પ્રકૃતિ મુક્ત છે. પશુપંખી પણ કુદરતે તો મુક્ત જ રાખ્યાં છે, પણ માણસે તેમને ય કેદ કર્યાં છે. પંખી પિંજરમાં કેદ હોય કે ન પણ હોય. કૂતરો ઘણાં પાળે છે, પણ સિંહ પાળવા ભાગ્યે જ કોઈ તૈયાર થશે. જેના પર કાબૂ મેળવી શકાય એમ છે, એ બધાં પર માણસ અધિકાર ભોગવવા તત્પર હોય છે. કોઈ તાબે થાય છે તો માણસને ગમે છે, પણ કોઈ શીંગડાં ભરાવે છે તો તેનાથી તે દૂર રહેવાનું પસંદ કરે છે અથવા તો તેને વશ કરવાની કોશિશ કરે છે. માણસ પહેલાં, સ્વતંત્રતાની ઝંખના કોઈને ન હતી, કારણ બધાં મુક્ત જ હતાં. આને મુક્તિ કહેવાય એવી કશી સભાનતા વગર જ સૌ મુક્ત હતાં. એ વિધિની વક્રતા છે કે સૃષ્ટિ પર સ્વતંત્રતાની વાત પહેલી વાર માણસે જ કરી છે, કારણ સૌથી વધુ ગુલામ પણ તે જ રહ્યો છે. કૂતરાને પટો માણસે બાંધ્યો, ત્યારે તેને ખ્યાલ નહીં હોય કે કોઈ તેને ગળે પણ પટો બાંધી શકે છે. આ “કોઈ” પણ છે તો માણસ જ ! કોઈ પશુ કે પર્વત માણસને પટો બાંધવા તૈયાર નથી. એ માણસ જ છે જેણે ગુલામીનો પાયો નાખ્યો ને પછી સ્વતંત્ર થવાની મથામણ પણ કરી. માણસ પહેલાં સૃષ્ટિમાં કોઈ ગુલામ ન હતું. ગુલામીની શરૂઆત માણસે કરી. માણસે બીજા પર વર્ચસ્વ જમાવવાનો પ્રારંભ કર્યો ને એ પછી સ્વતંત્રતા માટે અનેક યુદ્ધો થયાં જેનો છેડો હજી દેખાતો નથી.
માણસની વિચિત્રતા એ છે કે તે પોતે સ્વતંત્ર રહેવા માંગે છે, તે સાથે જ તેનું કોઈ પર વર્ચસ્વ રહે તેની કોશિશ પણ કરતો રહે છે. સ્વતંત્રતા સૌ કોઈ ઈચ્છે છે, પણ તેની સાથે જવાબદારીઓ, ફરજો પણ જોડાયેલી છે. તે નિભાવવા બહુ ઓછા તૈયાર હોય છે. જવાબદારી વગરની સ્વતંત્રતા, સ્વચ્છંદતાથી જુદી નથી. આજની યુવા પેઢી મોટે ભાગે સ્વચ્છંદ છે. તે એટલે કે તે જવાબદારીથી ભાગે છે. તેને માથે કોઈ આદેશ હોય તો તેને તે પરવડતો નથી. વડીલો યુવા પેઢીને ભાગ્યે જ સ્વીકારે છે, એવું જ યુવા પેઢીનું પણ છે. તે વડીલો સાથે ભાગ્યે જ તાલમેલ રાખી શકે છે. વડીલો પાસે અનુભવ છે, એને જોરે તે સંતાનોને પ્રભાવમાં રાખવા માંગે છે. સંતાનો પાસે અનુભવ નથી એટલે વડીલો ઈચ્છે છે કે તેઓ તેમની પાસેથી કૈં શીખે, પણ સંતાનોને એ બહુ માન્ય હોતું નથી. તેમણે પોતાની રીતે ઊડવું હોય છે. ભૂલોમાંથી શીખવું હોય છે. વડીલોને લાગે છે કે એમ કરવા જતાં સંતાનો અટવાઈ જશે એટલે આગ્રહ રાખે છે કે સંતાનો તેમની વાત માને. તેમના અનુભવમાંથી શીખે, પણ એવું ખાસ બનતું હોતું નથી. આ અનેક પેઢીથી ચાલ્યું આવે છે ને અનેક પેઢી સુધી ચાલશે. વડીલોની દેખરેખ છતાં સંતાનો અટવાયાં હોય ને દેખરેખ વગર સંતાનો પોતીકી રીતે સફળ થયાં હોય એવું પણ ઘણી વાર બન્યું છે.
