વેક્સિનના ડૉઝ માત્ર વાઇરસને અલવિદા કહેવા નહીં, પણ પોતાની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટે અને રાષ્ટ્ર તરીકે પોતાની શક્તિ બતાડવા પણ કામે લગાડાયા છે
કોરોના વાઇરસ, લૉકડાઉન, અનલૉક, વેક્સિન વગેરે શબ્દો આપણી જિંદગીમાં ઉમેરાયા એને વર્ષ થવા આવ્યું, પણ આ બધાંની વરસી હજી વળી નથી. કોવિડ-19 રોગચાળાએ જાતભાતનું નવું ઊભું કર્યું છે અને તે અર્થતંત્ર, રાજકારણ, વૈશ્વિક લેવડ-દેવડ, સ્વાસ્થ્યથી માંડીને બધાં જ ક્ષેત્રે અસર કરે તેવું છે. જો કે વેક્સિનેશનની શરૂઆત થઇ છે ત્યારથી માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં કોણે કોને કેટલી વેક્સિન પહોંચાડી, કઇ પહોંચાડી, જથ્થો કેટલો જલદી પહોંચ્યોની ચર્ચાઓ પણ ચાલી છે. જે પણ દેશ વેક્સિન બીજા રાષ્ટ્રોને આપે છે તે પોતાના કૉલર ઊંચા કરવામાં જરા ય પાછી પાની નથી કરતો. વેક્સિનના ડૉઝ માત્ર વાઇરસને અલવિદા કહેવા નહીં, પણ પોતાની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય દોસ્તીને મજબૂત કરવા માટે પણ કામે લગાડાયા છે. આ છે મુત્સદ્દીપણું, ડિપ્લોમસી. ડિનર ડિપ્લોમસી હવે આ રોગચાળામાં કંઇ થોડી કામે લાગવાની છે, તે હવે આખી દુનિયામાં વેક્સિન ડિપ્લોમસીની મોસમ ચાલી છે.
ફેબ્રુઆરીની શરૂઆતમાં ચાઇનિઝ વેક્સિન સિનોફાર્મનો અડધો મિલિયન જથ્થો પાકિસ્તાન પહોંચ્યો, સાથે કંબોડિયા, નેપાલ, સિએરા લિયોન અને ઝિમ્બાબ્વે જેવા 13 દેશોમાં પણ આ જથ્થો પહોંચ્યો. ચીન અને પાકિસ્તાને તો ભાઇચારાની ટેગલાઇન પણ બનાવી નાખી – આ લેવડદેવડને નામ અપાયું, ‘મેનિફેસ્ટેશન ઑફ બ્રધરહુડ’. વેક્સિન આપવાને મામલે બધાં રાષ્ટ્રોએ જાણે ડેલ કાર્નેગીની ચોપડી – ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્ઝ એન્ડ ઇન્ફ્લુએન્સ પિપલ’નો ડૉઝ ભારે માત્રામાં લીધો હોય તે રીતે મંડી પડ્યા છે. આમ તો આ સારી જ બાબત છે પણ આમાં માત્ર સારપ નથી, બલકે રાજકારણ, એટલે કે સોફ્ટ પાવર પ્લે પણ છે. રશિયાએ પોતાના સ્પૂટનિક વી વેક્સિનનો જથ્થો અન્ય રાષ્ટ્રોને આપ્યો છે. ભારતની વાત કરીએ તો આપણે એસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડ વેક્સિનનો જથ્થો મ્યાનમાર, નેપાલ અને બાંગ્લાદેશમાં પહોંચતો કર્યો છે. આમ કરીને ભારતે દક્ષિણ એશિયાઇ દેશોમાં ચીનની પકડ સામે ડિંગો બતાડવાનું કામ કર્યું છે. ભારત અને ચીનની હુંસાતુંસી જે સરહદે ચાલ્યા કરે છે, તેના વિષે આપણે જાણીએ જ છીએ. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ભારતમાંથી વેક્સિન પહોંચવાની છે.
આ તરફ ઇઝરાયલે રશિયાની સ્પુટનિક વી વેક્સિન ખરીદીને સિરિયન સરકારને પહોંચતી કરવાનો કરાર કર્યો છે, આમાં સાથે કેદીઓનાં એક્સચેન્જની વાત પણ કરી દેવાઇ છે. ચીનને માથે તો આ વાઇરસને કારણે જે પ્રમાણમાં માછલાં ધોવાયાં છે તે જોતાં તેને તો પોતાની છબી સુધારવા જે કરવું પડે તે કરવા તે તૈયાર છે. ચીન અને રશિયા બંન્ને પોતાની વૈશ્વિક છબી સુધારવા માટે મથી રહ્યાં છે ને વેક્સિન ડિપ્લોમસી અત્યારે એ માટે હાથવગું હથિયાર છે. રશિયા પોતાના વેક્સિનનું નામ સ્પુટનિક રાખે તેની પાછળ પણ તે પોતાના ભવ્ય ભૂતકાળને લોકોની આંખ સામે ફરી તાજો કરવા માગે છે તે સમજી શકાય છે. રશિયાએ યુરોપિયન વેક્સિન્સને બોગસ ઠેરવવા માટે પૂરતાં ધમપછાડા કર્યાં છે અને પોતે તૈયાર કરેલ વેક્સિનનું ‘કેપિટલાઇઝેશન’ થાય તેમાં કોઇ કસર નથી છોડી. રશિયાની વેક્સિન સ્પુટનિક વી જે અન્ય વેક્સિન્સ કરતાં સસ્તી છે, તે આફ્રિકા જેવા દેશોમાં પોતાનો પ્રભાવ મજબૂત કરવામાં અગત્યનું સાધન બનશે તેમ રશિયન રાજકારણીઓનું માનવું છે. વળી રશિયાએ હંગરીમાં સ્પુટનિક વીનો જથ્થો મોકલ્યો અને આ પગલાંને યુરોપિયન યુનિયનની વિશ્વસનિયતા અને એકતાને નીચા બતાડવાનો પ્રયાસ તરીકે ગણવામાં આવ્યું છે.
ચીને પણ સિનોફાર્મ અને સિનોવેક વેક્સિનની એફિકસી યુ.એ.ઇ., ટર્કી અને બ્રાઝીલમાં કરાયેલ ટ્રાયલ્સ ચકાસવામાં આવી. બીજી તરફ મોડર્ના અને એસ્ટ્રાઝેનેકાને વખોડવામાં ચીની મીડિયાએ કંઇ બાકી નથી રાખ્યું. રશિયાનું ફોકસ મિડલ ઇસ્ટનાં દેશો છે તો ચીન આફ્રિકી દેશોને વેક્સિન પહોંચાડવાની તજવીજમાં છે. રશિયા અને ચીન પાસેથી વેક્સિન લેનારા દેશો સામે પશ્ચિમી રાષ્ટ્રોએ નાકનું ટિચકું ચઢાવ્યું છે ને એવું ય કહ્યું છે કે રશિયા અને ચીનનો આ ઉપકાર આ નાના દેશોને ભારે ન પડે તો સારું.
જો કે ચીન અને રશિયાના આ સોફ્ટ પાવર પ્લેમાં આ બન્ને રાષ્ટ્રોએ ભારત સાથે બાથ ભીડવાની છે. ભારતનાં સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં વેક્સિન્સનું ઉત્પાદન કરાયું છે. મોદી સાહેબના ‘મેઇડ ઇન ઇન્ડિયા’માં કોવેક્સિન, યુ.કે. ઑક્સફોર્ડ વેક્સિનનું ભારતમાં બનેલું વર્ઝન કોવિશિલ્ડ અને બીજા જે પણ બની રહ્યાં છે, બધાં જ WHOના કોવેક્સ ગ્લોબલ ઇનિશ્યેટિવમાં પહોંચાડીને સોફ્ટ પાવર પ્લેને મજબૂત કરવાનું આપણે માટે આસાન રહેવાનું છે. ભારત માટે તો વેક્સિનને મામલે વૈશ્વિક નેતૃત્વમાં અવ્વલ નંબરે આવવું આસાન પણ રહેશે કારણ કે પૂનાના સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આમ પણ 170 દેશોમાં જાતભાતના વેક્સિન્સ પહોંચાડાય છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ તેની આ ઉત્પાદન ક્ષમતાને કારણે હાલમાં મોકાના સ્થાને છે અને ધારે તો ભારત રોગચાળા સામેની લડતમાં સૌથી અગત્યનું રાષ્ટ્ર બની શકે તેમ છે. યુ.કે.માં ભારતમાંથી એસ્ટ્રાઝેનેકાના 10 મિલિયન ડૉઝીસ જવાના છે, જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ પૂનામાં બન્યા છે. વળી જે રશિયા અને ચીનનો ખેલ ચાલે છે તેમાં તેમણે પોતાના પર મુકાયેલા ભ્રષ્ટાચારના આરોપ, દાદાગીરી, હત્યાકાંડ જેવા કંઇક કેટલા ય આરોપો મુકાયેલા છે અને આ કારણે ખરડાયેલી છબી સાફ કરવાની છે, જ્યારે ભારતને તો માત્ર વૈશ્વિક સ્તરે પોતાનું મહત્ત્વ વધારવાનું જ કામ કરવાનું છે. યુરોપ અને અમેરિકા બન્ને બળુકા ગણાતા રાષ્ટ્રો ગરીબ દેશો કે પ્રદેશોમાં વેક્સિન પહોંચાડવામાં મોડા પડ્યા છે
રોગચાળા સામેની લડતમાં રાજકારણ પહેલીવાર નથી ખેલાઇ રહ્યું, પણ સમય બદલાયો છે અને રાષ્ટ્રોએ સમજ બદલાવની જરૂર છે. હુંકાર કરવામાં ઊંહકારા અને આક્રંદ વધી જાય તો આ વેક્સિન ડિપ્લોમસી નકામી. સ્મોલપોક્સ એટલે કે ઓરી અછબડાંને દૂર કરવાની સફળતા પાછળ સોવિયેત યુનિયન અને યુ.એસ.એ. વચ્ચેની હુંસાતુંસીએ હકારાત્મક અસર કરી હતી. જ્યારે સાર્સ વાઇરસ ફેલાયો ત્યારે 2002માં ચીને તાઇવાન સુધ્ધાંને મદદ કરી હતી, પણ અત્યારે તો તાઇવાન સાથે ચીનના સંબંધો તંગ છે.
બાય ધી વેઃ
વૈશ્વિક સ્વાસ્થ્ય પણ જો વૈશ્વિક સત્તાના ખેલનો નવો અખાડો બની રહ્યું હોય, તો આપણે ચિંતા તો કરવી જ રહી. આ વેક્સિનની ચડસાચડસીમાં અવિશ્વાસ અને આરોપો જ વધવાના હોય તો રોગચાળા સામેનો વૈશ્વિક પ્રતિભાવ નિષ્ફળ ગયો એમ કહી શકાય. એક આદર્શ દ્રષ્ટિકોણથી નાણીએ તો વૈશ્વિક રોગચાળા સામેનો પ્રતિભાવ સર્વાંગી, સહિયારો, સમભાવ ધરાવનારો હોવો જરૂરી છે. કોવિડ-19 રોગચાળા સામેની લડાઇ કેટલા સંપથી લડાય છે, તેના આધારે જ કળી શકાશે કે ભવિષ્યમાં કોઇ પણ રોગચાળો દુનિયાને કેટલી હદે ભરડામાં લઇ શકશે. આમે ય આ રોગચાળાને લઇને અમેરિકા, ચીન વગેરેએ પૂરતી ચોપાટ ખેલી લીધી છે. ડોઝ લીધેલાં બાવડાં બતાડવામાં રાષ્ટ્રો શક્તિપ્રદર્શન ન કરે તો અત્યારના સંજોગોમાં બહેતર જ રહેશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 માર્ચ 2021