Opinion Magazine
Number of visits: 9448977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—106

દીપક મહેતા|Opinion - Opinion|31 July 2021

જ્યારે વિલે પાર્લેની વાડીઓનાં શાકભાજી આખા શહેરમાં વખણાતાં 

પહેલું ચર્ચ બંધાયું ૧૮૬૮માં, પહેલું મંદિર બંધાયું ૧૯૧૨માં

આમ તો આખા મુંબઈ શહેરના વિકાસ સાથે પારસીઓ સંકળાયેલા છે, પણ વિલે પાર્લે સાથે તેમનો નાતો ખાસ નિકટનો હતો. એક જમાનામાં અંગ્રેજ સરકારે જૂહુ અને પાર્લે, એ બંને ગામડાં આખેઆખાં વાડિયા કુટુંબને વેચી દીધાં હતાં. આ કુટુંબના લવજી વાડિયાએ મુંબઈમાં જહાજ વાડાનો પાયો નાખ્યો અને કંપની સરકાર માટે લાકડાનાં વહાણ બાંધવાનું શરૂ કરેલું. વાડિયા ટ્રસ્ટ અને સરકાર વચ્ચે રીતસરના કરાર થયેલા. એ કરાર મુજબ આ બંને ગામડાંમાં રસ્તાઓ બાંધવાની, લોકોને પાણી પૂરું પાડવાની, સામાજિક અને શૈક્ષણિક માળખું ઊભું કરવાની, તબીબી સગવડ પૂરી પાડવાની જવાબદારી વાડિયા ટ્રસ્ટની હતી. લોકો પાસેથી કરવેરા ઉઘરાવવાનું ટ્રસ્ટને માથે હતું, પણ એની પૂરેપૂરી રકમ સરકારી તિજોરીમાં જમા કરવાની હતી. અલબત્ત, આ બધાના બદલામાં વાડિયા ટ્રસ્ટને આ બંને ગામડાંની જમીન મફતમાં મળી હતી. મુંબઈના વિકાસ માટે આ મોડેલ કંપની સરકારે બીજી પણ ઘણી જગ્યાએ અપનાવ્યું હતું. કારણ લંડનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરો મુંબઈના વિકાસ માટે ઝાઝા પૈસા ખરચવા તૈયાર નહોતા. પણ સરકારના સ્થાનિક અધિકારીઓ જાણતા હતા કે શહેરના વિકાસ વગર સરકારની આવક વધવાની નથી. વખત જતાં બર્વે અને અગાશે નામના બે મરાઠીભાષી જાણકારો વાડિયા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી થયા. તેમણે વ્યવસ્થિત આયોજનપૂર્વક આ બન્ને ગામડાંનો વિકાસ કર્યો. જ્યાં જે.આર.ડી. તાતાનું વિમાન ઊતરેલું એ નાનકડું જૂહુ એરોડ્રોમ પણ બંધાયેલું વાડિયા ટ્રસ્ટની જમીન પર. ૧૮૯૦માં જમશેદજી તાતાએ પણ વિલે પાર્લેમાં પુષ્કળ જમીન ખરીદી હતી અને રહેવા માટે બંગલો પણ બાંધ્યો હતો. ૧૨૦૦ એકર જેટલી જમીનને સમથળ કરીને તેને ૫૦૦ પ્લોટમાં વહેંચી હતી. તેના પર મોટી વસાહત ઊભી કરવાની તેમની યોજના હતી, પણ ૧૯૦૪માં તેમનું અવસાન થયા પછી એ આખી યોજના રખડી પડી. છતાં શહેરના બીજા ભાગોની જેમ આજે પણ સાંતા ક્રુઝ, વિલે પાર્લે, અંધેરીમાં જૂદી જૂદી જગ્યાએ તાતા કોલોની જોવા મળે છે.

આવું હતું વિલે પાર્લે ઇસ્ટ

કેવું હતું એ જમાનાનું પાર્લા? જ્યાં જુઓ ત્યાં આંબા-આંબલીના ઝાડનાં ઝુંડનાં ઝુંડ. શાકભાજીની વાડીઓ. ૧૯૨૯માં બી.બી.સી.આઇ. રેલવેએ વિરાર અને ગ્રાન્ટ રોડ વચ્ચે રોજ ખાસ બજાર સ્પેશિયલ ટ્રેન શાકભાજી માટે દોડાવવાનું શરૂ કરેલું. વહેલી સવારે વિરારથી નીકળીને એ ટ્રેન નાલાસોપારા, વસઈ, ભાઈન્દર, બોરીવાલી અને વિલે પાર્લે રોકાતી અને શાકભાજી તથા ફળફળાદિ ગ્રાન્ટ રોડ પહોંચાડતી. તળ મુંબઈમાં રહેતા ગુજરાતીઓ પાર્લેનાં શાકભાજી ખરીદવાનું ખાસ પસંદ કરતા. આ ટ્રેન શરૂ થઈ તે પહેલાં પણ વિલે પાર્લે આ બધું તળ મુંબઈને પૂરું પાડતું. પણ ત્યારે બધો માલ ગાડામાં કે નાના-મોટા મછાવામાં મોકલાતો. પાર્લેનાં કાકડી, દૂધી, રિંગણાં, ભીંડા, ખાસ વખણાતાં. અહીંના કોલમ ચોખાની પણ શહેરમાં ખૂબ માગ રહેતી.

એક જમાનામાં પાર્લેની બીજી એક વિશેષતા હતી ત્યાં બનતી પથ્થરની જણસો. સાન્તા ક્રુઝ ઇસ્ટ અને ગોરેગાવ વેસ્ટમાં આવેલી ખાણોમાંથી ખાસ જાતનો પથ્થર પાર્લા લવાતો. નાનાં મોટાં વાસણ અને વસ્તુઓ ઘડવા માટે એ પથ્થર ખાસ કામ લાગે તેવો હતો. એ વખતે ઘરનાં બધાં કામ જાતમહેનતથી કરવા પડતાં. લગભગ દરેક ઘરમાં પથ્થરની બનેલી બે-ચાર વસ્તુ તો હોય જ. સૌથી પહેલી તે લોટ દળવાની ઘંટી. પછી ચટણી વાટવાનો પથ્થર. શ્રદ્ધાળુઓ પૂજાઅર્ચના માટે ચંદનનો ઉપયોગ કરતાં. એ ઘસવા માટેના ઓરસિયા (આજના ઘણા યુવાનોએ તો એ નામ પણ નહિ સાંભળ્યું હોય!) પથ્થરના બનતા. ઘરના બારણા પવનથી ભટકાય નહિ એ માટે આજના જેવા મેગ્નેટિક સ્ટોપર તો એ વખતે હતાં નહિ. એટલે ઘણા લોકો એ માટે નાના પથ્થર વાપરતા. થોડું નકશીકામ કરેલા આવા પથ્થર પાર્લામાં બનતા. ચોખા છડવા માટે તથા મસાલા કૂટવા માટેનાં પથ્થરનાં ખાંડણિયાં પણ પાર્લામાં બનતાં. ઘણાં ઘરોમાં અંદર અને બહાર પથ્થરના ગોખલા પણ રહેતા. ઘોડા વગેરેને પાણી પીવા માટે જે હવાડા બંધાતા તે પણ પથ્થરના. અને આ બધો સામાન પાર્લેમાં બનતો અને ગાડાંઓ દ્વારા શહેરમાં જતો. તો સાંતા ક્રુઝ, પાર્લા, અંધેરીના કેટલાક ભાગોમાં જંગલો હતાં તેનું લાકડું બળતણ માટે વપરાતું એટલે પાર્લામાં લાકડાની વખારો પણ હતી.

સેન્ટ ઝેવિયર્સ ચર્ચ, વિલે પાર્લે વેસ્ટ

વિલે પાર્લેમાં ખ્રિસ્તીઓની સારી એવી વસ્તી હોવા છતાં ત્યાં એક પણ ચર્ચ નહોતું. એટલે દર રવિવારે શ્રદ્ધાળુઓ ગાડામાં બેસીને આંબોલી ચર્ચ જતા-આવતા. કાલીનાના ચર્ચના ફાધરના વડપણ હેઠળ એક સમિતિ બની જેણે પાર્લામાં રેલવે લાઈન નજીક સ્થાનિક લોકો પાસેથી જમીન ખરીદી લીધી. મિસક્વિટા કુટુંબે પણ પોતાની જગ્યા દાનમાં આપી. ફાધર ડિસુઝા ગોવાથી સંત ફ્રાન્સિસનાં પવિત્ર અવશેષ લઈ આવ્યા. અને ૧૮૬૮માં આજના ચર્ચ રોડ પર સેન્ટ ઝેવિયર્સ ચર્ચ બાંધ્યું. આ ચર્ચની પાછળની એક વસ્તીમાં મુખ્યત્વે દોરડાં બનાવનારાઓ રહેતા. શઢવાળાં વહાણોના જમાનામાં મજબૂત દોરડાંનું પુષ્કળ મહત્ત્વ હતું. અગાઉ કોટ વિસ્તારમાં પણ રોપ વે સ્ટ્રીટ હતી જ્યાં દોરડાં બનાવવાનું કામ મોટે પાયે થતું. આ દોરડાં દેશ-વિદેશથી આવતાં મોટાં વહાણો વાપરતાં. જ્યારે વિલે પાર્લેમાં બનતાં દોરડાં ઉપનગરોનાં નાનાં બંદરો પરનાં નાનાં વહાણ વાપરતાં. એ જગ્યાની બાજુમાં ભંડારી વાડો હતો. ત્યાંની મુખ્ય વસ્તી કોળી, આગરી, ભંડારી, કણબી, અને ઇસ્ટ ઇન્ડિયનની હતી. વિલે પાર્લેમાં પહેલવહેલું હિંદુ મંદિર ૧૯૧૨માં બંધાયું. પાર્લે ઇસ્ટમાં આવેલું પાર્લેશ્વરનું મંદિર તે આ મંદિર. કેટલાક કહે છે કે વિલે પાર્લેનું નામ આ મંદિર પરથી પડ્યું છે. પણ તે શક્ય નથી, કારણ અ મંદિર ૧૯૧૨માં બંધાયું તે પહેલાં જ ૧૯૦૭માં અહીં બંધાયેલા રેલવે સ્ટેશનને વિડલે-પાડલે એવું નામ અપાઈ ચૂક્યું હતું.

પાર્લેશ્વર મંદિર, વિલે પાર્લે ઇસ્ટ

૧૯૧૭માં વિલે પાર્લેની કુલ વસ્તી પાંચ હજારની હતી. તેનો મોટો ભાગ ખ્રિસ્તીઓનો હતો. જ્યારે ૪૦૦થી ૫૦૦ ગુજરાતીઓ રહેતા હતા. એ જ અરસામાં તેમણે લક્ષ્મી ચોકમાં નવરાત્રીની ઉજવણી શરૂ કરી. રોજ સ્ત્રી-પુરુષો ગરબા-રાસ રમતાં અને માતાજીની આરતી ગાતાં. ત્યારથી વિલે પાર્લેમાં એક યા બીજે સ્થળે નવરાત્રીની સાર્વજનિક ઉજવણી થતી આવી છે.  આ ઉપરાંત ગોખલેનું શ્રી રામ મંદિર ૧૯૧૩માં, શ્રી હનુમાન મંદિર ૧૯૧૮માં, મણિબહેન નાણાવટીનું જૈન મંદિર ૧૯૨૧માં, અને મહાલક્ષ્મી મંદિર ૧૯૩૪માં બંધાયાં. ૧૯૩૮માં સન્યાસ આશ્રમની સ્થાપાના થઈ.

મોહનલાલ ચૌહાણ

પણ ‘પાર્લે’ નામને દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યું તે તો ગુજરાતના પારડી ગામના એક દૂરંદેશી દેશભક્ત યુવાને. જર્મનીમાં તાલીમ લઈને આવેલા મોહનલાલ ચૌહાણે પાર્લે ઈસ્ટમાં રેલવે લાઈન નજીકના એક તબેલામાં ફક્ત ૧૨ મજૂરો સાથે ૧૯૨૯માં એક નાનકડી ફેક્ટરી શરૂ કરી. ચૌહાણ કુટુંબ સ્વદેશીની ચળવળ સાથે સંકળાયેલું હતું. એ વખતે બિસ્કિટ, પીપરમિન્ટ, ટોફી, ચોકલેટ જેવી વસ્તુઓ પણ ઇંગ્લેન્ડથી આયાત થતી. આયાત થતી એટલે પુષ્કળ મોંઘી હતી. અને મોંઘી હતી એટલે આમ આદમીને તો પોસાતી જ નહિ. બિસ્કિટ-ચોકલેટ તો તવંગરોનાં ઘરમાં જ જોવા મળે. હન્ટલી પામર્સ, યુનાઈટેડ બિસ્કિટ્સ, બ્રિટાનિયા, ગ્લેક્સો વગેરે જાણીતી કંપનીઓનો માલ આયાત થતો. મોહનલાલને થયું કે આવી રોજિંદા વપરાશની ચીજો પણ આપણા દેશમાં ન બને એ કેવું? એટલે જર્મની જઈને બિસ્કિટ-પીપરમિન્ટ બનાવવાની તાલીમ લીધી. સ્વદેશ પાછા ફરતાં ૬૦ હજાર રૂપિયાની મશીનરી ખરીદીને લેતા આવ્યા. અને પહેલવહેલી એ ફેક્ટરીમાંથી બનાવી ઓરેન્જ કેન્ડી. અને ૧૯૩૯માં બનાવ્યાં પહેલવહેલાં સ્વદેશી બિસ્કિટ, પાર્લે જી. પછી તો અંગ્રેજીમાં કહે છે તેમ The rest is history. 

આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને એક દેશમાંથી બીજા દેશમાં જવા કરતાં પણ વધુ અઘરું કામ કયું? એક વાર પાસપોર્ટ અને વિઝા તમારા હાથમાં હોય તો પછી તમને અછો વાનાં કરીને વિદેશ લઈ જવા માટે વિમાન કંપનીઓ તો આતુર હોય છે. પણ ટેક્સી કે રિક્ષામાં બેસીને મુંબઈના કોઈ પણ પરામાં ઇસ્ટમાંથી વેસ્ટમાં કે વેસ્ટમાંથી ઈસ્ટમાં જવાનું કેટલું કપરું છે એ તો રામ બાણ વાગ્યાં હોય તે જાણે. જી.આઈ.પી. અને બી.બી.સી.આઈ. રેલવેએ આપણા પર ઘણા ઉપકાર કર્યા પણ તેમણે મુંબઈના પરાઓને ઇસ્ટ અને વેસ્ટમાં વહેંચી નાખ્યા. બંને અડધિયાંની દુનિયા જ જૂદી. આનો સૌથી વધુ અનુભવ થાય વિલે પાર્લેમાં. વિલે પાર્લે પશ્ચિમમાં ગુજરાતીઓના ડેરાતંબુ, તો વિલે પાર્લે ઈસ્ટ એટલે મરાઠી ભાષા-સંસ્કૃતિનો ગઢ. મૂળ જેમની વસ્તી સૌથી વધુ હતી તે ખ્રિસ્તીઓની છાંટ બંને બાજુ થોડી થોડી હજીએ જોવા મળે ખરી. શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિની મોટી સંસ્થાઓ બંને બાજુ. પોત એક, પણ ભાત જૂદી. જો કે છેલ્લા બે-એક દાયકામાં મુંબઈમાં કોઈ સંસ્કૃતિ સર્વવ્યાપક બની હોય તો તે વેપારધંધાની સંસ્કૃતિ – જો તેને સંસ્કૃતિ કહી શકાય તો. અને એટલે કોલાબાથી માંડીને દહિસર સુધીના ઘણા વિસ્તારો પોતાની આગવી ઓળખને ઓગાળીને આ વૈશ્ય સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. ખાણીપીણી, પહેરવેશ, રહેણીકરણી, વિચારો, આદર્શોની વિવિધતા, તેના પોતીકાપણા અંગેના આગ્રહો, વગેરે નવી પેઢીમાં ઓછા ને ઓછા થતા જાય છે. તેમની બોલચાલની ભાષા બમ્બૈયા હિન્દી કે ઇન્ડિયન ઇંગ્લિશ બનતી જાય છે. આની ખાતરી કરવી હોય તો વિલે પાર્લેના રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર ઊભા રહી ટ્રેનોમાંથી ઉતરતા કે ચડતા, પશ્ચિમ કે પૂર્વની કોલેજોમાં જતાં છોકરા-છોકરીને જોવાં-સાંભળવાં. જાણે કહેતાં ન હોય : હમ પંછી એક ડાલ કે.

અગલા સ્ટેશન અંધેરી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 31 જુલાઈ 2021

Loading

31 July 2021 admin
← કવીશ્વર દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ
જિંદગી એક જ મળી છે ત્યારે કયો માર્ગ અપનાવશો? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved