રમેશભાઈ અોઝાના 'જવાહરલાલ-નેહરુની-પુણ્યતિથિ-ને-નરેન્દ્ર-મોદીનો-ઉદય-:-યોગાનુયોગ–યુગપલટો-કે-પછી-કવિન્યાય?' લેખનો પ્રતિભાવ :
અમૅરિકામાં એક મેક્સિકન ફ્રેન્ચાઇઝ છે; જેનું નામ છે પાંચારો (Panchero). તેની એક મુખ્ય વાનગી છે. તેનું નામ છે ‘બાઉલ બરિટો’. તેમાં બીફ અથવા પીગ મીટના બાફેલા ટુકડાઓથી માંડીને જુદાંજુદાં શાકભાજીના ટુકડા, બાફેલી મકાઈના દાણા, બ્લેક અને રેડ બીન્સ, ચીઝની પાતળી સેવો, અને છેલ્લે, ટામેટો કેચ–અપ વગેરે ઘણું બધું હોય છે. પાંચારો ફ્રેન્ચાઇઝના ફુડ ટેકનોલોજીસ્ટોએ, માનવ શરીરની હોજરીની ખોરાક પચાવવાની સામાન્ય શક્તિ અને શરીરને જરૂરી કેલેરીને ધ્યાનમાં રાખીને વર્ષોનાં સંશોધન પછી, આ વાનગી ‘બાઉલ બરિટો’ બહાર પાડી છે. જેને માનવ હોજરી ‘બાઉલ બરિટો’ના બધાં જ તત્ત્વોને પચાવી જરૂરી શક્તિમાં જ રૂપાંતર કરીને દોડતો રાખે છે અથવા કાર્યક્ષમ બનાવે છે. અને પછી બહાર દેખાતા બાઉલ બરિટોના કોઈ જ તત્ત્વોનું અસ્તિત્વ સુધ્ધાં દેખાતું નથી.
ઉપરની વાતમાં રમૂજ કે આનંદ કરતાં એક ગર્ભિત સંદેશ છે. તમારે સમાજ, દેશ અને દુનિયામાં બાઉલ બરિટોના કે બાઉલ અૉફ સલાડમાં રહેલાં જુદાં જુદાં તત્ત્વોને કાયમ માટે સ્વતંત્ર રાખીને સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વીક વ્યવહારો ચલાવવા છે, અથવા તેમાંથી પેદા થતા સંઘર્ષોને ઉકેલવા છે કે પછી એ તત્ત્વોમાં રહેલા સામાન્ય સદ્દગુણો જેવા કે માનવીય સ્વતંત્રતા, વિવેકબુદ્ધિ અને ધર્મના આધાર સિવાયનો ધર્મનિરપેક્ષ નૈતિક અને સામાજિક વ્યવહારને આધારે વૈશ્વીક માનવ, અને વૈશ્વીક વીશ્વ કે વૈશ્વીક નવો સમાજ બનાવવો છે?
મુરબ્બી ભીખુભાઈ પારેખનો ‘મલ્ટી કલચરાલિઝમ’નો ખ્યાલ અને ગાંધીજી – વિનોબાનો ‘સર્વ ધર્મ સમભાવ’ અને સર્વધર્મ પ્રાર્થનાનો ખ્યાલ એટલા માટે માનવને માનવ બનાવવામાં કામમાં લાગે તેમ નથી. કારણ કે તે બધા ખ્યાલો પેલા ‘બાઉલ બરિટો કે બાઉલ અૉફ સૅલાડનાં જુદાં જુદાં તત્ત્વોના અસ્તિત્વને અકબંધ અને સ્વતંત્ર રાખીને કે વધારે પાળી પંપોષીને મજબૂત બનાવીને ટકાવી રાખવા અને વિકસાવવા માંગે છે. નરેન્દ્ર મોદી એન્ડ આર.આર.એસ. બ્રાન્ડ બહુમતી હિંદુત્વનો વિચાર, વર્તન અને વ્યવહાર તે પેલા બાઉલ બરિટોના સલાડના એક મોટા ટુકડાથી જુદો બિલકુલ નથી. જેમાં વાસ્તવિક સ્થિતિ તો બાઉલ અૉફ સૅલાડના ‘પેલા બળિયાના બે ભાગ’ જેવી જ થવાની.
હકીકતમાં માનવી ‘શિકાર યુગ, કૃષિ યુગ, ઔદ્યોગિક યુગ વટાવીને ૨૧મી સદીના જ્ઞાનઆધારિત માહિતી યુગ’માં દોડતો આવી ગયો છે. જ્યારે આપણા દેશનો બહુમતી ભારતીય હજુ ધર્મ, ક્રિયાકાંડ, ઈશ્વરના અસ્તિત્વ અને તેની આસપાસ વીંટળાયેલી શ્રદ્ધાઓ અને અંધશ્રદ્ધાઓએ પેદા કરેલા પેલા ‘બાઉલ અૉફ સૅલાડ’ના ટુકડાઓને આખરી સત્યો માનીને પોતાની છાતીથી દૂર કરવા માંગતો નથી. આપણા તાજેતરમાં બનેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તે જ વિચાર અને વર્તનનું સર્જન અને પ્રતિબિંબ છે. હે ! ભારતીય, તને કોણ સમજાવશે કે ભાઈ! તારો ઈશ્વર, અલ્લાહ કે ગૉડ ક્યાં ય નથી. નથી સ્વર્ગ, જન્નત કે નર્ક, દોજખ ! તારા બધા જ ધર્મો અને તેનાં ધર્મ–પુસ્તકો અને તેના ઉપદેશો આજની ૨૧મી સદીએ પેદા કરેલી સમસ્યાઓ ઉકેલવા બિલકુલ અપ્રસ્તુત થઈ ગયા છે.
ડાર્વિનના જૈવીક ઉત્ક્રાંતિવાદે પુરાવા સાથે સાબિત કરી દીધું કે માનવીએ ઈશ્વરી સર્જન નથી. બીજા સજીવોથી જૈવીક રીતે માનવી બિલકુલ જુદો જ નથી. ગેલેલિયો અને કોપરનિકસે શરૂ કરેલી પૃથ્વી, સૂર્ય અને બ્રહ્માંડ શોધખોળોએ વધુમાં એ સાબિત કરી દીધું કે માનવી પણ બીજા અન્ય ભૌતિક પદાર્થોની માફક જ એક ભૌતિક પદાર્થ છે. પેલા દેખાતા ‘બાઉલના સલાડ’ના ટુકડાઓ, ભલે ગાંધી કે ભીખુભાઈને કદાચ જુદા જુદા લાગે; પણ તે બધા જ આપણે ફક્ત અને ફક્ત માનવ જ નહીં બનાવીએ તો તેની જુદાઈ કે વિવિધતાને પૂજવાથી કોઈ સમસ્યાઓ ઉકેલાશે નહીં. પણ તે ‘બાઉલના સૅલાડ’ના ટુકડાઓનું હોવું તે આપણને અધોગતિ તરફ લઈ જનારું છે. દેશમાં વર્તમાન દલિતો, આદિવાસીઓ, વંચિતો, અલ્પસંખ્યકો અને સ્ત્રીઓની સ્થિતિ માટે પેલા ‘બાઉલ અૉફ સલાડ’ના ટુકડાઓનું સશક્તિકરણ જવાબદાર છે. આ સંદર્ભમાં વર્તમાન સત્તાધીશોનાં પ્રયત્નો કેવાં પરિણામ લાવશે તે સમય જ સાબિત કરશે.
e.mail : shroffbipin@gmail.com