વડીલોની માનસિકતા ઘણુંખરું જૂના જમાનાની હોય છે ને તે ઘણાં સંતાનોને સ્વીકાર્ય હોતી નથી. એક વસ્તુ વડીલોએ સમજી લેવાની જરૂર છે કે બે પેઢી વચ્ચેનું અંતર કદી ઘટતું નથી ને સમસ્યા આજના વડીલો અને યુવાનો વચ્ચે જ છે એવું નથી. આ વડીલો યુવાન હતા ત્યારે એમના વડીલો સાથે બનતું જ હતું એવું ન હતું. એમની વચ્ચે પણ જનરેશન ગેપ હતો જ. એ ખરું કે દરેક સમયે, તેમના સમયથી આગળનું જોનારા વડીલો હતા જ, એને લીધે જ તો વિચારધારાઓ બદલાઈને અહીં સુધી આવી છે. કેટલાક વડીલો ખરેખર નવી વિચારધારાને સ્વીકારનારા હોય છે. કેટલાક દેખાવ ખાતર સ્વીકારતા હોય છે, પણ અંદરથી તો જૂનવાણી જ હોય છે. એમનો સંતાનો સાથે ટકરાવ ચાલ્યા જ કરતો હોય છે. ઘણી વાર તેમની સ્થિતિ બાવાના બે ય બગડ્યા જેવી થાય છે. નથી તે પૂરા મોડર્ન થઈ શકતા કે નથી તો તે પરંપરાને પૂરી અનુસરી શકતા. એમાં વળી જે વિદેશ જઈને વસ્યા છે એમની હાલત તો વધારે કફોડી હોય છે.
જે અહીંથી વિદેશ ગયા છે ને ત્યાં જ સ્થાયી થયા છે એ વડીલો ત્યાંની આધુનિકતાથી આકર્ષાયા છે ને એનો લાભ પણ એમણે લીધો છે, પણ ત્યાં જન્મેલાં સંતાનોની બાબતમાં તેમની નીતિરીતિ સ્પષ્ટ નથી. કેટલાક વડીલો ત્યાં જઈને પણ વ્રત, જપ, તપ, ઉપવાસ કરે છે ને સંતાનો પણ એ જ રીતે ધરમધ્યાન કરે એમ ઇચ્છતા હોય છે. સંતાનો નાનાં હોય ત્યાં તો સુધી બધું સ્વીકારે છે, પણ પછી ખરેખરા વિદેશી વાતાવરણમાં મુકાય છે ત્યારે મૂંઝાય છે. પરિણામ એ આવે છે કે ઘરમાં તે ધરમ પાળે છે ને બહાર આધુનિક બની રહે છે.
કેટલાંક કુટુંબો ખરેખર વિદેશી બની રહે છે. તે ઘરમાં વિદેશી છે તો બહાર પણ વિદેશી જ હોય છે. એમાં પણ એક ભેદ તો રહે જ છે. પિતા કે પુત્રને જે મોકળાશ છે તે માતા કે પુત્રીને નથી. પિતાને લગ્નેતર સંબંધ હોય કે પુત્રને ગર્લફ્રેંડ સાથે સંબંધ હોય તેનો ખાસ વાંધો આવતો નથી, પણ માતાને કોઈ સાથે અફેર હોય કે પુત્રી બોયફ્રેન્ડને ઘરમાં લાવે કે કોઈ સાથે ડેટિંગ કરે તો કુટુંબ તે ચલાવી શકતું નથી. એનું મૂળ કારણ એ છે કે અહીંથી ગયા પછી પણ ભારતીય સંસ્કૃતિ તેમનો પીછો છોડતી નથી. લાભ મળતો હોય તો વિદેશી થવાનો વાંધો નથી, પણ છોકરી ડેટ પર જવા માંગે તો પિતાને પરમિશન આપતાં નવ નેજાં પાણી ઊતરે છે. દીકરીને ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેવાય છે ને આપણને એ ન શોભે એવું ભણાવાય છે, પણ દીકરી ત્યાં સુધીમાં પૂરેપૂરી વિદેશી થઈ ચૂકી હોય છે ને પિતાને ન માનવા લાચાર બને છે.
એ જ સ્થિતિ ભારતમાં પણ છે. અહીં પણ પશ્ચિમનો પવન ફૂંકાયો છે. ઘણાં અંગ્રેજ કે અમેરિકન થવા મથે છે. વિદેશી દારૂ પીને લફરાં કરનારાં કે યા-યા- કરનારાં અહીં પણ છે જ ! પતિ કે પત્નીની અદલાબદલી કરીને રાત ગુજારનારી ક્લબો અહીં પણ છે. વિદેશમાં હોય તેનું વધુ વરવું રૂપ અહીં જોવા મળે છે, પણ એ બધું નકલી અને તકલાદી છે કારણ, એમાં સચ્ચાઈ નથી, દંભ છે.
પતિને કોઈ સ્ત્રી હોય તો નભી જાય છે, પણ પત્નીને બીજો પુરુષ હોય એ ભાગ્યે જ સહ્ય બને છે. એ જ રીતે દીકરો કોઈની છોકરી જોડે ફરે તો બહુ વાંધાજનક નથી ગણાતું, પણ દીકરી કોઈ છોકરા જોડે ફરતી દેખાય તો માબાપના ઉજાગરા વધી જાય છે. કુટુંબની આબરૂ દાવ પર લાગી જાય છે. આવા ભેદ મોડર્ન ગણાતા કુટુંબમાં કદાચ વધારે છે. આવી માનસિકતા પાછળ એક જ કારણ છે, શરીર.
છોકરો ઘણી છોકરીઓ જોડે ફર્યો હોય, પણ તેનાં લગ્નને ખાસ વાંધો આવતો નથી, પણ છોકરી કોઇની જોડે ફરતી હોવાની વાત ઊડી તો તેનાં લગ્ન ઘોંચમાં પડે જ છે. આજે પણ છોકરી કુંવારી હોય, અક્ષત યૌવના હોય એવી અપેક્ષા રખાય છે. માબાપને છોકરા બાબતે એટલી ચિંતા હોતી નથી, જેટલી છોકરી સંદર્ભે હોય છે. છોકરાની છેડતી થતી નથી, તેનાં પર બળાત્કાર થતો નથી, તે પ્રેગ્નન્ટ થતો નથી. છોકરી સાથે આ બધું જ શક્ય છે એટલે તેને વિશેષ રક્ષણ હેઠળ રાખવામાં આવે છે ને આ બધાં પછી પણ જે થવાનું હોય છે તે તો થાય જ છે. એનો એકાએક ગળે ન ઊતરે એવો માર્ગ છે, છોકરીને સ્વરક્ષણની તાલીમ આપવી ને જે સ્થિતિમાં તે આવી પડે, તેની પડખે રહેવું. ખાસ કરીને બળાત્કાર પછી છોકરીનો સમાજ બધી રીતે સ્વીકાર કરે એ બહુ મહત્ત્વનું છે, પણ દુર્ભાગ્યે એવું ઓછું જ બને છે. સમાજને છોકરીઓની સુરક્ષાને મુદ્દે ભયભીત થઈને જીવવાનો સમાજને વાંધો નથી, પણ અનાચારથી પીડિતનો સ્વીકાર કરવાની વૃત્તિ ઓછી જ હોય છે એટલે સમાજ ને સ્ત્રી બંને વેઠે છે.
આ બધું બને છે સ્વતંત્ર થવા અને ન થવા દેવાને મુદ્દે. સ્વતંત્રતા જવાબદારી વગરની ન હોય. એ જવાબદારીનું ભાન હોય તો કોઇની સ્વતંત્રતાનું મૂલ્ય કરી શકાય ને તો જ આપણી સ્વતંત્રતા પણ અન્યને હૈયે વસે. પુરુષ સ્વતંત્ર હોય ને સ્ત્રીને બંધન હોય તો સમાજ અડધો ગુલામ ગણાય. પુરુષને મોડર્ન હોવાને નામે અફેરનો અધિકાર હોય ને સ્ત્રીને ડેટિંગની છૂટ ન હોય, એવી બેવડી નીતિ તંદુરસ્ત સમાજને સૂચવતી નથી. અધિકાર, આપીને મેળવવાનો હોય, તે એકમાર્ગી નથી. જે મનુષ્ય પોતે મુક્ત રહેવા ઈચ્છે ને અન્ય પર વર્ચસ્વ જમાવવા માંગે તે લાંબો સમય મુક્ત રહી શકતો નથી. મુક્તિ વ્યક્તિગત હોવા ઉપરાંત સાર્વત્રિક પણ અપેક્ષિત છે. જ્યાં એ નથી ત્યાં દંભ, અનાચાર અને અપ્રમાણિક્તાનો જ મહિમા હોય તે કહેવાની જરૂર ખરી?
અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com