Opinion Magazine
Number of visits: 9483070
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીસમી જાન્યુઆરી, લોકતંત્રનો વિજયદિવસ

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|31 January 2021

૨૦૧૭ના ઑગસ્ટના બીજા અઠવાડિયામાં વર્જિનિયાના શાર્લોટ્‌સવિલ શહેરમાં સ્વઘોષિત નવ-ફાસીવાદી, નવ-નાઝીવાદી શ્વેત રાષ્ટ્રવાદી ને ઉદ્દામ જમણેરીઓએ એક કૉન્ફેડરેટ જનરલના બાવલાને હટાવવાના વિરોધમાં રેલી કાઢી. રેલીના વિરોધમાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ને બંને વચ્ચે ઘર્ષણ થયું. એક શ્વેતરાષ્ટ્રવાદીએ વિરોધી દેખાવકારો પર પોતાનું વાહન હંકારી દીધું. એક વ્યક્તિ મૃત્યુ પામી ને અનેક ઘાયલ થયા. અમેરિકાની બંને રાજકીય પાર્ટીઓના નેતાઓએ તેનો વિરોધ કર્યો. ટ્રમ્પે હિંસાની ટીકા કરી પણ ભેગું-ભેગું ઉમેર્યું કે ‘બંને બાજુઓ આ ઘર્ષણ માટે જવાબદાર છે : કેટલાક  લોકો એક મહાન (!) જનરલનું બાવલું હટાવવા સામે સખત વિરોધ કરતા હતા.’ ટ્રમ્પના નિવેદન સામે બંને પક્ષોમાં ટીકા થઈ પણ ટ્રમ્પનું ખરું સ્વરૂપ આ ઘટનાથી છતું થયું. આ બનાવના થોડા દિવસ પછી બાઇડને પ્રમુખપદ માટેની પોતાની ઉમેદવારી જાહેર કરતાં કહ્યું કે આપણાં દેશનાં મૂલ્યો, વિશ્વમાં આપણી પ્રતિષ્ઠા અને આપણું લોકતંત્ર, જે અમેરિકાને ‘અમેરિકા’ બનાવે છે તે જ જોખમમાં છે, હવે આપણો સંઘર્ષ આપણા અંતરાત્માને જીવતો રાખવાનો છે. ટ્રમ્પનાં ઉચ્ચારણોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે દેશનો પ્રમુખ પોતે ધિક્કાર અને નફરત ફેલાવનારાઓની પડખે ઊભો રહે તે સમાજ સમક્ષ મોટો ભય છે. મારા જાહેર જીવનમાં મેં અમેરિકા પર આટલું મોટું સંકટ નથી જોયું, જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં બીજાં ચાર વર્ષ રહેશે, તો આપણો દેશ કાયમ માટે બરબાદ થઈ જશે. હું આ બરબાદી ઊભો ઊભો જોઈ રહું તે શક્ય નથી. બાઇડનના ટ્રમ્પ સામેના ચૂંટણીપ્રચારનો આ પાયો હતો.

વીસમી જાન્યુઆરીએ શપથ પ્રવચનમાં તેમ જ તે પૂર્વે અને પછી બાઇડને “દેશના અંતરાત્મા”ને બચાવવાની વાત કર્યા કરી છે. બાઇડન એક એવી પેઢી માંયલા રાજકારણી છે, જે ધીમે-ધીમે અમેરિકાના રાજકારણમાંથી લુપ્ત થતી જાય છે. એટલે એ અમેરિકાના રાજકારણમાં લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી અને સંવર્ધનની વાત કરે તે તેમના વિરોધીઓ પણ સાંભળે છે. વીસમી જાન્યુઆરીએ શપથવિધિ પ્રસંગનું પ્રવચન આ સંદર્ભમાં જોવું રહ્યું.

બાઇડન પૂર્વના અમેરિકી પ્રમુખોમાં કેટલાયે વાક્‌પટુતા માટે જાણીતા છે. ઓબામા ઉત્તમ વક્તા છે. શબ્દોની પસંદગી ને વાતને રજૂ કરવાની ઢબ એવી કે વિષયનો ફકરો ફકરો જુદો પાડી શકાય. ક્લિન્ટન નીતિવિષયક આંકડાઓ સાથે વકીલની જેમ દલીલ કરીને સમજાવે. બાઇડનના પ્રવચનના લેખક ભારતીય મૂળના વિનય રેડ્ડીએ બાઇડનને ભારે ભારે શબ્દોને બદલે સીધાં સાદાં ને સચોટ વાક્યો લખી આપ્યાં. વિનયે વિશેષ ખ્યાલ રાખ્યો કે સામાન્યપણે બોલતા બોલતા થોથવાતા બાઇડન સીધીસાદી ભાષામાં પણ અસરકારક રીતે પોતાની વાત કહી શકે. સીધાં સાદાં વાક્યો – “કાન્ટ વી જસ્ટ ગેટ અલોન્ગ?” – શું આપણે હળીમળીને કામ ના કરી શકીએ? – “વિલ વી રાઇઝ ટુ ધ ઓકેઝન?; વિલ વી મીટ અવર ઍબ્લિગેશસન્સ ઍન્ડ પાસ અલોન્ગ અ ન્યૂ ઍન્ડ બેટર વર્લ્ડ ફોર અવર ચિલ્ડ્ર્‌ન્સ? વિલ વી માસ્ટર ધીસ રેર ઍન્ડ ડિફિકલ્ટ અવર?” સીધાં, અસરકારક વાક્યો, ભાષણના લખાણનો સૂર ભાષણકર્તાને અનુરૂપ રહ્યો. તેમાં સચ્ચાઈનો રણકો હતો. સીધી ભાષામાં પણ તેમણે મહત્ત્વની વાતો કરી, ભેગા મળીને પેન્ડેમિક, આર્થિક મુશ્કેલીઓ ને રંગભેદની સમસ્યાને ઉકેલવાની વાત કરી.

એટલાન્ટિક સામયિકના જેમ્ફ ફેલાસે અમેરિકાના રાજકારણીઓના પ્રવચનોની શૈલી ને ઢબનો અભ્યાસ કર્યો છે. તે લખે છે કે કોઈ પણ કટોકટી સમયે અપાતાં પ્રવચનોના ત્રણ મુખ્ય ભાગ હોય છે. એક સહાનુભૂતિ, પ્રજાનાં દુઃખો ને વ્યથાઓને વર્ણવવી, સંવેદના વ્યક્ત કરવી. મહામંદી, નાઇન ઇલેવન, પર્લ હાર્બર, આવી ઘટનાઓ પછી વ્યક્ત થતી સંવેદનાઓ. બીજું, આત્મવિશ્વાસ, પ્રજાને વિશ્વાસ આપવો કે આ કટોકટીમાંથી આપણે બહાર આવીશું અને ત્રીજું, કટોકટીમાંથી બહાર નીકળવાની યોજના. વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવવો. બાઇડને પેન્ડેમિક અને આર્થિક મુશ્કેલીઓ વિશે ચર્ચા કરતાં આ ત્રણેય પાસાંઓ તો જરૂર વણી લીધાં પણ તેમણે એક નવું પાસું ઉમેર્યું. બિકમિંગ હવે આપણે કેવા બનીશું? હવેનો સમાજ કેવો હશે? આપણે એક ઉત્તમ આદર્શ પ્રજા કેવી રીતે બની શકીએ તે.

હવે આ વાતને જરા ટ્રમ્પ સાથે સરખાવી જુઓ ને વિરોધાભાસ સીધો દેખાશે. ટ્રમ્પમાં આ ત્રણેય પાસાંઓની ઊણપ હતી. તેમને પેન્ડેમિક એક બનાવટ ડે ‘ચાઇનીઝ રોગ’ લાગતો હતો. સંવેદના તો લગીરેય નહોતી ને વિશ્વાસ ને યોજનાના નામે મીંડું હતું.

