Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્કૃતિ અને સભ્યતા સામેના પડકાર પ્રત્યે અદ્વૈતનો અભિગમ : ગાંધીનું આચરણ

મૂળ લેખક : ડૉ. જ્હોન ચેલ્લાદુરાઈ • અનુવાદક : આશા બૂચ, મૂળ લેખક : ડૉ. જ્હોન ચેલ્લાદુરાઈ • અનુવાદક : આશા બૂચ|Gandhiana|4 July 2021

(ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન – જલગાંવ, એ ગાંધી વિચારોના અભ્યાસ, સંશોધનો અને પરિસંવાદો દ્વારા ગાંધી વિચારની સુરક્ષા અને પ્રસાર અર્થે કામ કરતું એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે. ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના ડીન ડૉ. જ્હોન ચેલ્લાદુરાઈના ‘ગાંધી – એ ગ્લોબલ પર્સ્પેક્ટિવ’ પુસ્તકમાં પ્રકાશિત થયેલા નિબંધનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

ગઈ સહસ્રાબ્દીમાં માનવ જાતના ઇતિહાસમાં કોઈ દેશ કે ખંડ કદી સાક્ષી ન બન્યા હોય તેવા અનુભવ થયા, અને તે છે માનવ જાતનું નિકટ આવવું. આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વૈશ્વિકરણે દુનિયાના તમામ લોકોને આ પૃથ્વી પર જીવવા માટે પોતાનું સહિયારું નસીબ અને વધતી જતી જવાબાદારીઓ વહેંચવા એક મંચ પર લાવી મુક્યા છે, જેમાંથી છટકી શકાય તેમ નથી. આ વિશ્વવ્યાપી પ્રવાસ એવો અફર લાગે છે કે અંતે સઘળી સંસ્કૃતિઓ અને પરંપરાઓનું એકત્રીકરણ થઇ જાય તેવી શક્યતા ઊભી થઇ છે. હવે કોઈ વ્યક્તિ કે આ અવકાશયાનના કોઈ યાત્રી પાસે ખૂબ ઘટ્ટ રીતે વણાયેલા માનવજાત રૂપી કાપડમાં તેના એક તાર તરીકે ભળી જવા અને તે પ્રમાણે વર્તન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો.

આવા વૈવિધ્યપૂર્ણ જીવનની વાસ્તવિકતાનો જેમને અગાઉથી આભાસ થઇ ગયો હતો તેવા વિચારકોએ છેલ્લી કેટલીક સદીઓ દરમ્યાન આ વાસ્તવિક પરિસ્થિતિની એક વિભાવના ઘડવાનું કાર્ય કર્યું અને તેને અનુબંધિત વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કર્યો જેથી આપણા સહુનું જીવન અને વ્યવહારિક સંબંધો એ રીતે દોરાય કે જેમાં દરેકને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો એકસરખો અધિકાર હોય. આધુનિક વિશ્વના શિલ્પીઓએ રાષ્ટ્રને સામંતશાહી વંશપરંપરાગત વહીવટથી દોરવાતા જીવનને બદલે ગણતંત્ર અને લોકશાહીનાં મૂલ્યો આધારિત વહીવટી પદ્ધતિ કે જે તેના સર્વ નાગરિકોને માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ આર્થિક, વૈજ્ઞાનિક, ધાર્મિક અને તમામ પ્રકારના સામાજિક ક્ષેત્રમાં ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાની ખાતરી આપે તેવું તંત્ર અને સમાજ વ્યવસ્થા ઊભી કરવા માર્ગદર્શન આપ્યું. પરિવર્તનની આ દીર્ઘ અને કઠોર સફર દરમ્યાન જનસામાન્યનું જીવન સામંતશાહી વલણથી પ્રભાવિત થતું રહ્યું. વર્ચસ્વશાળી દેશો, જાગીરદારી પર નભતી લોકશાહી, એકાધિકારીપણું અને ભૌતિક સત્તાનું કેન્દ્રીકરણ એ પ્રકારની દુનિયાની રસમ ચાલુ રહી. પરિણામે મોટા ભાગની પ્રજા પદ્ધતિસરના શોષણ અને તાબેદારીથી પીડિત જીવન જીવતી રહી.

નવીન સામાજિક રચનાના ખ્યાલો ગાંધીએ પ્રસ્તુત કર્યા, જેને પરિણામે આધુનિક યુગના ઘડવૈયાઓમાં તેઓ સહુથી ઊંચે સ્થાને સ્થપાયા છે. તેમને એ હકીકતનો સ્પષ્ટ ખ્યાલ હતો કે પુરાણી વ્યવસ્થાઓનું પરિવર્તન એટલું જ અસરકારક રહેશે જેટલા આપણે એ નવીન સમાજ રચના અંતર્ગત છુપાયેલા સિદ્ધાંતોને સમજીને તેના હાર્દને અમલમાં મૂકી આપણું જીવન નવા ઢાંચામાં ઢાળી શકીશું. તેમણે નવીન સમાજ રચનાની પુનઃ કલ્પના કરીને તેને વાસ્તવિક સ્વરૂપ આપવા વ્યવહારિક માર્ગો બતાવીને એક મજબૂત પાયો નાખી આપ્યો. ગાંધીએ વ્યક્તિના જીવનના સમગ્ર પાસાંઓને આવરી લેતા પાયાના સિદ્ધાંતો સમા ‘સત્ય અને અહિંસા’ના જોડિયા ખ્યાલો વિકસાવ્યા, અને સાથે જ તેને કાર્યાન્વિત કરવા બંધબેસતી પદ્ધતિઓ અને માળખાં ઊભાં કરી આપ્યાં. પરિણામે દુનિયાના લોકોની વૈશ્વિક ન્યાય અને સમાનતા ખરા અર્થમાં કેવી દીસે તેની કલ્પના ઉજાગર થઇ.

સત્ય – એક સમગ્રતા

ગાંધીએ સત્યને ઈશ્વર રૂપે ઓળખ્યું, તેથી સત્ય વિષે સમગ્રતયાનો દ્રષ્ટિકોણ વિકસ્યો. ઈશ્વર, એક શાશ્વત્‌ અને સર્વસમાવેશી વાસ્તવિક શક્તિ છે. તેમણે સ્વીકારેલું, ‘પૂર્ણનો અંશ છું, માટે હું સત્યનો પણ અંશ છું.’ જ્ઞાનમીમાંસાની દ્રષ્ટિએ જોઈએ તો આ વિચારમાં ઉપનિષદના ‘અહમ્‌ બ્રહ્માસ્મિ’નું પ્રતિબિંબ છે.

ગાંધીના વ્યવહારને મૂલવીએ તો તેમની સત્યની શોધને ‘અદ્વૈત’ની વ્યાખ્યા આપી શકાય. તેમણે ખુદ કહેલું કે તેઓ અદ્વૈતનો વ્યવહારમાં અમલ કરનારા છે. તેમને જીવનના અસંખ્ય પાસાંઓમાં એક જ સત્યનો ભાસ થયો. ‘એકમ્‌ સત્‌, વિપ્રા બહુધા વદન્તિ.’ ગાંધીના મતે તેમના દરેક કાર્યમાં સત્યનો કે તેની શોધનો જ અંશ હતો. તેમના મત મુજબ અહિંસાની લડાઈની મથામણના સાધનમાં પણ એક પ્રકારનું સત્યનું રૂપ હતું. Johan Galtung તેને ‘માર્ગ જ ધ્યેય’ તરીકે દર્શાવે છે. ગાંધીએ કહ્યું છે કે, “અહિંસા એ માનવ જાતનો કાયદો છે અને એ ક્રૂરતાના બળ કરતાં અનેક ગણો શક્તિશાળી અને ચઢિયાતો છે.” તેમણે આપણને વર્તમાન સમયમાં રોજિંદા જીવનના સંદર્ભમાં ‘સત્ય એ જ ઈશ્વર છે અને અહિંસા એ ધર્મ છે’ એ પુરાણું સૂત્ર સમજવામાં મદદ કરી.

આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા દરેક જીવ એક જ સૃષ્ટિના કે સત્યના અંશ છે તેનું ભાન ગાંધીને વ્યાપક અને  સર્વસમાવેશી જીવન પદ્ધતિની શોધ તરફ દોરી ગયું. તેમને દરેક વ્યક્તિ અને પદાર્થમાં એકત્વનો અહેસાસ થયો. આથી જ તો બ્રિટિશ સામ્રાજ્ય સામે લડતા હોવા છતાં તેઓ જાહેરમાં બોલી શક્યા કે મારે કોઈ દુશ્મન નથી. ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરી, “મારી લડત અન્યાય સામે છે, અન્યાય કરનાર, કે જે મારો ભાઈ છે તેની સામે નહીં.” દરેકને પોતાના પ્રિયજન ગણવાની ગાંધીની આ દ્રષ્ટિ તેમના જીવનના શરૂઆતથી કરેલાં તમામ કાર્યોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે; અને આ વલણને કારણે એકતાથી સભર એવા નવ જીવન જીવતા વિશ્વની કલ્પના ઉજાગર થઇ. 

દક્ષિણ આફ્રિકામાં તેમના (સ્ત્રીઓ અને પુરુષો) સાથીદારો, કે જેઓ મુસ્લિમ, પારસી, ક્રિશ્ચિયન્સ, જુઇશ, ઉત્તર અને દક્ષિણ ભારતીય એમ અલગ અલગ પ્રાંત કે ધર્મના હોય; કે ભારતમાં તેમની સાથે સત્યાગ્રહ કરનારા સરહદ પ્રાંતના કદાવર પઠાણ, બિહારના કંગાળ ખેડૂતો હોય, કે પછી દલિતો અને રક્તપિત્તના દરદીઓને પોતાના આશ્રમમાં સમાન જુસ્સાથી સમાવનારા સાથીઓ હોય, કે સર્વધર્મ પ્રાર્થના કરતો જનસમૂહ હોય, ગાંધી તેમની આસપાસના લોકોને સમાવેશક સમાજની વાસ્તવિકતા તરફ દોરી ગયા. 

ગાંધીનું અદ્વૈતી દ્રષ્ટિબિંદુ એક નવા રાષ્ટ્ર માટે પાયો નાખવાના વિચારની રૂપરેખા દોરવામાં મદદરૂપ થયું. તેમણે બ્રિટિશ સામ્રાજ્યની બેડીઓમાંથી મુક્ત થવું એવો ‘પૂર્ણ સ્વરાજ’નો જે અર્થ હતો તેનું પુનઃ અર્થઘટન કરીને નવી વ્યાખ્યા આપી : “સ્વરાજ એટલે કે તમામ પ્રકારના અનિષ્ટો – સામાજિક, આર્થિક અને રાજકીય અન્યાયો અને અસમાનતા, કે જે સામાજિક આચારો, વ્યવસ્થા અને માળખામાં કાલગ્રસ્ત હોવા છતાં દીર્ઘ સમયથી ઝળુંબતી રહી, અને જેને કારણે વ્યક્તિઓ તેમ જ સમાજ આખો પાંગળો બનતો ગયો તેનાથી મુક્તિ.” તેમના 18 રચનાત્મક કાર્યોની સૂચિ જેવી કે વ્યસન મુક્તિ, કોમી એખલાસ, આરોગ્ય અને સ્વાસ્થ્યને લગતા મુદ્દાઓ અને સ્ત્રી-પુરુષ સમાનતા જેવા અનેક પાસાંઓને સમાવીને પુરાણી કુરીતિઓથી મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે.

સૈદ્ધાંતિક રીતે જોઈએ તો ગાંધીએ સત્ય અને અહિંસાને એક સિક્કાની બે બાજુ કહીને બે વચ્ચે એકરાગ અથવા કહો કે સુમેળ સાધી બતાવ્યો. વ્યવહારુ રીતે જોઈએ તો સત્યાગ્રહ (સામ્રાજ્ય સામેની લડત) અને રચનાત્મક કર્યો દ્વારા કરેલી દરમ્યાનગીરી (સશક્ત જનતા વાળા સમાજની રચના કરવી) એ આઝાદી મેળવવા માટેની ઉડાનની બે પાંખો સમાન હતી.

સત્યાગ્રહ

દક્ષિણ આફ્રિકામાં વસતી ભારતીય પ્રજાએ સરકારી કાયદાઓ સામેનો પોતાનો વિરોધ અસહકાર દ્વારા નોંધાવ્યો. ગાંધીજીને તરત ખ્યાલ આવ્યો કે તેમની લડાઈ એ માત્ર એક નિષ્ક્રિય પ્રતિકાર જ નહોતી કે જેમાં પ્રતિપક્ષ તરફ દુર્ભાવની ગુંજાઈશ હોય. માનવ જીવનને લગતા તમામ વિવાદાસ્પદ મુદ્દાઓને હલ કરવા માટે ઉપયોગમાં લઇ શકાય અને જેમાં વિજેતા અને પરાજય પામેલા બંને પક્ષને એક સરખો લાભ થાય તેવો માર્ગ ગાંધીના ‘સત્યાગ્રહ’ના રૂપમાં ઉદ્દભવ પામ્યો. 

સત્યાગ્રહનો મૂળ અર્થ છે, સત્યને વળગી રહેવું, એટલે કે સત્યનું આગ્રહપૂર્વક અમલીકરણ કરવું.  તેમણે લખેલું, “મેં તેને પ્રેમના બળ કે આત્માના બળ તરીકે પણ ઓળખાવ્યો છે. સત્યાગ્રહના શરૂઆતના આચરણ સમયે મને એ વાતની પ્રતીતિ થઇ કે સત્યનો આગ્રહ રાખવાનો અર્થ એ નથી કે પ્રતિપક્ષ ઉપર હિંસા આચરીને તેનો અમલ કરવો, પણ પ્રતિપક્ષને ધીરજ અને કરુણાભાવ દાખવીને તેની ભૂલોમાંથી છુટકારો મેળવવા પ્રેરણા આપવી. કેમ કે જે હકીકત એકને મન સાચી લાગે તે બીજાને મન ભૂલ ભરેલી લાગે તે સંભવ છે. અને ધીરજનો અર્થ છે, પોતે મુશ્કેલી સહન કરવી. આથી આ બોધનો અર્થ થયો કે અન્યને દુઃખ પહોંચાડીને નહીં, પણ પોતે દુઃખ સહન કરીને સત્યનું સમર્થન કરવું.

ગાંધીએ જાહેરમાં નિવેદન કરતાં કહેલું કે એ લોકોએ (દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીય લોકો) પોતાનો વિરોધ નોંધાવવા અહિંસાનો ઉપયોગ એટલા માટે નહોતો કર્યો કે તેઓ હિંસક લડાઈથી ડરતા હતા અને તેને પગલે થનારા પ્રતિપક્ષના (દક્ષિણ આફ્રિકાની સરકાર) ક્રૂર પ્રતિભાવની સંભાવનાઓથી ભયભીત થયેલા હતા. ગાંધીએ કહ્યું, “અમારો અહિંસક વિરોધ એ ‘કમજોર લોકોનું હથિયાર’ નહોતું, પરંતુ એ બહાદુર લોકો, કે જેઓ સમાજ હિતને ખાતર અન્યને મારવા કરતાં જરૂર પડે તો આત્મબલિદાન કરવા તત્પર હતા તેમનું હથિયાર હતું.” ગાંધીએ જેને ‘બળવાન લોકોનું હથિયાર’ ગણાવ્યું એ સત્યાગ્રહ – અહિંસક પ્રતિકારનાં અદ્વિતીય લક્ષણો આ પ્રકારના ગણાવી શકાય : 

• સામાજિક દૂષણોને હઠાવવા માટે ધિક્કાર અને હિંસાનું આચરણ કર્યા વિના અપનાવી શકાય તેવો એ પ્રેરક માર્ગ છે.

• એ હિંસક શસ્ત્રો વાપરવાનું ટાળે છે તે હાર કે મૃત્યુના ભયને કારણે નહીં, પણ એવી માન્યતાને કારણે કે ‘સાચા હેતુને સિદ્ધ કરવા ખાતર પણ અન્યની હત્યા કરવી એ ખોટું છે.’ વળી ગાંધીએ એમ પણ કહ્યું કે એ લડાઈ કોઈ એક સમૂહ સામે નહોતી, પણ બીજા માનવસમૂહ પ્રત્યેના તેમના ભૂલભરેલા દ્રષ્ટિકોણ સામે હતી. એ માત્ર જે સાચું હતું, જે સત્ય હતું તે માટેનો આગ્રહ હતો.

• એ પ્રતિપક્ષના દિલ અને દિમાગમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ હતો જેથી તેઓ સત્યને પારખી શકે. અન્યાયી દ્રષ્ટિકોણ – માનસિકતામાં પરિવર્તન લાવીને અન્યાયી કાયદાઓને બદલવાનો પ્રયત્ન છે.

• હિંસક શસ્ત્ર દુશ્મનને ખતમ કરી શકે, પણ આપણા વિરોધીઓના દિલ અને દિમાગમાં બદલાવ ન લાવી શકે.

• હિંસા કોઈ પાસે જબરદસ્તીથી કામ ન કરાવી શકે, માત્ર પ્રેમ જ સામા દળના લોકોને સમજાવીને તેમના હૃદયને પરિવર્તિત કરી શકે. 

• આપણે આપણા વિરોધીઓ ઉપર હિંસક શસ્ત્રોનો ઉપયોગ ન કરી શકીએ કેમ કે તેઓ અન્ય કોઈ નહીં, આપણાં જ સગાં સ્નેહીઓ છે. આપણે સહુ ‘એક માનવ જાત’ છીએ. આપણે સહુએ આ લોકમાં અને પરલોકમાં સાથે મળીને રહેવાનું છે.

અલબત્ત, ગાંધીની અહિંસક પદ્ધતિઓ સાથે આપણો મતભેદ હોઈ શકે, જેના મુદ્દા નીચે પ્રમાણે છે :

° આપણે સહુ એક જ માનવ જાતના છીએ એ વાત સત્તાધારીઓને નથી સમજાતી (આપણા પ્રતિપક્ષીઓને). અને આ જ મોટી સમસ્યા છે. એ લોકોને આ સત્ય સમજતાં કરવા એ આપણી ફરજ છે.

° આપણા અહિંસક શસ્ત્રના ઉપયોગને પરિણામે પ્રતિપક્ષને આપણો તિરસ્કાર કરવાની અને વધુ હિંસક બળથી સામનો કરવાની તક મળી જશે એવી શક્યતા ખરી, જેને કારણે જે અતિ મહત્ત્વના મુદ્દાઓ લઈને લડાઈ છેડી હોય તે એક બાજુ રહી જવા સંભવ છે.

° આપણે હિંસા ના આચરીએ, પરંતુ પ્રતિપક્ષ આપણો કઈ રીતે સામનો કરે તે બાબત પર આપણો કોઈ અંકુશ ન હોઈ શકે. એ લોકો આપણને મૌન કરવા, મહાત કરવા વધુ હિંસક બળનો ઉપયોગ કરી શકે તેવું બને. 

° કારણ કે ‘મારો ભાઈ, જે હવે મારો પ્રતિપક્ષી છે, એ મારા પ્રત્યે હિંસા આચરે તો પણ હું તેના પર પ્રેમના બળનો જ ઉપયોગ કરીશ. તેના હિંસક આક્રમણનો હું જાતે પીડા સહન કરીને ધૈર્યથી સામનો કરીશ (જો રક્તપાત થવાનો જ હોય તો તે મારો ભલે થાય) અને તેનાં કારણોની આજીજી ભરી વિનંતી કરીને સત્ય શું છે તે સમજાવવાના મારા પ્રયત્નો હું સતત ચાલુ રાખું. (‘બધા મનુષ્ય સારા હોય છે અને પ્રતિપક્ષની ભલાઈમાં પણ ભરોસો હોવો એ સત્યાગ્રહનો મૂળભૂત સિદ્ધાંત છે). નિસ્વાર્થ સ્વાર્પણની ભાવના તેમ જ જાતે પીડા સહન કરીને પ્રેમ દ્વારા તેના અંતરાત્માના અવાજને ઢંઢોળવાનો પ્રયત્ન જારી રાખું.’ ગાંધીના આ ઉમદા વલણની ભૂમિકા સમજવાનું સહુનું ગજું નથી.

મારા પ્રતિપક્ષી માટેનો મારો પ્રેમ એટલો બધો છે કે એ મારા પર સિતમ ગુજારે તો પણ એ જો કટોકટીનો સામનો કરતા હોય તો હું તેની વહારે જરૂર જાઉં, એવું વલણ ગાંધીનું. બોઅર યુદ્ધ દરમ્યાન એમ્બલ્યુલન્સ દળ ઊભું કરવું અને ઝુલુની લડાઈ દરમ્યાન સ્ટ્રેચર વાહકોનું દળ ઊભું કરવું એ ગાંધીની પ્રતિપક્ષીને સહાયક બનવાનું જ એક કર્મ હતું. એ જ રીતે નાતાલમાં રેલવે કર્મચારીઓની હડતાળ દરમ્યાન તેમણે પોતાની હડતાળ પાછી ખેંચી લીધી, જેથી સરકાર પોતાના અન્ય પ્રશ્નોને વિના મુશ્કેલીએ હલ કરી શકે. આ નિર્ણયથી ભારતીયોને ખ્યાલ આવ્યો કે તેઓ કેટલા ગૌરવવંતા અને બહાદુર હતા. આ પ્રક્રિયાને કારણે સંઘર્ષ બે પક્ષો વચ્ચેની સચ્ચાઈ અંગેની વાટાઘાટમાં પલટે અને બંનેની સંમતિથી ઉકેલ લાવવાનું શક્ય બને. એ લડાઈ મૂળે તો બે વિચારધારાઓ વચ્ચેની અથડામણની હતી. સત્યાગ્રહ દ્વારા ‘ફૂલી’ લોકોએ પોતાની વીરતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરીને, અને સખ્ત જુલ્મો સામે જરા પણ ઉશ્કેરાયા વિના શિસ્ત અને સહનશીલતા બતાવીને સાબિત કર્યું કે તેઓ મૈત્રી કરી શકાય તેવી પ્રજા છે અને તેમની સાથે સહજીવન જીવી શકાય તેવી લાયકાત ધરાવે છે. હિંસક લડાઈ યા તો દુશ્મનોથી છુટકારો અપાવે છે (હિંસા બીજાને નહીં સમાવનારી હોય છે, જ્યારે અહિંસા સર્વને સમાવનારી, સાથે લેનારી હોય છે), અથવા તો પરાજય અને ઇજાઓથી ઉપજતી પીડાને કારણે એવી કડવાહટ છોડી જાય છે કે ભવિષ્યમાં પણ બંને પક્ષ વચ્ચે કોઈ પણ રીતે ભાઈચારો સર્જવાની શક્યતાનો જ અંત લાવે છે. (પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધે આ કામ મોટા પાયે કર્યું). સત્યાગ્રહ સુખાંત લાવે છે.

પ્રતિપક્ષના લોકોમાં પોતાની જાતને જ નિહાળવી, અને તેમને પોતાના દુષ્ટ કર્મોમાંથી મુક્તિ અપાવીને પોતાને માટે ન્યાય મેળવવાની રીત બહુસાંસ્કૃતિક નવ્ય સમાજની રચના માટે એક નવીન છતાં અત્યંત પ્રસ્તુત વિચાર હતો. માનવજાતે હંમેશ મતભેદોનો ઉકેલ લાવવા માત્ર હિંસાત્મક પગલાં ભરેલાં. એ જ્યારે લોકશાહી શાસન પદ્ધતિના યુગમાં પ્રવેશી ત્યારે કદાચ ભાઈ ભાઈ વચ્ચેની લડાઈઓથી થયેલ નુકસાન ભરપાઈ કરવાની રીત માનવ જાતે ગાંધીના આ સત્યાગ્રહમાં ભાળી.

આવનારી પેઢીઓ ગાંધીએ આપેલા સત્યાગ્રહના સિદ્ધાંત ઉપરાંત આ વિભાજીત વિશ્વ માટે તેમણે  પ્રબોધેલી સર્વતોમુખી જીવન પદ્ધતિ માટે તેમને યાદ કરશે. તેમનો દિશાસૂચક તારક સત્ય છે. એ ધ્રુવ તારકે એમનામાં કૌશલ્યનું ત્રિમૂર્તિ રૂપ કેળવવા શક્તિમાન બનાવ્યા. ગાંધીના શબ્દો, વિચારો અને કર્મ – દિલ, દિમાગ અને હાથ વચ્ચે એક સૂત્રતા હતી અને પોતાની, અન્યની અને કુદરત કે ઈશ્વર સાથે સામંજસ્ય હતું. આ શક્તિએ તેમને માનવ સમાજના તમામ અવરોધો દૂર કરીને માનવ જાત અને તેની અસંખ્ય ક્રિયાઓમાં રહેલા એકત્વને જોવા શક્તિમાન બનાવ્યા.

ગાંધીની આ અદ્વૈતની (સર્વમાં એક તત્ત્વને જોવાની) ભાવના તેમને સામાજિક ઐક્ય પેદા કરવાની પ્રક્રિયા તરફ દોરી ગઈ અને જે લાક્ષણિકતાઓએ સમાજને જડ ખંડોમાં વહેંચી દીધી તે સમાજમાં જ માનવ જાતની પ્રગતિ થાય તેની શક્યતા જોવામાં મદદરૂપ થઇ. ઉદાહરણ તરીકે તેઓ શૂદ્રોની કારીગરીની શક્તિ, વણિક પ્રજાનું વ્યાપારનું ઊંડું જ્ઞાન, ક્ષત્રિયોનો પ્રજાના રક્ષણ હેતુ અનુભવાતો ન્યાયી પુણ્યપ્રકોપ અને બ્રાહ્મણોની વિદ્વત્તા એ તમામ માનવોના અતિ મૂલ્યવાન ગુણધર્મો છે જેનું સમાન મહત્ત્વ દરેક આધુનિક માનવ માટે છે એમ તેઓ સમજીને સ્વીકારી શક્યા.

ગાંધીને પોતાને માટે અનાજ ઊગાડવા માટે ખેતરમાં કામ કરવું, જાતે કાંતીને કાપડ બનાવવું અને આશ્રમમાં માટીની ઝૂંપડી બનાવવા શૂદ્ર બનવામાં આનંદ આવતો. સ્વાતંત્ર્યની માગણી કરતી વખતે અને એ માટે પોતાનાં સાધનોનો ઉપયોગ કરતી વખતે તેઓ વણિક જેવી દક્ષતા અજમાવતા. સત્યાગ્રહી તરીકે તેમણે પ્રતિપક્ષીઓની સત્તા સામે પોતાની જાનનું જોખમ હોવા છતાં માનવ જાતના હિત માટે લડતી વખતે એક ક્ષત્રિય જેવી વીરતા બતાવી. સત્યના શોધક તરીકે એક વિદ્વાન ગુરુ અને બ્રાહ્મણ જેવી સ્પષ્ટ વાણી થકી પોતાની વાત રજૂ કરતા. આ રીતે તેમણે વર્ણો વચ્ચે ઊભી થયેલ દીવાલો તોડી નાખી અને એક વર્ણ-જ્ઞાતિમાંથી બીજા વર્ણ-જ્ઞાતિમાં એકદમ સહજતાથી સરળ રીતે તેઓ આવ-જા કરી શકતા.

એ જ રીતે ગાંધીએ જીવનના ચાર તબક્કાઓને (આશ્રમ) ઉમદા ગુણોમાં પરિવર્તિત કરીને જીવી બતાવ્યું; અને તે પણ એકની બાદ એક નહીં, પરંતુ બધા આશ્રમો દરેક તબક્કે આચરણમાં મૂકીને દર્શાવ્યું. ગૃહસ્થાશ્રમમાં હતા (આશ્રમ જ તેમનો પરિવાર હતો) ત્યારે પોતે બર્હ્મચર્યનું પાલન કરતા હતા, જંગલમાં જઈને નિવૃત્તિ લેવાને બદલે સમાજમાં રહીને તેમણે કર્મના બંધનોમાંથી મુક્તિ મેળવીને મોક્ષ પ્રાપ્ત કર્યો. સમાજના કેન્દ્રમાં રહેવા છતાં ગાંધીએ કહ્યું તેમ તેઓ હરેક પળે આધ્યાત્મિક ચિંતન કરવા માટે એક હરતી ફરતી ગુફા (સમાજ) લઈને ફરતા હતા.

પરમ તત્ત્વની સર્વાંગી સ્વાનુભૂતિ પામવા ઉપર વર્ણવ્યો તેવો સમન્વયકારી દ્રષ્ટિકોણ તેમને ચાર યોગિક માર્ગને ગૂંથીને એક ઉમદા ધોરી માર્ગ કંડારવામાં મદદરૂપ થયો. તેમની માનવીની તર્કશક્તિની મર્યાદા ઓળંગી ગયેલી સત્ય અને અહિંસા માટેની લગની એ ભક્તિનું ચરમ રૂપ કહી શકાય, જે મીરાંની ભક્તિ સાથે સરખાવી શકાય. આ ભક્તિએ તેમને સત્યના અચ્યુત ટેકેદાર અને અમલદાર બનાવ્યા. ગાંધીની ખાદીની ચળવળ હો, હરિજન ઉદ્ધારની અહાલેક હો કે કોમી એખલાસ સ્થાપવા માટેની મથામણ હો, આપણને ગાંધીમાં એક રોકી ન શકાય તેવા અદાકારની ઝાંખી થાય છે. અને એમની એ કામગીરીમાં એક કર્મયોગીના ગુણોનું દર્શન થાય છે. નિતાંત સત્યની શોધ માટેનો જાગૃત પ્રયત્ન ગાંધીને એક જ્ઞાનયોગીની સમજ ધરાવનાર ઉત્તમ પુરુષ તરીકે આપણી સમક્ષ મૂકી ગયો. ભક્તિ અને જ્ઞાનથી સમર્થ બનેલા ગાંધીનાં કર્મો માનવ જાતે સર્જેલી આપત્તિઓમાંથી દુનિયાને ઉગારવા માટે અનિવાર્યપણે મદદરૂપ થયા. તેમણે માનવ બંધુઓની મુક્તિ માટે ત્યાગની ભાવના સાથે એકલા સફર કરવા નિરધાર્યું (નોઆખલીમાં તેઓ એકલા જ ઘૂમ્યા), એથી જ તો જેઓને તેઓ અણગમતા હતા તેવા લોકો પણ તેમને ‘રાષ્ટ્ર પિતા’ તરીકે ઓળખવા લાગ્યા. એ તેમનું રાજયોગનું લક્ષણ હતું.

આ રીતે ગાંધીએ તેમના અદ્વૈત દ્રષ્ટિકોણથી જીવનને જુદા જુદા ખાનાંઓમાં વહેંચાયેલું નહીં, પણ સર્વસમાવેશી અને એક વ્યાપક અનુભૂતિના રૂપમાં જોયું. આવા એકત્વનો અહેસાસ થયો હોવાને કારણે વ્યક્તિ અને સમાજના અલગ અલગ સ્વરૂપોથી ખચકાયા વિના તેમાં રહેલ વૈવિધ્યનું મહત્ત્વ સમજી શક્યા. પરિણામે તેઓ સમાજના તમામ વર્ગો, જીવનના ચારેય આશ્રમો અને ચારેય જીવન પથ તથા નૈતિક વિચારધારાઓ વચ્ચે આસાનીથી પરિભ્રમણ કરી શકતા.

ઉત્તમ પરિણામની આશા દર્શાવવી

પોતાના અદ્વૈત દ્રષ્ટિકોણને વ્યવહારુ જીવન સાથે સુસંગત બનાવવા ગાંધીએ આશાવાદનો સિદ્ધાંત અપનાવ્યો. તેમનું દરેક કાર્ય જીવન પ્રત્યે આશાવાદી અભિગમ દર્શાવતો હતો. એનો અર્થ એ કે જીવનના જુદા જુદા પાસાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ વ્યક્તિએ સતત તપાસતા રહેવું જેથી જીવન અને સિદ્ધાંતો વચ્ચે પરસ્પરનો વ્યવહારિક સંબંધ જળવાઈ રહે. એનો અર્થ એ પણ થયો કે દરેક કાર્ય તેના ગુરુત્તમ પ્રમાણમાં કરવું; ન તેથી ઓછું, ન તેથી વધુ. ઉદાહરણ તરીકે ગાંધીએ પ્રૌદ્યોગિક વિજ્ઞાન માનવ હિતની તરફદારી કરનારું અને પ્રકૃતિની રક્ષા કરનારું હોવું જોઈએ તેવો પ્રસ્તાવ મુક્યો (સમય જતાં E F Schumacher તેને એપ્રોપ્રીએટ ટેક્નોલોજી રીકે ઓળખાવે છે.) અસરકારક બનવા માટે  પ્રૌદ્યોગિક વિજ્ઞાન તેના ઉચિત પ્રમાણમાં વિકસવું જોઈએ. એ એવું અર્ધવિકસિત ન હોવું જોઈએ કે તેનો ભાગ્યે જ કોઈ ઉપયોગ થાય, કે એવું મહાકાયી ન હોવું જોઈએ જે તેના સર્જક અને ઉપયોગ કર્તાને જ ભરખી જાય. તેમણે સીવવાના સંચાને એક ઉચિત યંત્ર તરીકે ઓળખાવ્યો. એ સિલાઈ કામ કરનારને હાથથી સિલાઈ કરવાની મહેનતમાંથી બચાવે છે, છતાં એટલા મોટા પાયાના ઉત્પાદન તરફ નથી દોરી જતું જેનાથી રોજગારીની તકો ઝુંટવાઈ જાય અને અર્થતંત્ર પર અસર થાય. એ વીજળીનો ઉપયોગ નથી કરતું કે પ્રદૂષણ પેદા નથી કરતું.

ગાંધીની તમામ સામાજિક વિભાવનાઓ પાછળ સર્વના કલ્યાણનો એક વ્યવહારુ સિદ્ધાંત કામ કરતો મળી આવશે. એમની વિભાવનાઓ જેવી કે સ્વરાજ (અંતરાત્માના અવાજને અનુસરતું વ્યક્તિગત જીવન), સર્વોદય (સહુના કલ્યાણમાં પોતાનું કલ્યાણ જોવું), સ્વદેશી (પાડોશીએ સજીવ પદ્ધતિથી પેદા કરેલ માલનો ઉપયોગ), ખાદી (માનવ જાત અને કુદરતનો પરસ્પર આધારિત નિભાવ), કોમી એખલાસ (વૈવિધ્ય પ્રત્યે સહિષ્ણુતા), નઈ તાલીમ (સર્વસમાવેશી અને અહિંસક જીવન કલાનું શિક્ષણ) વગેરે આધુનિક યુગની રચનાના ખ્યાલો ગાંધીએ આપ્યા જેનો આધાર પોતાના જીવનને અન્ય સહુના જીવન સાથે વધુને વધુ સારી રીતે એક સૂરમાં જીવવાની પ્રક્રિયા પર છે.

પ્રાપ્ત સાધનોનો ઉત્તમ ઉપયોગ કરતું અર્થકારણ

કોઈ પણ દેશનું અર્થકારણ કેવું સાબૂત છે તેનું સાચું પરિમાણનો સ્રોત ત્યાં કેટલી રોજગારીની તકો છે તેના આંકડા છે. જથ્થાબંધ ઉત્પાદન પદ્ધતિ થોડાક લોકોને દુનિયાની કુલ સરેરાશ ઉત્પાદનની તકોનો મોટો ભાગ પચાવી પાડવાની તક આપે છે; જેને કારણે પ્રજાની મોટા ભાગની સંખ્યાને રોટીના વધ્યા ઘટયા ટુકડાઓથી સંતોષ માનવો પડે છે. એથી રોજગારીની તકોમાં અવકાશ પેદા થાય છે, જે બેકારી તરીકે ઓળખાય છે. ગાંધીએ મહાકાય ઔદ્યોગિક સંકુલોની જગ્યાએ વિકેન્દ્રિત ગ્રમોદ્યોગ ખીલવવાની ભલામણ કરી, જેથી કરીને માગના પ્રમાણમાં ઉત્પાદન માટે વધુમાં વધુ રોજગારી ઊભી કરી શકાય. તેમણે, જેને જે.સી. કુમારપ્પાએ ‘ઈકોનોમી ઓફ પરમેનન્સ’ તરીકે ઓળખાવી એવી અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપ્યો. પરસેવાની કમાણી, એટલે કે યોગ્ય સાધનો વાપરીને શરીરશ્રમ કરીને જીવવું તે જ સાર્થક જીવન છે. જ્હોન રસ્કિનના વિચારોનો પડઘો ગાંધીના આચારમાં ઝીલાયો. આ વિચાર વ્યક્તિગત અર્થકારણને ન્યાયી બનાવે છે અને સાથે સાથે સજીવ અને નિર્જિવ સૃષ્ટિનો સબંધ ટકાવી રાખે છે. ગાંધીના શક્ય તેટલા વધુ લોકોનું ભલું કરવાના અભિગમની વિશિષ્ટતા એ છે કે એક બાજુથી ગરીબી નાબૂદ કરવા પ્રયત્ન કર્યા (ગરીબોએ પોતાનો ઉદ્ધાર કરવો રહ્યો – અંત્યોદય), તો બીજી બાજુ જેમની પાસે જરૂરિયાત કરતાં વધુ ધન સંપત્તિ છે તેવા લોકોને સ્વૈચ્છિક ગરીબી સ્વીકારવાનો આગ્રહ કર્યો (ધનિકોએ ધન સંગ્રહ કરવામાં ધીમા પડવું જોઈશે.).

આશાવાદી સમાજ

ગાંધીએ સૂચવેલી ‘ગ્રામ રાજ્ય’ની વિભાવના એ સમાજની સર્વનું શુભ વાંછતી ક્રમિક વ્યવસ્થા છે. વ્યક્તિને સમાજના સહકાર અને પરસ્પરની મદદની જરૂર રહે. સ્વસ્થ સમાજ તો એ કહેવાય જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જાતે જોડાઈ શકે. જો કે વ્યક્તિની અન્યો સાથે જોડાણ સાધવામાં કેટલીક ભૌગોલિક અને સામાજિક મર્યાદાઓ હોય છે. બીજા શબ્દોમાં સમાજ તેના સભ્યોને અનામી બનાવ્યા વિના એટલો અનંતપણે વ્યાપક ન બની શકે. ગાંધીના મતે સમાજે એટલું વ્યાપક ન બનવું જોઈએ કે તેના સભ્યો સમાજના સ્વરૂપ કે તેનાં કાર્યોને સમજી ન શકે. એમની કલ્પનાની સામાજિક વ્યવસ્થા મહાસાગર સમાન વિસ્તીર્ણ વર્તુળ જેવી હતી, જેમાં વ્યક્તિ તેના કેન્દ્રમાં હોય અને કુટુંબ, ગામ, જિલ્લો, રાજ્ય, દેશ અને છેવટ આખું વિશ્વ તેને ફરતે વીંટાળયેલું હોય. આ ખ્યાલ શ્રેષ્ઠતાવાદનો સાર છે. પરિવાર અને ગામ જેવા અંદરના વર્તુળમાં વ્યક્તિનું પોતાનું અનુશાસન હોય અને તેનાથી મોટા – બહારના વર્તુળમાં વ્યક્તિગતને સ્થાને પ્રતિનિધિત્વના વહીવટનો સંબંધ રહે.

વૈવિધ્ય પ્રત્યે આશાવાદી અભિગમ

વૈશ્વિકરણે વિવિધ પ્રકારના માનવીઓને સહઅસ્તિત્વનો સ્વીકાર કરતા કરી મુક્યા છે. એક જ દેશ, ગામ અને લત્તામાં અલગ અલગ ધર્મ, જાતિ અને સંસ્કૃતિના લોકો એક સાથે વસવા લાગ્યા છે. માહિતી અને ટેક્નોલોજીએ એકબીજા વચ્ચેનું ભૌગોલિક અંતર દૂર કરી જ દીધું છે. વ્યક્તિઓ વચ્ચે પ્રવર્તતી સામાજિક માન્યતાઓ અને સાંસ્કૃતિક જોડાણો તથા સામાજિક વિવિધતા વચ્ચે આપણે સહુના વર્તનનું એક એવું મધ્યબિંદુ શોધવું જોઈશે જે એકબીજા સાથે સુસંગત હોય. ગાંધીના અગિયાર વ્રતોમાંનો એક ‘સર્વ ધર્મ સમભાવ’ આ મહત્ત્વના ગુણને સારી રીતે સમજાવે છે, ખાસ કરીને આજના વિશ્વ આખામાં પ્રસરી ગયેલા માનવને. એનું નામ જ વૈવિધ્યને સ્વીકારવું, છતાં પોતાની શ્રદ્ધામાં મક્ક્મ રહેવું.

જ્યારે અમેરિકન મેથોડિસ્ટ પાદરી ઈ. સ્ટેન્લી જોન્સે ગાંધીને પૂછ્યું, “ક્રાઈસ્ટે કહેલું, ‘તમારા પાડોશીને પ્રેમ કરો,’ એનાથી વધુ સારો અહિંસાનો સંદેશ તમે કયો આપી શકો?” ગાંધીએ જવાબ આપતાં કહ્યું, “મારે કોઈ દુશ્મન નથી. ખોટું કૃત્ય અને એ કરનાર બંને એક નથી. હું અસત્‌ આચરણનો વિરોધી છું, અસત્‌ આચરણ કરનારો મારો ભાઈ છે. દુશ્મનને પ્રેમ કરવા કરતાં બીજામાં દુશ્મનને જોવાની ટેવને નષ્ટ કરવી વધુ મહત્ત્વનું છે.”

માનવીની વર્તનભાતમાં અહિંસા અને હિંસા બંને છેડે રહેલી હોય છે. સંપૂર્ણ હિંસા એક અંતિમ છેડો, અને બીજે છેડે શુદ્ધ અહિંસા. અહિંસાના દૂત હોવા છતાં ગાંધી તેના અંતિમ છેડાની વાત ન કરતાં અહિંસાના વ્યવહારુ રૂપને વળગી રહ્યા. એ રીતે તેઓએ કેટલાક પ્રકારની અનિવાર્ય હિંસા કરવા સાથે સમાધાન કરેલું, જેમ કે પાકને નુકસાન કરતાં પ્રાણીઓને હાંકી કાઢવા. આ તેમનું જે તે પરિસ્થિતિમાં ઉચિત લાગતી અહિંસાનું દર્શન.

ગાંધીએ પોતાનો ગુરુત્તમ સાફલ્ય પ્રાપ્તિનો અભિગમનો સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની બાબતમાં પણ વિનિયોગ કરેલો. આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈસેશને જાહેર કર્યું કે મેદસ્વીપણું એ દુનિયા આખીમાં વ્યાપ્ત થયેલ રોગચાળો છે અને જીવન પદ્ધતિને લગતી તમામ સમસ્યાઓની જડ છે. ગાંધીએ કહેલું, “ઊંચા કદાવર શરીર ધરાવતા માણસો તંદુરસ્ત હોય જ એ જરૂરી નથી. કદાચ બીજા કશાકને ભોગે તેના માત્ર સ્નાયુઓ મજબૂત થયા છે,” તેમણે પોતાની પુસ્તિકા ‘આરોગ્યની ચાવી’માં જરૂર પૂરતા પૌષ્ટિક આહાર, સક્રિય જીવન વ્યવહાર, પૂરતી ઊંઘ અને સારા વિચારો યુક્ત સમતોલ જીવનનો અનુરોધ કર્યો હતો. પર્યાવરણની રક્ષા કરે તેવા ‘વર્ધા શૌચાલય’ની તેમની રચના એ તેમનો સ્વચ્છતા માટેના પડકારનો ઉત્તમ અને સફળ પ્રતિસાદ હતો, કેમ કે એ આર્થિક અને પર્યાવરણની દ્રષ્ટિએ પોસાય તેવા અને સાથે સાથે સ્થાનિક જરૂરતો પૂરી પડે તેવા હતા. 

સંઘર્ષનો ગુરુત્તમ ફાયદાકારી ઉકેલ

સત્યાગ્રહ બંને પક્ષને ન્યાય આપે, ફાયદો કરે તે દિશામાં સંઘર્ષનો ઉકેલ લાવવાની રીત છે. અન્ય તરફ તાદાત્મ્ય અનુભવવું (કોઈ સમસ્યા તરફ અન્યની દ્રષ્ટિથી જોવું), સમાધાન (એક સામાન્ય મધ્યબિંદુ પર સહમત થવું), ધૈર્યથી કામ લેવું (સામ પક્ષને સચ્ચાઈનું ભાન થાય અને પોતાના વલણમાં બદલાવ લાવે તેટલો સમય આપવો), સમાવેશી અભિગમ (સત્યાગ્રહ અને રચનાત્મક કર્યો દ્વારા કરેલી દરમ્યાનગીરી), આમ જનતા તેમ જ પ્રતિપક્ષને સત્ય તરફ જવા માટે તાલીમ આપવી જેવા મહત્ત્વના વ્યવહારુ સિદ્ધાંતોને અનુસરવાની અપેક્ષા સત્યાગ્રહની વિભાવના રાખે છે.

સમાપન

આ બહુ સાંસ્કૃતિક જગત, કે જે પૂરેપૂરું ખંડિત થતું જાય છે તેમાં માનવતા પોતાના અસ્તિત્વનો હેતુ અને ઓળખ ગુમાવતી જાય છે; ત્યારે ગાંધીએ જિંદગીને પૂર્ણપણે પામવા સર્વસામવેશી અને બધાને આવરી લેતો જીવનનો રાહ ચીંધ્યો. ગાંધીએ આખા જીવનને આવરી લેતા એવા મૂળભૂત સત્ય અને અહિંસાના જોડિયા સિદ્ધાંતો વિકસાવ્યા અને તેની જોડાજોડ એ સિદ્ધાંતોને કાર્યાન્વિત કરવા તેને અનુબંધિત હોય તેવી વ્યવસ્થા અને તંત્રનું માળખું ઊભું કર્યું. આ વિભાવનાઓએ વૈશ્વિક ન્યાય અને સમાનતાના ખ્યાલો દુનિયા પાસે સાચા અર્થમાં ઉજાગર કર્યા. માનવ જાત સામે ખડા થયેલા પડકારોને ઝીલવા એવી પદ્ધતિ સૂચવી જે બીજાને દર્દ આપ્યા વિના દુરસ્ત કરે અને પ્રતિપક્ષનો નાશ કર્યા વિના સમસ્યાનો હલ કરે. તેનાથી એવી સામાજિક અને આર્થિક વ્યવસ્થા અસ્તિત્વમાં આવી જેણે માનવીને ભૌતિક વ્યવહારનું જીવન ન્યાય, સમાનતા અને બંધુતાની ભાવના સાથે જીવવાની તક આપી. માનવ સભ્યતાને વિવિધ સાંસ્કૃતિક ભૂમિકા ધરાવતા લોકોના સહઅસ્તિત્વથી પેદા થયેલ સમસ્યાઓને શાંતિપૂર્વક હલ કરવા એક અતિ મૂલ્યવાન દ્રષ્ટિકોણ સાંપડ્યો.

e.mail : 71abuch@gmail.com

Loading

4 July 2021 admin
← ચોર રસ્તાઓ : મરાઠી દલિત નાટક
ગુજરાતમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો છે કે પછી …? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved