મુંબઈના ઘડતરમાં પાયાનો પથ્થર ગવર્નર ઓન્જિયાર
મુંબઈની પહેલવહેલી અદાલતો
જ્યારે જેલમાંના કેદીઓએ ખાવાનો ખરચ પોતે આપવો પડતો
ઈમારત ચણાઈ જાય પછી તેના પાયાના પથ્થરના નસીબમાં મોટે ભાગે ભોંયની અંદર ધરબાઈ જવાનું લખ્યું હોય છે. ઈમારતને સૌ કોઈ જુએ છે, તેના પાયાના પથ્થરને કોઈ નહિ. મહાનગર મુંબઈની ગગનચુંબી ઈમારતનો પાયાનો પથ્થર એટલે જેરાલ્ડ ઓન્જિયાર, મુંબઈના બીજા ગવર્નર. મુંબઈને એક મહાન શહેર બનાવવાનું સપનું તેમણે જોયું એટલું જ નહિ, એ દિશામાં કામ પણ શરૂ કરી દીધું. હવે તો અંગ્રેજોનાં પૂતળાં મુંબઈના રસ્તાઓ પર રહ્યાં નથી. પણ આઝાદી પહેલાં હતાં ત્યારે પણ એમાં ઓન્જિયારનું પૂતળું નહોતું. કોઈ રસ્તાને કે ચોકને તેમનું નામ આપવામાં આવ્યું હોય તેવું જાણવા મળતું નથી. તેમ જ નથી મળતો ફોટોગ્રાફ, કે નથી મળતું ચિત્ર. હા, સુરત નજીક કતારગામમાં આવેલ બ્રિટિશ કબ્રસ્તાનમાં તેમની કબર છે ખરી, પણ બિસ્માર હાલતમાં.
સુરતના બ્રિટિશ કબ્રસ્તાનમાં ગવર્નર ઓન્જિયારની કબર
ગવર્નર ઓન્જિયારે મુંબઈમાં પહેલી વાર અદાલતો શરૂ કરી. ૧૬૭૦ના ફેબ્રુઆરીની બીજી તારીખે સરકારના વડા મથક બોમ્બે કાસલ ખાતે તેમણે એક મિટિંગ બોલાવી. એ વખતે મુંબઈમાં ન્યાયની વ્યવસ્થા કઈ રીતે કરવી તે અંગેના હુકમ તેમણે આપ્યા. પહેલાં તો મુંબઈમાં વસતા તમામ અંગ્રેજોની યાદી બનાવડાવી અને તેમની લાયકાતની નોંધ કરી. પછી તેમાંથી જે યોગ્ય લાગ્યા તેમની નિમણૂક ન્યાયાધીશ તરીકે કરી. આ માટે તેમણે મુંબઈને (એ વખતે તેની હદ માહિમ સુધીની જ હતી) બે ભાગમાં વહેંચી નાખ્યું. પહેલા વિભાગમાં મુંબઈ, મઝગાંવ અને ગિરગાંવ, અને બીજા વિભાગમાં માહિમ, પરળ (પરેલ), સાયન, વરળી, અને પખાડી (ગ્રામીણ) વિસ્તાર. પહેલા વિભાગની અદાલત કસ્ટમ હાઉસમાં દર શુક્રવારે સવારે આઠ વાગે મળતી. બીજી, માહિમના કસ્ટમ હાઉસમાં દર બુધવારે આઠ વાગે મળતી. બંને અદાલતોને પાંચ ઝેરાફિનની રકમ સુધીના દાવા ચલાવવાનો અધિકાર હતો. ઝેરાફીનના સિક્કા મૂળ તો પોર્તુગીઝ શાસન દરમ્યાન શરૂ થયેલા. આ અદાલતો શરૂ થઈ ત્યાં સુધી તે મુંબઈમાં ચલણમાં હતા. ઝેરાફીન શબ્દનું મૂળ ‘અશરફી’માં રહેલું છે. જે ન્યાયાધીશો નીમ્યા હતા તેમને કાયદા કે અદાલતો વિષે નહોતી કશી જાણકારી, કે નહોતો અદાલતનો અનુભવ.
૧૬૭૮માં ઓન્જિયાર ફરી સુરતથી મુંબઈ આવ્યા. એ વખતે તેમણે મુંબઈમાં ‘ફેર કોમન હાઉસ’ બાંધવાનું શરૂ કર્યું. આ વિશાળ મકાનમાં અદાલતો માટેના ઓરડા, અનાજ અને બીજી જરૂરી વસ્તુઓ સંઘરવા માટેનાં ગોદામ, દારૂગોળો સંઘરવા માટેનું અલાયદું ગોદામ, અને ગુનેગારોને સંઘરવા માટે જેલ – એટલી વ્યવસ્થા તેમણે કરી. આ મકાન બંધાવ્યું કોટ વિસ્તારમાં. એલ્ફિન્સ્ટન સર્કલ(આજનું હોર્નિમેન સર્કલ)થી ૩૦૦ ગજ દૂર, બોરા બઝાર સ્ટ્રીટ અને ગનબો સ્ટ્રીટના નાકા પર. એ મકાન બાંધવા માટેનો નકશો (પ્લાન) પણ ઓન્જિયારે પોતે તૈયાર કરેલો. આ મકાન બાંધતાં પહેલાં તેમણે લંડનથી મંજૂરી મેળવી હતી. છતાં મકાન બંધાઈ રહ્યું પછી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે લખ્યું કે મકાન બાંધવા પાછળ તમે ઘણો વધારે ખરચ કર્યો છે. જવાબમાં તેમણે પાઈએ પાઈનો હિસાબ તો મોકલ્યો જ, પણ છેવટે લખ્યું કે આ છતાં મેં વધારે પડતો ખરચ કર્યો છે તેમ લાગતું હોય તો પૂરેપૂરી રકમ હું અંગત રીતે ચૂકવી દેવા તૈયાર છું. શરત માત્ર એટલી કે કંપનીએ મકાન વાપરવા માટે મને વાજબી ભાડું દર મહીને ચૂકવવું!
‘માપલા પોર’નો નકશો
આ મકાન પછીથી માપલા-પોર તરીકે ઓળખાતું થયું. ‘પોર’ એ ગુજરાતી શબ્દ ‘પોળ’નું અપભ્રષ્ટ રૂપ છે! આજે પણ કોટ વિસ્તારની કેટલીક સાંકડી ગલીઓમાં ફરો તો અમદાવાદની પોળોમાં ફરતા હો એવું લાગે. એક જમાનામાં અહીં મલબારી માપલા, કે મોપલા મોટી સંખ્યામાં રહેતા હતા અને તેમની ઘણી દુકાનો પણ અહીં હતી. માપલા ફેરિયાઓ નાળિયેર અને સાદડી જેવી વસ્તુઓ વેચતા. માથા પર ટોપલામાં લીલાં નાળિયેર કે ચટાઈનો ભારો લઈને રસ્તા પર ફરતા મોપલા ફેરિયાઓને આ લખનારે નાનપણમાં મુંબઈમાં જોયા છે. તમે બૂમ પાડો એટલે ઘરે આવે. તમે માગો તે જ જાતનું નાળિયેર શોધીને આપે. ‘નુસ્તા પાની’માં મલાઈ ન હોય, ફક્ત પાણી જ હોય, સહેજ તૂરું. ‘પતલા મલાઈ’માં પાતળી મલાઈ હોય. તેનું પાણી સૌથી વધુ મીઠું. અને ‘કોપરા પાની’માં જાડું કોપરું વધુ, પાણી ઓછું, અને તે જરાક ફિક્કું. બીજાં ઘણાં ગુજરાતી ઘરોની જેમ અમારા ઘરમાં ‘સાદડી’ શબ્દ વપરાતો નહિ, ‘ચટાઈ’ જ કહેતાં. ભારામાં નાની મોટી ચટાઈઓના વીંટા હોય. દરેકની કિનાર લીલા કે લાલ/ગેરુઆ રંગના કપડાથી ઓટેલી હોય. મુસ્લિમ બિરાદરો મોટે ભાગે લીલી કિનારવાળી ખરીદે, બીજાઓ લાલ/ગેરુઆ કિનારવાળી.
