આંખો કામ નથી કરતી …
જોયેલું જોયા કરે છે
ને નવું જોતી નથી
કોઈ ખુશ કરે તો ગમે છે
પણ રોજ તો કોણ કરે?
પ્રોબ્લેમ એ છે કે
પેટ સાફ થતું નથી
ને મગજ સાફ થતું જાય છે
પેટ
આજકાલ
વાટકી વહેવારથી ભરાય છે
તું મારી આરતી ઉતાર
હું તારી ગરબી ગાઉં
ખાલી કવિતાથી તો પેટ ભરાય નહીં
એટલે સપોર્ટિંવ ડ્રગ લેવું જ પડે
લાઈફ સેવિંગ ને વાઈફ લીવિંગ …
ને એવું બધું, યુ સી !
શું છે કે બોડીને
સાર અને અતિસારની વચ્ચે રાખવું પડે
રસો ના મૂકો તો
રસી મૂકવી પડે
પરભાતિયાંથી કબજિયાત દૂર ના થાય
તો કવિએ એમઆર થયે જ છૂટકો છે
કચરાગાડી ડોર ટુ ડોર કલેક્ટ કરે
ને એમઆર
ડોકટર ટુ ડોકટર કન્વિન્સ કરે
ઇન અધર વર્ડ્સ શીશામાં ઉતારે
જેમ કે આ ટેબ્લેટ મુક્તકની છે
એનાથી પવનમુક્તિ થાય છે
આ ગઝલનો સેમ્પલ
પેરસિટામોલ ધરાવે છે
એ વારંવાર લેવાથી
ઘણાનું માથું
ચડે છે
તો ઘણાનું રહેતું જ નથી
એ ન ફાવે તો ગીત ટ્રાય કરી શકાય
એનાથી લવ લવ વધે એમ બને
જો કે એ ગા ગા કરવાથી
રાધાને કૃષ્ણનો વિરહ થયો હતો
એક કામ કરો
આ અછાંદસનાં થોડાં ફ્રી સેમ્પલ રાખો
પેશન્ટને જોઈએ તો ફીમાં આપજો
એનાથી પ્રેસર કંટ્રોલ થાય છે
ચક્કર આવતા અટકે છે
ને વારંવાર દોડવું પડતું નથી
આમ તો બ્લડ સુગરને કંટ્રોલ કરવા
હાઈકુ ઉત્તમ ઈલાજ છે
પણ એનો પ્રોબ્લેમ એ છે કે
એનાથી
ઘણાંને
દોઢડા'યાબિટીસની
તકલીફ થાય છે ને એનો ઈલાજ નથી.
સોરી …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com