હર્ડ ઇમ્મ્યુનિટી અને હર્ડ મૉરાલિટી
= = = = માણસને ભાળીને આજે આપણે કંટાળીએ છીએ, થાક લાગે છે. આપણને માણસનો થાક લાગવા લાગ્યો છે = = = =
= = = = દુનિયા હમેશાં સારાં-સાજાં જનોથી જ ચાલે છે; જેટલી એમની સંખ્યા મોટી, માનવજાતને રાહત પણ એટલી જ મોટી = = = =
આજકાલ હવે સમગ્ર વિશ્વનું ધ્યાન વૅક્સીન, એટલે કે, રસી પર છે. અનેક દેશોમાં કોવિડ-૧૯ની સામે વૅક્સીનેશન – રસીકરણ – ચાલુ થઈ ગયું છે. ચેપગ્રસ્તોની સરખામણીમાં રસીકરણ પામેલી વ્યક્તિઓ, બને કે માંદગી અને મૃત્યુથી બચી શકે.
વૅક્સીનેશનના આ નવા સંદર્ભ વચ્ચે એક શબ્દગુચ્છ ખાસ સાંભળવા મળે છે : હર્ડ ઇમ્મ્યુનિટી : એથી શું સમજવું?
રોગ ધીમો પડી જાય, ચેપી રોગની સામે વસતીનો એક નૉંધપાત્ર સંવિભાગ, એક કૉમ્યુનિટી, રોગપ્રતિરોધક શક્તિ મેળવી લે, એને હર્ડ ઇમ્મ્યુનિટી કહેવાય.
હર્ડ એટલે ઢોરાંનું ધણ, લોકટોળું, લોકસમુદાય, કૉમ્યુનિટી. અને, ઇમ્મ્યુનિટી એટલે રોગપ્રતિરોધકતા અથવા રોગપ્રતિરોધક શક્તિ.
એથી રોગનો પ્રસાર સીમિત થઈ શકે છે. અમુક વસતીમાં અમુક સંખ્યામાં કોવિડ-૧૯નો શિકાર બનેલા લોકો સાજા થઈ ગયા હોય અથવા એમને વૅક્સીન લીધી હોય, તો એમને લીધે, જેમણે વૅક્સીન નથી લીધી એવા લોકોની રક્ષા થઈ શકે છે. વસતીનો વૅક્સીનથી સાજો થયેલો સંવિભાગ એ પ્રકારે બીજાઓને બચાવી શકે છે.
સવાલ એ છે કે હર્ડ ઇમ્મ્યુનિટી આવશે ક્યારે. કોઇ પણ કૉમ્યુનિટીમાં આવે એ બાબતે ઘણાં પરિબળો ભાગ ભજવે છે. નિષ્ણાતો હજી એવા નર્ણય પર નથી આવી શક્યા કે કેટલા લોકો રોગપ્રતિરોધકતા મેળવી શક્યા હોય તો હર્ડ ઇમ્મ્યુનિટી આવે. એ આવે ને ફરી પાછા આપણે બૅક ટુ નૉર્મલ લાઇફને પામી શકીએ એ વાત હવે અસંભવ તો નથી પણ આપણે સૌએ જેમ બને એમ જલ્દીથી વૅક્સીન લેવી જોઈશે.
તેમ છતાં, કોરોનાવાયરસ પૃથ્વી પર ફેલાઈ ગયો છે, અતિશય ચેપી છે, વળી, બદલાતો રહે છે. એ કારણોથી નિષ્ણાતો એમ પણ માને છે કે એને નજીકના ભવિષ્યમાં સમ્પૂર્ણપણે નેસ્તનાબૂદ તો નહીં કરી શકાય, પણ જો એને આ રીતે કાબૂમાં લઈ શકાશે, તો ક્રમશ: એ એક સાદો રોગ ગણાતો થઈ જશે.
આ તો થઈ હર્ડ ઇમ્મ્યુનિટીની વાત. એક ઉપકારક વસ્તુ. આમે ય દુનિયા હમેશાં સારાં-સાજાં જનોથી જ ચાલે છે; જેટલી એમની સંખ્યા મોટી, માનવજાતને રાહત પણ એટલી જ મોટી.
પણ નિત્શે હર્ડ મૉરાલિટીની વાત કરે છે – ટોળાની નીતિમત્તા.
Picture – Herd Immunity : Courtesy: News Medical
આપણને ટોળાની માનસિકતાની અને એમના સર્વસામાન્ય વર્તનની ખબર છે. ટોળાને મગજ નથી હોતું અથવા એમાં જોડાયેલી વ્યક્તિઓ પોતાના મગજને ઘેર મૂકીને નીકળી પડી હોય છે. ટોળાને દિશા નથી હોતી એમ નહીં કહેવાય પણ એ દિશા કઈ તેની એને ખબર નથી હોતી. ખબર પડે છે ત્યારે ઘણું મૉડું થઈ ગયું હોય છે. મોટા ભાગનાં જાનવરો ટોળામાં જીવે છે અને એવું જ જીવે છે. ઊંધું ઘાલીને સાથે સાથે ચાલતાં ઘેટાં, કાફલામાં ઊડતાં પક્ષીઓ, કેટલીક માછલીઓ, મધમાંખીઓ, વગેરેને આપણે જાણીએ છીએ. હુલ્લડ, સરઘસ, હડતાળો પણ ટોળાશાહી વર્તનો છે. પક્ષાપક્ષી, જૂથબંધી, વાડાબંધી પણ ટોળાશાહી વર્તનના જ પ્રકારો છે.
નિ:સામાન્ય સરેરાશ લોકસમુદાયને નિત્શે હર્ડ કહે છે; એ બધાં હર્ડ ઍનિમલ્સ છે. કહે છે, એ લોકો પાસે વૈયક્તિક ઇચ્છાશક્તિ નથી હોતી, તેઓ સામૂહિક વૃત્તિઓથી જીવે છે. ટોળાની નીતિમત્તાને નિત્શે લોકશાહીય ઈચ્છાશક્તિ ગણે છે ખરા પણ એ એવી કે એને કારણે દરેક જણ સરેરાશ સમાન લાગે. નિત્શે માનતા હતા કે ધર્મ લોકોને નર્કનો ભય બતાવે છે, એકહથ્થુ સત્તાધીશો પ્રજાને બીવરાવે છે, અને ટોળાશાહી માનસ ધરાવતા પ્રજાસમૂહો રોજ હર્ડ મૉરાલિટીનો ભોગ બની રહ્યા છે. સ્ત્રીઓ, ગુલામો, કામદારો, માંદા અને ખરડાયેલાં છે. નિત્શેએ જોયું કે યુરપના કામદારોને હલકાં કામો કરવાં પડે છે, કેમ કે એ લોકો જીવનની સમુચિત રીત ભૂલી ગયા છે, કહો કે એમને એમ ભૂલવાની ફરજ પડી છે.
Picture – Herd Morality : Courtesy: Big Think
નિત્શેનું મન્તવ્ય એમ બને છે કે હર્ડ – ટોળું – હાનિકારક છે. એની પાસે નીતિમત્તા છે ખરી પણ એને નીતિમત્તા ય કહેવી કે કેમ એ પ્રશ્ન છે, બલકે એ નીતિ સ્વયં ભયકારી છે. નિત્શે એને કૃતક તેમ જ બધા ‘ભયોનો ભય’ કહે છે.
એ કૃતક નીતિમત્તાનું વિશ્લેક્ષણ કરતાં નિત્શે જણાવે છે કે વ્યક્તિઓના બે પ્રકાર છે : એક પ્રકાર, મહાન મનુષ્યોનો અને બીજો, ટોળામાં જીવનારાઓનો. પહેલા પ્રકારમાં એમણે એક પેટા પ્રકાર વર્ણવ્યો છે, ‘ધ વિલ ટુ પાવર’ – ગ્રન્થમાં, સર્જક પ્રતિભા ધરાવતી મહાન વ્યક્તિઓનો. એ સર્જકો હર્ડમાં નથી. એ પછી પણ કેટલાક મહાન મનુષ્યો મળે છે. એટલું જ કે તેઓ લોકોની નજરે ચડ્યા હોતા નથી. ‘ધ ડોન’-માં નિત્શેએ એમને ‘ગીત અને ગીત-ગાયકો વિનાના’ કહ્યા છે. એ સજ્જનો પણ હર્ડમાં નથી.
મહાન વ્યક્તિઓના એ બન્ને વર્ગ પછી જે બચે છે તે હર્ડ છે – ટોળું. ટોળામાં છે, છેવાડાના જનો, ગુલામો. એ જનો સાવ જ સરેરાશ છે. એમને માત્ર આરામ અને ધરવ જોઈએ છે. પરિણામે એ વર્ગ આળસુ અને તિરસ્કરણીય બની ગયો હોય છે. એમનામાં કશી સર્જનપરક આરત બચી હોતી નથી. સર્જનાત્મકતાને શક્ય બનાવે એ ઉચ્ચ મૂલ્યો એ વર્ગને કદી દેખાતાં નથી. એ સૌ ગુલામ છે, નબળા છે, માંદા છે. એમનાં દુ:ખોનું કારણ તેઓ પોતે જ છે. એમનામાં એક રીસ કડવાશ રોષ હોય છે, જેને નિત્શે ‘રીસેન્ટમૅન્ટ’ કહે છે.
એને કારણે ગુલામોમાં ઇર્ષા જોવા મળે છે. એમને ખૂંચે છે – હું વેઠું છું એવું બીજાઓ નથી વેઠતા – ખાસ તો પેલા મહાનો ! એવી ઇર્ષાને લીધે ગુલામોમાં વૈર વૃત્તિ જન્મે છે. તેઓ સમાનતા માગે છે. પણ એ માટે તેઓ ઘણા નીચલા સ્તરે ઊતરી આવે છે. એમનામાં એક પ્રકારની મૉરાલિટી જન્મે છે. એ હર્ડ મૉરાલિટી છે. એથી જીવનનાં કુદરતી મૂલ્યો ઊંધાં વળી જાય છે. એમાં જીવનનો ધરાર નકાર છે. એથી પતનની દિશા ખૂલે છે. એ મૉરાલિટી માણસને, માણસ નથી રહેવા દેતી; એ કહે છે : હું પડી રહ્યો છું, તમારે બધાએ પણ પડવું જ રહ્યું ! : નિત્શે સૂચવે છે કે માણસે માણસજાતને આ જ શીખવ્યું છે.
એટલે નિત્શેએ હર્ડ મૉરાલિટીમાં ‘ભયોનો ભય’ જોયો. એ જો વધુ ને વધુ આગળ વધે તો જે કંઈ ઉચ્ચ અને અસાધારણ છે તેનો નાશ થવાનો અને વિશ્વ પર ધીમે ધીમે શૂન્યતા છવાઈ જવાની. ‘એક્સ હોમો’-માં નિત્શે જણાવે છે કે આરામ અને ધરવનાં મૂલ્યોની જ ભક્તિ થવાની. એ જ સાચાં ગણાવાનાં. પરિણામ એ આવશે કે હર્ડ માનવતાને ગળી જશે અને અસ્તિત્વ એનાં ઉચ્ચોચ્ચ લક્ષણ વગરનું થઈ જશે.
આપણે જોઈએ છીએ કે કેટલા ય લોકોને નીતિપરક સવાલ થતો જ નથી. એમને થતું જ નથી કે શા માટે અમુક વસ્તુઓ સારીભલી ગણાય છે ને શા માટે અમુક નઠારી. તેઓ પોતાના સમાજમાં વર્ચસ્વી બનેલાં ભલા-બૂરાપરક મૂલ્યોને સ્વીકારીને બસ, જીવતા હોય છે.
નિત્શે અનુસાર, છેલ્લાં ૨૦૦૦ વર્ષથી, પશ્ચિમમાં જે નીતિનું વર્ચસ્ રહ્યું છે તે નીતિ ‘જીવનની મૂળ વૃત્તિઓની વિરોધી’ છે – કૃતક છે. એમણે પ્રયોજેલો શબ્દ છે, ઍન્ટિ-નૅચરલ. નિત્શેએ સમગ્ર પશ્ચિમ પર એનો પ્રભાવ જોયો હતો. જનસામાન્યથી વધારે સમર્થ વ્યક્તિઓ ય એના દબાવમાં જીવતી હતી, અને, નિત્શે એમના ‘બીયૉન્ડ ગુડ ઍન્ડ ઇવિલ’ ગ્રન્થમાં કહે છે કે એ વ્યક્તિઓ વધુ ને વધુ નાની, કહો કે, હાસ્યાસ્પદ પ્રકારની – ટોળામાંના જાનવર જેવી – થઈ ગઈ’તી. સૌને રાજી રાખવાને તલપે, મનોરોગી, ને સરેરાશ.