‘માપલા પોર’ની જગ્યાએ ઊભેલી બઝાર ગેટ પોસ્ટ ઓફિસ
ફેર કોમન હાઉસ બંધાયા પછી અગાઉની બંને અદાલતોને અહીં ખસેડવામાં આવી, અને ૧૭૨૦ સુધી તે અહીં કામ કરતી હતી. જે જેલનો ભાગ હતો તે મુખ્ય બોરા બઝાર સ્ટ્રીટ પર હતો જેથી કેદીઓ સળિયા પાછળથી હાથ લંબાવીને રાહદારીઓ પાસેથી ભીખ માગી શકે! આની પાછળનું કારણ એ હતું કે એ વખતે જેલમાં ખાવાપીવાનો જે કાંઈ ખરચ થાય તે કેદીઓએ પોતે સરકારને આપવો પડતો! ૧૭૨૦માં અદાલતને નજીકમાં આવેલા રામા કામતના મકાનમાં લઈ જવામાં આવી અને ઓન્જિયારે બંધાવેલું મકાન શિવાજી ધરમશેઠે ખરીદી લીધું. ૧૭૪૮માં એ મકાન મહંમદ સાફીએ ખરીદ્યું અને ૧૭૬૫માં મૂસા માપલાના કાકાએ તે ખરીદ્યું. મૂસા માપલાને આ મકાન વારસામાં મળેલું. કહેવાય છે કે એ જમાનાના મુંબઈમાં જે સૌથી મોટા આઠ જમીનદાર હતા તેમાંના એક મૂસાભાઈ હતા.
તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માનીતા વેપારી હતા. જો કે વિફરે તો મૂસાભાઈ કોઈના નહિ. મર્ડોક બ્રાઉન નામના એક અંગ્રેજ અધિકારી સામે તેમણે ધોખાદડીનો કેસ માંડેલો, અને જીતેલા. તેમનાં પોતાનાં માલવાહક વહાણો હતાં જે લક્ષદ્વીપ, માલદિવ્ઝ, બંગાળ, સુરત અને મુંબઈ વચ્ચે આવ-જા કરતાં રહેતાં. અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચેની લડાઈ વખતે મૂસાભાઈ પોતાને પક્ષે રહે એ માટે ટીપુએ ઘણા પ્રયત્નો કરેલા, ધાકધમકી પણ અજમાવેલાં. પણ મૂસાભાઈ અંગ્રેજોની પડખે જ રહ્યા. ટીપુ સાથેની લડાઈમાં વિજય મળ્યા પછી અંગ્રેજોએ મૂસાભાઈને અછોવાનાં કર્યાં. આ લડાઈ પહેલાં પણ મૂસાભાઈ પાસે એટલી તો મિલકત હતી કે લડાઈ વખતે તેમણે કંપની સરકારને ૨૦ લાખ રૂપિયા(આજના ૨૦૦ કરોડ?)ની લોન આપેલી! ૧૮૦૭માં મૂસાભાઈનો અંતકાલ થયો તે પછી તેમનું કુટુંબ છિન્નભિન્ન થઈ ગયું, અને પૈસો, પ્રતિષ્ઠા, અંગ્રેજો સાથેની લાગવગ, બધું ધીમે ધીમે ગુમાવ્યું. માપલા પોરનું મકાન માપલા ચૌકરણ કેલોફ કારાકુટ્ટી કાકાના હાથમાં ગયું. તેનો કારભાર દિનશા સોરાબજી નામના પારસી સંભાળતા. ૧૮૦૩ અને ૧૮૬૮માં આ મકાનના કેટલાક ભાગને આગથી નુકસાન થયેલું. વખત જતાં તેની જગ્યાએ બઝાર ગેટ પોસ્ટ ઓફિસનું મકાન અને બીજાં નાનાં-મોટાં મકાન ઊભાં થયાં.
બોરા બઝાર સ્ટ્રીટ, ૧૯મી સદીમાં
પણ આ તો પેઠા એક પોળમાં અને નીકળ્યા બીજી પોળમાંથી, એવું થયું. ગવર્નર ઓન્જિયારે બંધાવેલ મકાનની ગલ્લીમાંથી આપણે મૂસાભાઈની માપલા પોળમાં પહોંચી ગયા. તો ચાલો પાછા ગવર્નર પાસે. ઓન્જિયાર ગવર્નર હતા ત્યારે મુંબઈની વસ્તી કેટલી હતી? ફક્ત દસ હજાર! અને છતાં તેમણે જોયું કે અહીંના લોકોનાં ધર્મ, ન્યાત-જાત, ભાષા, પ્રદેશ, જૂદાં જૂદાં છે અને તે દરેકને પોતપોતાની પરંપરાગત કાનૂની વ્યવસ્થા છે. એટલે પોતે જે અદાલતો સ્થાપી તેનો લાભ બહુ ઓછા ‘દેશી’ લોકો લઈ શકશે. વળી અંગ્રેજ ન્યાયાધીશો અહીંની ‘દેશી’ પરંપરાથી બિલકુલ અજાણ, એટલે તેમને માટે દેશીઓ વચ્ચેના ઝગડામાં ન્યાય તોળવાનું મુશ્કેલ બનશે. ઓન્જિયારના ધ્યાનમાં એ વાત પણ આવી કે ઘણી ન્યાતજાતમાં પોતાની રીતે ન્યાય કરવાની સગવડ પંચાયત દ્વારા હતી. એટલે તેમણે આ પંચાયત પ્રથાને વધારે વ્યવસ્થિત અને અસરકારક બનાવી. આથી ‘દેશીઓ’એ તેમના નાના નાના ઝગડા માટે અંગ્રેજ અદાલત સુધી જવું જ ન પડે. તેનો ન્યાય પંચાયત જ કરે. આ પંચાયત પદ્ધતિમાં મોટો લાભ એ હતો કે તેમાં કાંઈ ખરચ કરવો પડતો નહિ. આથી ગરીબમાં ગરીબ માણસ પણ ન્યાય મેળવી શકે. આ પંચાયતોમાં દર ત્રણ વરસે ચૂંટણી થતી અને તેનું સભ્યપદ સ્વીકારતી વખતે બ્રિટિશ રાજ્યને વફાદાર રહેવાના સોગંદ લેવા પડતા. દરેક પંચાયતના મુખીને માથે એક વધારાની ફરજ રહેતી: તેની જમાતના બધા લોકો સંપીને રહે અને રાજ્યને વફાદાર રહે, એ જોવાની.
પછીથી જે મકાન માપલા પોર તરીકે ઓળખાયું તે મકાનમાં ૧૬૭૨ના ઓગસ્ટની આઠમી તારીખે નવી અદાલતનું દબદબાપૂર્વક, શાનદાર સમારંભમાં ઉદ્ઘાટન થયું. એ વખતે ગવર્નર ઓન્જિયારે પોતાના ભાષણમાં નવા નિમાયેલા ન્યાયાધીશોને જે કહેલું તે માત્ર ત્યારની જ નહિ, આજની આપણી અદાલતો માટે પણ માર્ગદર્શક બની રહે તેમ છે. તેમણે કહેલું: ‘આ ટાપુ ઉપર જૂદા જૂદા દેશ, પ્રદેશ, ધર્મ, ભાષા, વ્યવસાય ધરાવતા લોકો આવીને વસ્યા છે. પણ તમે જ્યારે ન્યાય તોળવા બેસો ત્યારે તમારે એ બધાને, હું હંમેશાં ગણતો આવ્યો છું તેમ, એક સરખા ગણવાના છે, કારણ એ બધા જ તાજની અને કંપની સરકારની રૈયત છે. તેમની વચ્ચે કશો જ ભેદભાવ તમારે ક્યારે ય કરવો નહિ. એ બધાને સમાન ન્યાય મેળવવાનો હક્ક છે, અને તે આપવાની આપણી ફરજ છે.’
આગળ જતાં મુંબઈની અદાલતોએ આ ફરજ કેવીક નિભાવી તેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 15 મે 2021