જ્યાં સારુ છે તે પોસાય એવું નથી અને જે પોસાઇ શકે છે ત્યાં તંત્ર રેઢિયાળ છે અને પછી ડિગ્રીની લાલચે જે હોય એ ચલાવી લેવાય છે
ગણતરીના દિવસો પહેલાં ‘યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન’ એટલે કે યુ’જી’સી'(UGC)એ દેશમાં ફૅક એટલે કે બોગસ યુનિવર્સિટીઝનું લિસ્ટ બહાર પાડ્યું. આમ તો આ દર વર્ષે અનુસરાતી પ્રેક્ટિસ છે, અને મજાની વાત છે કે દર વર્ષે પંદરથી ત્રીસ વચ્ચેના આંકડે પહોંચે એટલી ફૅક યુનિવર્સિટીઝનાં નામ આ યાદીમાં જાહેર થતાં જ હોય છે; છતાં ય આ લિસ્ટમાં આંકડા ઓછા થાય કે ફૅક યુનિવર્સિટીઝના ગોરખધંધા બંધ થાય એવું કંઇ થતું નથી. યુ.જી.સી.એ જાહેર કરેલી આ બોગસ યુનિવર્સિટીઝ કોઇપણ પ્રકારની ડિગ્રી આપવાને લાયક નથી અને તેમણે અત્યાર સુધીમાં આપેલી એકેય ડિગ્રીઓને કે સર્ટિફિકેટ્સને માન્ય નહીં રખાય. ગયા વર્ષે પણ યુજીસીએ આ રીતે યાદી જાહેર કરી હતી. આ યાદીની જાહેરાત પછી એક અહેવાલમાં આવી જ એક યુનિવર્સિટીના ગોરખધંધાનો ભોગ બનેલા એક વિદ્યાર્થીએ પોતાની વ્યથા જાહેર કરી હતી.
દિલ્હીના કોઇ ગીચ વિસ્તારના જૂના બિલ્ડિંગમાં બીજા માળે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, નિમ્સ કે એન.આઇ.એમ.એસ.ના નામે જાણીતી સંસ્થા કે જે પોતાની યુનિવર્સિટીની ટોપી માથે પહેરાવતી હતી, ત્યાંથી આ વિદ્યાર્થીએ ડિગ્રી લીધી હતી. અહીંથી બી.બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી આ વિદ્યાર્થીએ જ્યારે એમ.બી.એ. કરવા માટે અરજીઓ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેની બેચલર્સની ડિગ્રી તો સરકાર દ્વારા માન્ય જ નથી ગણાતી, તેનું બી.બી.એ.નું સર્ટિફિકેટ વૅલિડ નથી.
કોઇપણ રીતે અધિકૃત ન હોવા છતાં આવી ઇન્સ્ટિટ્યૂટ્સ બિલાડીનાં ટોપની માફક ફૂટી નીકળે છે અને પછી અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ ઑફર કરે છે, ને તે પણ એન્જિનિયરીંગ અને મેનેજમેન્ટ જેવા વિષયોમાં. ઓનલાઇન અને ડિસ્ટન્સ એજ્યુકેશનની પદ્ધતિથી આ બધું ચાલ્યા કરે છે. નિમ્સ યુનિવર્સિટીને ગયા વર્ષે ઑક્ટોબરમાં બોગસ જાહેર કરાઇ હતી, તે 1998થી ચાલતી હતી. આ વર્ષે જે 24 યુનિવર્સિટીઝને યુ.જી.સી.એ બોગસ ગણાવી છે, તેમાંથી મોટાભાગની દિલ્હી અને ઉત્તર પ્રદેશની છે. આ બધી યુનિવર્સિટીઝ બોગસ છે, એવું ઘણીવાર તો તેમના નામ માત્રથી જ કળી શકાય છે, જુઓ કેટલાક સેમ્પલ; કોમર્શિયલ યુનિવર્સિટીઝ, યુનાટેડ નેશન્સ યુનિવર્સિટીઝ, આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય, રાજા અરાબિક યુનિવર્સિટી, ગાંધી હિંદી વિદ્યાપીઠ, શ્રી બોધી એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન, વગેરે.
મોટા ભાગની આ ફૅક યુનિવર્સિટી જે યુ.જી.સી.ના લિસ્ટમાં હોય છે, તે તેમના ઓરિજિનલ સરનામેથી ક્યારે ય ઑપરેટ નથી કરતી. જે સરનામું નોંધાયેલું હોય છે ત્યાં યુનિવર્સિટીને નામે કશું જ નથી હોતું. આવી ફૅક યુનિવર્સિટીઝની યાદી યુ.જી.સી. દ્વારા મેન્ટેઇન કરવામાં આવે છે. જો કે યુ.જી.સી.ના અધિકારીઓનું માનવું છે કે જે સરનામે આ ચાલતી હોય છે ત્યાં પહોંચીને તે બંધ કરાવી દેવાય પછી એવું નથી હોતું કે તે સદંતર બંધ થઇ જ જાય છે. ગોરખધંધા કરનારાઓમાંથી અમુક એક વાર પકડાયા પછી પણ નાના શહેરોમાં રહેનારા તથા ગીચ વિસ્તારોમાં વસનારા નિમ્ન મધ્યમ વર્ગનાં લોકોને છેતરવા માટે નવું સરનામું શોધી કાઢતા હોય છે. એક રિપોર્ટ અનુસાર ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એ.આઇ.સી.ટી.ઇ.) પાસે આવી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ્સની વધુ મોટી યાદી હોય છે જેમાં ટેક્નિકલ એજ્યુકેશન રેગ્યુલેટરની માન્યતા વિના બેફામ કોઇ પણ કોર્સિઝ ચાલતા હોય છે. દેશ આખામાં અઢીસોથી વધારે આવી ઇન્સ્ટિટ્યૂટ્સ છે, અને એમાંથી પચાસથી વધારે તો દિલ્હીના કોઇ ગીચ વિસ્તારમાંથી ચાલી રહી છે.
યુ.જી.સી. અને એ.આઇ.સી.ટી.ઇ. ધારે તો ય આ તમામને ઝડપી પાડવા તેમને માટે મુશ્કેલ થઇ જાય કારણ કે તેઓ કોઇ ભળતી જ જગ્યાએથી ઑપરેટ કરતાં હોય છે. દિલ્હી આપણું પાટનગર જ્યાંથી યુ.જી.સી. અને એ.આઇ.સી.ટી.ઇ.નો બધો વહીવટ ચાલે છે. ઉત્તર પ્રદેશમાં પણ ફૅક સંસ્થાનોની ખોટ નથી અને એમાં પાછી યુનિવર્સિટીઝ તો જુદી. તમને આઇ.આઇ.પી.એમ.-વાળો અરિંદમ ચૌધરી પણ યાદ હશે. તે પોતાની સંસ્થાને આઇ.આઇ.એમ.ની સાથે સરખાવતો અને પૂરા સ્વૅગ સાથે તેણે જાહેર લેક્ચર્સ આપ્યા છે, લોકોને ઇન્ટરવ્યુઝ આપ્યા છે અને સેલેબ્રિટી સ્ટેટસ ભોગવ્યું છે. 1973માં દિલ્હીમાં શરૂ થયેલી આ સંસ્થાના અરિંદમ ચૌધરીને છેતરપિંડીના ગુના હેઠળ માર્ચમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીની ઘણી બધી પોલ બહાર આવી હતી પણ છતાં ય પોતાની વિરુદ્ધમાં સમાચાર ન આવે, એ માટે પૈસા ખર્ચીને પણ અહીં ઘણું ‘મેનેજ’ કરવામાં આવ્યું છે.
ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટ્સનાં પ્રોગ્રામને નામંજૂર કરવા સિવાય સરકારી સંસ્થાઓ પણ બીજું કંઇ કરી નથી શકતી. આવા ગોરખધંધા ચાલતા હોવા છતાં કેન્દ્ર સરકારના શૈક્ષણિક તંત્ર દ્વારા કોઇ આકરાં પગલાં નથી લઇ શકાતાં. અરિંદમ ચૌધરી સામે જે થયું તે એક અપવાદ હતો જ્યારે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ અને તેની ધરપકડ કરાઇ. આ ઘટના પછી એવા કિસ્સાઓ પણ બહાર આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થી જેણે આઇ.આઇ.પી.એમ.માંથી ડિગ્રી લીધી હોય તેને નોકરીમાંથી પાણીચું આપા દેવાની વાત થઇ હતી. ડિગ્રી જ બોગસ હોય તેને કોણ કામે રાખે ભલા પણ અમુક કિસ્સાઓમા કંપનીએ વાટાઘાટો કર્યા બાદ આઇ.આઇ.પી.એમ.ની ડિગ્રી ધરાવનારા વિદ્યાર્થીઓને નોકરીમાંથી કાઢી નહોતા મૂક્યા. જો કે એવું નથી કે યુનિયન ગવર્મેન્ટ યુ.જી.સી.ને પૂરતી સત્તા આપવાનો પ્રયાસ નથી કરી રહી. આ અંગે એક કલમ પસાર કરાવની પહેલ પણ થઇ હતી પણ કમનસીબે તેમાં સફળતા ન મળી, એચ.આર.ડી. મિનિસ્ટ્રીના પ્રયાસને પણ સંસદમાં ટેકો ન મળ્યો. આ ફૅક યુનિવર્સિટીઝની દુકાનો ચાલે છે તેમાં માત્ર એક હાથે તાળી નથી વાગી રહી, એમ નથી કે સરકાર તરફથી યુ.જી.સી.ને પૂરતી સત્તા નથી અપાતી એટલે જ આમ ચાલે છે, પણ નાના શહેરોમાં ચાલતી નાની ટેક્નિકલ કંપનીઓને આવી ફાલતુ અને બોગસ સંસ્થામાંથી ભણીને આવેલા વિદ્યાર્થીઓ સામે કોઇ જ વાંધો નથી કારણ કે તેમને તો કામ સાથે મતલબ છે ડિગ્રી સામે નહીં. બીજી બાજુ સારી સંસ્થાઓમાં ફીઝ બહુ છે, બેઠકોનાં વાંધા છે એટલે નાનાં શહેરો-ગામડાંઓનાં વિદ્યાર્થીઓને પણ આ બોગસ ડિગ્રી આપતી સંસ્થાઓમાં એડમિશન મળે તો કરિયર બની જશેની લાગણી થઇ આવે છે. અહીં જે સારું છે તેનો વિસ્તાર અને તેની ઉપલબ્ધતા પણ એટલી જ જરૂરી છે, જેટલું જરૂરી છે બોગસને સાણસામાં લઇ હંમેશાં માટે બંધ કરી દેવાં.
બાય ધી વેઃ
માત્ર ભારતમાં જ આવી સમસ્યાઓ છે તેમ નથી. એક દાયકા પહેલાં યુ.કે.ની બોગસ યુનિવર્સિટીઝના કિસ્સા પણ બહુ જ ચાલ્યા હતા. મુદ્દો એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં જ ઘણી ખામીઓ છે. સરકારી સ્કૂલોથી જે ચાલતું આવે છે તે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચેલો વેઠિયાવાડો છે. જ્યાં સારુ છે તે પોસાય એવું નથી અને જે પોસાઇ શકે છે ત્યાં તંત્ર રેઢિયાળ છે અને પછી ડિગ્રીની લાલચે જે હોય એ ચલાવી લેવાય છે. શિક્ષણ નીતિમાં પરિવર્તન જરૂરી હોઇ શકે છે, પણ જે છે એને સુધારવી અને સવલતો એ રીતે ખડી કરવી કે તરવરતા જુવાનિયાઓને યોગ્ય માર્ગદર્શન મળે ને તેઓ છેતરાઇ જતાં બચે, એ પણ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑક્ટોબર 2020