હાસ્યલેખ
આદમે પાંસળીમાંથી આનંદ માટે ઈવ સર્જી ત્યારથી સ્ત્રી અને પુરુષ વર્ગ ઊભો થવાની શરૂઆત થઈ, એવું તમારે ન માનવું હોય તો તમારી મરજી, પણ પાંસળીમાંથી સ્ત્રી સર્જાઈ ને ત્યારથી પુરુષની પાંસળીઓ તૂટતી રહી છે, એમ માનવાનું ભાગ્યે જ કોઈ પુરુષ નકારશે. પહેલી કહેવત તો બૂધે નાર પાંસળી જ હતી, પણ પછી અપભ્રંશ ને સ્મૃતિભ્રંશ થતાં પુરુષને અન્યાય કરવા ‘બૂધે નાર પાંસરી’નું ચલણ વધ્યું. સુરતીઓ બુધે ને બદલે બુઢે જ બોલે છે, તેનો વળી જુદો જ અ(ન)ર્થ થાય છે.
એક સવાલ ને ચિંતા સાથે સાથે થાય છે કે સ્ત્રી ન હોત તો પુરુષ શું કાચું ખાતે? એનો જવાબ છે કે સ્ત્રી ન હોત તો પુરુષ પણ ન હોત. તો સારું જ હતું ને ! આમ સાથે હોવાથી શું સ્વર્ગ મળી ગયું? નરક જીવવું એના કરતાં ન હોવું બહેતર છે. આવું ઘણાને લાગે છે, તો પણ નરક છોડવા કોઈ રાજી નથી, કારણ જેવું છે તેવું નરક છે તો ખરું. સ્વર્ગની તો કોઈ ગેરંટી જ ક્યાં છે? જે દેવતાઓ સ્વર્ગમાં હોવાનું કહેવાય છે તે પણ દેવીઓ સાથે રહે છે એ ભૂલવા જેવું નથી. જો સ્વર્ગમાં દેવીઓ સાથે દેવતાઓ રહે છે ને એમને દેવતા મૂકાઈ ગયા જેવું નથી લાગતું તો પૃથ્વી પર સ્ત્રી સાથે રહેવાથી કોઈ ગરાસ લૂંટાઈ જતો નથી એટલું નક્કી છે. રહી વાત કાચું ખાવાની, તો એ ખરું કે સ્ત્રી વગર પુરુષે કાચું ન ખાધું હોત, મતલબ કે ખાધું જ ન હોત. સ્ત્રીને કારણે પુરુષની હોજરી ભરાઈ છે ને તે બધે હાજરી પૂરતો ને પુરાવતો થયો છે તે ભૂલવા જેવું નથી.
એક જમાનો હતો જ્યારે સ્ત્રી અબળા કહેવાતી, પણ તેથી રાજી થવાની જરૂર નથી, પુરુષો પણ નબળા કહેવાયા જ છે. 'નબળો માટી બૈરી પર શૂરો', તે એમ જ કહેવાયું નથી. ‘નારી તેરી યહી કહાની …’ કે ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય,’ ‘દીકરી તો પારકી થાપણ કહેવાય,’ ને દીકરીની સાથે ‘ઠીકરી’નો પ્રાસ બેસાડીને કવિઓએ ચિત્ર એવું ઊભું કર્યું છે કે સ્ત્રી તો જન્મે ત્યારથી જ દુખિયારી હોય છે, પણ આવો ફેલાવો કરવામાં કેટલાક પુરસ્કાર ઈચ્છુક કવિઓનો ફાળો વધારે છે. કેટલાક કવિઓ સ્ત્રૈણ હોય છે એટલે હવે કવિ નહિ, પુરુષ કવિ ને કેટલીક કવયિત્રીઓ સાવ ભાયડા છાપ હોય છે એટલે તેને જુદી પાડવા સ્ત્રી કવયિત્રીઓનાં નામનું સ્ટીકર ચોંટાડવું પડે છે.
એ વાત સાચી છે કે સમાજ આજે પણ પિતૃસત્તાક રહ્યો છે એટલે સ્ત્રીઓ જનમ જનમથી દુ:ખી રહી છે ને પુરુષ જનમ જનમથી સુખી રહ્યો છે. જોવાની ખૂબી એ છે કે આમ છતાં મૃત્યુનું પ્રમાણ પુરુષોમાં વધુ રહ્યું છે. લાલ કે કાળું લૂગડું સ્ત્રીને જ વધારે પહેરવાનું આવ્યું છે ને વકીલોને બાદ કરતાં પુરુષ ભાગ્યે જ કાળા ડગલામાં દેખાય છે. એ પણ સાચું છે કે દાદાગીરી તો પુરુષ જ કરતો આવ્યો છે, છતાં એ પણ હકીકત છે કે અક્કલનું કે મિલકતનું દેવાળું પુરુષે જ ફૂંક્યું છે. કોઈ સ્ત્રીએ દેવાળું કાઢ્યાનું મારી જાણમાં નથી. આધુનિક સ્ત્રીઓ દેવાળું કાઢતી નથી, પણ તે બેંકોને કે પેઢીઓને ઉઠાડી કે સૂવડાવી મૂકવાની ક્ષમતા ધરાવે છે. વેઇટ લિફ્ટિંગ હવે સ્ત્રીઓ જાહેરમાં કરતી થઇ છે. જે શિવધનુષથી સીતા ઘોડો ઘોડો રમતી હતી તે ધનુષ સ્વયંવરમાં રાવણથી ઊંચકાયું નો’તું. આજે પોતાની (પોતાની જ) પત્ની, પતિ જોગવી શકતો નથી, એની સામે દ્રૌપદી પાંચ પતિઓને જોગવી શકતી હતી તો કેવી રીતે કહેવાય કે સ્ત્રીઓ અબળા છે? હવે સ્ત્રીઓ પુરુષનો ભાર ઉઠાવી શકે છે ને ઊંચક્યા વગર પુરુષને 'ઉઠાવી' પણ શકે છે. સ્ત્રી પુરુષને ઊંચકી પણ નાખે છે ને જરૂર પડ્યે ખભો પણ આપી શકે છે. આ બધું પણ સ્ત્રી અને પુરુષ સાથે હોવાને કારણે જ શક્ય છે. એકલો પુરુષ ભાજી વગરના પાઉં જેવો છે ને એકલી સ્ત્રી ભાત વગરની દાળ જેવી છે.
એક સમય હતો જ્યારે પુરુષ દારુ પીને સ્ત્રીને મારતો હતો. તેમાં ભાગ દારુ ભજવતો હતો, જ્યારે આજે વગર દારૂ પીધે જ સ્ત્રી, કચરો હોય તેમ પુરુષને ગજવેથી વાળીઝૂડીને સાફ કરી નાખે છે ને વખત આવે તો પતિને પતાવી કે પટાવી પણ શકે છે. એટલે પુરુષ બાવડાં ફૂલાવીને ભલે ફર્યા કરતો હોય પણ સ્ત્રી શક્તિથી સશકતીકરણ સુધી આવી છે તે ભૂલવા જેવું નથી.
એક સમય હતો જ્યારે પરિણીત સ્ત્રી ચૂપ રહેતી, હવે પુરુષ ચૂપ થયો છે, તે એક પ્રકારનું પ્રાયશ્ચિત જ છે. બોલીને બગાડવું તેના કરતાં ચૂપ મરી રહેવું વધારે સારું એ વાત પરિણીત પુરુષ સમજી ગયો છે. અપરિણીત હતો ત્યાં સુધી પુરુષનો સિદ્ધાંત – બોલે તેનાં બોર વેચાય-નો હતો તે પરણ્યાં પછી – ન બોલ્યાંમાં નવ ગુણ-માં પરિણમે છે. આ ક્રમ પરિણીત સ્ત્રીમાં ઉલટાવાઈ જાય છે. તે એટલું બોલે છે કે પુરુષે પૂર્ણવિરામ મૂકવા તરફડવું પડે. એ જ કારણે ઘણા પુરુષોએ કાનથી આપઘાત કર્યા છે. સ્ત્રી શક્તિ છે, તે ભાગ્યે જ આપઘાત કરે છે, બલકે કરાવતી હોય તો નવાઈ નહીં !
એ સાચું છે કે સ્ત્રી સુધરી હોય કે ના સુધરી હોય, પણ સ્ત્રીઓની સ્થિતિ સુધરી છે તે નિર્વિવાદ છે, તેમાં ય કાયદાઓ સ્ત્રીની ફેવર કરતા થયા છે ત્યારથી સ્ત્રીઓ પુરુષોની ફેવર ઓછી જ કરતી થઇ છે. એક સમય હતો જ્યારે દીકરીઓને માબાપ ગાયની જેમ ગમે તેને ખૂંટે બાંધી દેતાં, હવે ખૂંટો દીકરી જાતે પસંદ કરે છે ને ના ફાવે તો ખૂંટો છોડાવી પણ દે છે. હવે તે છેડો મૂકતી નથી, છેડો જ છૂટો મૂકી દે છે. પુરુષ ડરાવતો હતો તે હવે ડરતો થયો છે. ઘરની વહુ એક ફોન પોલીસને કરે તો સાસરું એકવાર તો સળિયા પાછળ ધકેલાઈ જ જાય છે, ભલે પછી સાસરું નિર્દોષ હોય ! ઘરમાં પતિથી ડરતી પત્ની તેની ઓફિસમાં હાથ નીચેના પુરુષોને હાથપગ જોડાવે છે. બોસ જો સ્ત્રી હોય તો કર્મચારીઓ, કામચોરીઓ કરી શકતા નથી, કારણ 'કામ' માંથી જ કોઈ ઊંચું આવતું નથી.
આમ છતાં પુરુષને સરવાળે ઓછો જ અન્યાય થાય છે ને સ્ત્રીને બાદબાકીએ વધારે જ અન્યાય થાય છે. જેમ કે ઘરમાં ચા સ્ત્રી બનાવે છે, પણ હોટેલમાં ચા પુરુષ બનાવે છે. લારી પર કોઈ સ્ત્રી કપ રકાબી ખખડાવતી હોત તો દેશ આટલો ખખડી ગયો ના હોત. ઘરમાં લાડુ – ગાંઠિયા સ્ત્રી બનાવે છે, પણ રસોઈયાઓ પુરુષો છે, કપડાં સ્ત્રી ધૂએ છે, પણ લોન્ડ્રી પુરુષની હોય છે. બહાર હજારોની રસોઈ કરતો રસોઈયો, બૈરી-છોકરાંને ઢોકળાં ય બાફી આપે છે કે? ઘરમાં રાંધવાનું તો બૈરીએ જ ! આવું કેમ?
સમજાવું. કામ કોઈ પણ હોય, પણ જેમાંથી કમાણી થાય છે એ બધાં કામ પુરુષે પોતાની પાસે રાખ્યાં છે ને જે ચા, પાણી લૂગડાંથી કમ્મર ને તમ્મર બેનાં જ લાભ મળતાં હોય એ કામ, 'તું તો ગૃહલક્ષ્મી છે, નારાયણી છે,’ કહીને સ્ત્રીને પકડાવેલાં છે, આમાં પુરુષની બદમાશી જ કામ કરે છે. જો કે, સ્ત્રીઓ પણ હવે પાકી રાયણ થઇ ગઈ છે. તે પણ પતિ તો, ‘બહુ જ કમાય,’ કહીને પતિને પટાવે છે, પેટાવે છે ને સામે આંખો ય પટપટાવે છે. પરિણામ એ આવે છે કે એ પણ સેકન્ડ, ફોર્થ સેટરડેએ માસ સી.એલ. મૂકી દે છે. લગભગ બધાં શહેરોમાં શનિ-રવિની રાતે ઘરમાં તો કોઈ જમતું જ નથી. ડોસા બપોરનું ખાઈ લે છે ને બાકીનાં ઢોસા ઝાપટીને કેલેન્ડરનું પાનું ફેરવી નાખે છે.
લગ્ન સંસ્થાઓ ભગ્ન સંસ્થાઓ થઇ ગઈ છે. પતિ-પત્ની સંસાર રથના ચક્રો કહેવાતાં, હવે,ચક્ર્મો કહેવાય છે. લગ્ન એટલે પ્રભુતામાં પગલાં પાડવાં – એવું કહેવાતું, હવે – લઘુતામાં પગલાં પાડવાં – એવું કહેવાય છે. પારકી થાપણો હવે પારકી સાપણો કહેવાય છે. પુરુષ ઘોડી ચડે ત્યારે દેખાય છે એટલો વરવો ક્યારે ય દેખાતો નથી.ને સ્ત્રી ક્યારે ભૂંડી દેખાય છે,ખબર છે?
ક્યારે ય નહીં!
000
e.mail : ravindra21111946@gmail.com