ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસની સ્થાપના ૧૮૮૫ની સાલમાં કરવામાં આવી હતી. ભારતમાં અંગ્રેજો સામે સામૂહિક અને સાર્વત્રિક હડતાલની પહેલી ઘટના ૧૯૧૯ની સાલમાં બની હતી. કૉન્ગ્રેસની સ્થાપના પછી ૩૪ વરસે. આટલાં બધાં વરસો કેમ લાગ્યાં? એવું નહોતું કે ગાંધીજી પહેલાના નેતાઓ આવડત વિનાના હતા. દિગ્ગજ નેતાઓ હતા. એવું પણ નહોતું કે તેઓ આંદોલન કરવા નહોતા માગતા. ખાસ કરીને ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળનું કોમી ધોરણે વિભાજન કર્યું ત્યારે તેની સામે શરૂ કરવામાં આવેલી બંગભંગની લડત વખતે જહાલ નેતાઓએ સ્વદેશીનું આંદોલન શરૂ કર્યું હતું, જેને જોઈએ એવી સફળતા મળી નહોતી. લોકમાન્ય તિલકના વતનના શહેર પૂનામાં હડતાલ સંપૂર્ણ નહોતી. મુસલમાનોએ અને બહુજન સમાજે તેમાં ભાગ નહોતો લીધો. એમાં વિનીતોના ટેકેદાર હતા એવા પૂનાના સવર્ણોએ પણ સાથ નહોતો આપ્યો.
વિનય અનુનય કરવાની જગ્યાએ પ્રજા દ્વારા સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ એવો વિચાર એ વખતના નેતાઓને પણ આવ્યો હતો. કૉન્ગ્રેસના વિનીત નેતાઓ આવેદનો-નિવેદનો કરીને રાજકારણ કરતા હતા, પરંતુ જહાલ નેતાઓ તો આંદોલનો કરવાં જોઈએ એમ માનતા હતા. અસહકાર અને ના-કરની લડતનો શ્રેય ગાંધીજીને આપવામાં આવે છે અને જ્યાં સુધી આંદોલનનો સવાલ છે ગાંધીજી એ શ્રેયના અધિકારી પણ છે, પરંતુ આ કલ્પનાનો શ્રેય ગાંધીજીને નથી જતો. ગાંધીજીની પહેલા શ્રીઅરવિંદ ઘોષે કલ્પના રજૂ કરી હતી કે ભારતની પ્રજા જો અંગ્રેજોને કરવેરા ચુકવવાનું બંધ કરે અને અસહકાર કરે તો આ સરકાર ટકી ન શકે. વાત તો સાચી હતી અને ભારતમાં પહેલી વાર કહેવાઈ હતી, પરંતુ એ સમયના જહાલ નેતાઓ તેનો અમલ નહોતા કરી શક્યા. એ કલ્પના કલ્પના જ રહી હતી.
શા માટે? ભારતીય પ્રજાને સામૂહિક અને સાર્વત્રિક તાકાત બતાવતા ૩૪ વરસ કેમ લાગ્યાં? ગાંધીજીની પહેલાના નેતાઓ શક્તિશાળી હોવા છતાં અને પ્રજાની ભાગીદારીવાળા આંદોલનની કલ્પના મનમાં ઘોળાતી હોવા છતાં કેમ તેનો અમલ નહોતા કરી શક્યા? આ લાખ રૂપિયાનો સવાલ છે. ગાંધીજીમાં એવું શું હતું અને ગાંધીજીએ એવું શું પરિવર્તન કર્યું કે કૉન્ગ્રેસની સ્થાપના પછી જે ૩૪ વરસ શક્ય ન બન્યું તે તેમણે કરી બતાવ્યું?
એક તો તેમનું વ્યક્તિત્વ. કરિશ્મા અને વાક્પટુતા જેવા બાહ્ય માપદંડો લાગુ કરવામાં આવે તો ગાંધીજી તેમના પુરોગામીઓ, સમકાલીનો અને અનુગામીઓ કરતાં ક્યાં ય પાછળ હતા. તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જ નહોતું. આમ છતાં ય તેઓ પ્રજાહ્રદયને જીતી શક્યા એનું કારણ હતું તેમની પ્રામાણિકતા અને સહ્રદયતા. લોકોને ખાતરી થઈ ગઈ કે આ માણસ જે વિચારે છે એ જ બોલે છે અને જે બોલે છે એ જ કરે છે. લોકોને ખાતરી થઈ ગઈ કે આ માણસ પહેલા પોતે કરે છે અને પછી બીજા પાસે કરાવે છે અથવા કરવાની સલાહ આપે છે. લોકોને એ વાતની પણ ખાતરી થઈ ગઈ કે આ માણસ આપણી ભાષામાં આપણે સમજી શકીએ એમ બોલે છે અને આપણી વચ્ચે આપણી જેમ જ રહે છે. ગાંધીજીના સમકાલીન નેતાઓના મનમાં ગડમથલ ચાલતી હતી કે આ માણસ રાજકારણી છે કે સંત, પણ લોકોએ તો તેમનો સંત તરીકે સ્વીકાર કરી લીધો હતો.