બાઇડનની વાતમાં સચ્ચાઈ ને પ્રામાણિકતાની સાથે-સાથે પ્રતિબદ્ધતા હતી. બાઇડનના પ્રવચનના અંતનું એક વાક્ય મને વિશેષ અસર કરી ગયું, જ્યારે તેમણે વિશ્વને કહ્યું કે “અમે શક્તિના ઉદાહરણથી નહિ પરંતુ (સારા) ઉદાહરણની શક્તિથી નેતાગીરી પૂરી પાડીશું.” ટ્રમ્પીઝમની આનાથી વિરોધાભાસી વાત શું હોઈ શકે?

બાઇડનના પ્રવચનનો મુખ્ય સૂર એકતાનો રહ્યો. ચૂંટાયા પછીના લગભગ દરેક પ્રવચનમાં તેમણે દેશમાં એકતા રહે તેવી વાત કરી છે. પ્રવચનમાં તેમણે કહ્યું કે આજની સ્થિતિમાં એકતાની વાત મૂર્ખામી ગણાય. હું જાણું છું કે આપણા મતભેદોનાં મૂળ ઊંડાં છે. પણ અમેરિકામાં મતભેદ હોવા તે નવું નથી. આપણા ઇતિહાસમાં મતભેદો પહેલાંથી રહ્યા છે. એક બાજુ સમાનતાનો અમેરિકી આદર્શ છે, તો બીજી બાજુ રંગભેદ અને એવાં રાક્ષસી બળો છે. બાઇડને શ્વેત સર્વોપરી બળોનું નામ દઈને તે લોકો દ્વારા ઊભા થયેલા ભયની વાત કરી. સ્પષ્ટ કર્યું કે ઐક્ય આ બળો સાથે નથી. તેમની સામે લડવાનું છે. અમેરિકાનો ઇતિહાસ અહીં સંભારવા જેવો છે. ૧૮૬૩માં અમેરિકન ઍન્ટી સ્લેવરી સોસાયટી સમક્ષ બોલતા ફૅડરિક ડગ્લાસે એકતાની વાત કરતાં શરત મૂકેલી કે દરેક ગુલામ મુક્ત થવો જોઈએ ને દરેક મુક્ત વ્યક્તિને મતાધિકાર હોવો જોઈએ. ડગ્લાસની એકતાની શરતોને કારણે અમેરિકી બંધારણમાં તેરમો, ચૌદમો ને પંદરમો સુધારા થયેલા.

બાઇડનની શપથવિધિ પછી ત્રણ પૂર્વ પ્રમુખો ડેમોક્રેટ્‌સ, ક્લિન્ટન અને ઓબામા અને એક રિપબ્લિકન જ્યૉર્જ બુશે-સંયુક્ત રીતે ટેલિવિઝન પરના એક કાર્યક્રમમાં ઐતિહાસિક આર્લિંગ્ટન સેનેટરી પરથી સંદેશો આપ્યો કે દેશનાં લોકતાંત્રિક મૂલ્યોને જાળવવા માટે એકતાની જરૂર છે. ત્રણેય પ્રમુખોએ કહ્યું કે તેમણે ચૂંટણીનાં જે પરિણામો આવ્યાં તે સ્વીકાર્યાં છે અને પોતાના અનુગામી પ્રમુખને મદદ પણ કરી છે. આશ્ચર્ય નથી કે આ ત્રણેય પ્રમુખો વચ્ચે અત્યારે ગાઢ મૈત્રી છે. સિનિયર બુશને એક સત્ર બાદ હરાવનાર ક્લિન્ટનને તો પાછલાં વર્ષોમાં બુશ પોતાના પરિવારનો એક ભાગ ગણાવતા.

ખેર, બાઇડનની વાત હવે અમેરિકી પ્રજા સ્વીકારતી થઈ છે. આ લખી રહ્યો છું ત્યારે જ એ.બી.સી. ન્યૂઝ અને વૉશિંગ્ટન પોસ્ટે કરેલી એક મોજણી પ્રમાણે અમેરિકાની ૫૭ ટકા પ્રજા માને છે કે બાઇડન દેશમાં એકતા લાવશે.

સવાલ એ છે કે બાઇડનની એકતાની હાકલનો સામે છેડેથી પ્રતિસાદ કેવો છે? રિપબ્લિકન પાર્ટીમાં એકાદ-બે સેનેટર્સને બાદ કરતાં અન્ય નેતાઓ કાં તો મૌન છે યા તો ટ્રમ્પની સાથે રહી લડી લેવાના મૂડમાં છે. ચૂંટણી પછી ને ખાસ તો છઠ્ઠી જાન્યુઆરીના વિદ્રોહ પછી રિપબ્લિકન પાર્ટીમાં એક નાનકડો વર્ગ ટ્રમ્પ વિરુદ્ધ બોલતો થયો છે તે છતાં પણ હજુ ટ્રમ્પ તરફી સાંસદો વધુ  છે. મંગળવારે (૨૬મીએ) નીચલું ગૃહ મહાભિયોગનો પ્રસ્તાવ સેનેટને વિધિસર મોકલશે ને સેનેટ આઠમી ફેબ્રુઆરીએ પ્રક્રિયા શરૂ કરશે. આ લખી રહ્યો છું ત્યારે એવું લાગે છે કે મહાભિયોગ માટે ડેમોક્રેટિક પાર્ટીને ૧૭ રિપબ્લિકન સેનેટર્સની જરૂર પડશે, જે મળવા મુશ્કેલ છે. બાઇડન પોતે એ મતના છે કે સેનેટે પહેલાં તો તેમની કૅબિનેટને મંજૂરી આપવાનું કાર્ય પતાવી લેવું જોઈએ પછી મહાભિયોગનું કામ કરવું જોઈએ.

નીચલા ગૃહમાં અને પ્રાદેશિક સ્તરે ટ્રમ્પનું રિપબ્લિકન પાર્ટી પરનું વર્ચસ્વ હજુ રહ્યું છે. ખાનગીમાં ટ્રમ્પનો વિરોધ કરતા સાંસદો ને ગવર્નર્સને ડર છે કે તેના સમર્થકોના મતો ગુમાવશે. હારવા છતાં પણ ટ્રમ્પ ૭૪૦ લાખ મત મેળવી શકેલા, જે બાઇડન સિવાયના અન્ય કોઈ ઉમેદવાર કરતાં વધારે હતા. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પ સિવાય અન્ય કોઈ એવો નેતા નથી જે આટલા મત મેળવી શકે. કેટલાક એવા છે જે ૨૦૨૪ની પ્રમુખની ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. તે અત્યારે ટ્રમ્પ સમર્થકોને ગુમાવી શકે તેમ નથી. આવતા વર્ષે ૨૦૨૨માં મધ્યસત્ર ચૂંટણી આવશે. ગૃહના સભ્યો તેને કારણે ટ્રમ્પ-સમર્થકોને નારાજ કરવા નથી માંગતા.

અત્યારની સ્થિતિ જોતાં લાગે છે કે આવતા વર્ષની મધ્યસત્ર ચૂંટણી પૂર્વે રિપબ્લિકન પાર્ટીનું ભવિષ્ય વધુ સ્પષ્ટ બનશે. અત્યારે તો કન્ઝર્વેટિવ મીડિયા ટ્રમ્પની પડખે છે. ટ્રમ્પ પોતે પણ એક નવો પક્ષ સ્થાપવાનું વિચારી રહ્યા છે. અખબારોમાં પેટ્રિયટ પાર્ટી કે મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન (માગા) પાર્ટી જેવાં બે નામ તરતાં થયાં છે. પક્ષનાં ટ્રમ્પ તરફી બળો પોતપોતાના રાજ્યમાં શક્તિપ્રદર્શન કરી રહ્યાં છે. બે ઉદાહરણો જોઈએ. એરિઝોના રાજ્યના રિપબ્લિકન પાર્ટીના એકમે જ્હૉન મેકઇનનાં વિધવાને અને એક પૂર્વસેનેટરને બાઈડનને સમર્થન આપવા બદલ ઠપકો આપતો પ્રસ્તાવ પસાર કર્યો છે. એટલું જ નહિ રાજ્યના રિપબ્લિકન ગવર્નરને પણ ઠપકો આપ્યો છે કે ચૂંટણી હારવા છતાં પણ તેમણે ટ્રમ્પને વિજયી કેમ ઘોષિત ના કર્યા! કેટલાંક રાજ્યોમાં નીચલાગૃહના જે સભ્યોએ ટ્રમ્પ સામેના બીજી વારના મહાભિયોગને સમર્થન આપ્યું, તેમની સામે પાર્ટીમાં કાર્યવાહી શરૂ કરી છે.

એવું નથી કે અમેરિકાના ઇતિહાસમાં રાજકીય પક્ષો ભંગાણના આરે આ પૂર્વે પહોંચ્યા નથી. હજુ ચાર વર્ષ પહેલાં જ રિપબ્લિકન પાર્ટીની નેતાગીરીનો મોટો ભાગ માનતો હતો કે તેમનો ઉમેદવાર પ્રમુખ બનવાને લાયક નથી, પરંતુ પક્ષ ખાતર ને પોતાના સ્વાર્થ ખાતર તે સૌ પક્ષને વળગી રહ્યાં ને ટ્રમ્પને સ્વીકારી લીધાં વીસમી સદીના મધ્ય ભાગમાં અલગતાવાદી અને નાગરિક-અધિકારોના સમર્થકો વચ્ચે ભાગલા પડેલા. ૧૯૪૮માં દક્ષિણનાં રાજ્યોના અલગતાવાદીઓ ડેમોક્રેટિક પાર્ટીથી છૂટાં પડેલાં ને ૧૯૬૦માં પક્ષમાં પાછા જોડાયેલા.

ટ્રમ્પવાદી બળો બાઇડનની એક્તાની વાત સ્વીકારવા તૈયાર નથી. એ લોકો તો હજુ બાઈડનને પ્રમુખ તરીકે જ સ્વીકારવા તૈયાર નથી!

ટ્રમ્પની વિદાયથી હાલ તો અમેરિકાની લોકશાહીના દુઃસ્વપ્નનો અંત આવ્યો છે. અભદ્રતાને સ્થાને વ્હાઈટ હાઉસમાં ફરી શાલીનતા ને ભદ્રતા આવી છે. એક પત્રકારે કહ્યું તેમ હવે સવારે ત્રણ વાગે અચાનક આવેલી ટ્‌વિટથી શાસન નથી ચાલતું. હવે અભિપ્રાયોથી નહિ, પરંતુ વિજ્ઞાનના આધારે અમે કોવિડ સામે લડીશું.

બાઇડનનું સંપૂર્ણ ધ્યાન અત્યારે પેન્ડેમિક અને પેન્ડેમિકને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓને ઉકેલવા પર છે. બાઇડન જાણે છે કે જુનિયર બુશને બાદ કરતાં મોટા ભાગના પ્રમુખોનો પક્ષ મધ્યસત્ર ચૂંટણી હાર્યો છે. ક્લિન્ટન, ઓબામા ને ટ્રમ્પ ત્રણેય મધ્યસત્ર ચૂંટણીમાં નીચલાગૃહમાં બહુમતી ગુમાવી બેઠેલા. રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટિક પાર્ટી કરતાં વધુ રાજ્યોમાં વિધાનસભાઓમાં બહુમતી ધરાવે છે. તેઓ મતવિસ્તારોને ફરીથી એવી રીતે વેતરશે કે તેમને બહુમતી મળે. આવતા વર્ષની મધ્યસત્ર ચૂંટણીઓ બંને રાજકીય પક્ષો માટે મહત્ત્વની છે. આવતા મહિનાઓમાં બાઇડનની સફળતા-નિષ્ફળતા અને રિપબ્લિકન પાર્ટીની સ્થિતિ બાકીનાં બે વર્ષ નક્કી કરશે.

જાન્યુઆરી ૨૫, ૨૦૨૧ (ફ્લોરિડા)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 06-07

Loading

31 January 2021 admin
← વિદ્યાર્થીના ઘર ભણી …
આવનારો સમય સ્મૃતિને ભૂંસી નાખે એમ બને … →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved