બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા અન્ય દેશોની તુલનામાં ભારતનું બંધારણ નિર્વિઘ્ને ઘડાયું એની પાછળ કેટલાંક કારણો હતાં.
પહેલું કારણ એ કે અંગ્રેજો આવ્યા એ પહેલાં ભારતમાં કોઈ અખિલ ભારતીય શાસકીય/વહીવટી વ્યવસ્થા નહોતી. હકીકતમાં અખિલ ભારત નામની કોઈ ચીજ જ ભારતમાં અસ્તિત્વમાં નહોતી. દેશ અનેક રાજ્યો અને અનેક સૂબાઓ વચ્ચે વહેંચાયેલો હતો અને એ દરેક જગ્યાએ અલગ અલગ શાસકીય વ્યવસ્થા હતી. એને વ્યવસ્થા પણ કેમ કહેવાય! વ્યવસ્થાનાં કેન્દ્રમાં હંમેશાં વસ્તુતંત્ર હોય છે જેને વ્યક્તિ અનુસરે છે પછી તે શાસક હોય કે શાસિત. અંગ્રેજો આવ્યા એ પહેલાંનું શાસન આપણે ત્યાં વ્યક્તિકેન્દ્રી અથવા વ્યક્તિસાપેક્ષ હતું પછી તે શાસક હોય કે શાસિત. પેશ્વાઓના રાજમાં બ્રાહ્મણને ઝૂકતું માપ, મુસ્લિમ રાજ હોય તો મુસલમાનોને ઝૂકતું માપ, હિંદુ ક્ષત્રીય રાજવી હોય તો હિંદુઓને ઝૂકતું માપ વગેરે. ટૂંકમાં શાસક કે શાસિત નિરપેક્ષ એક સરખો કાયદો દેશની કોઈ પણ રિયાસતમાં નહોતો. અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારતમાં ન્યાયનું રાજ્ય હતું, રામરાજ્ય હતું એમ જો કોઈ કહેતું હોય તો એ જૂઠાણું છે.
આનું પ્રમાણ જોઈતું હોય તો નજીકના ભૂતકાળનું આપી શકાય એમ છે અને એ પણ એક નહીં, અનેક. અંગ્રેજોએ ભારતમાં એક પછી એક રાજવીઓને પરાજીત કરીને તેમનાં રાજ્યો છીનવી લીધાં હતાં અને બીજાં અનેકને ખાલસા કર્યા હતા. આમ છતાં સાડા પાંચસો કરતાં વધુ રાજ્યો ૧૮૫૭માં વિદ્રોહ થવાને કારણે ટકી ગયાં હતાં. એ દેશી રજવાડાંમાં કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ હતી એ ઘરમાં કોઈ વડીલ હોય તો પૂછી જુઓ. કોઈ વ્યવસ્થા જ નહોતી. જેનું રાજ હોય એ પ્રજા કાયદાની ઉપરવટ કહેવાય એ તો હજુ આપણો ગઈ કાલનો અનુભવ છે.
તો પહેલું કારણ હતું, શાસકીય વ્યવસ્થાનો અભાવ અર્થાત્ શાસકીય શૂન્યાવકાશ. જ્યાં સ્થાનિક સ્તરે વ્યવસ્થાનો અભાવ હોય ત્યાં અખિલ ભારતીય સ્તરે વ્યવસ્થા હોય એ તો શક્ય જ નહોતું. આને કારણે અંગ્રેજો જ્યારે વ્યાપારી બનીને શાસક થયા ત્યારે તેમને વ્યવસ્થાના અભાવમાં નવી વ્યવસ્થા લાગુ કરવામાં ખાસ કોઈ મુશ્કેલી નહોતી નડી. લોકોના પ્રતિકારનો સામનો કરવાનો ત્યારે આવે જ્યારે તેમની સ્થાપિત થઈ ગયેલી વ્યવસ્થા સાથે ચેડાં કરવામાં આવે. તેમના ઉપર નવી વ્યવસ્થા લાદવામાં આવે. ભારતમાં કોઈ વ્યવસ્થા જ નહોતી એટલે અંગ્રેજો માટે નવી અખિલ ભારતીય શાસન વ્યવસ્થા લાગુ કરવામાં મુશ્કેલી નહોતી નડી.
બીજું કારણ એ કે ભારતમાં જે શાસનવ્યવસ્થા હતી એ રાજકીય નહોતી પણ સામાજિક હતી અને તેના કેન્દ્રમાં ગામડું હતું. લોકો ગ્રામીણ સ્તરે, જ્ઞાતિઓની પંચાયતો દ્વારા સામાજિક રીતરિવાજોથી શાસિત હતા. રાજકીય વ્યવસ્થાની તુલનામાં સામાજિક વ્યવસ્થા પ્રમાણમાં વધારે વસ્તુકેન્દ્રી હતી. વિધવાના પુનર્લગ્ન ન થવા જોઈએ એવો જો જ્ઞાતિનો કાયદો હોય તો પછી એ વિધવા શાહુકારની હોય કે ગરીબની એનાથી કોઈ ફરક નહોતો પડતો. બન્ને માટે એક જ કાયદો હતો. અથવા કન્યા રજસ્વલા થાય એ પહેલાં લગ્ન થવાં જોઈએ (બાળવિવાહ) એવો જો કાયદો હોય તો એમાં વ્યક્તિની પ્રતિષ્ઠા કે વગ જોઇને અપવાદ કરવામાં નહોતો આવતો. આવા તો અનેક રીતરિવાજ હતા જે લોકો પાળતા હતા, પળાવવામાં આવતા હતા અને જો કોઈ તેનો ભંગ કરે તો સજા કરવામાં આવતી હતી.
તો કહેવાનું તાત્પર્ય એ કે ભારતમાં જે શાસકીય વ્યવસ્થા હતી એ સામાજિક હતી અને ગ્રામીણસ્તરની હતી. સમગ્ર રાજ્યને આવરી લેતી હોય એવી કોઈ રાજકીય વ્યવસ્થા જ નહોતી. જે રાજકીય વ્યવસ્થા હતી એ વ્યક્તિસાપેક્ષ હતી અને માટે તેને ‘વ્યવસ્થા’ ન કહી શકાય જ્યારે સામાજિક વ્યવસ્થા વ્યક્તિનિરપેક્ષ હતી અને માટે તે એક ‘વ્યવસ્થા’ હતી. આને કારણે હમણાં કહ્યું એમ અંગ્રેજોને નવી રાજકીય વ્યવસ્થા દાખલ કરવામાં લોકોના પ્રતિકારનો સામનો નહોતો કરવો પડ્યો પણ, સામાજિક વ્યવસ્થા સાથે ચેડાં કરવામાં લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ૧૮૫૭ના વિદ્રોહ પાછળનું મુખ્ય કારણ રાજકીય હતું એનાં કરતાં સામાજિક વધારે હતું. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ સામાજિક કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકવાનું બંધ કરી દીધું હતું. જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો શરીર ઉપરનાં ગુમડાં સમાન બાકી રહેલાં રજવાડાંઓ ખતમ થઈ ગયાં હોત અને અન્યાયકારી સામાજિક વ્યવસ્થાનો ઢાંચો પણ ઠીકઠીક પ્રમાણમાં તૂટી ગયો હોત.
અહીં ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચેના મતભેદની નોંધ લેવી જોઈએ. ગાંધીજી ગ્રામસ્વરાજની હિમાયત કરતા હતા એ જોઇને આંબેડકરને ડર લાગતો હતો. એ ઠીક છે કે ગામડું સ્વાયત્ત હોવું જોઈએ, ગામડું આત્મનિર્ભર હોવું જોઈએ, ગામડાંની પ્રજાએ શહેરી સુખ-સુવિધાઓની પાછળ નહીં દોડવું જોઈએ અને શહેરી સુખ-સુવિધાઓ ગામડાંના શોષણ પર આધારિત ન હોવી જોઈએ વગેરે બધું જ સ્વીકાર્ય; પણ એમાં સ્ત્રીઓનું અને નીચલી પ્રજાનું શોષણ થાય છે એનું શું? વ્યવસ્થાના કેન્દ્રમાં માનવ હોવો જોઈએ કે ગામડું? વ્યવસ્થાના કેન્દ્રમાં ન્યાય હોવો જોઈએ કે કહેવાતી આત્મનિર્ભરતા અને સ્વાયત્તતા? આદર્શ વ્યવસ્થા ન્યાયઆધારિત ન હોય તો એને આદર્શ કેમ કહી શકાય!
ડૉ. આંબેડકરને ડર હતો કે દેશમાં અને કૉન્ગ્રેસ ઉપર ગાંધીજીનો પ્રભાવ જોતા આઝાદ ભારતના બંધારણમાં ગામડાંને જો શાસકીય સ્વાયત્તતા આપવામાં આવશે તો દલિતોનું શું થશે? સ્ત્રીઓનું શું થશે? બીજા નીચલા વરણનું શું થશે? માટે તેમણે દલિતોને સલાહ આપી હતી કે તેમણે ગામડાં છોડીને શહેરોમાં સ્થળાંતરિત થવું જોઈએ. શહેરોમાં તમે રાજકીય કાયદાઓ દ્વારા શાસિત થશો, પણ જો ગામડાંમાં રહેશો તો તમને સામાજિક કાયદાઓ દ્વારા શાસિત કરવામાં આવશે; જેમાં ન્યાય નહીં હોય, સમાનતા નહીં હોય અને ધા નાખવા માટે (અપીલ કરવા માટે) કોઈ જગ્યા નહીં હોય.
જેમ રાજકીય-શાસકીય વ્યવસ્થા વિકસાવવામાં અંગ્રેજોને ડર નહોતો લાગ્યો પણ સામાજિક વ્યવસ્થાને હાથ લગાડતા અંગ્રેજોના હાથ દાઝ્યા હતા એમ ડૉ. આંબેડકરને પણ ગામડાંની સ્વાયત્તતાનો ડર લાગતો હતો, રાજકીય બાબતે તેઓ લગભગ નિશ્ચિત હતા. તેઓ સામાજિક રીતરિવાજોને માણસાઈના ત્રાજવે તોળીને તેને શાસકીય સ્વરૂપ આપવા માગતા હતા. અહીં ગાંધીજીને ન્યાય આપવા માટે એટલું કહેવું જોઈએ કે ગાંધીજીએ અન્યાયી સામાજિક રીતરિવાજોનો બચાવ નહોતો કર્યો અને તે સ્વાયત્ત આત્મનિર્ભર ગામડાંમાં એ જળવાઈ રહે એમ ક્યારેય નહોતું કહ્યું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 માર્ચ 2021