એમણે કહ્યું છે : મહાન સર્જકતા ધરાવતી વ્યક્તિઓ મારી સમજ અનુસાર, ખરેખર મહાન છે. તેઓ નેચર અને નર્ચરના વિરલ સંયોજનથી પોતાના જીવનને ઘડે છે અને વિશ્વને સુન્દરની મૂર્તિઓનું / કૃતિઓનું અર્પણ કરે છે. એ જાતનાં ઉમદા કાર્ય માટે એ જનોએ હર્ડથી બચવાનું હોય છે. ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં નિત્શે કહે છે : હર્ડ એટલે ગણ્યા ગણાય નહીં એટલા બધા, નાનકુડા અને દયનીય લોકો. એમનાથી છૂટીને સર્જકોએ એકાન્ત અને સ્વતન્ત્રતા મેળવવાં પડે છે. ‘બીયૉન્ડ ગુડ ઍન્ડ ઇવિલ’-માં મહાનતાની વ્યાખ્યા કરતાં કહે છે : મહાન હોવું એટલે ઉમદા હોવું. જાતે જ જાત માટે તત્પર રહેવું. બીજાઓથી જુદા પડાય, એવું સામર્થ્ય મેળવવું. એકલા ઊભા રહીને સ્વાયત્ત રહીને જીવવું.
આ સૌ મહાન વ્યક્તિઓ પાસે હમેશાં એક યુનિફાઇન્ગ લાઇફ પ્રોજેક્ટ હોય છે. અને તેઓ એને પાર પાડીને જંપે છે. એ પ્રોજેક્ટ ટૂંકા ગાળાનો કશો કામચલાઉ પ્રોજેક્ટ નથી હોતો. એ તો એક દીર્ઘકાલીન ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જન્મ્યો હોય છે ને તેથી એ સદીઓ લગી પરખાયા કરે છે – ભલે ને એ મહાનો ખપી ગયા હોય.
‘હ્યુમન ઑલ ટૂ હ્યુમન’-માં નિત્શે કહે છે : વ્યક્તિ આજે પોતાના ટૂંકા આયુષ્ય વિશે ઘણું ધ્યાન આપે છે. પોતે ઉગાડેલાં વૃક્ષનાં ફળ પોતે તોડવા માગે છે. નિરન્તરના ઉછેર માટે સદીની જરૂરત પડે ને જેનો છાયો પેઢી દર પેઢી પામે, એ એવાં વૃક્ષ ઉગાડવા નથી માગતો.
વિશ્વ આવું રાંક બની જશે એ વાતની નિત્શેને ખબર પડી ગયેલી. ‘ઑન ધ જિનિયૉલૉજિ’-માં કહ્યું છે : મહાન થવા માગતું હોય એવું કશું આજે આપણને જોવા નથી મળતું, આપણને દહેશત છે કે વસ્તુઓ હજી વધુ ને વધુ પતન પામશે; લોક વધુ ને વધુ આછાઓછા થશે – ઠીકઠાક, શાણા, આરામખોર, બેતમા … આ જ છે વિનાશ.
માણસ માણસથી બીવે છે. માણસને માટેનો આપણે પ્રેમ પણ ગુમાવ્યો છે, આદર, અને એને માટેની આશાઓ ઇચ્છાઓ પણ ગુમાવ્યાં છે.
માણસને ભાળીને આજે આપણે કંટાળીએ છીએ, થાક લાગે છે. આપણને માણસનો થાક લાગવા લાગ્યો છે.
આ હર્ડ ઇમ્મ્યુનિટી અને આ હર્ડ મૉરાલિટી વચ્ચે કોઈ સમ્બન્ધ હશે ખરો? વિચારીએ …
= = =
(February 5, 2021: USA)