weeping willow
Picture courtesy : Google Images
જુલાઇમાં એને શુંનું શું ય ફૂટે છે
જેમ
મૅગ્નોલિયા ક્રૅબઍપલ લિલાક કે તુલિપને
વીપિન્ગ વિલો સાચમાચનું રડે છે
આંસુ ફૂટે છે
તે દિવસનો આંસુને એ
ટચલી આંગળીએ ગણ્યા કરે છે
પહેલીથી ફોડ્યા કરે છે
કેમકે
એનું ફિટબિટ* મરી ગયું છે
જોયા કરે છે ચૂપ સ્ક્રીન બ્લૅક
ફોડેલાં આંસુનો ચૂરો રેલાઈ ગયો
ખૂણે ઝમકેલાં ઝાંઝરે લલચાયલો
ઢોલના ધબકાર
આંખો ચમકેલી
સ્કર્ટના સપાટા રેશમી
કશુંક ક્હૅતા’તા
કોઇ ખીલી ખીલીને નાચી રહ્યું’તું
હોઠ ફફડ્યા કરે છે
વાળ ઊડ્યા કરે છે
એ બબડ્યા કરે છે
ધીમે ધીમે ઘા રૂઝાય
ધીરે ધીરે ભૂલી જવાય
લીલી લૉનમાં સૂતાં’તાં બપોરે
રાતના તારા દિવસે ગણતાં’તાં
અમાસની ચાદર પથારી પોચી
દિવસનાં સફેદ સસલાં દોડતાં’તાં
અહીં તહીં ચોપાસમાં
આગિયા ઝબૂકતા’તા
અણજાણ એક તારો કરી લિસોટો
ગયો નીકળી
પડ્યો ચિરાડો
છવાયો અન્ધકાર
મધરાત મળસ્કું બપોર સાંજ
ઘડી પલ પલકારા
એ ગણ્યા કરે છે
નથી ખબર કેમ ક્યારે થઈ ગયું
હવે ન વ્હાલ ન વાત ન ચીત
ન હસવાં ન રડવાં
હવે ન ચૂમી
સુંવાળી ગોરી પ્હાની
હવે સૂની
વિન્ડો-બ્લાઇન્ડ્સે કાપેલું
આકાશ કોરુંકટ નીલું હશે
હશે હવા પાતળી હશે ઘેરાં પાણી
હશે ટાઉન હશે ટાઉનશિપ
સાથે હશે
નહીં કશું-નું કૂંડાળું
કોઈ પાડી દેશે વિન્ડો-બ્લાઇન્ડ્સ
ફટાક્
એનું ફિટબીટ મરી ગયું છે
જુલાઈમાં એને શુંનું શું ય ફૂટે છે
= = =
(July 6, 2021:USA)
*ઇલૅક્ટ્રૉનિક વૉચ, ટ્રૅકર.