મુસ્લિમોએ સામે ચાલીને સમાન નાગરિક કાનૂન માંગવો જોઈએ અને મૌખિક તલાકની પ્રથા બંધ કરવાની માંગણી કરવી જોઈએ
સર સૈયદ એહમદખાન એક વખત વિદેશયાત્રાએ ગયા હતા ત્યાં વાત વાતમાં એક વિદેશીએ પૂછયું કે તમે ભારતથી આવો છો તો અમને ગીતા વિષે કાંઈ કહો. સર સૈયદે જવાબમાં કહ્યું કે 'હું ભારતીય છું પણ મુસ્લિમ છું એટલે ગીતા વિષે કાંઈ જ જાણતો નથી.' પહેલાં વિદેશીએ તરત જ કહ્યું કે, ગીતા તો ભારતીય સંસ્કૃતિની સમજણ આપતું પુસ્તક છે એટલે અમે આશા રાખી હતી કે એના વિષે તમે જાણતાં જ હશો.
સર સૈયદ નોંધે છે કે આ જવાબથી એમને શરમની લાગણી થઈ એમણે તરત જ ભારત આવી ગીતાનો અભ્યાસ કરી લીધો.આ બતાવે છે કે ધર્મો ભલે અલગ અલગ હોય પણ કોઈ પણ દેશની સંસ્કૃતિ તો એક જ હોય છે. ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ હોવાથી વિશેષ એક સાંસ્કૃતિક ગ્રંથ છે. એમાં સમગ્ર જીવનની ફિલસૂફી આવરી લેવાઈ છે.
આ જ રીતે વિનોબા કહે છે 'રચનાત્મક કામોના ચિંતનમાં એક દિવસ મને સૂઝ્યું કે હું હિન્દુસ્તાનમાં રહું છું અને પોતાને હિન્દુસ્તાની કહેવડાવું છું. તો જેમ હિન્દુ ધર્મના ગ્રંથનો અભ્યાસ કર્યો તેમ આપણા પડોશી મુસલમાન ભાઈ વર્ષોથી આપણી સાથે રહે છે તો એમના ગ્રંથનો પણ અભ્યાસ કરી લઉં.' આ પછી વિનોબાએ કુરાનનો અભ્યાસ કર્યો એટલું જ નહીં પણ ગીતા અને કુરાન નામનું પુસ્તક પણ લખ્યું.
ગીતા રાયજી નોંધે છે તેમ વિનોબાનું દિલોને જોડવાનું કામ કેવળ ગ્રંથના અધ્યયન સુધી સીમિત નહોતું. એમણે મુસ્લિમો વચ્ચે રહીને પ્રત્યક્ષ સેવા કામો પણ કરેલા, વિનોબાના હૃદયની વિશાળતામાં કોઈ પ્રકારના ભેદભાવને સ્થાન નહોતું. એમણે કહેલું. 'મેં જેટલી શ્રદ્ધાથી હિન્દુ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો એટલી જ શ્રદ્ધાથી કુરાનનો પણ કર્યો. ગીતા પાઠ કરતી વખતે મારી આંખોમાં આસું ભરાઈ આવે છે એવી જ રીતે કુરાનનો પાઠ કરતી વખતે થાય છે.'
દેશના દરેક નાગરિકે આ બંને વાતો યાદ રાખવા જેવી છે. ધર્મો જુદા જુદા હોઈ શકે પણ ભારતીય સંસ્કૃતિ તો એક જ છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાં હિન્દુ સંસ્કૃતિના અવશેષો મૂળ સ્વરૂપે સાચવી રખાયા છે. આજે ઈન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે પણ એ સંપૂર્ણ પણે બિન સાંપ્રદાયિક દેશ છે.
કમનશીબે આજે કેટલાક લોકો અને કેટલીક સંસ્થાઓ ઈસ્લામના નામે ત્રાસવાદ ફેલાવે છે. એમને ખબર નથી કે કોઈ પણ ધર્મ ત્રાસવાદને માન્યતા આપતો જ નથી. ઈસ્લામમાં બધા ધર્મો માટે સરખું જ માન છે.
ડો. રફીક ઝકરિયા કહે છે કે વર્તમાન જેહાદી પ્રવૃત્તિઓ ઈસ્લામને બટ્ટો લગાડે છે. આત્મઘાતી હુમલા કુરાનની શિખામણની વિરુદ્ધ છે. એચ.જી. વેલ્સ પણ કહે છે કે ધર્મની બાબતમાં બળજબરીને કોઈ સ્થાન નથી. ભારતીય સંસ્કૃતિની જેમ ઈસ્લામી સંસ્કૃતિ પણ કહે છે કે 'જીવો અને જીવવા દો', આરબોએ ઈસ્લામના સુવર્ણકાળમાં કલા, સ્થાપત્ય, ખગોળ વિજ્ઞાાન અને ગણિતશાસ્ત્રના ક્ષેત્રમાં પ્રદાન કર્યું હતું. પણ પાછળથી કેટલાક જુથોએ કુરાનની શિખામણોનો વિકૃત અર્થ કરીને જેહાદ શરૂ કરી દીધી. ભારતમાં ઔરંગઝેબના સમયથી એની શરૂઆત થઈ.
હમણાં સૌને આશ્વાસન મળે એવા એક સમાચાર આવ્યા છે. અવારનવાર મુસ્લિમ રૂઢિચૂસ્તતાને માન્યતા આપતા ફતવા કાઢતી જુદી જુદી મુસ્લિમ સંસ્થાઓએ હમણાં એક નવો ફતવો કાઢયો છે. એમાં ઈસ્લામના નામે ચાલતા ત્રાસવાદને વખોડી કાઢીને જણાવાયું છે કે, કોઈ પણ જાતના ત્રાસવાદને ઈસ્લામ કે કુરાનમાં માન્યતા કે અનુમોદન નથી આ ફતવાથી કેટલીક રાહત મળી છે. અત્યાર સુધી આવા ફતવાના અભાવે બિન મુસ્લિમ પ્રજા એમ માનતી હતી કે બોંબ ધડાકા કરતી સંસ્થાઓને ઈસ્લામની માન્યતાઓ છે. નિર્દોષ લોકોના જાન લેવાની અનુમતિ કોઈ પણ ધર્મ આપી શકે નહીં.
લંડનમાં બોંબધડાકા થયા એ પછી ત્યાંની મુસ્લિમ સંસ્થાઓએ પણ આવું જ નિવેદન બહાર પાડયું હતું. આ ફતવા પછી મુસ્લિમ સંસ્થાઓએ એ પણ વિચારવું જોઈએ કે રૂઢિચૂસ્તાને ધર્મના ઓઠા ન્યાયી ઠેરવી શકાય નહીં મુઝફરના ઈસ્લામીક મદ્રેસા દારૂલ ઉલૂમે એક ફતવામાં એક વિચિત્ર વાત કરી હતી કે મુસ્લિમ બાનુઓએ ચૂંટણી ન લડવી જોઈએ અને લડવી જ હોય તો બુરખો પહેરવો જોઈએ.
બીજી બાજુ ઈસ્લામીક અદાલતોની વધતી જતી દરમ્યાનગીરી અંગેની સુપ્રિમ કોર્ટ સમક્ષની અરજીના સંદર્ભમાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે જેના જવાબમાં કાયદામંત્રીશ્રીએ બંધારણ ભારતના મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વ હેઠળના ન્યાયતંત્રને સ્વીકૃતિ આપે છે. બંધારણ એકેય ઈસ્લામી કોર્ટને માન્યતા આપતું જ નથી અલગ ઈસ્લામી અદાલતોનો સવાલ જ નથી. દરેક વ્યક્તિ ન્યાય તંત્રના ચૂકાદા પાળવા બંધાયેલી છે. ઈમરાન જેવા કેસમાં ઈસ્લામીક કોર્ટે સમાંતર ચૂકાદો આપી ન્યાયતંત્રને પડકાર ફેંક્યો હતો.
ઝઘડો ધર્મો વચ્ચે નહીં અધર્મો વચ્ચે જ થાય છે. કોઈ પણ ધર્મ ધિક્કારનો ઉપદેશ આપતો જ નથી. ધર્મ તો હંમેશાં માણસ માણસ વચ્ચે પ્રેમ શીખવે છે. એક વખતે દુનિયા મૂડીવાદી અને સામ્યવાદી છાવણીમાં વહેંચાયેલી હતી. હવે સામ્યવાદનાં વળતાં પાણી છે. પણ કમનસીબી એ છે કે, ઓસામા બીન લાદેન જેવા કેટલાક નેતાઓ ઈસ્લામને નામે ત્રાસવાદ ચલાવે છે.
ઓસામા બીન લાદેન અમેરિકાને ખલનાયક ગણતા હતા અને એની સામે ઝેરી પ્રચાર કરતા હતા. અમેરિકાને બ્રિટનનો સાથ મળ્યો છે. પરિણામે, અમેરિકા અને બ્રિટન આ પ્રકારના ત્રાસવાદની સામે લડવા માટે સંયુક્ત રણનીતિ ઘડી રહ્યા છે.
પરિણામે વિશ્વભરમાં તંગદિલી ફેલાઈ છે. ભૂતકાળની જેહાદ અને આજની જેહાદ વચ્ચે પાયાનો ફેર છે. હવે જો યુદ્ધ આવી જ પડે તો એમાં અત્યંત અદ્યતન ટેકનોલોજી અને શક્તિશાળી હથિયારો વપરાશે. દેખીતું જ છે કે ઓસામા બિન લાદેન જેવા મુઠ્ઠીભર ત્રાસવાદીઓ અમેરિકા જેવી મહાસત્તાનો સામનો નહીં કરી શકે.
આપણે આપણી વાત ઉપર પાછા આવીએ તો સદ્નસીબે આપણે પ્રથમથી જ બિનસાંપ્રદાયિકતાનો સિદ્ધાંત અપનાવ્યો છે. સ્વામી વિવેકાનંદ જેવા એક જમાનામાં શિકાગોમાં હિંદુ સંસ્કૃતિ વિષે ઉત્તમ કહી શકાય એવું વ્યાખ્યાન આપનારા સંત પણ સંકુચિત નહોતા. વિવેકાનંદ વિશાળ માનવતાવાદના આગ્રહી હતા. ૧૯૯૩માં વિવેકાનંદના શિકાગોમાં અપાયેલા ભાષણની એક સદી પૂરી થઈ ત્યાં લંડન સ્કૂલ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ દ્વારા એક કાર્યશાળાનું આયોજન થયું હતું. જેમાં સર્વાનુમત્તે દર્શાવાએલું હતું કે વિવેકાનંદ ધર્મોપદેશક જરૂર હતા. પણ એમની ધર્મની વ્યાખ્યા સમગ્ર માનવજાતને આવરી લેતી હતી.
વિવેકાનંદ માનતા કે ઈન્ડો ઈસ્લામિક સમયગાળો પણ ભારતીય સાંસ્કૃતિ વારસાનો ઉત્તમ અંશ છે એમને મોગલ યુગમાં કલાત્મક વારસા માટે પણ ગર્વ હતો. વિવેકાનંદ એક એવા આદર્શ સમાજની કલ્પના કરતા હતા કે જેમાં નાત જાતના ભેદ વિના દરેક મનુષ્યને સરખો દરજ્જો આપવામાં આવતો હોય.
એમના મત મુજબ વેદાંતમાં અનેક ધર્મો અને ફિલસૂફીઓને આવકારવાની વાત છે. એ પોતાના શિષ્યોને કહેતા, 'બીજા લોકોને તમારા પોતાના રીતરિવાજ આપવાની ભૂલ કદી કરતા નહીં.'
મુસ્લિમ સમાજે પણ સામે ચાલીને આધુનિક મૂલ્યો અપનાવવાની જરૂર છે. એમણે યાદ રાખવું જોઈએ કે દુનિયાના કોઈ બંધારણમાં લઘુમતીને કયાં ય આપવામાં ન આવ્યા હોય એટલા અધિકારો ભારતમાં આપવામાં આવ્યા છે. મતલોલૂપ રાજકારણીઓ એમને ગેરમાર્ગે દોરતા હોય તો એમને સામે ચાલીને આધુનિકતાની માંગણી કરવી જોઈએ. બીન સાંપ્રદાયિક દેશમાં બધી કોમો માટે અલગ અલગ કાયદો ચાલે જ નહીં.
મુસ્લિમોએ સામે ચાલીને સમાન નાગરિક કાનૂન માંગવો જોઈએ અને મૌખિક તલાકની પ્રથા બંધ કરવાની માંગણી કરવી જોઈએ. આંકડાઓ કહે છે કે મુસ્લિમોમાં વાસ્તવમાં બહુ પત્નીત્વની પ્રથા અત્યંત નગણ્ય માત્રમાં છે. આથી એક પત્નીવ્રત આવે તો સમાજે કશું ગુમાવવાનું રહેતું જ નથી.
એ જ રીતે બાબરી મસ્જિદ જેવા વિવાદો મુસ્લિમ સમાજે સામે ચાલીને ચર્ચા દ્વારા ઉકેલી આપવા જોઈએ. દુનિયામાં કોઈ પ્રશ્ન એવો નથી કે જે કોઈ મૈત્રીપૂર્ણ ચર્ચા દ્વારા ઉકેલી ન શકાય.
આપણે પાકિસ્તાન અને બંગ્લાદેશ સાથેના નદીઓના ઝઘડા પણ મંત્રણા દ્વારા ઉકેલી નાખ્યા છે. એ જ રીતે બાબરી મસ્જિદનો ઝઘડો આપણા જ દેશના બે સંપ્રદાયો વચ્ચેનો છે.
એ ન ઉકેલાય એવું કોઈ કારણ જ નથી કોઈ ધર્મ ઝઘડો આગળ વધારવા કહેતો નથી આ ભાવના અમલમાં આવે તો માત્ર બાબરી મસ્જિદ નહીં પણ ઘણા બધા ઝઘડા પળવારમાં ઉકલી જાય પણ મુશ્કેલી એ છે કે સંકુચિત રાજકારણીઓ આમાં આડા આવે છે. પરિણામે જાગૃત લોકમત જ આ પ્રક્રિયા અટકાવી શકે શંકરાચાર્યે આ ઝઘડો ઉકેલવાની ફોર્મ્યુલા આપેલી જ છે એ અપનાવી લેવાય તો તે દેશના હિતમાં છે.
સૌજન્ય : ‘વિચાર વિહાર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાત સમાચાર”, 27 માર્ચ 2021