૧૯૧૫ના જાન્યુઆરી મહિનામાં ગાંધીજી ભારત આવ્યા, ત્યારે ગાંધીજીએ જેમને પોતાના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા એ ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને સલાહ આપી હતી કે તેમણે એક વરસ કોઈ પણ પ્રકારનું રાજકીય નિવેદન કર્યા વિના ભારતભ્રમણ કરવું જોઈએ અને ભારતીય સમાજના સ્વરૂપને પોતાની સગી આંખે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ગાંધીજીને તેમની વાત ગળે ઊતરી હતી અને ગોખલેના આદેશને શિરોમાન્ય માન્યો હતો. તેમણે એક વરસ ભારતભ્રમણ કર્યું હતું. અહીં જ એક વાત નોંધી લેવી જોઈએ કે ભારતમાં પશ્ચિમમાં ક્વેટાથી લઈને પૂર્વમાં મણિપુર સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગાંધીજીએ જેટલો પ્રવાસ કર્યો છે અને જેટલી વખત પ્રવાસ કર્યો છે એટલો પ્રવાસ ગાંધીજીની પહેલાં અને તેમની પછી કોઈએ નથી કર્યો. એમ કહી શકાય કે ભારતમાં ગાંધીજીની કંઈ નહીં તો ચોથા ભાગની જિંદગી રેલવેમાં વીતી છે.
આગલા લેખમાં કહ્યું હતું એમ એવું પણ નહોતું કે ગાંધીજી ભારત આવતા પહેલાં ભારતના સમાજથી અને તેના રાજકારણથી પરિચિત નહોતા. તેમને આની ઠીકઠીક પ્રમાણમાં જાણ હતી અને દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લખતા પણ હતા. તેમને એ વાતની પણ જાણ હતી કે ભારતનો શિક્ષિત વર્ગ રાજ્યના અને વિકાસના પાશ્ચાત્ય ઢાંચાથી પ્રભાવિત છે અને એને એમને એમ તેના સંપૂર્ણ સ્વરૂપમાં ભારતમાં લાગુ કરવા માગે છે. ગાંધીજીને રાષ્ટ્રની/રાજ્યની અને વિકાસની પાશ્ચત્ય અવધારણા પણ કબૂલ નહોતી અને તેનો ઢાંચો પણ કબૂલ નહોતો. ગાંધીજીને એ વાતની પણ જાણ હતી કે ભારતનો બહુજન સમાજ, મુસલમાનો અને અન્ય લઘુમતી કોમો અને સંપન્ન ભદ્ર વર્ગ અંગ્રેજ રાજ્યની તરફેણ કરે છે. લગભગ ૭૫થી ૮૦ ટકા ભારતીય પ્રજાને સ્વરાજ જોઈતું જ નથી, બલકે તેનો વિરોધ કરે છે. આનો અર્થ એ થયો કે ભારતીય પ્રજામાં પરસ્પર અવિશ્વાસ છે. ભારત આવ્યા એ પહેલા ગાંધીજીને એ વાતની પણ જાણ હતી કે ભારતીય પ્રજા બીકણ ભયભીત છે. પ્રતિકાર કરી શકતી નથી એટલે કાકલૂદીઓ અને માગણીઓ કરે છે. ટૂંકમાં દૂર રહીને પણ તેઓ ભારતના પ્રશ્નોથી પરિચિત હતા. ખાતરી કરવી હોય તો તેમણે આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લખેલા લેખો જોઈ શકાય એમ છે.
આમ છતાં તેમણે મૂંગા રહીને ભારતભ્રમણ કરવાનું ગોખલેને વચન આપ્યું હતું અને પાળ્યું પણ હતું. તેઓ ભારતમાં ફરતા હતા એ દરમ્યાન દરેક જગ્યાએ તેમનું સન્માન કરવામાં આવતું હતું અને સન્માનના ઉત્તરમાં તેમને બોલવાનું કહેવામાં આવતું હતું. મોટા ભાગે ગાંધીજી બે વાત કહેતા હતા. એક અસ્પૃશ્યતા નિવારણની અને બીજી નિર્ભયતાની. તેમને એમ લાગતું હતું કે આમાં ગોખલેને આપેલા વચનનો ભંગ થતો નથી. માણસ બીજા માણસ સાથે માણસ તરીકે વર્તે એ માણસાઈનો પ્રશ્ન છે એમાં રાજકારણ ક્યાં આવ્યું? અને બીજું માણસ જો બીકણ હોય તો બીજા માટે તો ઠીક, પોતાના માટે પણ કોઈ કામનો નથી તો રાષ્ટ્ર તો બહુ દૂરની વાત છે. પોતાનાથી બીજાને દૂર રાખનારો માણસ, બીજાથી દૂર રહેનારો માણસ અને અનેક પ્રકારના ડરથી ડરનારો ભયભીત માણસ કોઈ મહાન કામ કરી જ ન શકે. આમ એક વરસના ભારતભ્રમણ દરમ્યાન ગાંધીજી નીડર અને અખંડ માણસની હિમાયત કરતા હતા.
આ રાજકીય બાબત નહોતી? ગાંધીજી ભારત આવ્યા એ પછી ગોપાલ કૃષ્ણ ગોખલેનું તરત જ અવસાન થયું હતું. જો તેઓ હયાત હોત તો કદાચ તેમણે આ સવાલ ગાંધીજીને પૂછ્યો પણ હોત. માણસની માણસ તરીકેની અખિલાઈ અને નીડરતા એ રાજકારણ છે કે આધ્યાત્મિકતા એવો વળતો સવાલ કદાચ ગાંધીજીએ ગોખલે મહારાજને પૂછ્યો હોત. બીજા શબ્દોમાં કહીએ તો અભેદ અને અભય એ આધ્યાત્મ છે કે રાજકારણ? આ તો માત્ર મારું અનુમાન છે, તમારે તો મેં જે મુદો ઉપસ્થિત કર્યો છે એના વિષે વિચારવાનું છે. ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને રાજકીય નિવેદનો કર્યા વિના એક વરસ ભારતભ્રમણ કરવાની સલાહ એટલા માટે આપી હતી કે તેઓ રાજકારણને જૂની પરંપરાગત નજરે જ જોતા હતા જેમાં છાવણીઓ હોય. આશ્ચર્ય એ વાતનું છે કે તમામ ભારતીય નેતાઓમાં ગોખલે ગાંધીજીને સૌથી વધુ જાણતા હતા. ૧૯૦૯માં તેમણે કૉન્ગ્રેસના અધિવેશનમાં લગભગ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના શબ્દોમાં કહ્યું હતું કે આ ધરતી ઉપર ભાગ્યે જ જોવા મળે એવો માણસ ભારતમાં અવતર્યો છે અને આફ્રિકામાં કામ કરે છે. આમ છતાં ગોખલેને અખંડતા અને નિર્ભયતાના આધ્યાત્મિક ગણાતા ગુણોની રાજકીય સંભાવના ધ્યાનમાં નહોતી આવી.
એ પાસું ધ્યાનમાં આવ્યું હતું પાછળથી દીનબંધુ તરીકે ઓળખાયેલા સી.એફ. ઍન્ડ્રુઝને. તેઓ પાદરી હતા, દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાં ભણાવતા હતા, ગોખલે અને રવીન્દ્રનાથ ટાગોરના મિત્ર હતા. ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી અને જનરલ સ્મટ્સ વચ્ચે રાજકીય મડાગાંઠ સર્જાઈ અને રાજકીય ઉકેલ આવતો નહોતો ત્યારે ગોખલેએ ભારતના વાઇસરોયને કહ્યું હતું કે ભારત સરકારે દક્ષિણ આફ્રિકાની સરકાર ઉપર સમાધાન માટે દબાણ લાવવું જોઈએ. વાઇસરોયના પ્રતિનિધિ તરીકે સર બેન્જામીન રોબર્ટસન અને કૉન્ગ્રેસના પ્રતિનિધિ તરીકે ઍન્ડ્રુઝ અને ડબલ્યુ. ડબલ્યુ. પીઅરસન એમ ત્રણ સભ્યો મધ્યસ્થી કરવા આફ્રિકા ગયા હતા. તેઓ બીજી જાન્યુઆરી ૧૯૧૪ના રોજ ડર્બન બંદરે પહોંચ્યા ત્યારે ડોક પર તેમનું સ્વાગત કરવા દક્ષિણ આફ્રિકાની સરકારના અધિકારીઓ અને ગાંધીજી હાજર હતા. ઍન્ડ્રુઝ બહાર આવીને ગાંધીજીને પગે લાગ્યા હતા. એક લવાદ અને ખ્રિસ્તી ફાધર પક્ષકારને પગે લાગે અને એ પણ હિન્દી? અધિકારીઓ તો ચોંકી ગયા હતા.
આનું રહસ્ય બે જણ જાણતા હતા. એક જનરલ સ્મટ્સ અને બીજા સી.એફ. ઍન્ડ્રુઝ. ઍન્ડ્રુઝ વિષ્ટિ કરાવવા આવ્યા હોવા છતાં ગાંધીજીને પગે લાગે એમાં સ્મટ્સને કોઈ આશ્ચર્ય નહોતું થયું. ગાંધીજીમાં રહેલા અભેદ અને અભય એ બે ગુણ બે અંગ્રેજોના ધ્યાનમાં આવી ગયા હતા, જે ગોખલેના ધ્યાનમાં નહોતા આવ્યા. આનું કારણ એ છે કે ઍન્ડ્રુઝ યુરોપિયન હતા, અંગ્રેજ હતા, ખ્રિસ્તી હતા, ફાધર હતા, ભારતમાં રહેતા હતા એટલે પાશ્ચાત્ય અને પૌર્વાર્ત્ય સભ્યતા વિશેના ગાંધીજીના દૃષ્ટિકોણને બન્ને છેડેથી સમજી શકતા હતા. સ્મટ્સ પ્રચંડ શક્તિશાળી સામ્રાજ્યના પ્રતિનિધિ સત્તાધીશ હતા અને ગાંધીજીની અંદર રહેલા સામ્રાજ્યને હલાવી શકનારા શક્તિના સ્રોત વિશે તેઓ જાણતા હતા. રોજેરોજ અનુભવ કરતા હતા. એક બાજુએ સામ્રાજ્યની શક્તિ અને બીજી બાજુ મુઠ્ઠી હાડકાંના માનવીની શક્તિનો તેમને અનુભવ હતો. એટલે તો સમાધાન પછી ગાંધીજીએ આફ્રિકાથી ભારત આવવા વિદાય લીધી ત્યારે સ્મટ્સે લખ્યું હતું, ‘અંતે સંતે આફ્રિકાનો કિનારો છોડ્યો, હું આશા રાખું છું કે કાયમ માટે’.
ગાંધીજીએ તેમની આત્મકથામાં ‘શાંતિનિકેતન’ નામના પ્રકરણમાં અંતમાં લખ્યું છે: ‘ઍન્ડ્રુઝ બર્દવાન સુધી મારી સાથે આવ્યા હતા. તેમણે મને પૂછ્યું, ‘તમારે હિંદુસ્તાનમાં સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ લાગે છે ખરું? ને લાગતું હોય તો ક્યારે એની કાંઈ કલ્પના આવે છે?’
મેં જવાબ આપ્યો, ‘આનો જવાબ આપવો મુશ્કેલ છે. મારે એક વર્ષ તો કાંઈ કરવાપણું છે જ નહીં. ગોખલેએ મારી પાસેથી વચન લીધું છે કે, એક વર્ષ લગી મારે ભ્રમણ કરવું, કોઈ જાહેર પ્રશ્ન પર વિચાર ન બાંધવો, ન બતાવવો. આ વચન હું અક્ષરસઃ પાળવાનો છું. પછી પણ મારે કોઈ પ્રશ્ન પર બોલવાપણું હશે તો જ હું બોલવાનો છું. એટલે પાંચ વર્ષ લગી સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ મને લાગતું નથી.’’
એ પછી ગાંધીજી લખે છે, ‘અહીં આટલું કહેવું પ્રસ્તુત છે કે ‘હિંદ સ્વરાજ’માં મેં જે વિચારો દર્શાવ્યા છે તેને ગોખલે હસી કાઢતા અને કહેતા: ‘એક વર્ષ તમે હિંદુસ્તાનમાં રહી જોશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે.’’
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 25 ઑક્ટોબર 2020