Opinion Magazine
Number of visits: 9485467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેડિયાપાડાનો વન અધિકાર સંઘર્ષ – ૩૨ વર્ષની કહાની

સુદર્શન આયંગાર|Opinion - Opinion|12 August 2021

પુસ્તક પરિચય

દેડિયાપાડાનો વન અધિકાર સંઘર્ષ – ૩૨ વર્ષની કહાની – લેખિકાઃ તૃપ્તિ પારેખ – પ્રકાશકઃ અંબરીષ મહેતા – એક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ (આર્ચ – વાહિની) વડોદરા, ડિસેંબર ૨૦૨૦. – પ્રત ૫૦૦૦ – પૃષ્ઠ સંખ્યા ૧૬૦ + ૪૦ – સહયોગ રાશિ : રૂપિયા 150/- – મેળવવા માટે : m_ambrish@hotmail.com તેમ જ  truptiparekh1@hotmail.com

આઝાદી પછીની પહેલી પચ્ચીસી આવતા દેશની સામાજિક આર્થિક પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. તે જ અરસામાં દેશના નામાંકિત અર્થશાસ્ત્રીઓએ તદ્દન ગરીબીમાં જીવનારાઓની દેશની વસતીનો અંદાજ ૬૦ ટકા ઉપર મૂક્યો હતો. ૧૯૬૭ પછી તો દેશને ખાવા માટે અનાજની પણ આયાત કરવી પડેલી. હરિત ક્રાંતિ શરૂ થયી હતી, પરંતુ તેનાં પરિણામો વ્યાપક સ્તર પર મળે તેમાં હજી ઘણી વાર હતી. ગાંધીજીના ગ્રામ સ્વરાજની વાત તો કોરાણે મૂકાઈ ગયેલી. અલબત્ત, વિનોબાએ ભૂદાનની ચળવળ ચલાવી એક નવી ક્રાંતિ સર્જી હતી પણ તેના વ્યાપક સ્તરે મંગલકારી પરિણામો આવે તેવું કંઈ બન્યું નહીં અને કૃષિ ક્ષેત્રે વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતાના કોઈ નવા કીર્તિમાનો સ્થપાયા નહીં. પરંતુ આઝાદીની થોડાં વરસો પહેલાં અને ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં જન્મેલા ગાંધી, સરદાર, સુભાષ અને આંબેડકરના જીવન અને કવનથી પ્રેરણા પામેલા કઈંક યુવાઓ દેશની પરિસ્થિતિથી વ્યથિત થઈ તેમાં પાયાથી ફેરેફાર કરવા થનગની રહ્યા હતા. ૧૯૭૩ – ૭૬ના અરસામાં ગાંધીયુગના નેતા જયપ્રકાશ નારાયણે આ થનગની રહેલા યુવાનોને દિશા ચીંધી સંપૂર્ણ ક્રાંતિના આંદોલનમાં જોડાવા હાકલ કરી હતી. હજારો યુવાઓ જોડાયા. જે.પી. આંદોલનની પ્રક્રિયામાં છાત્ર-યુવા સંઘર્ષ વાહિનીની રચના કરવામાં આવી હતી. સમય જતાં તે પૈકી કેટલાક પક્ષીય રાજકારણમાં સક્રિય થયા. થોડીક વ્યક્તિઓ કેંદ્ર સરકારમાં પ્રધાન બન્યા અને રાજ્યમાં મુખ્ય પ્રધાન પણ બન્યા. કેટલાક લોકોએ લોકો તરફ જ રહીને અધિકાર અને ન્યાય મેળવવા સતત પ્રયાસ કર્યો અને એ પ્રક્રિયામાં રાજ્ય સામે સંઘર્ષ પણ કર્યા. આ હરોળમાં એક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલોપ્મેન્ટ (આર્ચ) પરિવારનાં રશ્મિ, તૃપ્તિ, અંબરીષ, રાજેશ અને આ લેખક આવે જેઓ વાહિનીના પહેલેથી જ સદસ્યો હતાં.

જે.પી. – નારાયણ દેસાઈ સંચાલિત તરુણ શાંતિ સેનાના રાષ્ટ્રીય સંયોજક અશોક ભાર્ગવ, ડૉ. અશ્વિન પટેલ અને નિમિત્તા ભટ્ટ સાથે રહી છેવાડેના એક ગામમાં બેસી આરોગ્ય અને અનૌપચારિક શિક્ષણ સેવાઓ આપવાનું શરૂ કરેલું તે સમયે ડૉ. અનિલ પટેલે પત્ની ડૉ. દક્ષા પટેલ સાથે જોડાયા. તે સંસ્થા એક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ (આર્ચ) નામે ઓળખાઈ. આ જૂથ સાથે થોડા જ સમયમાં વાહિનીનાં સભ્યો પણ જોડાયાં. આમ આર્ચ-વાહિની બન્યું.  ગાંધી-વિનોબા-જે.પી. પરંપરા આ પેઢીએ ચાલુ રાખીને કેટલીક અગત્યની સિદ્ધિઓ મેળવી તે પૈકી ગુજરાત રાજ્યમાં મેળવેલી આ સિદ્ધિ નોખી અને નોંધપાત્ર છે. સરદાર સરોવર બંધની મહાયોજનામાં ડૂબમાં જતા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના આદિવાસી કુટુંબોના પુર્વસન માટે સંઘર્ષ કરી યોગ્ય નીતિ ગુજરાત રાજ્ય પાસેથી મેળવીને તે અનુસાર અમલ કરવા માટે આર્ચવાહિનીનું કામ અંતર્રાષ્ટ્રીય સ્તરે જાણીતું છે. તે જ અરસામાં બંધના પાછળના વિસ્તારમાં આવેલ ડુંગરાળ દેડિયાપાડાના જંગલ વચ્ચે આવેલા ગામોમાં આદિવાસી પ્રજાની દારૂણ ગરીબી અને જંગલખાતાની પારાવાર કનડગત સામે આવી જેની સામે યુવા તૃપ્તિએ કમર કસી અને પોતાના જીવનનાં સૌથી મૂલ્યવાન વર્ષો આ કામને સમર્પિત કરી દીધાં. અંબરીષ અને રાજેશ એની પડખે જ રહ્યા. ડૉ. અનિલ પટેલની ભાગીદારી અને માર્ગદર્શન સતત રહ્યા. 

જે.પી. આંદોલનના સમયમાં હિંદી સાહિત્યના શ્રેષ્ઠ ગઝલકાર દુષ્યંત યુવાઓમાં ખૂબ લોકપ્રિય હતા. ભાઈ અંબરીષ એક શેર બહુ બોલ્યા કરે,

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,

मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

હાલ નર્મદા જિલ્લામાં સ્થિત આ દેડિયાપાડા તાલુકાના આદિવાસીઓની કહાણી સૂરત બદલવાની કહાણી છે. અલબત્ત શરૂઆત તો ભાવનાત્મક સ્તરે જ થઈ હતી. બિહાર આંદોલન વખતે કવિ વશિષ્ઠ અનૂપની આ કવિતા પણ અમે લલકારતા અને આ ભાવ દેડિયાપાડાના આખા સંઘર્ષ સમયમાં હૃદયમાં રહ્યો જ જે લેખિકાના ઉદ્ગારોમાં ઝળ્ક્યા કરે છે. 

 

इसलिए राह संघर्ष की हमने चुनी

ज़िंदगी आँसुओं में नहाई न हो,
शाम सहमी न हो, रात हो ना डरी
भोर की आँख फिर डबडबाई न हो। इसलिए …


अब तमन्नाएँ फिर ना करें खुदकुशी
ख़्वाब पर ख़ौफ की चौकसी ना रहे,
श्रम के पाँवों में हों ना पड़ी बेड़ियां
शक्ति की पीठ अब ज़्यादती ना सहे,
दम न तोड़े कहीं भूख से बचपना
रोटियों के लिए फिर लड़ाई न हो। इसलिए …

છાત્ર-યુવા સંઘર્ષ વાહિનીનીનાં આ યુવાઓએ ત્રણ દાયકાઓ સુધી સાતત્યપૂર્વક કોરાણે જીવતા આદિવાસી સમાજના એક વિસ્તાર પહેલાં ભરૂચ અને પછી નર્મદા જિલ્લામાં સ્થિત દેડિયાપાડા તાલુકાના ગામેગામ ફરી સંઘર્ષ, સંગઠન અને રચનાની સુંદર હારમાળ રચી છે. આ દસ્તાવેજ તેની કહાણી છે. ગાંધીદર્શનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ કહાણી વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિ વચ્ચે બદલાતા સબંધોની કહી શકાય. આ પુસ્તકની ખૂબી એ છે કે આ એક વાર્તા પણ રજૂ કરે છે અને એક દસ્તાવેજ પણ છે. સામાન્ય રીતે કર્મશીલો કામ તો કર્યા કરે છે પણ પોતાની અને આવનાર પેઢી માટે સ્મૃતિ સાહિત્ય મૂકી નથી જતા, એમના જીવનના અંત સાથે લગભગ વાર્તા પૂરી થઈ જાય છે. કર્મશીલ તૃપ્તિ પારેખે પોતાના કવનની વાર્તા કહેતાં-કહેતાં દસ્તાવેજીકરણ પણ કરી લીધું છે. આ રચનાની શૈલી પણ અનોખી છે. લેખિકાનો એક પરિવાર છે અને આજે પ્રૌઢાવસ્થા વટાવી રહેલી આ કર્મશીલ બહેન એ પરિવારના સભ્યોને જેમાં એની ઉંમરના, એનાથી મોટા, એનાથી નાના અને યુવાનો થતાં યુવતીઓને ઉદ્દેશીને આ પરિવાર કઈ રીતે બન્યો, એના તડકા-છાયા, સફળતા-નિષ્ફળતા, માન-અપમાનની વાત ‘હું આ રીતે જોડાઈ’-થી શરૂ કરી ‘આપણે આમ કર્યું’ ‘આવું થયું’ના ભાવમાં જાણે એક કથા કહી રહી છે. આખા ય લખાણમાં હું અને હુંપણું બહુ જ ઓછું છે અને અનિવાર્યપણે જ પ્રગટે છે. 

ચાર ભાગમાં અને ૨૪ પ્રકરણોમાં વહેંચાયેલા પુસ્તકનો પહેલો ભાગ સંઘર્ષ અને સંગઠન અંગેનો છે. આ ભાગમાં કુલ ચૌદ પ્રકરણો છે. દરેક પ્રકરણ એક વિશિષ્ટ મુદ્દાને અનુલક્ષીને લખાયું છે તેથી વાર્તામાં વાતો ભાગ્યે જ દોહરાય છે. કાળખંડની દૃષ્ટિએ પહેલો ભાગ ૧૯૮૮થી ૨૦૦૦ સુધીનો છે. બીજા ભાગમાં આદિવાસીઓને વન અધિકાર મળે તે માટેના એક રાષ્ટૃવ્યાપી આંદોલનમાં લેખિકા અને સંગઠનના લોકોની ભાગીદારી અંગેનો છે. આ સમયગાળો ૨૦૦૨થી ૨૦૦૮નો છે. આ ભાગ બે પ્રકરણોનો જ છે. પંદરમાં પ્રકરણમાં ગામના લોકો કઈ રીતે રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા અને છેલ્લે કેટલી નાટ્યાત્મક રીતે ૨૦૦૬ના ડિસેંબરના આખરમાં કાયદો બને છે અને તેના નિયમો બનાવતા શું અડચણો આવી તેનું સરસ વર્ણન છે. સોળમાં પ્રકરણમાં કાયદાની મુખ્ય જોગવાઈઓનું સરસ દસ્તાવેજીકરણ થયું છે. ત્રીજો અને ચોથો ભાગ ૨૦૦૮થી ૨૦૧૯ સુધીની ઘટનાઓ અને પ્રક્રિયાઓનો ચિતાર આપે છે. બેઉ ભાગ ચાર-ચાર પ્રકરણોના છે. ત્રીજા ભાગના ચાર પ્રકરણો વન જમીન પર ખાનગી માલિકીના હક્કો મેળવવામાં જે મશક્ક્ત કરવી પડી તે અંગેનો છે. ચોથો ભાગના પહેલા ત્રણ પ્રકરણો માલિકી હક મળ્યા પછી જમીનોના ઉત્પાદક વિશે અને જંગલ પર સામુદાયિક હકોનો નિર્વાહ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે અને ગ્રામસભાઓના નવા સ્વરૂપ કેવા પ્રગ્ટ્યા છે તે અંગેનો છે. ૨૪મું અને છેલ્લું પ્રકરણ उद्यमेन ही सिद्धयन्ति कार्याणी न मनोरथै-ને સાચું ઠેરવતા શું બોધપાઠ લઈ શકાય તેનું સુંદર વિશ્લેષણ છે.     

કથાનો આરંભ ૨૦૧૯ના ડિસેંબરમાં દેડિયાપાડા તાલુકાના ડાબકા ગામે યોજાયેલ મોટા સંમેલનથી થાય છે. આજની ખુશી અને ગઈ કાલની યાદોને ટૂંકમાં રજૂ કરી લેખિકાએ સુંદર પ્રવેશિકા લખી છે જેના દ્વારા પછીના પ્રકરણોમાં શું આવશે તેનો ખ્યાલ પાઠકને આવશે. બીજા પ્રકરણમાં લેખિકાનો પીડિત લોકો અને વિસ્તાર સાથેનો પરિચય કયા સંજોગોમાં થાય છે તેની વાત આવે છે. રાજ્ય અને સરકારનો એક અંગ કે વિભાગ એ વન વિભાગ છે જે વનસંરક્ષણનાં નામે જોહુકમી ચલાવનાર વિભાગ છે. તેની આ જોહુકમીનો શિકાર આદિવાસીઓ જ બને છે જેઓ સદીઓથી – વન વિભાગ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં આ વનોમાં વસીને પ્રકૃતિના ખોળે સાદું જીવન ગાળતા હતા. વનવિભાગના આવવાથી તેઓની આજીવિકા પર જ તબાહી આવી અને તે એટલી ગંભીર કે આ પ્રજા થોડાક જ સમયમાં કારમી ગરીબીમાં સપડાઈ વનવિભાગના અમલદારોના રહેમોકરમ પર સબડવા માંડી. આવા અમાનવીય જુલમની એક ઘટનાથી લેખિકાનો સામનો થાય છે. તે આનાથી એટલી હચમચી જાય છે કે એવો નિર્ધાર કરે છે કે હવે પછીનો પોતાનો પૂર્ણ સમય આ જુલ્મોને નિવારવમાં કરશે. જંગલખાતાની ગેરરીતિને કઈ રીતે બંધારણની જોગવાઈનો આધાર લઈ અટકાવે છે અને જમીન ખેડનારને રાહત આપે છે તે વાત બીજા અને ત્રીજા પ્રકરણોમાં સમજાય છે.

ચોથું પ્રકરણ ગામના લોકોની રહેણીકરણીનું ટૂંકુ દસ્તાવેજીકરણ છે સાથે લેખિકાના સાથીઓ પોતાના બાલપણ અને તેમના મોટેરાઓ કઈ રીતે જીવતાં તેનું ફ્લૅશ્બેક તેમની જુબાની છે. અન્યાયની સામે લડાઈનો આધાર સત્ય અને અહિંસા જ હોય અને રહેશે એવો લેખિકાનો નિર્ધાર છે અને ગામના લોકો સાથે શરૂઆતમાં વારંવાર ઘુંટવામાં આવે છે જેનો ઉલ્લેખ પાંચમાં પ્રકરણમાં આવે છે સાથે જ લોકો પોતે કંગાલિયતમાં જીવતા હોવા છતાં જંગલખાતાના અધિકારીઓ અને અમલદારોને મરઘી-દારૂની ભેટ આપ્યા જ કરવી પડે છે તે વાત પણ આવે છે અને કઈ રીતે સત્યને વળગી રહેવાથી નિર્ભયતા આવે છે જેથી આવા પ્રકારની લાંચ-રુશ્વત આપવા પર કાપ આવે છે. આ બાબત જંગલખાતાના અમલદારો સાશ્ચર્ય નોંધે છે.

અહિંસાના માર્ગે સત્યની લડાઈ બે રીતે લડવામાં આવી છે. એક કાયદાકીય રીતે અને બીજું રેલી અને ધરણાં મારફત. પાઠકોને ખ્યાલ આવે છે કે આ વાર્તા કાયદાના જોરે આદિવાસીઓની વનસંપદાને પોતાને હસ્તક કરી સરકાર તેમને સાવ નિરાધાર બનાવી દે છે અને આજીવિકા માટે જંગલની કટાઈ પછી ખુલ્લી પડેલી જમીનોમાં અનાજ માટે ખેતી કરનાર આ આદિવાસીઓને ચોર કરાર કરી તેમને વારંવાર એ જમીનોમાંથી બેદખલ કરવા મથે છે. માત્ર એટલા અન્યાયી જુલમથી સંતોષ ન હોય તેમ મારપીટ અને ધાકધમકીનો જંગલવિભાગનો રોજનો વ્યવહાર. વેઠ પણ ખરી. આવી કપરી સ્થિતિમાં લેખિકાએ કઈ રીતે ધીમે ધીમે પણ મક્કમ રીતે માર્ગ કાઢી, હાઈકોર્ટમાં દાદ માગી, બંધારણમાં આપેલા નાગરિકના મૂળભૂત હકના હવાલાથી જંગલખાતાની કનડગતથી રાહત મેળવી આપી અને તે માટે લોક સંગઠન કઈ રીતે મજબૂતીથી બનાવ્યું અને પોતાના દાખલાથી લોકોના મનમાંથી બીક કાઢી એની વાર્તા દસ્તાવેજી વિગતો સાથે પહેલા ભાગના ચૌદ પ્રકરણોમાં જોવા મળે છે. સાચની લડાઈમાં હિંમતભેર ટકી રહેવાથી બીક ભાગે છે અને સત્ય ટકે છે તે વાત સરસ રીતે મૂકાઈ છે. રેલી અને ધરણાઓની નોબત વનવિભાગ કોર્ટ દ્વારા મળેલા હુકમોનું પણ અનાદર કરી ગામોમાં મનસ્વી રીતે વરતે છે ત્યારે આવે છે અને આ તમામ દેખાવોમાં અને રેલીઓમાં કાંકરીચાળો પણ ન થાય તે અનુશાસન અને પાલન થાય છે ત્યારે પોલીસ પાસેથી પણ ચાહના મેળવે છે તે પણ આ વાર્તામાં જોઈ શકાય છે. ચૂંટાયેલા રાજકારણીઓ અને લોક્સેવકો પણ ત્રાહિત લોકોને રક્ષણ આપતા શું રમતો રમે છે તેનો કિસ્સો પણ બહુ બોધદાયક છે. સરકાર અને વનવિભાગ કઈ રીતે લોકોના અસ્તિત્વને ગણકાર્યા વગર વિકાસની વિશાલકાય યોજનાઓ બનાવી તેની પર્યાવરણીય નકારાત્મક આડ અસરોને ખાળવા સંરક્ષણના પગલાં લે ત્યારે લોકો પર તેની શું અસર થાય છે તે તરફ કેટલા બેદરકાર હોય છે તેની વાર્તા પણ પહેલા ભાગના એક પ્રકરણમાં મળે છે. નર્મદા બંધના કારણે ડૂબમાં જતી વનરાજી સામે નવીન વનીકરણ કરવાને બદલે દેડિયાપાડાના મોટા જંગલ વિસ્તારોને અભયારણ્યમાં ફેરવી નાખે છે અને એ બાબતમાં આ વનાધારિત કુટુંબો જેઓ ત્યાં માંડ રળી ખાય છે તેમેને માહિતગાર પણ કરતા નથી. અભયારણ્યમાં વનસંરક્ષણ એટલું કડકાઈથી થાય છે કે કોઈ ઘાસ-પાંદડાં પણ પરવાનગી વગર ખસેડી ન શકે. વનવિભાગ આ કાયદા હેઠળ લોકોને નવેસરથી દમે છે. પાઠકો માટે બે બાબતો ધ્યાન આપવા લાયક છે. એક, લોકોનું સંગઠન લેખિકાના નેતૃત્વમાં કઈ રીતે કોર્ટ અને રૅલીના સહારે ખેડાણ હક ટકાવી રાખે છે. બીજું, વાડ ચીભડા ગળેના ન્યાયે વનવિભાગ અભયારણ્યના વાંસ કઈ રીતે કાગળની મિલને જૂના કરારના આધારે માત્ર આપવાનું ચાલુ રાખે છે તેટલું જ નહીં પણ વાંસનો તમામ જથ્થો બેદરકારી આડેધડ કપાવી આપી દેવા માગે છે. આ રસ જગાવતી વાર્તા વાંસ પુરાણમાં (પ્રકરણ ૧૩) વાંચવા મળશે. આ પ્રકરણ વાંચતા અનાયાસે સ્વામી આનંદે લખેલું ચરિત્રચિત્રણ મહાદેવથી મોટેરા માં રેલવે પુરાણની યાદ અપાવી જાય છે. આઝાદ ભારતના સત્તાના અહંકારમાં રાચતા અમલદારો ગુલામ ભારતના અંગ્રેજ અમલદારોને પણ પાછા મૂકે એવા કૃત્યો કરતા દેખાય છે. વરસોથી જંગલની જમીન પર ખેતી કરતા ખેડુઓના બળદ કબજામાં લઈ બંધ કરી દે અને સંગઠનથી બળ પામેલા ખેડૂતો એને છોડાવા જાય એવા એક બનાવમાં લેખિકા પોતે વનવિભાગની કચેરીથી છોડાવી લાવેલાં. વિભાગે થોડા દિવસ રહી બળદ ચોરીનો કેસ કરી એમને એક દિવસ ન્યાયિક હિરાસતમાં રહેવાને ફરજ પાડેલી! ખેડા સત્યાગ્રહના ‘ડુંગળીચોર’ની માફ્ક આઝાદ ભારતની આ મહિલા સત્યાગ્રહી ‘બળદચોર’ બને છે. રાજ્યસત્તાની રીતભાતો સરખી – ગોરા સાહેબ હોય કે કાલા સાહેબ. આવી ઘટનાઓની અસર એવી પડી કે ‘આ તુક્તાબેન જરા પણ બીવે નહીં અને આપણા માટે જેલ હો જાય’ તો આપણે શું બીવાનું? સત્યની લડતમાં નિર્ભય થવું જરૂરી અને જાત પર સહન કરવાનું જરૂરી તો જ સત્યાગ્રહ થાય અને સામેવાળા પર અસર થાય. ગાંધીજીની આ જ શીખ અને તેનો પ્રતાપ દેડિયાપાડાના આદિવાસીઓના સંઘર્ષમાં જોવા મળે છે.

પુસ્તકના ત્રીજા ભાગના પ્રકરણો આપણા લોકતંત્રમાં યોગ્ય કાયદો ઘડાય, તેના યોગ્ય નિયમો પણ બને પણ તેનો અમલ થશે જ એની ખાતરી કોઈ આપી શક્તું નથી. સત્ય સાથે સત્ય માટે લડનારાઓએ ગાફેલ રહેવાનું પોસાય એમ નથી. માત્ર એટલું જ નહીં પણ કાયદાને અમલ કરવા માટે હોશિયાર અને લુચ્ચી નોકરશાહી સામે હોશિયાર તો બનવું જ પડે. ચંપારણ સત્યાગ્રહ વખતે ગાંધીજીએ મોટા ગજાના વકીલોને હજારો ખેડૂતોની ટેસ્ટીમનીઓ આધાર પુરાવા સાથે ભેગું કરવાનું કામ સોંપેલું. નીલ બનાવનાર કંપનીના માલિકો અને જમીનદારો ખેડૂતો પર પારાવાર જુલમ ગુજારે પણ દાવો એવો કરેલો કે તેઓ ખેડૂતોને બહુ સારી રીતે રાખે છે. ખેડૂતોનું સત્ય કઈં બીજું જ હતું, ૮,૦૦૦ જેટલી ટેસ્ટીમની ભેગી કરેલી. વન કાયદા હેઠળ ખાનગી દાવાઓ પૂરવાર કરવા કયા પ્રકારની મશક્ક્ત થઈ, શું ખેલ થયા, લોકો કઈ રીતે જી.પી.એસ. અને પી.ડી.એ. મશીનો વિશે જાણકારી મેળવી ઉપયોગ કરવાનું શીખ્યા અને ભાઈ અંબરીષની કુનેહ અને આવડત કઈ રીતે કામ કરે છે એ ત્રીજા ભાગના પ્રકરણોમાં વિગતે જાણવા મળે છે. ગાંધીજી એક મોટા વિદ્વાન પિંકટ પાસે શીખેલા કે હકીકતો તે ત્રણ ચથુર્તાંશ કાયદો છે. આ સિદ્ધાંત પર ભાઈ અંબરીષ અને લેખિકા દાવાઓના પૂરાવા પૂરા પાડે છે. દાવાઓ પૂરાવા સાથે મૂકી કેસ એટલા મજબૂત થાય છે કે ગુજરાત આખામાં તો ખરું જ પણ કદાચ દેશમાં ક્યાંયે આટલા દાવા (૯૦ % ઉપર) પાસ થયા હોવાનો દાખલો નથી.

પુસ્તકનો ચોથો ભાગ એક નવીન પ્રયોગ છે. ઉત્પાદક સંસાધન એટલે કે જમીન પર ખાનગી માલિકીના હક મળે તો વ્યક્તિની સર્જનાત્મકતા કેટલી પૂરબહાર ખીલે છે અને તેમાં પણ જો જાણકારોનું અને સંગઠનનો સહકાર મળે તો સંસાધનની ઉત્પાદકતા કેટલી વધારી શકાય તેની વાત અને વાર્તા ૨૧માં પ્રકરણમાં જોવા મળે છે. સરકારના તાબા હેઠળની પ્રાકૃતિક સંપદા અને સામુદાયિક માલિકી હક હેઠળ આપવામાં આવતા અધિકારો સાથે લોક સંગઠન અને ગ્રામ સભાઓ શું કરી શકે તેની વાત ૨૨ અને ૨૩માં પ્રકરણોમાં જોવા મળે છે. વાંસ પુરાણમાં સરકાર અને ધંધાદારી બળોના ગઠબંધનથી જે નકારાત્મ્કતા ઊભી થાય છે તેની સામે ગ્રામ સભા અને લોક સંગઠન કઈ રીતે જંગલ જેવા સંસાધનનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે તે જાણવા મળે છે. આમ દેડિયાપાડાના ગામોની સૂરત બદલાઈ છે.

સત્ય, અહિંસા અને સત્યાગ્રહ મુશ્કેલ અવશ્ય છે, પણ હિંમતભેર નિર્ભયતાથી લોકાધાર ઊભો કરી ટકી રહેવાથી બંધારણનાં મૂળ મૂલ્યો સ્વતંત્રતા, ન્યાય અને સમાનતા તરફ આગળ વધી શકાય તેની ગવાહી આપતી વાર્તા અને દસ્તાવેજ એટલે આ પુસ્તક.

Plot no. 3,  ARCH Campus, Nagaria, Dharampur 396 050 District Valsad  Gujarat, India

પ્રગટ : “ભૂમિપુત્ર”, 01 ઑગસ્ટ 2021; પૃ. 15-17 તેમ જ 14

Loading

12 August 2021 admin
← ‘ઓપિનિયન’નો ત્રિવેણીસંગમ : ડાહ્યાભાઈ મિસ્ત્રી
‘જીવનનું પરોઢ’ એટલે ગુજરાતી ગદ્યનો સમર્થ વિનિયોગ →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved