Opinion Magazine
Number of visits: 9448977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અને આમ દેશ બન્યો આઝાદ

રમેશ ઓઝા|Opinion - Opinion|17 August 2021

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતને આઝાદી મળી હતી. દિલ્હીના લાલકિલ્લા પર યુનિયન જેક ફરકતો હતો તેને ઊતારીને તેની જગ્યાએ ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. ભારતના ગવર્નર જનરલ અને વાઈસરોય તરીકે ઓળખાતા બ્રિટિશ સામ્રાજ્યના સર્વેસર્વા હાકેમ લોર્ડ માઉન્ટબેટન સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ તરીકે કાયમ રહ્યા હતા, પરંતુ તેમણે હવે બ્રિટિશ સરકારની સલાહને અનુસરવાની જગ્યાએ ભારત સરકારની સલાહને અનુસરવાનું હતું. આપણે એ ઘટનાને આઝાદી કહીએ છીએ, પરંતુ વાસ્તવમાં એ ઘટના તો સ્થૂળ સત્તાન્તરણની હતી.

આઝાદી તેના ખરા અર્થમાં એક સંકલ્પના છે, એક મનસા છે, એક પ્રેરણા છે અને પ્રક્રિયા છે. આઝાદી એક એવી પ્રક્રિયા છે જે સ્થૂળ રાજકીય આઝાદી મેળવ્યા પછી પણ પૂરી નથી થતી. આઝાદી મેળવ્યા પછી પણ પ્રજાએ આઝાદ થવાનું બાકી હોય એવું અનેક દેશોમાં બન્યું છે. ભારતમાં પણ દલિતો અને સ્ત્રીઓ આવી ફરિયાદ કરે છે તો એ ખોટી નથી. આઝાદ થયેલી પ્રજાએ તે રાજકીય રીતે આઝાદ હોવા છતાં વ્યક્તિગત આઝાદી ગુમાવી હોય એવા દાખલા પણ મળે છે. ભારતમાં પણ આવું બન્યું છે અને બની રહ્યું છે. માટે મહાત્મા ગાંધી ‘આઝાદી’ અને ‘સ્વતંત્રતા’ની જગ્યાએ ‘સ્વરાજ’ શબ્દ વાપરવાનું પસંદ કરતા હતા. ‘સ્વ-રાજ’. આપણા ઉપર આપણું રાજ એ સ્વરાજ. સ્વ-રાજની અર્થચ્છાયાઓ માત્ર રાજકીય નથી, એની આગળ આધ્યાત્મના પ્રદેશ સુધી જાય છે. આપણા પોતાના, આપણા દેશના, અને આપણે પોતે ચૂંટેલા હાકેમોનું પણ આપણી મરજી વિરુદ્ધ રાજ નહીં ચલાવી લેવાય એ ખરી આઝાદી અર્થાત્ સ્વરાજ. સ્વરાજ એક એવો શબ્દ છે જેની આગળ ‘ખરા અર્થમાં’ એવું વિશેષણ વાપરવાની જરૂર નથી પડતી.

બીજી બાજુ ભારતની પ્રજાને હજુ આઝાદી નહોતી મળી અને આઝાદી ક્યારે ય મળશે કે કેમ તેની કોઈ ખાતરી પણ નહોતી ત્યારે પણ લોકો આઝાદીની કે સ્વ-રાજની મનસા સેવતા થયા હતા. આમ સ્વરાજ માટેની રાજકીય ચળવળ શરૂ થઈ એ પહેલાં ભારતીય માનસમાં ગુલામીનો અહેસાસ અને આઝાદીની એષણા જાગી હતી. અહેસાસ-એષણા અને ઈલાજની ક્રિયા-પ્રતિક્રિયા પણ એક ચળવળ હતી. 

અહીં એવાં બાર પરિબળોની વાત કરવી છે જે આખરે આપણને સ્વરાજ તરફ દોરી ગયા. આ દસ પરિબળો ઘટનાના સ્વરૂપમાં ઓછાં છે, પ્રક્રિયાના સ્વરૂપમાં વધારે છે. 

૧. વ્હાઈટ મેન્સ બર્ડન :

૧૮૯૯થી ૧૯૦૨નાં વર્ષોમાં અમેરિકા અને ફિલિપિન્સ વચ્ચે યુદ્ધ થયું ત્યારે ૧૮૬૫ની સાલમાં મુંબઈમાં જન્મેલા અને કેટલોક સમય મુંબઈમાં રહેલા પ્રસિદ્ધ બ્રિટિશ સાહિત્યકાર રુડિયાર કિપલિંગે ‘ધ વ્હાઈટ મેન્સ બર્ડન’ નામનું કાવ્ય લખ્યું હતું. ૧૮૯૪માં ‘ધ જંગલ બુક’ લખીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારા કિપલિંગ શ્વેત પ્રજાની સર્વોપરિતામાં માનતા હતા. તેમની એ કવિતા સાહિત્યકૃતિ તરીકે એટલી મહાન નહોતી, પણ તેણે વ્યાપક ચર્ચા જગાડી હતી. તેમણે એ કવિતામાં કહ્યું હતું કે અસંસ્કારી અશ્વેત પ્રજાને સંસ્કારી બનાવવી એ સંસ્કારી શ્વેત પ્રજાની જવાબદારી છે અને તેનાથી તે બચી શકે નહીં – અર્થાત્ વ્હાઈટ મેન્સ બર્ડન. ઉપકાર કરવાની જવાબદારી.

શ્વેત પ્રજાની અંદર આવી સર્વોપરિતાની માનસિકતા કિપલિંગની કવિતા પછીથી અને તેના પરિણામે પેદા થઈ એવું નથી. આવી માનસિકતા યુરોપિયનોએ સંસ્થાનો કબજે કરવાં માંડ્યા ત્યારથી શરૂ થઈ હતી અને કિપલિંગે તો તેને ઘણે મોડેથી, લગભગ એક સદી પછી વાચા આપી હતી. કેટલાક ગોરા લોકોને એમ લાગતું હતું કે આપણે; આપણી શરતે, આપણી સમજ મુજબ, જે તે પ્રજાની ભૂમિનો કબજો કરીને, જોઈએ તો રાજ્ય ઉપર કબજો કરીને, કમનસીબ અશ્વેત પ્રજાને ધરાર આપણાં જેવી સંસ્કારી બનાવવી જોઈએ. આવી દલીલ કરીને કેટલાક લોકો સામ્રાજ્યવાદ કે સંસ્થાનવાદને ઉચિત ઠેરવતા હતા તો કેટલાક લોકો પ્રામાણિકતાપૂર્વક આમ માનતા હતા. કેટલાક શ્વેત ખ્રિસ્તીઓને એમાં ઇસાનો આદેશ દેખાતો હતો. મોટા ભાગના મિશનરીઓ હિંદુ ધર્મને અવિકસિત પ્રાથમિક સ્વરૂપના ધર્મ તરીકે અને હિંદુઓને જંગલી પ્રજા તરીકે ઓળખાવતા હતા. 

પરિણામ : આ વ્હાઈ મેન્સ બર્ડનના અભિગમને પરિણામે ભારતીય પ્રજાના મનમાં સવાલ થયો હતો કે આપણે કોણ છીએ? શ્વેત પ્રજાએ આપણને સુધારવા પડે એવા આપણે માનવસમાજ માટે બોજ (બર્ડન) છીએ કે આપણામાં પણ કશુક સત્ત્વ છે? એ છે તો શું છે અને તેને કેવી રીતે જગત સમક્ષ મૂકી શકાય? આપણે આપણાપણું કેવી રીતે સિદ્ધ કરવું?

૨. થોમસ બેબીંગ્ટન મેકોલેએ અનુભવેલું બર્ડન અને ૧૮૩૫નો ધ ઇંગ્લિશ એડ્જ્યુકેશન એક્ટ : 

હવે જો શ્વેત પ્રજાએ અ-શ્વેત પ્રજાને તેમના જેવી સંસ્કારી બનાવવી હોય તો દેખીતી રીતે તેને શિક્ષિત કરવી પડે. પહેલો સવાલ એ કે તેમને તેમની ભાષામાં શિક્ષિત કરવા જોઈએ કે આપણી અંગ્રેજી ભાષામાં? એક અભિપ્રાય હતો કે દેશીઓને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. તેમના માટે તેમની પોતાની ભાષા વધારે સુલભ હોવાની અને તે વધારે પામશે. ઝડપથી આપણા જેવા થશે. લોર્ડ મેકોલેએ દલીલ કરી હતી કે તેમની ભાષા એટલી અવિકસિત અને બોલચાલમાં કામ આવે એવી પ્રાથમિક છે કે તેમનું સાહિત્ય, તેમના કુલ સર્જન-વેપારને સમાવવા માટે એક કબાટ પણ મોટો પડે. જ્યારે ભાષાકીય માધ્યમમાં જ દમ નથી ત્યાં તમે તેમની ભાષાઓ દ્વારા સંસ્કાર કેવી રીતે પહોંચાડશો? બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો કે આપણે ભારતીય પ્રજાને વ્હાઈટ મેન્સ બર્ડન સમજીને આપણા જેવી બનાવવી છે તો આખરે કેવી? આપણી સમોવડી? જો ભારતીય પ્રજા શ્વેત-સમોવડી બની જશે તો એક દિવસ આપણે ભારતમાંથી ઉચાળા ભરવા પડશે. લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે જો એવું ખરેખર બનશે તો એ બ્રિટિશ સામ્રાજ્ય માટે ગૌરવનો દિવસ હશે, પણ તેને એમ પણ લાગતું હતું કે નજીકના ભવિષ્યમાં આવું બનવાનું નથી. 

પરિણામ : ભારતીય પ્રજામાં અંગ્રેજો ઈચ્છે છે એ રીતે સજ્જ થવાની, અંગ્રેજ-સમોવડી બનવાની, દોડીને પહેલા થઈ જવાની, સ્વસ્થ ચિત્તે નીરક્ષીર વિવેક કરવાની અને ક્રોધપૂર્વક પશ્ચિમને નકારવાની પ્રતિક્રિયા પેદા થઈ.

૩. ૧૮૫૭નો વિદ્રોહ :

૧૮૫૭ના જૂન મહિનામાં એક અણધારી ઘટના બની. ઉત્તર અને પૂર્વ ભારતમાં અંગ્રેજોની લશ્કરી છાવણીમાં હિંદુ અને મુસ્લિમ સૈનિકોએ વિદ્રોહ કર્યો. એ વિદ્રોહની પાછળ ધાર્મિક માન્યતાઓને લગતાં કારણ હતાં અને તેને આઝાદી સાથે કોઈ લેવાદેવા નહોતી. વિનાયક દામોદર સાવરકરે ૧૯૦૯માં ૧૮૫૭ના વિદ્રોહનો ઇતિહાસ લખ્યો હતો જેમાં તેમણે એ વિદ્રોહને આઝાદીની પહેલી લડાઈ તરીકે ઓળખાવી છે, પણ એ અસત્ય છે. ત્યારે હજુ દેશમાં સવર્ણ બ્રાહ્મણોની અંદર પણ આઝાદી માટેની કોઈ એષણા પેદા થઈ નહોતી ત્યાં સાવ નીચેની રેન્કના, અશિક્ષિત સિપાઈઓ આઝાદી માટે બળવો કરે એ શક્ય જ નહોતું. કૉન્ગ્રેસે છેક ૧૯૨૯માં સંપૂર્ણ આઝાદીની માગણી કરતો ઠરાવ કર્યો હતો ત્યાં તેનાં ૭૨ વરસ પહેલાં ૧૮૫૭ની સાલમાં આઝાદી માટે બળવો પણ નહીં ક્રાંતિ થાય એ શક્ય જ નહોતું. બીજું તેમનો ઈરાદો દેશને આઝાદ કરવાનો હોત તો તેઓ છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરની મદદ માગવા ન ગયા હોત. તેમને તો એ પણ ખબર નહોતી કે બહાદુરશાહ પોતે અંગ્રેજોના વર્ષાસન ઉપર નભે છે અને તેને વધારી આપવાની ગુજારીશ કરે છે. ક્રાંતિકારીઓ નિર્બળની મદદ માગવા જાય? નિર્બળ ઉપર મદાર રાખીને ક્રાંતિ થાય?

આ સિવાય એ વિદ્રોહમાં સંખ્યાના પ્રમાણની દૃષ્ટિએ જોઈએ તો હિંદુઓ કરતાં મુસ્લિમ સૈનિકોએ વધારે ભાગ લીધો હતો. કાં તો તમારે કબૂલ કરવું પડે કે ત્યારે મુસલમાનોમાં હિંદુઓ કરતાં આઝાદીનું ભાન વધુ પ્રબળ હતું અને એમ કહેવું જો અરુચિકર લાગતું હોય તો કહેવું પડે કે મુસલમાનોમાં હિંદુઓ કરતાં ધાર્મિકતા વધુ હતી અને વિદ્રોહનું કારણ અંગ્રેજો દ્વારા કરવામાં આવતી ધાર્મિક અવમાનના હતું. અને છેલ્લે ૧૮૫૭ના વિદ્રોહમાં સામાન્ય પ્રજાએ કોઈ રસ નહોતો લીધો અને પોણા ભાગના હિન્દુસ્તાનમાં વિદ્રોહ થયો પણ નહોતો. આમ ૧૮૫૭ના વિદ્રોહને આઝાદી માટેની પહેલી લડાઈ કે પહેલી ક્રાંતિ કહેવી એ અસત્ય છે.

કેટલીક વાર મનને ભાવે એ રીતે ઇતિહાસ લખવા અને કહેવામાં આવે છે. કાઠિયાવાડના બારવટિયાઓનો ઇતિહાસ આવો મનભાવક ઇતિહાસ છે તો કેટલીક વાર રાજકીય એજન્ડાના ભાગરૂપે ઇતિહાસ લખવામાં આવે છે. સાવરકરનો ૧૮૫૭ના વિદ્રોહનો ઇતિહાસ આ રીતનો છે. પહેલી આવૃત્તિમાં તેમણે મુસલમાનોની આઝાદી માટેની મમતા અને દેશ પ્રેમના ખૂબ ઓવારણાં લીધાં હતાં, પરંતુ પાછળથી તેઓ જ્યારે હિન્દુત્વવાદી બન્યા ત્યારે તેમની સામે ધર્મસંકટ પેદા થયું હતું. મુસલમાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો એ હકીકત નકારી શકાય એમ નથી અને હિન્દુત્વવાદી થયા પછી મુસલમાનોને આઝાદીના મશાલચી તરીકે ઓળખાવવા પણ નથી તો કરવું શું? આના ઉપાયરૂપે તેમણે પછીની આવૃત્તિમાં આઝાદીના મશાલચી તરીકેની મુસ્લિમ-પ્રસંશા કાઢી નાખી હતી.

આની સામે જે વ્યક્તિએ ૧૮૫૭નો વિદ્રોહ સગી આંખે જોયો હતો એ સર સૈયદ અહમદ ખાને વિદ્રોહનું આપણને અરુચિકર લાગે એવું પણ વધારે પ્રમાણિક વિવેચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે હિંદુઓ અને મુસલમાનો ક્યારે ય એક છાપરા નીચે રહ્યા નથી અને એક રસોડે જમ્યા નથી તેને તમે (અંગ્રેજો) એક જ બેરેકમાં એક છાપરે રહેતા શીખવાડો અને એક રસોડે જમતા શીખવાડો તો બળવો ન થાય તો બીજું શું થાય? તેમણે અંગ્રેજોને સલાહ આપી હતી કે લાંબો સમય ભારતમાં જો રાજ કરવું હોય તો હિંદુ-મુસ્લિમ નામની બે પ્રજાને અલગ રાખો.

પરિણામ : ૧૮૫૭ની ઘટના એટલી મોટી નહોતી, પણ તેનાં પરિણામ લાંબાગાળાનાં હતાં. અંગ્રેજોને સમજાઈ ગયું કે કેવળ બંદૂકના જોરે કોઈ પ્રજાને કાયમ માટે દબાવી ન શકાય. લોકોના અવાજને કાન પણ આપવો જોઈએ. આ બાજુ ભારતીય પ્રજાને સમજાઈ ગયું કે સંખ્યામાં અંગ્રેજો મુઠ્ઠીભર હોવા છતાં અને હિંદુ અને મુસ્લિમ સિપાઈઓએ સાથે મળીને લડત આપી હોવા છતાં પણ અંગ્રેજોને પરાજિત કરી શકાયા નથી. આનો અર્થ એ થયો કે અંગ્રેજો લાંબો સમય રાજ કરવાના છે અને એ જોતાં આપણે આપણો લાભ ધ્યાનમાં રાખીને નવી વ્યવહારુ નીતિ અપનાવવી જોઈએ. પણ ‘આપણે’ એટલે કોણ? ૧૮૫૭ના વિદ્રોહની ઘટનાએ ‘આપણે’ અને ‘બીજા’ના વિભાજન અને એ વિભાજન આધારિત રાજકારણનો પાયો નાખ્યો. બીજું વ્યવહારુ નીતિ એટલે શું? સશસ્ત્ર ક્રાંતિ ભારત માટે વ્યવહારુ છે કે અવ્યવહારુ એ બીજો સવાલ ઉપસ્થિત થયો અને સર્વસાધારણ મત બન્ને પ્રજામાં એવો બન્યો કે એ અવ્યવહારુ માર્ગ છે.

૪. ઓગસ્ટ ૨, ૧૮૫૮; ભારત ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ સીધું બ્રિટિશ સામ્રાજ્યનું સંસ્થાન બન્યું : 

૧૮૫૭ના વિદ્રોહને પરિણામે બ્રિટિશ સરકારને સમજાઈ ગયું કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નજર કેવળ નફા ઉપર છે અને એ લાંબેગાળે બ્રિટિશ સાંસ્થાનિક હિતોને નુકસાન પહોંચાડી શકે. જ્યારે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના કેટલાક દેશોમાં જે રીતે યુરોપિયનો કાયમ માટે વસી ગયા અને સીધું શાસન કરતા હતા એ રીતે અંગ્રેજો ભારતમાં વસવા માગતા નથી ત્યારે અંગ્રેજ સામ્રાજ્યનું હિત એમાં છે કે શાસન બને એટલું જવાબદાર લાગે અથવા કમ સે કમ એવું ભાસે એવું બનાવવું જોઈએ. હવે પછી ભારત ઉપર ઇસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ સરકારના પરવાના સાથે રાજ નહીં કરે, પણ બ્રિટિશ સરકાર પોતે તેના હાકેમો દ્વારા રાજ કરશે. બ્રિટિશ સરકારની કેબિનેટમાં એક ભારત મંત્રી હશે જે ભારતનો હવાલો જોશે. ભારત વિશેની નીતિ હવે બ્રિટિશ સરકાર નક્કી કરશે અને તેના અધિકારીઓ લાગુ કરશે.

પરિણામ : પહેલીવાર જેનો સૂરજ ક્યારે ય આથમતો નહોતો એવું વિશ્વનું સૌથી શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય અને ભારતીય પ્રજા આમને સામને આવ્યા. આગળ જતા ભારતીય પ્રજા માટે પ્રશ્ન ઉપસ્થિત થવાનો હતો કે માગવું, કાકલૂદી કરવી કે પછી હક્ક માટે લડીને ખુદવફાઇ કે ખુદ્દારી બતાવવી? ભવિષ્યમાં ભારતીય પ્રજાએ આ અંગે નિર્ણય લેવાનો હતો.

૫. નવેમ્બર ૧, ૧૮૫૮; રાણીનો ઢંઢેરો :

ઢંઢેરામાં રાણીએ ભારતનાં રાજવીઓએ ખાતરી આપી કે હવે પછી કોઈ રિયાસતને ખાલસા કરવામાં નહીં આવે. બે. તેમણે હિંદુ, મુસલમાન અને અન્ય ધર્મીઓને ખાતરી આપી કે હવે પછી બ્રિટિશ સરકાર અને તેના અમલદારો જે તે પ્રજાની ધાર્મિક બાબતો અને આસ્થાઓની બાબતમાં માથું નહીં મારે. પ્રજાની મરજી વિરુદ્ધ કોઈ પણ પ્રકારના સામાજિક સુધારાઓ નહીં કરે. ત્રણ. તેમણે ભારતીય પ્રજાને ખાતરી આપી કે ભારતના વહીવટીતંત્રમાં ક્ષમતા અનુસાર ભારતીય પ્રજાને પણ ભાગીદાર બનાવવામાં આવશે અને ચાર, ભારતમાંના અંગ્રેજ અમલદારો બ્રિટિશ સરકારને જવાબદાર હશે અને સરકાર પ્રજાને. જેમ બ્રિટનમાં બ્રિટિશ સરકાર પ્રજાને જેવી અને જેટલી જવાબદાર છે એવી જ અને એટલી ભારતીય પ્રજાને જવાબદાર હશે. 

પરિણામ : એક તો ૫૬૦ રજવાડાં બચી ગયાં જે ભારતની આઝાદીને અવરોધવાનાં હતાં. તેઓ આઝાદીની પ્રક્રિયામાં ભાગીદાર (સ્ટેક હોલ્ડર) બની ગયા. બીજું સામાજિક સુધારાની લડતને ફટકો પડ્યો અને દરેક ધર્મના સનાતનીઓની શક્તિમાં વધારો થયો. છેલ્લાં બે વચનો સાવ સંદિગ્ધ હતાં. લાઈનમાં ઊભા રહો અને રાહ જુઓ. અને સૌથી મોટી વાત, ‘ક્ષમતા અનુસાર’. આગળ જતા ગજગ્રાહ પેદા થવાનો હતો કે ક્ષમતા અનુસાર કે જે તે પ્રજાની સંખ્યા અનુસાર? આ સવાલે હજુ કેડો મુક્યો નથી. અનામતની બાબતે આ જ સવાલ ઉપસ્થિત કરાય છે.

૬. ડિસેમ્બર ૨૮, ૧૯૮૫; ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસની સ્થાપના : 

કૉન્ગ્રેસની સ્થાપનામાં અંગ્રેજોએ જ રસ લીધો હતો. ગણતરી એવી હતી કે દેશી પ્રજાનો એવો એક મંચ હોવો જોઈએ જે પોતાની ફરિયાદોને વાચા આપે અને જે જોઈતું હોય એ માગી લે. આને પરિણામે એક તો આપણને ખબર પડે કે ભારતીય પ્રજા શું વિચારે છે અને માગે છે. બીજું આ દ્વારા તેમનો રોષ નીકળી જાય એટલે ૧૮૫૭માં બન્યું હતું એમ ઊંઘતા ઝડપાવાનો પ્રસંગ ન આવે. જે આપી શકાય એટલું આપવું અને બાકી બાબતે વાયદા કરવા. ભારતના નેતાઓને પણ ૧૮૫૭ના અનુભવે સમજાઈ ગયું હતું કે ફરિયાદોને વાચા આપવામાં અને માગી લેવામાં વધારે ફાયદો છે. લડી લેવું કપરું છે અને અત્યારે તો અસંભવ છે. 

પરિણામ : કૉન્ગ્રેસે તેના નામની આગળ બે વિશેષણ મુક્યા હતા. એક ‘ભારતીય’ અને બીજું ‘રાષ્ટ્રીય’. એક બાજુએ રોમાંચ થાય એવા અને એટલા વિકલ્પો ભારતીય નેતાઓ માટે ખુલ્લી ગયા હતા તો બીજી બાજુ શરીરમાંથી લખલખું પસાર થાય એવો પડકાર સામે હતો. જુદા જુદા સમાજવિશેષના લોકોને એક મંચ ઉપર લાવવાના હતા અને એક ભાષામાં બોલતા કરવાના હતા. આ મોરચે ભારતીયો જેટલા પ્રમાણમાં સફળ થાય એટલા પ્રમાણમાં અંગ્રેજોએ ઝૂકવાનું હતું. એક પ્રકારનું કાઉન્ટડાઉન શરૂ થયું. ભારતની પ્રજા જેટલી ઝડપથી ભારતીય બનશે એટલી ઝડપથી રાષ્ટ્રીય બનશે અને એટલી ઝડપથી આઝાદી ઢુકડી આવશે. એક રીતે શિવધનુષ ઉઠાવવાનું હતું.

૭. દૂધપાકમાં નમક; સર સૈયદ અને ભારતેન્દુ હરિશ્ચન્દ્રનાં ભાષણ :

કૉન્ગ્રેસની સ્થાપના વખતે ઘોષણા કરવામાં આવી હતી કે કૉન્ગ્રેસ ભારતની દરેક પ્રજાનો સહિયારો મંચ હશે. પણ બન્યું એવું કે કૉન્ગ્રેસની સ્થાપના પછી તરત જ સર્વોચ્ચ મુસ્લિમ નેતા સર સૈયદ અહમદ ખાને ૧૮મી ડિસેમ્બર ૧૮૮૭ના રોજ લખનૌમાં અને ૧૪ માર્ચ ૧૯૮૮ના રોજ મેરઠમાં ભાષણ આપીને મુસલમાનોને સલાહ આપી કે કૉન્ગ્રેસથી દૂર રહેવામાં મુસલમાનોનું હિત છે. તેમણે કહ્યું હતું કે અંગ્રેજ રાજ જેટલું લાંબુ ટકે એમાં મુસલમાનોનું હિત છે. મુસલમાનોએ બને એટલા પ્રમાણમાં અંગ્રેજોનો વિશ્વાસ રળવો જોઈએ અને હિંદુઓથી દૂર રહેવું જોઈએ. વસ્તીની દૃષ્ટિથી ભારતમાં હિંદુઓ બહુમતીમાં છે અને લાયકાતની દૃષ્ટિથી હિંદુઓ મુસલમાનો કરતાં ક્યાં ય આગળ છે. આને પરિણામે એવું બને કે  કૉન્ગ્રેસ જ્યારે ભારતીય પ્રજાના હિતની વાત કરે ત્યારે તેના લાભ સંખ્યા તેમ જ લાયકાત એમ બન્ને કારણે હિંદુઓને જ જવાના છે અને મુસલમાન પાછળ રહેવાના. ટૂંકમાં તેમની સલાહ એવી હતી કે મુસલમાનોનો ચોકો જુદો હોવો જોઈએ અને તેમણે મુસલમાન તરીકે ભેગા થવું જોઈએ, વિચારવું અને બોલવું જોઈએ. જો એમ કરવામાં નહીં આવે તો ભારતમાં મુસલમાન હાંસિયામાં જ રહેવાનો. એક તરફ હિંદુઓની સ્પર્ધા કરીને ક્ષમતા વિકસાવો અને બીજી તરફ કોમીભાન વિકસાવો અને સંખ્યાના જોરે સોદો કરો.

કૉન્ગ્રેસની સ્થાપનાના એક વરસ પહેલાં અત્યારની હિન્દી ભાષાના પિતા ગણાતા ભારતેન્દુ હરિશ્ચન્દ્રએ ૧૮૮૪માં કાર્તિકી પૂર્ણિમાને દિવસે દેશોન્નતી ઉપર ઉત્તર પ્રદેશમાં બલિયામાં એક વ્યાખ્યાન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હિંદુઓ પાસે હિંદુચેતનાને અને હિંદુએષણાને અભિવ્યક્ત કરવા માટે તેની પોતીકી ભાષા હોવી જોઈએ, સંસ્કૃત-પર્શિયન-અરેબિક મિશ્રિત સહિયારી હિન્દુસ્તાની ભાષા ન ચાલે. આ દેશમાં હવે મુસ્લિમ રાજનો અંત આવ્યો છે માટે હિંદુઓએ તેમના દરબારમાં ચાલતી પર્શિયન ભાષા અને મુસલમાનોની ભાગીદારી સાથે વિકસેલી સહિયારી હિંદુસ્તાની ભાષાનો બોજ ફગાવી દેવો જોઈએ. નવી સ્થિતિમાં હિંદુઓએ હવે સપનાં જોતાં શીખવું જોઈએ અને સપનાંને તેની પોતાની ભાષામાં અભિવ્યક્ત કરવાં જોઈએ. એવી ભાષા જે સંસ્કૃતનિષ્ઠ હોય અને દેવનાગરી લિપિમાં લખાતી હોય.

પરિણામ : સર સૈયદ અહમદ ખાને કહ્યું કે કૉન્ગ્રેસનો મંચ ‘ભારતીય’ અને ‘રાષ્ટ્રીય’ હોવા છતાં મુસલમાનોનો ન હોઈ શકે અને ભારતેન્દુ હરિશ્ચન્દએ કહ્યું કે હિંદુસ્તાની ભાષા (જોડનારી ભાષા તરીકે દક્ષિણ સહિત) આખા દેશમાં બોલાતી હોવા છતાં હિંદુઓની ન હોઈ શકે. એકે કહ્યું અમે એક ભાષા બોલશું નહીં અને બીજાએ કહ્યું અમે એક ભાષામાં બોલશું નહીં. સ્વાભાવિક રીતે અંગ્રેજો ખુશ હતા. ત્યારે તેમણે ગણતરી માંડી હતી કે ભારતમાં હજુ બીજાં સો વરસ રાજ કરવું અઘરું નથી.

૮. ગાંધીજીનું આગમન :

૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે ભારતમાં ભારતીયો ભારતીય તરીકે એક જ ભાષામાં અને એક સરખી ભાષા બોલવા તૈયાર નહોતા. સર્વત્ર કુસંપ હતો. હિન્દુત્વવાદીઓ કહેતા હતા કે ભારતમાં હિંદુઓ બહુમતીમાં છે માટે મુખ્ય સ્ટેક હોલ્ડર એકલા હિંદુઓ જ છે. મુસલમાનો કહેતા હતા કે ૨૫ ટકાની વસ્તી ધરાવતી પ્રજા નગણ્ય લઘુમતી ન કહેવાય એટલે સ્ટેક હોલ્ડર હિંદુ અને મુસલમાન એમ બે છે. દલિતો કહેતા હતા કે સ્ટેક હોલ્ડર સવર્ણ હિંદુઓ, મુસલમાનો અને દલિતો એમ ત્રણ છે. રાજવીઓ કહેતા હતા કે ભારતમાં હિંદુઓ, મુસલમાનો અને દલિતો સિવાય રાજવીઓ એમ ચાર સ્ટેક હોલ્ડર છે. એ પછી શીખો, દ્રવિડો એમ હનુમાનજીની પૂંછડીની જેમ દાવેદારો વધી રહ્યા હતા તે એટલે સુધી કે બીજી ગોળમેજ પરિષદમાં ૭૪ સ્ટેક હોલ્ડર્સ પહોંચી ગયા હતા. એક ગાંધીજીને છોડીને એમાંથી કોઈ ભારતીય તરીકે વાત નહોતા કરતા. 

જ્યાં સુધી ભારતીય પ્રજા ભારતીય તરીકે સંગઠિત ન થાય ત્યાં સુધી ભારતને આઝાદી મળવી મુશ્કેલ હતી. જ્યાં સુધી ભારતીય પ્રજા એક અવાજમાં બોલતી ન થાય ત્યાં સુધી વિશ્વસમાજની સહાનુભૂતિ કે ટેકો મળવો મુશ્કેલ હતો. જ્યાં સુધી ભારતીય પ્રજા સહિયારા ભવિષ્યની સહિયારી કલ્પના એક જ સહિયારી ભાષામાં અભિવ્યક્ત કરતી ન થાય ત્યાં સુધી તેઓ રાષ્ટ્રરચના કરી શકે એમ નહોતી. ગાંધીજીએ ભારતની જે તે પ્રજાને ભારતીય તરીકે સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમને ભલે જોઈએ એવી સફળતા નહોતી મળી.

પરિણામ : કોઈકે શિવધનુષ ઉઠાવવાનું હતું અને ગાંધીજીએ એ સાહસ કર્યું. ગાંધીજીને કારણે સહિયારા, સર્વસમાવેશક અને આધુનિક ભારતીય રાષ્ટ્રની કલ્પના આકાર પામી હતી. આ સિવાય ગાંધીજીની અગાધ શક્તિને કારણે કૉન્ગ્રેસ લોકાભિમુખ બની, સામાન્ય વર્ગમાંથી નેતૃત્વ પેદા થયું, કાકલૂદી અને માગણીઓ કરવાની જગ્યાએ અંગ્રેજો સામે સંગઠિતપણે લડી બતાવ્યું, ભારતની પ્રજામાં નિર્ભયતાનો સંચાર થયો અને પ્રજામાં ગોરા હાકેમો સામે આંખમાં આંખ પરોવીને વાત કરવાની હિંમત આવી અને વિતંડાની જગ્યાએ સમાજમાં સંવાદ વિકસ્યો, મોટા પ્રમાણમાં સ્ત્રીઓ બહાર આવી, વગેરે અનેક પરિવર્તનો થયાં. દેશના દુર્ભાગ્યે ગાંધીજીને એમાં જોઈએ એટલી સફળતા નહોતી મળી.

૯. નેહરુ રીપોર્ટ : ભારતનાં અત્યારના બંધારણનું કલેવર બંધાયું.

૧૯૨૪થી ૧૯૨૮નાં વર્ષોમાં સ્ટેન્લી બાલ્ડવિનની સરકારમાં લોર્ડ બિકર્નહેડ ભારતની બાબતોના પ્રધાન હતા. તેમણે ભારતનાં નેતાઓમાં રહેલા કુસંપને અને વિતંડાને જોઇને ટોણો માર્યો હતો કે ભારતીય પ્રજા બંધારણ ઘડી શકે એમ જ નથી કારણ કે તેઓ કોઈ બાબતે સંમતિ સાધી શકતા નથી. એના જવાબમાં ૨૮મી ઓગસ્ટ ૧૯૨૮ના રોજ નેહરુ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો. મોતીલાલ નેહરુએ કેટલાક બંધારણવિદો અને ભારતીય નેતાઓ સાથે સલાહ-મસલત કરીને એક દરખાસ્ત તૈયાર કરી હતી જે નેહરુ રીપોર્ટ તરીકે ઓળખાય છે. એમાંની ૧૭ જોગવાઈઓમાંથી આટલી મહત્ત્વની છે :

૧. ભારતીય રાજ્ય ધર્મનિરપેક્ષ હશે. તેનો પોતાનો કોઈ ધર્મ નહીં હોય.

૨. સ્ત્રી અને પુરુષ નાગરિક તરીકેનો સમાન દરજ્જો ભોગવશે અને કોઈ પ્રકારનાં ભેદભાવ કરવામાં નહીં આવે. 

૩. ચૂંટણીઓમાં ભારતના પ્રત્યેક પુખ્તવયના નાગરિકો ભાગ લઈ શકશે. 

૪. ભારતની સત્તાવાર ભાષા અંગ્રેજી ઉપરાંત હિન્દુસ્તાની હશે જે દેવનાગરી અને પર્શિયન-ઉર્દૂ એમ બન્ને લિપિમાં લખવામાં આવશે. 

૫. ભારતનું લોકતંત્ર સંસદીય હશે જેમાં સત્તાધીશો સંસદને જવાબદાર હશે. 

૬. ભારત સમવાય દેશ હશે જેમાં અસરકારક વગ કેન્દ્ર સરકારની હશે. 

૭. કોઈ લઘુમતી કોમને અલગ મતાધિકાર આપવામાં નહીં આવે. 

૮. ન્યાયતંત્ર સ્વતંત્ર હશે. 

પરિણામ : નેહરુ રીપોર્ટ દ્વારા આખા જગતને સંદેશ આપવામાં આવ્યો હતો કે સ્વતંત્ર ભારત કેવું હશે. રાજ્યના પાયામાં નાગરિક હશે કોઈ કોમ નહીં, પછી એ કોમ બહુમતીમાં હોય કે લઘુમતીમાં. ભારતીય નાગરિકની નાગરિક સિવાયની બીજી ઓળખ નહીં હોય. દરેકને મતદાનનો અધિકાર હશે પછી તે રંક હોય કે તવંગર હોય. સમવાય ભારતમાં કેન્દ્ર પાસે વધારે સત્તા હશે. કાયદાનું રાજ હશે, ન્યાયતંત્ર સ્વતંત્ર હશે અને કાયદા સામે બધા સમાન હશે. આની સામે કેટલાક મુસલમાનો અને હિંદુઓને વાંધો હતો. તેઓ નાગરિકની જગ્યાએ ધાર્મિક કોમને રાજ્યનું બુનિયાદી એકમ બનાવવામાં આવે અને એના આધારે સત્તાની અને લાભોની વહેંચણી કરવામાં આવે એવો આગ્રહ રાખતા હતા. નેહરુ રીપોર્ટમાં નાગરિકના ખભા ઉપર ઊભેલું સંવૈધાનિક રાષ્ટ્રની કલ્પના કરવામાં આવી હતી અને એ લોકોને જે તે ધાર્મિક કોમના ખભા ઊપર ઉભેલું કોમી રાષ્ટ્ર જોઈતું હતું. 

૧૦. હિંસક ક્રાંતિનો રોમાંચ : 

ભારત જેવા પ્રચંડ વૈવિધ્ય ધરાવતા દેશમાં સશસ્ત્ર ક્રાંતિ શક્ય નથી એ મોટા ભાગના પ્રગલ્ભ નેતાઓ સમજતા હતા. જહાલ તરીકેની ખ્યાતિ ધરાવતા લોકમાન્ય તિલક, લાલા લજપતરાય અને બિપીનચન્દ્ર પાલ જેવા નેતાઓએ પણ તેનો આગ્રહ નહોતો રાખ્યો એટલું જ નહીં, ઉતાવળા અને આકરા લોકોને તેઓ વારતા હતા. તેમને ખબર હતી કે આવડા મોટા દેશમાં સરકાર હચમચી જાય એવો વિદ્રોહ કરવો હોય તો ખૂબ પૈસા જોઈએ, શસ્ત્રો જોઈએ, મોટા પ્રમાણમાં યુવકોની ભરતી કરવી પડે, તેમને તાલિમ આપવી પડે અને આ બધું કરવા માટે ગુપ્તતા જળવાવી જોઈએ. આ બધું જ અશક્ય હતું અને ગુપ્તતા તો સાવ અશક્ય હતી. જેમણે ખરેખર મર્દાનગી બતાવી એ ભગતસિંહે ફાંસીને માંચડે ચડતા પહેલાં ભારતના નવજવાનોને સલાહ આપી હતી કે ભારતને આઝાદી છૂટીછવાઈ હિંસા કરવાથી મળવાની નથી, પણ શાંતિમય લોકઆંદોલન દ્વારા મળશે. ગાંધીજીના અને ભગતસિંહના અભિગમમાં ફરક એ હતો કે તે જરૂર પડ્યે જવાબી હિંસાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં માનતો હતો. ગાંધીજી કોઈ પણ સંજોગોમાં અહિંસક રહેવામાં માનતા હતા.

આમ છતાં ય હિંસા દ્વારા આઝાદી મેળવવાના કેટલાક નિષ્ફળ પ્રયાસ થયા છે અને દુર્ભાગ્યે યુવકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. આવી કેટલીક ઘટનાઓ યુવકોને ઉશ્કેરવાના કારણે બની છે. કોઈ વ્યવસ્થિત આયોજન નહોતું. કેટલાક લોકો ઉશ્કેરણી કરનારાં ભાષણો કરતા અને લેખો લખતા હતા, પણ પોતાને સલામત રાખતા હતા. તેમની પોતાની ક્રાંતિની આગ આવી વાંઝણી હતી અને કારણ વિના નિર્દોષ યુવકો માર્યા જતા. કેટલીક ઘટનાઓ ગુસ્સામાં કે આવેશમાં બની છે. ભગતસિંહે કરેલી હિંસા પાછળ ભારતીય પ્રજાનું પોતાપણું બતાવવાનો હેતુ હતો. એની પાછળનો ઈરાદો આઝાદી મેળવવાનો નહોતો. તમે અમારી નિર્દોષ પ્રજાની સામૂહિક હત્યા કરો, તમે અમારા નેતા(લાલા લજપત રાય)ને ઢોરમાર મારો અને અમે ખમી લઈએ એ અમારું ખમીર કબૂલ કરવા તૈયાર નથી. ભારતીય પ્રજાનું ખમીર બતાવવા ભગતસિંહ અને તેના સાથીઓએ મોતને વહાલું કર્યું હતું.

સુભાષચંદ્ર બોઝને બીજા વિશ્વયુદ્ધ વખતે લાગ્યું હતું કે દુશ્મનના દુશ્મન મિત્રના ન્યાયે આપણે બ્રિટનના દુશ્મન દેશોને મદદ કરવી જોઈએ. એ નર્યું ભોળપણ હતું અને રાજકીય પરિપક્વતાનો તેમાં અભાવ હતો. એક મૂલ્યવાન જિંદગી કારણ વિના વેડફાઈ ગઈ.

પરિણામ : દરેક શહીદની મર્દાનગીને સલામ, પણ ભારતને આઝાદી અપાવવામાં અને આઝાદ ભારતની કલ્પના (આઈડિયા ઓફ ઇન્ડિયા) વિકસાવવામાં તેમનો ખાસ કોઈ ફાળો નથી. આ મારો નમ્ર મત છે અને અનેક વરસોના અભ્યાસ પછી એ વધારે દૃઢ થયો છે. હા, મગરૂરીના જ્વલંત દ્રષ્ટાંતો આપણે ગર્વ સાથે ટાંકી શકીએ. 

૧૧. બીજું વિશ્વયુદ્ધ : 

ભારતની આઝાદી થોડી ઢૂકડી લાવવામાં બીજા વિશ્વયુદ્ધનો મોટો ફાળો છે. બીજું વિશ્વયુદ્ધ મૂલ્યો માટે લડવામાં આવી રહ્યું છે એવો દાવો કરવામાં આવ્યો હતો. એક તરફ ફાસીવાદ અને બીજી તરફ લોકતંત્ર વચ્ચેની આ લડાઈ છે. આવો મહાન દાવો કર્યા પછી સંસ્થાનોને ગુલામ રાખવા એમાં વિરોધાભાસ નજરે પડતો હતો. બીજું એનાથી પણ વધારે મોટું કારણ એ હતું કે લડાઈમાં વિજેતા દેશો પણ આર્થિક રીતે ખુવાર થઈ ગયા હતા એટલે સંસ્થાનો તેને પરવડે એમ નહોતાં. આને કારણે જે દેશોમાં આઝાદીની ખાસ ચળવળ નહોતી ચાલી એ દેશો પણ આઝાદ થયા હતા. ત્રીજું કારણ એ હતું એ જેને કારણે મિત્ર દેશોને વિજય મળ્યો હતો એ અમેરિકાનો આગ્રહ હતો કે યુદ્ધ પછી સંસ્થાનવાદનો અંત લાવવામાં આવે. આના દ્વારા અમેરિકા માટે બ્રિટનની જગ્યાએ મહાસત્તા બનવાનો રસ્તો ખૂલતો હતો. અને ચોથું સામ્યવાદનો ડર તો હતો જ.  

પરિણામ : બીજા વિશ્વયુદ્ધનો સૌથી મોટો ફાયદો મુસ્લિમ લીગને થયો હતો. ભારતના નેતાઓને પૂછ્યા પણ વિના, અરે વિશ્વાસમાં પણ લીધા વિના, ભારતને બ્રિટનના પક્ષે લડનાર દેશ જાહેર કરવામાં આવ્યો તેમાં કૉન્ગ્રેસના નેતાઓને અપમાન લાગ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે જાહેરાત કરી જ દીધી છે તો એની સાથે એ વાતની પણ જાહેરાત કરો કે યુદ્ધ પૂરું થતાંની સાથે ભારતને આઝાદ કરવામાં આવશે. જો અમારી આ શરત મંજૂર ન હોય તો કૉન્ગ્રેસ યુદ્ધ-પ્રયાસમાં મદદ નહીં કરે. અંગ્રેજો મભમ બોલતા હતા અને કૉન્ગ્રેસના નેતાઓને સમજાવવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ કૉન્ગ્રેસના નેતાઓ અસંદિગ્ધ ભાષામાં વચન માગતા હતા. 

મુસ્લિમ લીગે આનો લાભ લીધો હતો. ઝીણાએ બિનશરતી ટેકો જાહેર કર્યો હતો અને એ રીતે અંગ્રેજોને નજીક લીધા હતા. જો બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત તો પાકિસ્તાન આંદોલનને આટલી ઝડપી સફળતા ન મળી હોત. ઝીણાની માફક સાવરકર, હિંદુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ડૉ. આંબેડકરે પણ અંગ્રેજોને ટેકો આપ્યો હતો અને કૉન્ગ્રેસપ્રેરિત ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો હતો; પણ અંગ્રેજોને ત્યારે ઝીણા અને મુસ્લિમ લીગનો ખપ હતો બીજાઓનો ખપ નહોતો.

૧૨. રજવાડાં, સ્વાતંત્ર્ય અને ભારતનું એકીકરણ :

ભારતીય પ્રજા આઝાદીનાં સપનાં જોતી થઈ હતી અને ક્રમશ: તેના માટે તૈયાર થઈ રહી હતી એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સવાલ થશે કે તેમાં રિયાસતોમાં વસ્તી પ્રજાનો સમાવેશ થાય કે નહીં? ટેક્નિકલી ભારતમાં બે ભારત હતા, એક બ્રિટિશ ભારત અને બીજું રિયાસતી ભારત. ભારતની ૨૩ ટકા વસ્તી અને ૪૦ ટકા પ્રદેશ કુલ મળીને ૫૬૫ રજવાડાઓની નીચે હતાં. આઝાદી માટેની લડત અંગ્રેજો સામે હતી, રિયાસતો સામે નહોતી. તો પછી રજવાડાંઓનો પ્રદેશ અને એ પ્રદેશમાં વસતી રૈયતનું શું? આ રૈયત, રૈયત જ રહેશે કે પછી તેને પણ નાગરિક બનવાનો મોકો મળશે? 

આ સવાલ આઝાદીની લડત વખતે રજવાડાંઓમાંથી આવેલા કૉન્ગ્રેસના નેતાઓ કરતા હતા અને બ્રિટિશ ભારતની પ્રજાની માફક અમને પણ આઝાદી જોઈએ છે એવો આગ્રહ રાખતા હતા. રાજાઓ અને નવાબો ભારતીય છે એટલે અમે ગુલામ નથી એવું નથી. વળી બ્રિટિશ ભારત કરતાં રિયાસતી ભારતની સ્થિતિ બદતર હતી. રાજવીઓની લોકાભિમુખતા નહીં, જવાબદાર રાજ્ય નહીં, કાયદાનું રાજ નહીં, સરખું ન્યાયતંત્ર નહીં, પ્રજાની કોઈ ભાગીદારી નહીં અને ઉપરથી ભેદભાવ અને ભાયાતોનો ત્રાસ. એકાદ બે અપવાદ બાદ કરતાં વહીવટીતંત્ર એટલું ફૂહડ કે તેનો કોઈ જોટો ન જડે. ટૂંકમાં આપણા ઉપર આપણું રાજ સ્વ-રાજનો જ્વર રજવાડાંની પ્રજાને પણ લાગ્યો હતો.

કૉન્ગ્રેસના નેતાઓએ રજવાડાઓને હાથ નહોતો લગાડ્યો. એક કારણ એ હતું કે એક સાથે અનેક મોરચે લડવું ડહાપણભર્યું નહોતું લાગતું. બીજું કારણ એ હતું કે રજવાડાં એટલાં નિર્બળ હતાં કે તેના તરફથી કોઈ ભય નહોતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ રજવાડાંઓની ખસ્સી કરી નાખી હતી. તેમને ટાઈટલ્સ અને તોપની સલામી આપવામાં આવી હતી, પણ લશ્કર રાખવાની છૂટ નહોતી. હવે જેની પાસે લશ્કર અને લશ્કર પાસે હોવો જોઈએ એવો શસ્ત્રસરંજામ ન હોય એ શું બગાડી લેવાના હતા? આમ કૉન્ગ્રેસના નેતાઓને ખાતરી હતી કે આઝાદી મળતાની સાથે જેમ બોર વીણીએ એમ વીણીને ભારતના ટોપલામાં ભેળવી દઈશું. અને બન્યું પણ એવું જ. આઝાદી પછી ૫૬૫ રજવાડાઓમાંથી માત્ર સાત રજવાડાં (જમ્મુ અને કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદ, ભોપાલ, ત્રાવણકોર, જોધપુર અને વડોદરા) એ ત્રાસ આપ્યો હતો. એ ત્રાસ પછી પણ એક વરસની અંદર વિલીનીકરણની પ્રક્રિયા પૂરી થઈ હતી.

આમ છતાં ય કૉન્ગ્રેસના નેતાઓએ આડકરતી રીતે રજવાડાંઓમાં હસ્તક્ષેપ કર્યો હતો. તેઓ દૂરંદેશી ધરાવનારા નેતાઓ હતા. તેમને ખબર હતી કે રજવાડાંઓમાં વસતી દેશની ૨૩ ટકા પ્રજાને રાષ્ટ્રચેતનાની પ્રક્રિયામાંથી બહાર ન રખાય. આ માટે દેશની લગભગ દરેક રિયાસતમાં પ્રજા પરિષદોની સ્થાપના કરવામાં આવી હતી. પ્રજા પરિષદના નેતાઓ કૉન્ગ્રેસીઓ જ હતા અને તેઓ સત્તામાં ભાગીદારી અને નાગરિક અધિકારોની માગણી કરીને રાજવીઓ સામે આંદોલન ચલાવતા હતા. વિવિધ રાજ્યોની પ્રજા પરિષદોનું ફેડરેશન બન્યું હતું અને તેનાં વાર્ષિક અધિવેશનો મળતાં હતા. આ રજવાડાંઓમાં લોકજાગૃતિ માટેનો હસ્તક્ષેપ હતો. રાજાઓ તો ચૂટકી વગાડતા જવાના જ હતા, પ્રજાને આધુનિક ભારતીય રાષ્ટ્ર માટે તૈયાર કરવાની હતી.

બાય ધ વે, પ્રજા પરિષદોનાં રાષ્ટ્રીય સમન્વયમાં ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા જમ્મુ અને કાશ્મીરના પહેલા મુખ્ય પ્રધાન શેખ અબ્દુલ્લા અગ્રેસર હતા. તમને કદાચ જાણ નહીં હોય, પણ દેશની કુલ ૫૬૫ રિયાસતોમાંથી ૨૨૨ રિયાસતો એકલા કાઠિયાવાડમાં હતી એટલે ભાવનગરના વતની બળવંતરાય મહેતાને રજવાડાંઓની વસમી બીમારીની જાણ હોય એ સ્વાભાવિક છે અને જમ્મુ કાશ્મીરના મહારાજા જેટલો કોઈ કોમવાદી પક્ષપાતી રાજા નહોતો એટલે શેખ અબ્દુલ્લા તેની પીડા જાણતા હતા.

ઉપસંહાર : ભારતને આઝાદી તો આજ નહીં તો કાલ ગમે ત્યારે મળવાની જ હતી. ગાંધીજી નહીં તો કોઈ બીજું અપાવત. ગાંધીજીની સૌથી મોટી રાજકીય સિદ્ધિ એ છે કે તેમણે જે તે સમાજવિશેષની અંદર ભારતીયતા વિકસાવી. પ્રજાને નિર્ભય બનાવી. નાગરિક-ચેતના વિકસાવી. આઈડિયા ઓફ ઇન્ડિયાને આકાર આપ્યો, જે આપણા બંધારણમાં જોવા મળે છે. આપણો દેશ નાગરિકોનો દેશ છે, સામાજિક ઓળખ ગૌણ છે. 

જો કે આ પણ એક પ્રક્રિયા છે. યાત્રા હજુ અધૂરી છે અને તેમાં અવરોધો પણ આવી રહ્યા છે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ : “ચિત્રલેખા”, 23 ઑગસ્ટ 2021; પૃ. 19-26

Loading

17 August 2021 admin
← એક અશિષ્ટ સંદેશ
26 વર્ષની ઉંમરે ગાંધીજીએ લખેલી એ પુસ્તિકા … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved