ગુજરાતમાં અર્વાચીનતાનું અજવાળું પથરાયું મુંબઈથી, મુંબઈ થકી
અંગ્રેજો પહેલાં મુંબઈમાં આવી વસ્યા પારસીઓ
ગુજરાતી મુદ્રણની શરૂઆત થઇ મુંબઈમાં
‘દીપે અરુણું પરભાત’ એ શબ્દો લખતી વખતે કવિ નર્મદની નજર સામે કયું ‘પરભાત’ હતું? સંભવ છે કે તેની નજર સામે પશ્ચિમ ભારતમાં – આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં – ૧૯મી સદીના આરંભથી જે અર્વાચીનતાનાં અજવાળાં પથરાવા લાગ્યાં હતાં તે હોય. અર્વાચીનતાના સૂર્યરથના આગમનની છડી પોકારનાર સારથી અરુણ નજરે પડતો હતો. અરુણ આવ્યો છે તો તેની પાછળ રાત્રીની જવનિકાનું છેદન કરનાર સૂર્યનું આગમન તો અનિવાર્ય. અર્વાચીનતાના એ સૂર્યરથના સાત અશ્વો તે કિયા? એ સાત અશ્વો હતા : ૧. મુદ્રણકળા ૨. તેને પરિણામે શક્ય બનેલાં મુદ્રિત પુસ્તકો, અખબારો, અને સામયિકો. ૩. મુદ્રિત પુસ્તકોને લીધે શક્ય બનેલ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ ૪. મુદ્રણને પરિણામે શક્ય બનેલ લેખનના માધ્યમ તરીકે ગદ્યની પ્રતિષ્ઠા ૫. આ બધાંના સાથથી શરૂ થયેલ નવજાગૃતિ માટેની ચળવળ ૬. નવા શિક્ષણને પરિણામે અંગ્રેજી સાહિત્યનાં પરિચય, પ્રેરણા અને પ્રભાવ ૭. પરદેશોના પ્રવાસ, તેને કારણે થયેલ નવી દુનિયાનો પરિચય, અને તેમાંથી મળેલ પ્રેરણા. આ બધાંને પરિણામે વીતી ગઈ છે રાત. હા, હજી મધ્યાહ્ન થયો નહોતો નવા જીવનનો, નવા સમાજનો, નવી વ્યવસ્થાનો. પણ તેનાં શુભ શકુન તો દેખાઈ રહ્યાં છે. અને એટલે જ કવિને આશા જ નહિ, શ્રદ્ધા છે કે ‘મધ્યાહ્ન શોભશે’. પણ અર્વાચીનતાનું આ અજવાળું આજના ગુજરાતમાં ફેલાયું ક્યાંથી? જવાબ જરા અગવડભર્યો છે, પણ અર્વાચીનતાનું અજવાળું આજના ગુજરાતમાં પથરાયું મુંબઈથી, મુંબઈ થકી, મુંબઈ દ્વારા.
બોમ્બે પ્રેસિડન્સી — પીળા રંગવાળો પ્રદેશ દેશી રાજ્યોનો
પણ આમ થયું કેમ કરીને? એ સમજવા માટે ૧૯મી સદીની પશ્ચિમ ભારતની રાજકીય ભૂગોળ સમજવી પડશે. પશ્ચિમ ભારતમાં મુંબઈ કરતાં પહેલાં અંગ્રેજો સુરત જઈ વસ્યા હતા. મોગલ શહેનશાહ જહાંગીરની પરવાનગીથી અંગ્રેજોએ ઠેઠ ૧૬૧૩ના જાન્યુઆરીના અરસામાં સુરતમાં પોતાની ફેક્ટરી કહેતાં ઓફિસ શરૂ કરી હતી. પણ તે વખતે અંગ્રેજોને માત્ર વેપારમાં રસ હતો. એ માટે ખપ પૂરતા જ તેઓ સ્થાનિક ગુજરાતીઓના સંપર્કમાં આવતા હતા. તેમના જીવનમાં ન તો અંગ્રેજોને કશો રસ હતો કે ન તો ત્યાંના ગુજરાતીઓને અંગ્રેજોનાં જીવન, રહેણીકરણી, ભાષા વગેરેમાં રસ હતો. પછી ધીમે ધીમે બ્રિટિશ સત્તા પશ્ચિમ ભારતમાં ફેલાવા લાગી ત્યારે વેસ્ટર્ન પ્રેસિડન્સીની સ્થાપના થઇ, જેનું વડું મથક હતું સુરત. પોર્ટુગીઝો પાસેથી દાયજામાં મળેલું મુંબઈ જ્યારે ગ્રેટ બ્રિટનના તાજે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વરસના ૧૦ પાઉન્ડથી ભાડે આપ્યું ત્યારે મુંબઈનો કબજો સુરતના ગવર્નરે લીધો હતો અને કબજો લીધા પછી તે તરત સુરત પાછો ગયો હતો અને પછી ફરી તેણે ક્યારે ય મુંબઈમાં પગ મૂક્યો નહોતો. ૧૬૬૮થી ૧૬૮૭ સુધી મુંબઈ સુરતના ગવર્નરના તાબા નીચે હતું, પણ મુંબઈનો વહીવટ ડેપ્યુટી ગવર્નરો સંભાળતા. ૧૬૮૭માં પશ્ચિમ ભારતનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડાયું અને વેસ્ટર્ન પ્રેસિડન્સી બની બોમ્બે પ્રેસિડન્સી. અને તે દિવસથી સુરતનો સૂર્ય આથમવા લાગ્યો, અને મુંબઈનો ઊગતો થયો. આ જોઇને હતાશ થયેલા સુરતપુત્ર કવિ નર્મદે ગાયું :
આ તે શા તુજ હાલ સુરત, સોનાની મૂરત,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત!
મુંબઈથી અંજાઈ, લોક તો વસ્યા જઈ તહીં,
અસ્ત થયો તુજ સુરજ, રાત તો પડી ગઈ અહીં.
પણ અંગ્રેજોએ મુંબઈમાં પહેલી વાર પગ મૂક્યો તે પહેલાં જ સુરત બાજુથી આવેલા પારસીઓ મુંબઈમાં વસવાટ કરતા અને તેનાં વેપારવણજ, કારભાર, વગેરેમાં મહત્ત્વનો ભાગ લેતા થયા હતા. છેક ૧૬૪૦માં પહેલવહેલા પારસીએ મુંબઈમાં વસવાટ કર્યો હતો. તેમનું નામ દોરાબજી નાનાભાઈ. સુરત પાસેના સુમારી ગામથી આવીને તેઓ મુંબઈમાં વસ્યા હતા. વખત જતાં તેમનું કુટુંબ પટેલ ખાનદાન તરીકે ઓળખાતું થયું. તેમના વંશજ કાવસજી પટેલે ૧૭૭૫માં ભૂલેશ્વર નજીક પોતાને ખર્ચે તળાવ બંધાવ્યું હતું જેથી એ વિસ્તારના લોકોની પીવાના પાણી અંગેની હાડમારી દૂર થઇ હતી. પહેલાં એ તળાવ કાવસજી પટેલ તળાવ તરીકે અને પછી સી.પી. ટેંક તરીકે ઓળખાતું થયું. આજે હવે એ જગ્યાએ તળાવનું નામોનિશાન નથી, છતાં લોકો એ વિસ્તારને સી.પી. ટેન્ક તરીકે જ ઓળખે છે – મ્યુનિસિપાલિટીને ચોપડે ભલે બીજું ગમે તે નામ નોંધાયું હોય.
