઈ હોય ને?
પઠાણને હવે જલદીથી વતન જવું છે, પણ તેની પાસે પૈસા નથી. જો કે મિનીનો પિતા તેને મદદ કરે છે અને અંતે પઠાણ અમીનાને મળવા માટે અફઘાનિસ્તાન જવા રવાના થાય છે. ટાગોરની વાર્તા મિનીના પિતાના મોઢે હતી, અને તેનું પહેલું વાક્ય હતું, “મારી પાંચ વરસની છોકરી મિનીને ઘડીભર બોલ્યા વગર રહેવાતું નથી.” વાર્તાના અંતે છેલ્લું વાક્ય હતું, “મેં થોડાક રૂપિયા કાઢીને તેના હાથમાં મુક્યા અને કહ્યું – રહમત! તું તારી દીકરી પાસે દેશ જતો રહે.”
એક સદી પહેલાં લખાયેલી આ વાર્તા એટલી લોકપ્રિય હતી કે તેના પરથી હિન્દી ફિલ્મ ન બને તો જ નવાઈ હતી, અને બિમલ રોયે હેમેન ગુપ્તાના નિર્દેશનમાં ‘કાબુલીવાલા’ને પડદા પર ઉતારી હતી. તેમાં બલરાજ સહાનીએ પઠાણની, બેબી સોનુએ મિનીની, સજ્જન કુમારે (તેની આ છેલ્લી ફિલ્મ) મિનીના પિતાની, ઉષા કિરણે મિનીની માતાની અને બેબી ફરીદાએ પઠાણની દીકરી અમીનાની ભૂમિકા કરી હતી. વાર્તા સજ્જન(ફિલ્મમાં તેનું એ જ નામ છે)ના મોઢે હતી. પોતે લેખક છે. ઘણા લોકો માને છે કે રવીન્દ્રનાથ ટાગોરે પોતાના પરથી જ સજ્જનના પાત્રની કલ્પના કરી હતી.
ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં હતી અને ટેકનિકલી એટલી શુદ્ધ ન હતી, પરંતુ બલરાજ સહાનીના શાનદાર અભિનયથી તે યાદગાર બની ગઈ હતી. બલરાજ સહાની અસલી જીવનમાં તેમના માનવતાવાદી અભિગમ માટે જાણીતા હતા અને તેમની ફિલ્મો પણ એ જ ભાવનાની પ્રતિબિંબિત કરતી હતી. આપણે અગાઉ જેની વાત કરી હતી તે ‘ગરમ હવા’ અને ‘કાબુલીવાલા’ બલરાજ સહાનીની કારકિર્દીની બે મહત્ત્વની ફિલ્મો છે.
બીજું, ‘કાબુલીવાલા’નાં બે ગીતો અત્યંત હૃદયસ્પર્શી અને યાદગાર સાબિત થયાં હતાં : ‘અયે મેરે પ્યારે વતન તુજ પે કુરબાન’ અને ‘ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં સે’ આજે પણ સિનેમા પ્રેમીઓની જુબાન પર છે. ગીતકાર-નિર્દેશક ગુલઝારની ગીતકાર તરીકેની કારકિર્દી ‘ગંગા આયે કહાં સે’ ગીતથી થયી હતી. એ વખતે જ તેમણે બિમલ રોયના સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ગુલઝાર ૧૦ વર્ષના હતા ત્યારે તેમણે ટાગોરની કવિતા ‘ધ ગાર્ડનર’નો ઉર્દૂ અનુવાદ વાંચ્યો હતો અને ટાગોરના એવા પ્રેમમાં પડી ગયા કે મોટા થતાં સુધીમાં તો ટાગોરનું બધું સર્જન વાંચી નાખ્યું હતું અને તેમની કવિતાઓનો અનુવાદ કર્યો હતો.
મજાની વાત એ છે કે ૨૦૧૭માં, ડેની ડેન્ઝોગ્પાને લઈને દેવ મેઢેકરે ‘કાબુલીવાલા’ની રિમેક ‘બાયોસ્કોપવાલા’ તરીકે કરી ત્યારે તેનાં ગીતો ગુલઝારે જ લખ્યાં હતાં. ફિલ્મના લેખક અને નિર્માતા સુનીલ દોશીએ ત્યારે કહ્યું હતું કે, “ગુલઝાર સાબ ટાગોરના ચાહક છે. ૧૫ વર્ષ પહેલાં તેમણે મને કહ્યું હતું માત્ર ટાગોર જ બાળકો અને પરિવારો માટે ઉત્તમ વાર્તાઓ લખી શકે છે.”
‘બાયોસ્કોપવાલા’માં વાર્તા થોડીક બદલવામાં આવી હતી. તેમાં કાબુલનો પઠાણ રેહમત ખાન બાયોસ્કોપમાં બાળકોને સિનેમા બતાવવાનું કામ કરે છે. તેમાં એ તેની દીકરીની ઉંમરની છોકરી મિનીના પરિચયમાં આવે છે. એક દિવસ અચાનક મિની તેની જિંદગીમાંથી ગાયબ થઇ જાય છે. વર્ષો પછી મિની (ગીતાંજલિ થાપા) જ્યારે ફ્રાંસમાં ડોકયુમેન્ટરી ફિલ્મ મેકરનું કામ કરતી હોય છે ત્યારે તેને ખબર પડે છે કે બાળપણમાં તેના પિતાનું અફઘાનિસ્તાનમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ હતું. મિની તેનાં કારણોની તપાસ કરવા અફઘાનિસ્તાન જાય છે અને બાયોસ્કોપવાલાને મળે છે, જે તેને બાળપણમાં વાર્તાઓ કહેતો હતો.
શરૂઆતમાં, ‘બાયોસ્કોપવાલા’માં ડેનીના જ દોસ્ત અમિતાભ બચ્ચનને લેવાની યોજના હતી, પણ કોઈ કારણસર બચ્ચન ન કરી શક્યા એટલે ડેનીએ રેહમતની ભૂમિકા કરી હતી. અગાઉ, ૧૯૯૨માં ‘ખુદા ગવાહ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને સ્વાભિમાની બાદશાહ ખાન અને ડેનીએ વફાદાર દોસ્ત ખુદા બક્ષની ભૂમિકા કરી હતી. અફઘાનિસ્તાનની પૃષ્ઠભૂમિ પરની એ પણ એક અગત્યની ફિલ્મ હતી. તેની વાત ફરી ક્યારેક.
તાલિબાનોની વિજયકૂચથી અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની ૨૦૧૫માં નવી દિલ્હીની મુલકાતે આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, “મારે રવીન્દ્રનાથ ટાગોરનો આભાર માનવો છે. ‘કાબુલીવાલા’એ અમને એક એવી બ્રાન્ડ આપી છે જે લાખો રૂપિયા ખર્ચો તો ય ન મળે. હું તો ટાગોરને વાંચીને જ મોટો થયો છું.”
પ્રગટ : ‘બ્લોક બસ્ટર”, નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 ઑગસ્ટ 2021