આમ પહેલું કારણ હતું તેમનું અનોખું વ્યક્તિત્વ. બીજું કારણ હતું નિર્ભયતા. ગાંધીજી વિષે વિદ્વાનો દ્વારા હજારો પુસ્તકો લખાયાં છે અને જેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા એવા બીજા હજારો નેતાઓએ પોતપોતાની ભાષામાં આત્મકથા કે સંસ્મરણો લખ્યાં છે. આમાં એક ચીજ અપવાદ વિના દરેકે લખી છે કે ગાંધીજીએ ભારતીય પ્રજાને નિર્ભય થતા શીખવાડ્યું. અપવાદ વિના. હું પૂરી જવાબદારી સાથે આ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું. બનારસનું ભાષણ હોય કે ચંપારણનો સત્યાગ્રહ; પ્રામાણિકતા, સહ્રદયતા, કર્મઠતા અને નિર્ભયતાનો તેમાં પરિચય થયો હતો. પ્રજાની ભાષા એ એમની ભાષા અને પ્રજાનો શ્વાસ એ એમનો શ્વાસ એટલો પરિચય તો થઈ ગયો હતો, ચંપારણે એ વાતનો પણ પરિચય કરાવ્યો કે આ માણસ લીધું કામ છોડતો નથી અને કોઇથી ડરતો નથી.
બે ઘટના નોંધવા જેવી છે. ગાંધીજીએ ચંપારણ પહોંચીને કેટલાક સાથીઓને ચંપારણ બોલાવ્યા હતા એમાં એક તેમના મિત્ર સી.એફ. એન્ડ્રુઝ પણ હતા. એન્ડ્રુઝ અંગ્રેજ એટલે ચંપારણના અંગ્રેજ અધિકારીઓ અને ગળીનું વાવેતર કરાવનારા અંગ્રેજ કોઠીવાળાઓ તેમની સાથે માનમર્યાદા જાળવીને સલુકાઇવાળું વર્તન કરતા. બિહારના નેતાઓએ એન્ડ્રુઝને આગળ રાખવાનું શરૂ કર્યું. થોડા દિવસ પછી એન્ડ્રુઝને જવાનું થયું ત્યારે બિહારના નેતાઓએ એન્ડ્રુઝને વિનંતી કરી કે તેમણે રોકાઈ જવું જોઈએ. એન્ડ્રુઝે કહ્યું કે જો ગાંધીજી આજ્ઞા આપતા હોય તો તે રોકાઈ જવા તૈયાર છે. બિહારના નેતાઓ જ્યારે એન્ડ્રુઝને રોકવા માટેની વિનંતી સાથે ગાંધીજી પાસે ગયા ત્યારે ગાંધીજી પામી ગયા હતા કે તેઓ શા માટે એન્ડ્રુઝને રોકવા ઈચ્છે છે. તેમણે એન્ડ્રુઝને કહ્યું કે તેઓ કાલે જતા હોય તો આજે જ જતા રહે. ગાંધીજીએ કહ્યું કે ગોરા એન્ડ્રુઝની ઢાલનો ઉપયોગ કરવો એ કાયરતા છે. આત્મવિશ્વાસ સાથે અંગ્રેજો સાથે વાત કરવી જોઈએ અને તેઓ જો અપમાનિત કરે તો મોઢામોઢ વિરોધ કરવો જોઈએ.
બીજો પ્રસંગ વિન્સ્ટન ચર્ચિલનો છે. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ પછી ગાંધીજીની એ સમયના વાઇસરોય લોર્ડ અર્વિન સાથે ગવર્નર હાઉસ(અત્યારનું રાષ્ટ્રપતિભવન)માં વાટાઘાટો શરૂ થઈ હતી. ગાંધીજી આવે ત્યારે લોર્ડ અર્વિન તેમનું બહાર સ્વાગત કરે, હાથ પકડીને ગવર્નર હાઉસના પગથિયાં ચડવામાં મદદ કરે અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સાથે ગાંધીજી એક જ સ્તરે આંખ મિલાવીને વાત કરે, એવી તસ્વીરો જોઇને વિન્સ્ટન ચર્ચિલ ચિડાઈ ગયા હતા. એક નગ્ન ફકીરની આટલી ગુસ્તાખી કે તે માગણીઓનું નિવેદનપત્ર આપવાની જગ્યાએ વાટાઘાટો કરે? ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં ભારતીય નેતાઓ આવેદન-નિવેદનો કરતા હતા, વાટાઘાટો નહોતા કરતા. અંગ્રેજો સાથે સામ સામે બેસીને વાટાઘાટો કરનારા ગાંધીજી પહેલા ભારતીય નેતા હતા.
ત્રીજું કારણ હતું રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના જેની વાત હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 06 ડિસેમ્બર 2020