૧૯૯૧ની ૨૧મી જૂને નહેરુ-ગાંધીપરિવાર સિવાયના પ્રથમ કૉન્ગ્રેસી વડા પ્રધાન તરીકે પી.વી. નરસિંહ રાવે સત્તાના સૂત્રો સંભાળ્યાં તે ભારતીય રાજનીતિની નોંધપાત્ર ઘટના હતી. ખાડીયુદ્ધ અને સોવિયેત રશિયાના વિઘટન વચ્ચે દેશની આર્થિક સ્થિતિ તળિયે હતી. એટલે ૨૪મી જુલાઈ ૧૯૯૧ના રોજ નરસિંહરાવે તેમના અર્થશાસ્ત્રી નાણામંત્રી મનમોહન સિંઘની સલાહ અનુસરી દેશના અર્થતંત્રને બજારને હવાલે કરતું ઉદારીકરણ સ્વીકારી લીધું હતું. કૉન્ગ્રેસના સમાજવાદને તિલાંજલિ આપી આર્થિક સુધારાની નીતિ અંગીકારીને કૉન્ગ્રેસે ભારતીય અર્થકારણને ઐતિહાસિક વળાંક આપ્યો હતો.
આઝાદી સમયે દેશે ન મૂડીવાદી, ન સમાજવાદી એવી મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. સાથે નહેરુ કલ્પનાના સમાજવાદને કારણે રાષ્ટ્રીયકરણ અને જાહેર ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો હતો. ૧૯૪૯માં રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાનું અને ૧૯૫૫માં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પોતાના પ્રધાનમંત્રીત્વકાળ દરમિયાન ઇંદિરા ગાંધીએ ૧૯૬૯માં ૧૪ બૅન્કોનું તો મોરારજી દેસાઈએ ૧૯૮૦માં ૬ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ૨૦૧૭માં દેશમાં ૨૭ રાષ્ટ્રીયકૃત બૅન્ક હતી. ૧૯૫૦થી ૧૯૬૦ના ગાળામાં કેન્દ્ર અને રાજ્યોએ ૧,૨૦૦ જેટલી સરકારી કંપનીઓ બનાવી હતી. આજે દેશમાં ૨૫૭ જાહેરક્ષેત્રના ઉદ્યોગો છે અને તેમાંથી ૧૮૪ નફો કરે છે.
૧૯૯૧ના બજારકેન્દ્રી ઉદારીકરણને કારણે ખાનગીકરણનો વાયરો ફૂંકાયો હતો. ઉદારીકરણના ત્રણ દાયકાના અંતે આજે ઉદારીકરણના બીજા તબક્કામાં સરકાર ખાનગીકરણની ખુલ્લેઆમ તરફેણ કરે છે. વિનિવેશ થકી ખાનગીકરણના આરંભનો તો સરકારોએ ક્યારનો અમલ કરી દીધો છે. સરકાર જ્યારે વિનિવેશનો માર્ગ અપનાવે છે, ત્યારે તે બૅન્ક, વીમા કંપની કે જાહેર ક્ષેત્રના ઉપક્રમનો અમુક હિસ્સો ખાનગી વ્યક્તિ કે કંપનીંને વેચે છે, પરંતુ નિયંત્રણ પોતાના હસ્તક રાખે છે જ્યારે ખાનગીકરણમાં તે બહુમતી હિસ્સો વેચીને સંચાલન ખાનગી હાથોને સોંપી દે છે. ઉદારીકરણના આરંભે ૧૯૯૧-૯૨માં ૩૧ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારે વિનિવેશ મંત્રાલય અને વિનિવેશ આયોગની રચના કરી હતી.
ઉદારીકરણના ત્રણ દાયકામાં વિશ્વ અર્થવ્યવસ્થામાં ભારતની ભાગીદારી ત્રણ ગણી વધી હોવાનું અને ખાનગીકરણને કારણે બૅન્કિંગ, સંચાર, મોબાઇલ અને વિમાનસેવામાં સુધારો થયાનું કહેવાય છે. જાહેરક્ષેત્રમાં કામચોરી, ભ્રષ્ટાચાર, જરૂરિયાત કરતાં વધુ સ્ટાફ છે. બૅન્કોની એન.પી.એ. (નૉન પરફૉર્મિંગ એસેટ્સ) વધી રહી છે. છેલ્લાં ત્રણ વરસોમાં કેન્દ્ર સરકારે સરકારી બૅન્કોને રૂ. ૧૫૦ લાખ કરોડ ખોટ સરભર કરવા આપ્યા છે. જાહેરક્ષેત્રના કેટલાક ઉદ્યોગો પણ ખોટમાં ચાલે છે. તેને કારણે પણ ખાનગીકરણ જરૂરી હોવાની દલીલો થાય છે.
હાલમાં મહામારી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં સંસાધનોનું સંકટ છે અને સરકાર આર્થિક રીતે તંગહાલ છે, એટલે તે સામાજિક યોજનાઓ માટે જરૂરી નાણાં મેળવવા, રાજકોષીય ખાધ ઘટાડવા ખાનગીકરણનો રાહ આપદ્ ધર્મ તરીકે અપનાવી રહ્યાનું કહેવાય છે. ૧૯૯૪થી ૨૦૦૫માં કેન્દ્ર સરકાર વિનિવેશથી રૂ.૬,૩૪૪ કરોડ કમાઈ હતી. ૨૦૦૯થી ૧૪માં રૂ. ૧ લાખ કરોડની કૉન્ગ્રેસ સરકારે તો ૨૦૧૪થી ૧૯માં રૂ. ૨.૮૨ લાખ કરોડની બી.જે.પી. સરકારે જાહેર ક્ષેત્રના વેચાણમાંથી કમાણી કરી હતી. ૨૦૦૬માં ઇન્ડિયન ઑઇલ કંપનીમાં સરકારી ભાગીદારી ૮૨ ટકા હતી, ૨૦૧૯માં ૫૨ ટકા છે. ૨૦૧૭માં સરકારી બૅન્કો ૨૭ હતી, તે ખાનગીકરણ અને વિલયથી ઘટાડીને આજે ૧૨ કરવામાં આવી છે. એટલે ખાનગીકરણ કે વિનિવેશ વર્તમાન સરકારનો કોઈ આપદ્ ધર્મ નથી. ખાનગીકરણને બહાને સરકારોની ઉડાઉગીરી લાંબા સમયની છે.
૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં સરકારે બે બૅન્કો અને એક સરકારી કંપનીનું ખાનગીકરણ કરીને ૧.૭૫ લાખ કરોડ મેળવવાનું લક્ષ્ય ઘોષિત કર્યું છે. નીતિ આયોગે લગભગ ૧૦૦ જેટલી જાહેર સંપત્તિ અને જાહેક્ષેત્રના ૧૩ ઉપક્રમો ખાનગીકરણ માટે તારવ્યા છે. આ વરસના બજેટનો લક્ષ્યાંક હાંસલ કરવા સેન્ટ્રલ બૅન્ક અને ઇન્ડિયન ઓવરસિસ બૅન્કનું ખાનગીકરણ કરવાનું નક્કી થઈ ગયું છે. અમદાવાદ સહિત ઘણાં શહેરોના આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ખાનગી કંપનીઓના હવાલે કરી દીધાં છે. પી.પી.પી. કહેતાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના રૂપાળા નામે સવાસો રેલવે સ્ટેશનોનું ખાનગીકરણ થવાનું છે.
વર્તમાન સરકાર મૂડીવાદીઓની તરફદાર એવી ‘સૂટબૂટની સરકાર’ હોવાની વિપક્ષી આલોચનાથી સહેજ પણ ડર્યા કે ડગ્યા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખાનગી ક્ષેત્રનાં ગુણગાન ગાયાં હતાં. “ધંધોવ્યવસાય કરવાનું સરકારનું કામ નથી” તેમ કહીને વડા પ્રધાને ખાનગી ક્ષેત્રની પ્રશંશા કરીને જાહેરક્ષેત્ર જરૂરી છે, પણ દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ પણ જરા ય ઓછું ન હોવાનું જણાવ્યું હતું. બધું જ સરકાર કરશે તે બાબતને જમાનાજૂની ગણાવી, લોકોના જીવનમાંથી નકામી સરકારી દખલ ઓછી કરી, ન સરકારનો અભાવ કે ન પ્રભાવ એવી પ્રતિબદ્ધતા પ્રધાન મંત્રીએ વ્યક્ત કરી હતી.
સરકાર બોજારૂપ કે ધોળા હાથી જેવાં જાહેર ક્ષેત્રોને વારસાના નામે ન સાચવે તે સમજી શકાય છે, પરંતુ નફો કરતા જાહેર ક્ષેત્રના ખાનગીકરણનો ર્નિણય કરતી મૂડીપતિઓની તરફદાર છે. સરકાર ‘ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ’(બી.પી.સી.એલ.)નું ખાનગીકરણ કરવાની છે આ સરકારી કંપની દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની અને ત્રીજી મોટી તેલ-રિફાઇનરી છે, તેની ગણના જાહેરક્ષેત્રની ‘નવરત્ન’ કંપનીઓમાં થાય છે, જેનો સરેરાશ વાર્ષિક કારોબાર ૨૫,૦૦૦ કરોડથી વધુ હોય અને છેલ્લાં ત્રણ વરસોમાં જેણે ૫,૦૦૦ કરોડ નફો કર્યો હોય તેવા જાહેરક્ષેત્રના નવ ઉપક્રમોને સરકારે ‘નવરત્ન’ ગણ્યા છે. ભારત પેટ્રોલિયમ કંપની તે પૈકીની એક છે. વીસ હજાર કર્મચારીઓ ધરાવતી આ કંપનીએ તાળાબંધીના કપરાકાળમાં રાંધણગૅસ અને અન્ય ઈંધણોની અછત સર્જાવા દીધી નથી. ભારત સરકારનો આ કંપનીમાં ત્રેપન ટકા જેટલો હિસ્સો છે. ગયા વરસે તેનો નફો સાત ગણો વધ્યો હતો. તેનો સીધો નફો ૧૨,૮૫૧ કરોડ હતો. અને છતાં તેનું ખાનગીકરણ થવાનું છે !
આશરે સવા લાખ કર્મચારીઓ અને ત્રીસેક કરોડ પૉલિસીધારકો ધરાવતી, ૧૯૫૬માં સ્થાપિત, દેશની સરકારી વીમાકંપની લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન(એલ.આ.ઇસી.)ને હજુ બે વરસ પહેલાં જ, ૨૦૧૯માં, ખોટ કરતી આઈ.ડી.બી.આઈ. બૅન્કનો ૯૪ ટકા હિસ્સો ખરીદવાની સરકારે ફરજ પાડી હતી. હવે એ જ એલ.આઈ.સી.માં એફ.ડી.આઈ.(વિદેશી રોકાણનો હિસ્સો)ની મર્યાદા ૪૯ ટકાથી વધારીને સરકાર ૭૪ ટકા કરવાની છે. પાંચ લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી સો જાહેર સંપત્તિનું વેચાણ કરીને સરકાર રૂ. ૨.૫ લાખ કરોડ ઊભા કરવાની છે. સરકારે ખોટ કરતા જાહેર ક્ષેત્રને નાણાકીય મદદ કરવાના બોજમાંથી મુક્ત થવું જોઈએ, પણ નફાકારક અને સુચારુ રૂપે ચાલતી આવી કંપનીઓનું ખાનગીકરણ કરે તો સવાલ ઊઠશે જ. શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રેલવે, હાઈવે, દૂરસંચાર, માળખાકીય સુવિધાઓ જેવાં ઘણાં ક્ષેત્રોનું ખાનગીકરણ થઈ રહ્યું છે. લાગે છે કે સરકાર નફાનું ખાનગીકરણ અને ખોટનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે !
રાષ્ટ્રીયકરણ સમયે આખા દેશમાં બૅન્કોની ૮,૨૦૦ શાખાઓ હતી. આજે આશરે ૮૫ લાખ છે. રાષ્ટ્રીયકરણને કારણે બૅન્ક ગામડાંઓ સુધી પહોંચી છે, અને તેનો ઉદ્દેશ લોકોની સેવાનો બન્યો છે. નાના ઉદ્યોગકારો, ખેડૂતો, નોકરિયાતો, મહિલાઓ, અસંગઠિતો અને વિદ્યાર્થીઓ માટે બૅન્કલૉન સુલભ બની છે. જનધન ખાતાં, ઝીરો બૅલેન્સ ખાતાં અને સરકારી યોજનાઓના લાભો બૅન્ક મારફત આપવાને કારણે ગરીબોની પહોંચ બૅન્કો સુધી શક્ય બનતાં આમઆદમીની નાણાકીય સમાવેશિતા થઈ છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના કારણે સમાજના વંચિત વર્ગોને રોજગારીની તકો મળી છે. સરકારી ઉપક્રમોમાં અનામત નીતિને કારણે દલિતો-આદિવાસીઓ નોકરી મેળવી શક્યા છે. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની સાંઠગાંઠ અને સરકારી દખલને કારણે મસમોટી રકમોની લોનો અપાય અને તે ન ચૂકવાય કે બૅન્કોએ આપેલી લોનો માંડવાળ કરવાના રાજકીય ર્નિણયો થાય તેને કારણે બેન્કોના ખાનગીકરણનો માર્ગ અખત્યાર કરવો યોગ્ય નથી.
જાહેર ક્ષેત્રનો નફો સાર્વજનિક હોય છે, જ્યારે ખાનગી ક્ષેત્રનો નફો વ્યક્તિગત હોય છે. ખાનગી ક્ષેત્રની કાર્યકુશળતા વખાણીને જાહેર ક્ષેત્રને ઉતારી પાડવું યોગ્ય નથી. સાર્વજનિક ક્ષેત્રોને કારણે સરકારની જે જવાબદેહી હોય છે, તેનો ખાનગી ક્ષેત્રમાં અભાવ હોય છે. ખાનગી ક્ષેત્રનો આદર્શ ઓછા દામ વધુ કામનો હોઈ જાહેર ક્ષેત્ર અને બૅન્કોના ખાનગીકરણની સૌથી મોટી અસર કર્મચારીઓ પર પડે છે. દેશમાં બેરોજગારી ચરમ પર છે, ત્યારે જ ખાનગીકરણને કારણે છટણી થતાં બેકારી વધશે. ખાનગી ક્ષેત્રનો એક માત્ર ઉદ્દેશ નફો કમાવાનો છે, ત્યારે તે જાહેરક્ષેત્રની જેમ પછાત વિસ્તારોમાં ન જતાં ગરીબોની જે નાણાકીય સમાવેશિતા શક્ય બની છે, તે જોખમાશે. સામાજિક ઉત્તરદાયિત્વનો અભાવ, ભેળસેળ, ઊતરતી ગુણવત્તા, કાળું નાણુ, પર્યાવરણને નુકસાન, પ્રદૂષણમાં વધારો જેવી બાબતો ખાનગીકરણની ઓળખ છે. સાર્વજનિક ક્ષેત્ર તેની મર્યાદાઓ છતાં આ બાબતોથી દૂર છે. એટલા માટે પણ જાહેરક્ષેત્રોનું ખાનગીકરણ નુકસાનકારક છે. વળી, ખાનગી ક્ષેત્ર પણ કંઈ દૂધે ધોયેલું નથી. ખાનગી ક્ષેત્રની યસ, આઈ.સી.આઈ.સી.આઈ., લક્ષ્મીવિલાસ અને ઍક્સિસ બૅન્ક પણ ખોટ કરતી બૅન્કો છે. શિક્ષણ સંસ્થાઓ અને આરોગ્ય ક્ષેત્રમાં ખાનગીકરણના માઠાં પરિણામો દેશ ભોગવી રહ્યો છે. એટલે ખાનગીકરણનો વ્યાપ વધારી દેશવાસીઓની ધીરજની વધુ કસોટી ન લેવી જોઈએ.
દેશમાં ૪૭૩ વર્ગ કિલોમીટરે એક કૃષિબજાર છે. ૨૦૦૬માં રાષ્ટ્રીય કિસાન આયોગે દર ૮૦ કિલોમીટરે એક કૃષિબજાર ઊભું કરવા ભલામણ કરી હતી. પરંતુ ખાનગી ક્ષેત્રને જેટલો રસ કૉર્પોરેટ ફાર્મિંગમાં છે કે અનાજનાં મોટાં ગોડાઉન ઊભા કરવામાં છે તેટલો નાનાં કૃષિબજારો ઊભાં કરવામાં નથી. ૨૦૦૩માં જાપાને તેની ટપાલ સેવાનું ખાનગીકરણ કર્યું હતું, પરંતુ સંસદના ઉપલા ગૃહમાં તેનો અસ્વીકાર થતાં તત્કાલીન જાપાની વડા પ્રધાન કોઈ જુમીએ ૨૦૦૫ની સામાન્ય ચૂંટણી આ મુદ્દે જ લડવાનું એલાન કરી વિજય મેળવ્યો હતો. પણ ભારતમાં બધું ચોરીછૂપીથી થાય છે.
ભારતમાં બૅન્કો રાષ્ટ્રીયકરણનો અને જાહેર ક્ષેત્રની સ્થાપનાનો ર્નિણય જો રાજકીય હતો, તો તેને તિલાંજલિ આપી ખાનગીકરણનો ર્નિણય પણ રાજકીય છે. તે બાબતમાં કૉન્ગ્રેસ-ભા.જ.પ .એકસંપ છે. એટલે રાજનીતિ અને અર્થનીતિની ભેળસેળ થતી રહેશે અને લોકો તેનો ભોગ બનતા રહેશે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 06-07