બહેરામજી છાપગરે બનાવેલાં પહેલવહેલાં ગુજરાતી બીબાં
મુંબઈ આવ્યા પહેલાં પણ દોરાબજી પોર્ટુગીઝ વેપારીઓ સાથે વેપાર કરતા હતા અને એટલે પોર્ટુગીઝ ભાષા જાણતા હતા. અને ગુજરાતી તો તેમની જ ભાષા. એટલે મુંબઈની રાજવટ ચલાવવામાં દોરાબજી પોર્ટુગીઝ શાસકોને એટલા તો મદદરૂપ થઇ પડેલા કે તેમણે જ્યારે મુંબઈનો ટાપુ અંગ્રેજોને સોંપ્યો ત્યારે કારભારમાં દોરાબજીની મદદ લેવા, અને તે માટે કોઈ સારા હોદ્દા પર તેમની નિમણૂંક કરવા પોર્ટુગીઝોએ અંગ્રેજ પ્રતિનિધિને ખાસ ભલામણ કરી હતી, અને તે પ્રમાણે દોરાબજી મુંબઈમાંના અંગ્રેજ શાસન સાથે પહેલેથી જ જોડાયા હતા. ૧૬૮૯માં તેઓ બેહસ્તનશીન થયા.
અર્વાચીનતાના રથનો પહેલો અશ્વ હતો ગુજરાતી મુદ્રણ. અને એની સગવડ પહેલી વાર ઊભી કરી હતી એક પારસી નબીરાએ. એવણનું નામ બહેરામજી છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝિટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય. પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. એક: પારસીઓ અને તેમના પ્રદાન અંગેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિષે નોંધ્યું છે કે ‘મિ. એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.’ બે: બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું: ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક ‘બોમ્બે કુરિયર’ પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી. અને આ બીબાં એટલે અર્વાચીનતાના પહેલા અશ્વ સમા મુદ્રણનાં પનોતાં પગલાં.
બહેરામજીને હાથે બીજું પણ એક મોટું કામ થયું – જાણ્યે કે અજાણ્યે, એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઇ તે પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯ તારીખે જે જાહેર ખબર ‘બોમ્બે કુરિયર’માં છપાઈ તેમાં પણ હિન્દી-મરાઠીની જેમ ગુજરાતી અક્ષરોને માથે શિરોરેખા હતી. પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં ‘બોમ્બે કુરિયર’માં બીજી એક ગુજરાતી જાહેર ખબર છપાઈ. તેમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ તે ગઈ. હાથે લખાયેલાં લખાણોમાંથી પણ પછી ધીમે ધીમે શિરોરેખા દૂર થઇ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી.
આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. આજે હવે હેન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો અને એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં બંધ થયાં છે. પણ તેથી કાંઈ બહેરામજીએ એકલે હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી.
અંગ્રેજી અખબાર ‘બોમ્બે કુરિયર’ની શરૂઆત ૧૭૯૦માં વિલિયમ એશબર્નર નામના અંગ્રેજે કરી હતી. ૧૭૮૯માં શરૂ થયેલ ‘બોમ્બે ગેઝેટ’ અને આ ‘બોમ્બે કુરિયર’ તે મુંબઈથી પ્રગટ થયેલાં પહેલવહેલાં અખબાર – માત્ર અંગ્રેજીનાં જ નહિ, કોઈ પણ ભાષાનાં. હવે જરા વિચાર કરો: મુંબઈની સરકારને અંગ્રેજી છાપામાં ગુજરાતીમાં જાહેરાત છપાવવાની જરૂર કેમ જણાઈ હશે? અઢારમી સદીના અંત સુધીમાં મુંબઈના જીવનમાં – ખાસ કરીને ધંધા-રોજગારના ક્ષેત્રે – ગુજરાતીઓનું સ્થાન મહત્ત્વનું હોય તો જ આમ કરવાની જરૂર પડે. એ વખતે હજી કોઈ ‘દેશી’ ભાષાનું અખબાર તો હતું નહિ, એટલે સરકારે અંગ્રેજી છાપામાં ગુજરાતીમાં જાહેરાતો છપાવવાનું નક્કી કર્યું હોય.
શરૂઆતમાં હતો તે શિરોરેખાનો ભાર પછીથી દૂર થયો
માનશો? અમદાવાદ જેવા અમદાવાદમાં છેક ૧૮૪૫ સુધી એક પણ છાપખાનું નહોતું! છાપખાનું નહોતું એટલે છાપેલાં પુસ્તકો નહોતાં, અખબારો નહોતાં, ચોપાનિયાં (મેગેઝીન માટે એ જમાનામાં વપરાતો શબ્દ) નહોતાં. આમ થવાનું એક કારણ એ કે છેક ૧૮૧૮માં અમદાવાદ બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. એટલે ત્યાં સુધી અર્વાચીનતાના વાયરાનો સ્પર્શ અમદાવાદને ભાગ્યે જ થયો હતો. મુંબઈથી વાતા અર્વાચીનતાના વાયરાને ગુજરાતમાં બીજો પણ એક અવરોધ ઘણા વખત સુધી નડતો રહ્યો. આજના ગુજરાતનો ઘણો મોટો હિસ્સો એ વખતે જુદાં જુદાં, નાનાં-મોટાં દેશી રજવાડાઓમાં વહેચાયેલો હતો. અને બે-ચાર અપવાદોને બાદ કરતાં ઘણાખરા દેશી રાજાઓ છાપખાનાં, પુસ્તકો, અખબારો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ વગેરેના ભલે અંદરખાનેથી, પણ વિરોધી હતા. કારણ તેમને બીક હતી કે આપણા રાજમાં આ બધું આવશે અને રૈયતને રાજવટ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરશે. ૧૮૬૭માં આખા મુંબઈ ઇલાકામાં ૧૦૮ છાપખાનાં કામ કરતાં હતાં. તેમાંથી ફક્ત ચાર જ ગુજરાતનાં દેશી રાજ્યોમાં હતાં. રાજકોટમાં એક, ભાવનગરમાં એક સરકારી અને એક ખાનગી એમ બે, અને નવાનગરમાં એક. અને તેમાંનાં ત્રણ ૧૮૬૫થી ૧૮૬૭ વચ્ચે શરૂ થયેલાં. દેશી રાજ્યોમાંનાં ખાનગી છાપખાનાં પણ રાજા કે પ્રધાનની ઇચ્છા વિરુદ્ધ કશું છાપી શકતાં નહિ. કવિ નર્મદનો ‘નર્મકોશ’ ભાવનગરના ચંદ્રોદય નામના ખાનગી પ્રેસમાં છપાતો હતો. પણ તેમાંનું કશુંક વાંચીને કે જાણીને દિવાન ગૌરીશંકર ઓઝા એટલા તો નારાજ થયા કે એ જ ઘડીએ તેમણે એ છાપવાનું અટકાવી દેવાનો હુકમ કર્યો અને અડધું છપાયેલું પુસ્તક એ પ્રેસે નર્મદને મોકલી દીધું.
ગુજરાતીમાં જાહેરાતો છાપતું ‘બોમ્બે કુરિયર’
અલબત્ત, એનો અર્થ એવો નથી કે આજના ગુજરાતમાં ૧૮૪૫ પહેલાં એકે છાપખાનું નહોતું. ગુજરાતનું પહેલવહેલું છાપખાનું શરૂ થયું ૧૮૨૧માં. લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરન્ડ જેમ્સ સ્કિનર અને રેવરન્ડ વિલિયમ ફાઈવીએ એ શરૂ કર્યું. પછીથી તે સુરત આઈરિશ મિશન પ્રેસ તરીકે ઓળખાતું થયું હતું. ‘નર્મકોશ’નું કામ ભાવનગરના છાપખાનાએ અધવચ્ચે અટકાવ્યું તે પછી તેનો બાકીનો ભાગ આ પ્રેસમાં જ છપાયો હતો. સુરતનું આ છાપખાનું ૧૩૮ વરસ સુધી ચાલીને ૧૯૫૯માં બંધ થયું હતું.
ગુજરાતીમાં છાપખાનાં આવ્યાં તે પછી આવ્યાં છાપેલાં ગુજરાતી પુસ્તક, અને તેની શરૂઆત પણ થઇ મુંબઈથી. પણ એ અંગેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 28 નવેમ્બર 2020