ભારતના હિન્દુ સમાજમાં દહેજનો પ્રશ્ન વ્યાપક રીતે પ્રવર્તે છે. ગુજરાતમાં પણ સાસરિયાં દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપતાં હોય એવા કિસ્સા અવારનવાર અખબારોમાં ચમકે છે. પણ અહીં કેરળની ચર્ચા કરવી છે.
કેરળમાં થોડા દિવસ પહેલાં એક ચોવીસ વર્ષની યુવતીએ આપઘાત કર્યો. એમાં દહેજની માંગણી એના મૂળમાં હતી. આ ઘટનાએ કેરળમાં ભારે ઊહાપોહ જગાવ્યો હતો. ત્યાનાં મહિલાઓ માટેના કમિશનનાં અધ્યક્ષાને રાજીનામું આપવું પડ્યું હતું, કારણ કે એમનું વર્તન લોકોને અસંવેદનશીલ લાગ્યું હતું. કેરળમાં છેલ્લાં પાંચ વર્ષોમાં સ્ત્રીઓના આપઘાતના પચાસ કિસ્સા બન્યા છે.
કેરળનો દાખલો એટલા માટે નોંધપાત્ર બને છે કે કેરળમાં નમૂનારૂપ માનવવિકાસ થયો છે. માનવવિકાસના અર્થશાસ્ત્રીઓ, આર્થિક રીતે પછાત પ્રદેશમાં પણ માનવવિકાસ થઈ શકે, એના નમૂના રૂપે કેરળનો દાખલો ટાંકે છે. માનવવિકાસમાં સ્ત્રીઓનો વિકાસ પણ અભિપ્રેત છે. કેરળમાં સ્ત્રીઓમાં સાક્ષરતા લગભગ સો ટકા છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ લેતી સ્ત્રીઓનું પ્રમાણ ઘણું મોટું છે. સ્ત્રીઓમાં શિક્ષણને કારણે કેરળમાં જન્મદર ખૂબ ઘટી ગયો છે. લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. પણ સ્ત્રીઓને એમના શિક્ષણનો જે લાભ મળવો જોઈએ તે મળ્યો નથી. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રીઓનું સશક્તીકરણ થયું નથી. એના કેટલાંક ઉદાહરણ નોંધીએ.
કામ કરી શકે એવાં વયજૂથમાં રોજગારીમાં રોકાયેલી સ્ત્રીઓનું પ્રમાણ માત્ર વીસ ટકા છે. એ જ રીતે જાહેર જીવનમાં મિશ્ર ચિત્ર જોવા મળે છે. રાજકારણમાં સ્ત્રીઓનો પ્રવેશ ઘણો મર્યાદિત છે. વિધાનસભામાં સ્ત્રીઓની સંખ્યા દશ ટકાથી ઓછી છે. કેરળના પ્રધાનમંડળમાં એકવીસ સભ્યો છે. તેમાં સ્ત્રીઓની સંખ્યા ત્રણ છે. જોકે સ્થાનિક સત્તામંડળોમાં સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધારે માલૂમ પડે છે.
સ્ત્રીઓ ઘરની બહાર રોજગારીમાં જઈ શકતી નથી અને ઘર સંભાળે છે. એને પરિણામે એ અબળા જ રહે છે. એનો ગેરલાભ પુરુષપ્રધાન સમાજ લે છે. તેઓ સ્ત્રીઓની પાસેથી એટલે કે એનાં કુટુંબીજનો પાસેથી મોટી રકમની અપેક્ષા રાખતા હોય છે. કેરળમાં એક વધારાનું પરિબળ ઉમેરાયું છે. કેરળમાંથી વિદેશોમાં ગયેલા લોકોની કમાણીથી કેરળના સમાજમાં વપરાશમાં વૈભવ પ્રવેશ્યો છે. દેખા-દેખી આ વૈભવ ભોગવવા માટે પુત્રવધૂ પાસેથી બહુ મોટા દહેજની અપેક્ષા રાખવામાં આવે છે. એ ના સંતોષાતાં પુત્રવધૂ ઉપર જુલમ ગુજારવામાં આવે છે. એ જુલમથી ત્રાસીને કેટલીક સ્ત્રીઓ આપઘાત કરીને તેમાંથી છૂટકારો મેળવે છે. હિન્દુ સમાજમાં દીકરાદીકરીનું લગ્ન એક બહુ જ ખર્ચાળ રિવાજ બની ગયો છે. છોકરીને કરિયાવર મોટો કરવો પડે છે અને ભોજન પાછળ પણ મોટું ખર્ચ કરવું પડે છે. ભોજનમાં હજાર બે હજાર માણસો જમાડવામાં આવતા હોય એવા અનેક દાખલા જોવા મળે છે. છોકરીને કેટલું સોનું આપ્યું એ ગૌરવનો વિષય હોય, ટૂંકમાં, હિન્દુ સમાજમાં લગ્ન ઘણું ખર્ચાળ બની જાય છે. એમાં જે જ્ઞાતિઓમાં દહેજનો રિવાજ પ્રચલિત હોય ત્યાં કન્યાના પિતા ઉપર ઘણો વધારે બોજ આવી જાય છે. આમ તો ભારતના સમાજમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સરખામણીમાં ઓછી છે. છતાં પુત્રીનો પિતા ગરજવાન સ્થિતિમાં રહે છે. આ પુરુષપ્રધાન સમાજનું વરવું સત્ય છે. લગ્ન સ્ત્રી-પુરુષની સમાનતા ઉપર રચાવું જોઈએ. એ સમાનતા હજી આપણે ત્યાં આવી નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 04