Opinion Magazine
Number of visits: 9446925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાયત્તતાસેનાની ‘દર્શક’નું સ્મરણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 October 2020

આજે 15મી ઓક્ટોબર 2020. મળતાં મળે એવા મનહરલાલ, આપણા મનુભાઈ, એમનો 107મો જન્મદિવસ. છેલ્લાં વર્ષોમાં અમારે મન એનું વિશેષ મહત્ત્વ એ કારણે પણ રહ્યું કે પરદેશના આપણા મિત્રોએ વિપુલભાઈની પહેલથી જે વ્યાખ્યાનમાળા શરૂ કરી ‘ઓપિનિયન’ પ્રેરિત અને અહીંયા લોકભારતી મારફત જેનું પ્રબંધન થાય છે, એમાં 15મી ઓક્ટોબરનો એક ખાસ આગ્રહ હોય છે. અને થોડાં વર્ષ પર ભીખુ પારેખે એનું પ્રથમ વ્યાખ્યાન આપેલું એનાં  સ્મરણો આજે પણ તાજાં છે. વ્યાખ્યાનના આરંભે મેં બોબ ડિલનનું સ્મરણ કરેલું તાજું જ એમને નોબલ જાહેર થયેલું અને જે પ્રમાણે સાહિત્યના નોબલ અપાય છે એનાથી લગાર ચાતરીને એક કડખેદની કદરની રીતે બોબ ડિલનનો અવાજ અમે તે દિવસે આરંભમાં મૂક્યો હતો એનું મને સ્મરણ થાય છે. સ્મરણ એમ તો સ્વેતલાનાનું પણ થાય છે સ્તાલિન-પુત્રી સ્વેતલાના નહિ પણ 2015નું નોબલ પારિતોષિક જેને મળ્યું તે રુસી લેખિકા સ્વેતલાના. એનું તો મુખ્ય કામ જ પત્રકારિતાનું રહ્યું. તો, સાહિત્ય, એની વિભાવના, એની ભૂમિકા અને વળી ‘દર્શક’નું સ્મરણ એમ અનેક રીતે આજે થોડી વાતો કરવાનો ખયાલ છે.

‘દર્શક’ વિશે વિચારું છું ત્યારે મને પહેલું સ્મરણ સહજ ક્રમમાં જ ઉમાંશકરના કેટલાંક વિધાનો અને ઉદ્ગારોનું થઈ આવે છે. મને યાદ છે, અત્યારના જે નહીં વપરાતો અખંડ આનંદ હોલ વિક્ટોરિયા ગાર્ડન પાસે, એમાં ‘દર્શક’ને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાનો પ્રસંગ હતો અને ઉમાશંકર બોલતા હતા. ઉમાશંકરે કહ્યું કે મને ઘણીવાર એમ થાય છે કે સોક્રેટિસ ગ્રીસમાં ટેકરીએ ચડતા કે ઊતરતા જે કિશોરોને ખભે હાથ મૂકતા હશે એમાંનો એક ભૂલો પડેલો કિશોર એ આપણા મનુભાઈ છે. ‘દર્શક’નું ગ્રીસનું અને એકંદરે વિશ્વ ઇતિહાસ અને પ્રવાહનું આ જે જ્ઞાન, સમજ અને સાહિત્યમાં એનો એક પ્રકારનો સહજ સમાસ, એમાં સિંચન અને ભળી ગયેલું એની કદર કરતા કરતા ઉમાશંકરને સ્વાભાવિક સૂઝયું કે સોક્રેટિસ ટેકરી ચડતા કે ઊતરતા જે કિશોરોને ખભે હાથ મૂકતા હશે એમાંના એક આપણા મનુભાઈ તો નહીં હોય!

આ મનુભાઈ, એમના વિશે ઉમાશંકરે એક બીજો પણ સરસ ઉલ્લેખ કર્યો છે ‘દર્શક’ની નવલકથા ‘દીપનિર્વાણ’ નિમિત્તે – અને મુનશીની ત્રયીમાં જેમ તનુકાય ‘પાટણની પ્રભુતા’ જુદી પડી જાય એમ ‘દર્શક’ની ત્રણ ભાગની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘સોક્રેટિસ’ આ કીર્તિદા નવલકથાઓ કરતા ‘દીપનિર્વાણ’માં એક જુદી જ સુગંધ પડેલી છે. પણ એ ‘દીપનિર્વાણ’ની બીજી આવૃત્તિ વખતે જે પ્રસ્તાવના લખી ઉમાશંકરે, તાપી તટે માંડવીથી, એમાં ‘દર્શક’ને એટલે કે ‘દીપનિર્વાણ’ના લેખકને એ રીતે જોયા હતા કે ગોવર્ધનરામની જે સાક્ષરજીવનની વિભાવના છે તે આ લેખકના ચરિત્ર અને  ચારિત્ર્યમાં જાણે કે પ્રગટ થવા કરે છે તો, એક આખા પંડિત યુગ અને ગાંધીયુગને  ઉમાશંકરે ‘દર્શક’માં આ રીતે સાંકળ્યા એ ઉમાશંકરનું આકલન અને ‘દર્શક’નું પોતાનું એક સર્જક વિભૂતિમત્ત્વ, એમ બંને રીતે મને બહુ નોંધપાત્ર ઉદ્દગાર લાગે છે.

પણ ઉમાશંકરનું એક ત્રીજું સ્મરણ, ‘દર્શક' અંગેનું બહુ મજાનું છે. એમણે એક પ્રસ્તાવનામાં, કદાચ રઘુવીરના પુસ્તકની પ્રસ્તાવનામાં એ યાદ કર્યું છે. ઉમાશંકર પોતે પન્નાલાલને જિંથરી- અમરગઢ ટી.બી.ની સારવાર માટે મૂકવા ગયા હતા અને મૂકીને વળતાં એમને એમ થયું કે પાસે જ એક લેખક રહે છે ‘દર્શક’, તો તેમને ભલામણ કરતો જાઉં કે પન્નાલાલભાઈ અહીં છે અને ખબર રાખજો. ઉમાશંકર જવા નીકળ્યા ‘દર્શક’ પાસે, ત્યાં સામેથી એમને એક જુવાન મળ્યો, ઘોડેસવાર બરાબર પલાણીને એ આવતો હતો. આ જુવાન એ મનુભાઈ અને ઉમાશંકરનું મનુભાઈનું પ્રથમ દર્શન એ છે આ અસવાર. ઘટમાં ઘોડા થનગને ને આતમ. વીંઝે પાંખ … મેઘાણીએ કહ્યું  છે ને.

તો, આ જે અસવાર એ મુદ્રા ‘દર્શક’ની, સોક્રેટિસ જેના ખભે હાથ મૂકતાં હશે એ કિશોર એવી જે પ્રતીતિ ઉમાશંકરની. ગોવર્ધનરામના સાક્ષરજીવનનો આદર્શ એ અહીં ચરિતાર્થ થતો હોય એવી  એક મથામણ, એની ઉમાશંકરે લીધેલી નોંધ સાથે આજે હું ‘દર્શક’ને યાદ કરું છું ત્યારે એનું એક વિશેષ મહત્ત્વ છે.

એ વિશેષ મહત્વ આ છે કે અત્યારે આપણે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની ચૂંટણીના દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. આમાં ઊભરેલો મુખ્ય મુદ્દો એ સ્વાભાવિક જ છેલ્લાં વર્ષોમાં સ્વાયત્તતાનો છે. સ્વાયતતા, આંતરબાહ્ય સ્વાયત્તતા. ઉમાશંકરે ગોવર્ધન શતાબ્દી વખતે નડિયાદમાં મુદ્દો ઊંચક્યો હતો અને કનૈયાલાલ મુનશીની એકચક્રી આણ સામે આદરપૂર્વક પણ લોકશાહીની સ્થાપના, એ એમની ભૂમિકા હતી જે ઉમાશંકરે ગાંધીજીને ત્યારની સાહિત્ય પરિષદનું પ્રમુખપદ લેવા માટે સામા પ્રશ્નો પૂછવા જરૂરી માન્યું હતું એ ઉમાશંકર ગાંધીયુગનું એક ઉત્તમ રત્ન ઉમાશંકર. ‘દર્શક’ અને ઉમાશંકર એ બંને એવા કે જેમણે માર્કસને ગાંધીસાત્ કર્યા અને ગાંધીને માર્કસસાત્‌ કર્યા અને સરવાળે એ બધું જ ઇન્ટરનલાઇઝ કર્યું, આત્મસાત્‌ કર્યું. પોતપોતાની રીતેભાતે.

આ ઉમાશંકરે નડિયાદમાં ગોવર્ધન શતાબ્દી વખતે એક જુદે છેડેથી સ્વાયત્તતાનો જે ઝંડો ઉપાડ્યો હતો, એ એના બીજે છેડેથી એમને ઉપાડવાનો આવ્યો તે ત્યારે કે જ્યારે ગુજરાતમાં સરકારી સાહિત્ય અકાદમી રચાઈ એ વખતે ઉમાશંકરે કહ્યું કે તમે મને માન આપવા ઇચ્છો છો પણ મારે – તમે ના જાણતા હો તો દેશની સ્વાયત્ત અકાદમીના ચુંટાયેલા પ્રમુખ તરીકે – તમને કહેવું જોઈએ કે આ એક એવી જગ્યા છે કે જ્યાં હું સન્માન લેતાં રાજી થાઉં, પણ ગુજરાતની  એ અકાદમી સ્વાયત્ત હોય તો. આ ઉમાશંકરનો અવાજ પછીનાં વર્ષોમાં સરકારી અકાદમીમાંથી સરૂપ ધ્રુવ અને બકુલ ત્રિપાઠીથી, માંડીને વીનેશ અંતાણી – રમણલાલ જોશી સુધીના જે રાજીનામા પડ્યાં અને એક પ્રક્રિયા ચાલી. સ્થગિતતા આવી. ‘દર્શક’ ચિત્રમાં આવ્યા, એમણે સૂત્રો પકડ્યા અને અકાદમી સ્વાયત્ત બની. આ સ્વાયત્ત અકાદમીની વિશેષતા શું હતી? દેશની કોઈ પણ અકાદમીમાં નહીં, રીપીટ દેશની કોઈ પણ સાહિત્ય અકાદમીમાં નહીં, એમ એમાં નોંધાયેલા લેખકોની પોતાની એક કોન્સ્ટિટ્યુઅન્સી હતી જે લેખક પ્રતિનિધિઓને ચૂંટતી હતી. અક્ષરકર્મીઓની એ ઈલેક્ટોરલ કોલેજ હતી.

એમાં સંસ્થાકીય પ્રતિનિધિઓ હોય, સરકારી નિયુક્તિઓ હોય, બીજાઓ હોય પણ સાથે સાથે ચૂંટાયેલા લેખકો હોય અને એમ મળીને અકાદમી બને અને આખું ચિત્ર બદલાય. સરકારી અકાદમી તો કેવી? જયંતિ દલાલે એક જુદા સંદર્ભમાં બહુ સરસ કહ્યું હતું, ગતિ-રેખાના જમાનામાં કે એક આદમી અને બાકી ડમી. તો, અહીં બાકી બધા ડમી નહીં એવી સ્વાયત્ત અકાદમી એ ઉમાશંકરની એક અપેક્ષા આગ્રહપૂર્વકની અને ‘દર્શકે’ એ એ પાર પાડી એટલે આજના દિવસે સ્વાયત્તતાસેનાની ‘દર્શક’નું મને સ્વાભાવિક જ સ્મરણ કરવાનું મન થાય છે

મેં હમણાં ‘દીપનિર્વાણ’નો ઉલ્લેખ કર્યો. ‘દીપનિર્વાણ’માં પેલી વિદ્યાપીઠની વાત આવે છે, આશ્રમની વાત આવે છે જેની બહાર સૂચના છે કે રાજન તું તારા અશ્વોને અહીં વિરામ આપજે. તારો રથ અહીંયા મૂકી અડવાણે પાયે વિનીત વેશે પ્રવેશ કરજે. આ જે રાજસત્તા એણે શિક્ષણ, સંસ્કાર અને સાહિત્યની ભૂમિમાં વિનીત વેશે અડવાણે પાય જવાની વાત દુનિયા આખી જિત્યાનો દર્પ અને દાવો લઈને જ્યારે અલિકસુંદર એલેકઝાન્ડર ધ ગ્રેટ ડાયોજીનસ પાસે આવ્યો અને આમ દેખીતા નમ્ર પણ  દોમ દોમ દર્પીલા જે અવાજે એણે પૂછ્યું ડાયોજીનસને કે હું શું કરી શકું તમારે માટે. વિજેતાનો પ્રશ્ન હતો અને ડાયોજીનસે મટકુંયે માર્યા વગર કહ્યું કે રાજા, તું આઘો ખસ અને તડકો આવવા દે.

આ જે એક ભાવના, એની જે બુલંદી, એનું લોકશાહી સ્વરૂપ તે સ્વાયત્ત સંસ્થામાં આપણને જોવા મળે છે. અને એ લોકશાહી સ્વરૂપની વાત એ ઉમાશંકર અને ‘દર્શકે’ આપણા સમયમાં ઊંચકી. ઇતિહાસના ક્રમમા તમે જુઓ કે ૧૯૫૫ની ગોવર્ધન શતાબ્દી વખતની સાહિત્ય પરિષદ અને ૨૦૧૫માં આ સ્વાયત્ત અકાદમીમાંથી ચૂંટણીનો મુદ્દો ખતમ કરી અને સીધા ઉપરથી પ્રમુખની  : નિયુક્તિ આ ૬૦ વર્ષનો ગાળો ૧૯૫૫થી 2015, એ સાઠ વર્ષનાં ગાળામાં ઊભા રહી અને પરિષદે જ નહીં ગુજરાતના વ્યાપક સાહિત્યરસિક વાચક સમાજે આ ૬૦ વર્ષના અંતરાલ પછી જે ઊંચકેલો પ્રશ્ન તે પેલી આંતરબાહ્ય સ્વાયત્તતાનો દોર આગળ ચલાવવા માટેનો છે, અને એ અર્થમાં ‘દર્શક’નું વિશેષ સ્મરણ લાજીમ છે.

આ દર્શકની પોતાની પ્રિય નવલત્રયી ‘ઝેર તે પીધાં છે જાણી જાણી’ ય મને યાદ છે, એમને પ્રેમાનંદ ચંદ્રક અપાયો વડોદરામાં, એ સમારંભમાં હું હાજર હતો. પ્રતિભાવ આપતા ‘દર્શકે’ કહ્યું હતું કે આ જે ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ એને ટપી જતી સુંદર નવલકથા ગુજરાતમાં ઉતરે  તેમ હું માંગું છું. અને પછી એમણે કહ્યું કે પણ એ નવી નવલકથા ના આવે ત્યાં સુધી હું આ વારંવાર વંચાય, ખૂબ વંચાય તેમ ઇચ્છુ છું. આ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’; એની પૂર્ણાહુતિ ક્યાં છે? તમે જુઓ, ગોપાળબાપાની વાડીમાં બધા એકત્ર થયા છે. સત્યકામ વિદ્વાન પણ છે અને કૃષિકર્મે રમેલો છે. ખેડૂતો પણ છે. રોહિણી છે. જેને દેખીતા સામાન્ય માણસો કહીએ એ છે એટલે બૌદ્ધિક અને શ્રમિક, વણિક અને કૃષક આ બધા મળીને એક નવો સમાજ રચે છે એ વાડી છે પણ વાડીમાં વિશ્વ છે વાડી અને વિશ્વ એકાકાર છે આ જે દર્શન, આપણે શું કહીએ ગોપાળબાપાની વાડી કહો. જરા છૂટ લઈને ગોપાલગ્રામ કહો ભાઈ ગોવર્ધનરામના કલ્યાણગ્રામ ને ગાંધીના સેવાગ્રામનું અંતર કાપવાની તક મળે એ માટે ગુજરાતી નવલકથાએ આ ગોપાલગ્રામનું એક નવું દર્શન આપણી સામે મૂક્યું.

આ ગોપાલ ગ્રામ, આ ગોપાળ બાપાની વાડી થઈ ક્યાં? સાવ નકામી લાગતી જે જમીન હતી ત્યાં. સયાજીરાવ ગાયકવાડ પાસે જ્યારે ગોપાળબાપાએ આ જગ્યા માંગી – બહુ સૂચક વાત  છે – સયાજીરાવ ગાયકવાડ પાસે ગોપાળબાપાએ જ્યારે આ જગ્યા માંગી ત્યારે સામેથી ગાયકવાડે પૂછ્યું કે તમને અહીંયા જે બધાં રાની પશુ છે એનો ભય નથી લાગતો આ જગ્યા  માંગો છો ત્યારે. ગોપાળબાપાએ બહુ જ સ્વસ્થતાથી આછું હસીને કહ્યું રાજાને કે તમારી પડખેના દીપડા ના રંજાડે તો પણ બહુ. જે ડાયોજીનસ જેવો એક દાર્શનિક એની વાણી, ગોપાળબાપા જેવા શ્રમિકવણિકને કેવી સરસ્વતી ઊતરી આવી. રાજા, આઘો ખસ તડકો આવવા દે. રાજા તારી પડખેના દીપડા ના રંજાડે તો પણ બસ. આમ તો આ ભાષાની પછીતે નવા જમાનાની સિવિલ લિબર્ટીઝ યુનિયનનીની વ્યાખ્યા પડેલી છે. આટલા મોટા રવીન્દ્રનાથ, ઉત્તર વયે, જતી ઉંમરે, એમણે બે સર્જનાત્મક કામ કર્યા. એક તો એક ચિત્રકળામાં પ્રવેશ્યા; અને બીજું એમણે સિવિલ લિબર્ટીઝ યુનિયનનું પ્રમુખપદ સ્વીકાર્યું. તમે વિચાર કરો કે જે સર્જક છે, સાહિત્યસેવી છે, અક્ષરકર્મી છે એની ચિંતાનો કેટલો મોટો એક આલેખ આપણને આમાથી મળે છે. રાજા આઘો હઠ અને તડકો આવવા દે. ઉમાશંકરે જયંતિ દલાલ વિશે લખ્યું કે જયંતિભાઈ એટલે સનસાઈન એક હૂંફાળો તડકો. અક્ષરકર્મી એવો જે આ મિજાજ, એનું એક સંવૈધાનિક સ્વરૂપ અને મથામણ તે સ્વાયત્ત બંધારણ અને એ મુજબની સ્વાયત્ત અકાદમી. આજે આ વસ્તુ આપણને પકડાતી નથી અને 2015થી પાછળ 1955 એમ જે સાઠ વરસની ગુજરાતના લેખકોની, અક્ષર કર્મીઓની જ્યાં અક્ષરજીવન અને જાહેર જીવન મળે છે તેવી સંગમ ભૂમિ પર ઊભા રહીને કરાયેલી મથામણ એનો આખો ઈતિહાસ વારસો એ આજે આપણને અપીલ કરતો નથી.

બલકે, ખરી વાત તો એ છે કે આ જે વાત, આદર્શને બંધારણીય રૂપ આપવાની કોશિશ, સ્વાયત્તતાની દિશામાં આપણને એનું મહત્ત્વ અને એ માટેનો આગ્રહ એ પૂરા પમાતાં અને પકડાતા ના હોય તો એ જે આપણો આટલો મોટો વારસો છે એની જોડે આપણું સંધાન અને આપણી જવાબદારી કેટલા ઓછા અને ઊણા પડે છે એનો એક નાદર નમૂનો છે. આ વાત જ્યારે કહેવામાં આવે ત્યારે એને શબ્દોના સાથિયા કહીને બાજુએ મૂકવામાં આવે છે. ભાઈ, જરી વિચારો, આ શબ્દોના સાથિયા છે કે એક ફોરતો અને વિસ્તરતો એવો સંકલ્પ છે. શબ્દોના સાથિયા કહી અને ગજ જેવો જે મુદ્દો એને રજ જેવો કરી મેલવાની આ ચેષ્ટા મને ઘણે અંશે નાસમજ અને બેજવાબદાર લાગે છે, જેને પોતાના વારસાની અને વારસાને આગળ ચલાવવાની, સાતત્ય તો બરાબર પણ શોધન અને વર્ધનની જરૂર જણાતી નથી તે ખરેખર જ એક ખેદજનક બાબત છે અને ચૂંટણીમાં જે પ્રચાર કરવો હોય તે કરીએ, પણ ઉમાશંકર અને ‘દર્શક’ની સાખે ઊભા રહીને એક મોટી વાતને, ગજ જેવી વાતને રજ જેવી કરીને આપણે પ્રચારની તાસીર અને તરાહને નીચી ના પાડીએ એવી એક સમજની માંગ એવી એક સફાઈની માંગ આ 107માં ‘દર્શક’ દિવસે જો હું કરું તો એમાં કશું જ અનુચિત નહીં ગણાય તેમ માનું છું.

પરિષદનાં કામ ઘણાં છે, ચાલે છે, ચાલવા જોઈએ. પરિષદ ભવનની બાલાશ જાણવી એની જોડે સંકળાયેલા તરીકે અમે સૌએ જે તે પ્રસંગે એ વાત કરી છે કોશિશ કરી છે. હજુ બાકી પણ હશે. આ બધાં મ્યુનિસિપલ કાર્યોનું મૂલ્ય હું ઓછું આંકું છું એમ નહીં પણ આ મ્યુનિસિપલ કામોની આડશે પરિષદના દાયિત્વ અને દર્શનને સ્વાયત્તતા જેવા મુદ્દાને જે લોકો ટ્રિવિયલાઇઝ કરે છે એ પોતાના સહિત ગુજરાતના વ્યાપક અક્ષરકર્મી સમાજની અને અક્ષરજીવન અને જાહેરજીવન જ્યાં મળે તે સંગમભૂમિની કસોટીએ ઊણા ઊતરે છે. ઇચ્છુ છું કે આપણી આ મર્યાદાઓ પરિષદકારણને ના વળગે અને એક વ્યાપક દર્શનનું સંબલ લઈને આપણે આગળ ચાલીએ.

‘દર્શકે’ એક જે સરસ વાત કરી એ શું હતી ? : રણજિતરામ ચંદ્રક સ્વીકારતી વખતે એમણે એક સાથે ‘કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’ અને રસ્કિનનું ‘અન ટુ ધ લાસ્ટ’ બેઉ યાદ કર્યા હતા તો શ્રમિક બૌદ્ધિક એમનો એક સહયોગ, પારસ્પર્ય અને એક સમગ્ર એવી જે રમઝટ – માણસો ગાતા ગાતા કામ કરે અને કામ કરતાં કરતાં ગાય – એવી જે એક સંસ્કૃતિની મથામણ એ દ્રષ્ટિએ સ્વાયત્ત સંસ્થાઓની પણ એક ભૂમિકા છે એટલું યાદ કરીને મારી વાત અહીં સમેટુ છું. ‘દર્શક’નું  પુનઃ પુનઃ સ્મરણ, જે સ્મરણ કદીએ વિસારે પડતું જ નથી એ વિધિવત્‌ સ્મરણ.

(‘ફેસબુક’ લાઈવ, 15 ઓક્ટોબર 2020, શબ્દાંકન રીતિ શાહ)

Loading

20 October 2020 admin
← નોરતે પ્રાર્થના
ચોથે નોરતે પ્રાર્થના :
 →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved