બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે દેશના વડા પ્રધાનપદે કૉંગ્રેસી પી.વી. નરસિંહરાવ હતા. એ તેમની વિદ્વત્તા અને દેશના અર્થતંત્રમાં ઉદારીકરણની નીતિ દાખલ કરનાર ઉપરાંત વડા પ્રધાન તરીકેની પાંચ વર્ષ મુદ્દત પૂરી કરનાર ગાંધીપરિવારની બહારના પહેલા કૉંગ્રેસી તરીકે જાણીતા છે. તેમનું એક વિખ્યાત વિધાન હતું, ‘કોઈ નિર્ણય ન લેવો તે પણ એક નિર્ણય હોય છે.’ તેમના પર આંખમિંચામણાં કરીને બાબરી મસ્જિદ તૂટવા દેવાનો આરોપ મુકાતો રહ્યો છે. વર્ષ ૧૯૯૬માં વડા પ્રધાનપદેથી ઉતર્યા પછી, થોડાં વર્ષોમાં બાબરી મસ્જિદ તોડી પડાઈ તેના સંજોગો, ઘટનાક્રમ અને તેમાં પોતાની કૅફિયત લખી કાઢ્યાં હતાં. પરંતુ તેની સાથે એવી શરત રાખી હતી કે એ તેમના મૃત્યુ પછી પ્રકાશિત થાય. વર્ષ ૨૦૦૪માં તેમના અવસાન પછી ૨૦૦૬માં તે સામગ્રી ‘અયોધ્યા ૬ ડિસેમ્બર,૧૯૯૨’ એવા મથાળા સાથે પુસ્તક તરીકે પ્રગટ થઈ. તેમાં તેમણે પોતાના સિલસિલાબંધ પ્રયાસોની હકીકત આપીને દોષનો સંપૂર્ણ ટોપલો ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર તથા તેના તત્કાલીન મુખ્ય મંત્રી કલ્યાણસિંઘ પર ઢોળ્યો છે. તે પુસ્તકમાંથી કેટલાક અંશ.
— ઉર્વીશ કોઠારી
ડિસેમ્બર ૬ના રોજ અયોધ્યાથી મળતા આરંભિક અહેવાલો સામાન્ય સ્થિતિ સૂચવનારા હતા. રામકથા કુંજમાં જાહેર સભા માટે આશરે ૭૦ હજાર લોકો એકત્ર થયા હતા. ઉપરાંત, આશરે પાંચસો સાધુસંતો ફાઉન્ડેશનની અગાશી પર પૂજા કરવા માટે ભેગા થયા હતા. ફક્ત પ્રતીકાત્મક કારસેવા તથા આનુષંગિક વિધિઓ કરવાના અને અદાલતના આદેશનું ઉલ્લંઘન નહીં કરવાની આયોજકોએ જાહેર કરેલી યોજના પ્રમાણે બધું ચાલી રહ્યું હતું. ભા.જ.પ., વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના નેતાઓ મેદનીને સંબોધી રહ્યા હતા, ત્યારે અચાનક આશરે દોઢસો જણનું એક ટોળું અગાશી પર કરાયેલી નાકાબંધી તોડીને છટકી ગયું અને નવેસરથી એકઠું થઈને પોલીસ પર પથ્થરબાજી કરવા લાગ્યું. બપોર પડે તે પહેલાંની થોડી મિનિટોમાં આ બન્યું. જોતજોતાંમાં હજારેક લોકો પોલીસનો ઘેરો તોડીને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ માળખામાં ઘૂસી ગયા. ૧૨:૨૦ વાગ્યાની આસપાસ આશરે એંસી લોકો માળખાના ગુંબજ પર ચડી જવામાં સફળ થયા અને તેમણે ગુંબજને ક્ષતિ પહોંચાડવાનું શરૂ કર્યું. એ વખતે પરિસરની અંદર ૨૫ હજારનું ટોળું હતું અને બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા હતા. બપોરે ૨:૪૦ વાગ્યા સુધીમાં ટોળાનાં માણસોનો આંકડો આશરે ૭૫ હજારે પહોંચ્યો.
કારસેવકો પોલીસનો ઘેરો તોડીને, ગુંબજ પર ચડીને ભગવા ધ્વજ લહેરાવા લાગ્યા, ત્યારે ઉત્તર પ્રદેશની પોલીસ દૂર ખસી ગઈ. ત્યાર પછી પાવડા, લોખંડના સળિયા અને કુહાડીઓથી ઝનૂની ભાંગફોડ શરૂ થઈ.
આ બધું ચાલુ હતું, ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ મૂક પ્રેક્ષક તરીકે ઊભાં હોય એવું જણાતું હતું. નિષ્ક્રિયતાના અને ફરજ તજી દેવાના આવા કંગાળ ચિત્ર માટે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીનો બળપ્રયોગ નહીં કરવાનો આદેશ કારણભૂત હતો. કેન્દ્રીય અનામત દળ(CRPF)ની નાની ટુકડીને પણ સ્થાનિક મેજિસ્ટ્રેટ અને રાજ્યના ઉચ્ચ સત્તાધીશોએ મળીને નિષ્ક્રિય તથા સત્તાવિહોણી બનાવી મૂકી.
ડિસેમ્બર ૬, ૧૯૯૨ના દિવસે સવારે સાડા નવ વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધીનો ઘટનાક્રમ સૂચવે છે કે કેન્દ્ર સરકાર સતત ઉત્તર પ્રદેશ સરકારના અને અયોધ્યામાં રહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના (સૅન્ટ્રલ પેરામિલિટરી ફૉર્સના) સંપર્કમાં હતી. તે (કેન્દ્ર સરકાર) અર્ધલશ્કરી દળોનો ઉપયોગ કરીને માળખું બચાવી લેવા માટે રાજ્ય સરકાર પર સતત દબાણ કરી રહી હતી. વાતચીતના કોઈ પણ તબક્કે રાજ્ય સરકારે અર્ધલશ્કરી દળો વાપરવાની ના પાડી નહીં. તેને બદલે તેમણે ‘થાય છે – રહે છે’ની પદ્ધતિ અપનાવી. એકથી વધુ વખત દળો એકઠાં કરવામાં આવ્યાં, પણ પછી મેજિસ્ટ્રેટ ઉપલબ્ધ ન બનાવીને તેમની કૂચને રોકી પાડવામાં આવી. કાયદા મુજબ, મેજિસ્ટ્રેટના હુકમ વિના અર્ધલશ્કરી દળો આગળ વધી શકે નહીં.
બપોરે ૧:૪૫ વાગ્યે ઇન્ડો-તિબેટ બૉર્ડર પોલીસ(ITBP)ના ડિરેક્ટરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને માહિતી આપી કે માળખાને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, પણ ઉત્તર પ્રદેશની પોલીસ કોઈ પણ પગલાં લઈ રહી નથી.
૧:૫૦ વાગ્યે ઇન્ડો-તિબેટ બૉર્ડર પોલીસે ગૃહ મંત્રાલયને કહ્યું કે ૧:૨૫ વાગ્યે ત્રણ ટુકડીઓ તેમની છાવણી છોડીને મેજિસ્ટ્રેટ અને સર્કલ ઑફિસર સાથે નીકળી ચૂકી છે. બાકીની ટુકડીઓ મેજિસ્ટ્રેટના આવવાની રાહ જોઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જિલ્લાના વહીવટી તંત્રે પચાસ ટુકડીઓની માગણી કરી હતી અને તે જ્યાં તહેનાત હોય ત્યાં સાથે મેજિસ્ટ્રેટને મોકલવાની વિનંતી પણ કરી હતી, જેથી બધી ટુકડીઓનો સાગમટે ઉપયોગ સ્થાનિક વહીવટી તંત્ર કરી શકે.
૨:૦૦ વાગ્યે માળખાની સુરક્ષા માટે લીધેલાં પગલાંની તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી સાથે વાત કરી.
૨:૨૦ વાગ્યે ઇન્ડો-તિબેટ બૉર્ડર પોલીસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરી કે છાવણીએથી નીકળેલી ત્રણ ટુકડીઓને રસ્તામાં અડચણો અને અવરોધો નડ્યા હતા. તેમના માર્ગમાં લોકોએ આડશો મૂકી હતી અને વાહનો રોક્યાં હતાં. કાફલો માંડ માંડ સાકેત ડિગ્રી કૉલેજે પહોંચ્યો. પણ ત્યાં ફરી ટુકડીઓને રોકવામાં આવી અને તેમનો રસ્તો રોકવામાં આવ્યો. તેમની પર હળવો પથ્થરમારો પણ થયો. એ વખતે (સાથે રહેલા) મેજિસ્ટ્રેટે ત્રણે ટુકડીઓને પાછા જતા રહેવાનો લેખિત આદેશ આપ્યો. એટલે ત્રણે ટુકડીઓ પાછી વળી ગઈ. ઇન્ડો-તિબેટ બૉર્ડર પોલીસે પોલીસ કમિશનરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે રાજ્યના મુખ્ય મંત્રીએ કોઈ પણ સંજોગોમાં ગોળીબાર કરવાની ના પાડી છે.
૨:૨૫ વાગ્યે સ્થાનિક વહીવટી તંત્રે ટુકડીઓને પાછી મોકલી એ બાબતની જાણ કેન્દ્રીય ગૃહ સચિવે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી જનરલ ઑફ પોલીસ(ડી.જી.પી.)ને ફોનથી કરી અને બળપ્રયોગ માટે જરૂરી સૂચનાઓ આપવા વિનંતી કરી. ડી.જી.પી.એ કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીએ ગોળીબાર કરવાની ના પાડી છે, પણ બીજા પ્રકારનો બળપ્રયોગ થઈ શકે છે. ગૃહ સચિવે તેમને તત્કાળ જરૂરી સૂચનાઓ જારી કરવા કહ્યું. ડી.જી.પી.એ આ મુદ્દો તત્કાળ ધ્યાને લેવાની ખાતરી આપી.
૨:૩૦ વાગ્યે એ જ પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને પણ કેન્દ્રીય ગૃહ સચિવે એ જ વિનંતી કરી. પછી તેમણે કેન્દ્રીય સંરક્ષણ સચિવને હૅલિકૉપ્ટરો તૈયાર રાખવા જણાવ્યું, જેથી હવાઈ માર્ગે દળો મોકલવાં પડે તો મોકલી શકાય. વધારાનાં દળો મોકલવાની જરૂર લાગે તો તે માટે એક-બે ટ્રાન્સપોર્ટ વિમાનો તૈયાર રાખવા પણ તેમણે જણાવ્યું.
૩:૩૦-૪:૩૦ વાગ્યાની વચ્ચે અયોધ્યામાં ઠેકઠેકાણે કોમી બનાવો શરૂ થઈ ગયા હોવાની જાણ ગૃહ સચિવને કરવામાં આવી. તેમણે ઉત્તર પ્રદેશના ડી.જી.પી.ને ઝડપથી કથળતી સ્થિતિ અંગે જાણ કરી. ફક્ત દળો આગળ વધી શકતાં નથી, એટલું જ નહીં, ગંભીર કોમી હિંસાની આશંકા વ્યક્ત કરી. ડી.જી.પી.એ કહ્યું કે ગોળીબાર વિના સ્થિતિ કાબૂમાં આવે એમ નથી અને ગોળીબાર માટે મુખ્ય મંત્રીની મંજૂરી મેળવાઈ રહી છે.
૪:૩૦ વાગ્યા સુધીમાં આખું માળખું તોડી નાખવામાં આવ્યું.
૬:૦૦ વાગ્યે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બોલાવાઈ. તેમાં ઉત્તર પ્રદેશની સરકારને બરખાસ્ત કરીને તથા વિધાનસભાને વિખેરી નાખીને બંધારણની ૩૫૬મી કલમ અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની ભલામણ કરતો ઠરાવ પસાર થયો.
૬:૪૫ વાગ્યે તોડફોડ વખતે બહાર કાઢી લેવાયેલી મૂર્તિઓ અગાઉ મસ્જિદનો મુખ્ય ગુંબજ હતો ત્યાં પાછી ગોઠવી દેવામાં આવી. આખા વિસ્તારમાં લાખો કારસેવકો ટોળે વળ્યા હતા.
૭:૩૦ વાગ્યે (આ રીતે ગોઠવી દેવાયેલી) મૂર્તિઓ માટે નવું કામચલાઉ બાંધકામ શરૂ કરવામાં આવ્યું.
૯:૧૦ વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી રૂબરૂ જ ઠરાવ લઈને રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાષ્ટ્રપતિની સહી પછી ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિશાસનની જાહેરાત કરવામાં આવી. (પૃ.૧૫૩-૧૫૬)
***
અગાઉ જણાવાયા પ્રમાણે, છઠ્ઠી ડિસેમ્બરની સવારથી કેન્દ્રીય દળો ફૈઝાબાદથી નીકળવા તૈયાર હતાં. પરંતુ દળોના કમાન્ડરની તથા કેન્દ્રીય ગૃહ સચિવની સતત વિનંતી છતાં, કાયદાની જરૂરિયાત પ્રમાણે આ દળો સાથે એક મેજિસ્ટ્રેટ આપવામાં આવ્યા નહીં. મેજિસ્ટ્રેટ આપવા બાબતે રાજ્ય સરકારે ના પણ પાડી નહીં અને મેજિસ્ટ્રેટ ફાળવ્યા પણ નહીં. માળખાની તોડફોડ શરૂ થઈ ગઈ ત્યારે રાજ્યની પોલીસનો ક્યાં ય અતોપતો ન હતો. છેવટે બપોરે સવા વાગ્યે મેજિસ્ટ્રેટ ફૈઝાબાદ પહોંચ્યા. દળો તરત (લગભગ આઠ કિ.મી. દૂર આવેલા) બાબરીના માળખા તરફ જવા નીકળ્યા. પણ રસ્તામાં લોકોના પ્રતિરોધ પછી મેજિસ્ટ્રેટે દળોને ફૈઝાબાદ પાછા ફરવાનો લેખિત આદેશ આપ્યો …
છઠ્ઠી ડિસેમ્બરની મોડી સાંજ સુધી સર્વોચ્ચ અદાલતે અયોધ્યામાં બની રહેલી ઘટનાઓની તપાસ રાખી. આખરે માળખું સંપૂર્ણપણે તોડી પડાયાના સમાચાર અદાલતને મળ્યા ત્યારે ઘટનાઓએ લીધેલા કમનસીબ વળાંક અંગે અદાલતે ભારે નારાજગી અને ખેદ વ્યક્ત કર્યાં. રાજ્ય સરકારે છેલ્લા થોડા દિવસથી ઇરાદાપૂર્વક સર્વોચ્ચ અદાલતને ગેરરસ્તે દોરી હતી. તોડફોડની ચરમસીમા જેવી ઘટના પછી અદાલતે રાજ્ય સરકારના વરિષ્ઠ ધારાશાસ્ત્રીને બોલાવીને ખુલાસો માગ્યો. ત્યારે તેમનો જવાબ હતો,’મારા પક્ષે મને ગેરરસ્તે દોર્યો છે અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.’ (પૃ.૧૫૮-૧૫૯)
***
અયોધ્યામાં સ્થિતિ જે રીતે કાબૂ બહાર ગઈ, તેને ધ્યાનમાં રાખતાં શુ્ં કેન્દ્ર સરકારે છઠ્ઠી ડિસેમ્બરની કારસેવા પહેલાં જ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદની જગ્યાનો કબજો લઈ લેવો જોઈતો હતો? આવું થયું હોત તો તેનાં પરિણામ કેવાં હોત તેની બીજી બાજુ પણ વિચારવી પડે. એક તરફ લાખોનાં ટોળાં બાબરી મસ્જિદને તોડી પાડે એ શક્યતા હતી. તો બીજી તરફ એવી પણ શક્યતા હતી કે રાજ્યપાલની ચેતવણી અવગણીને બળપૂર્વક આગળ વધવામાં આવે તો કેન્દ્રીય બળોને સત્તાવાર રીતે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા રોકવામાં આવે અને તોડફોડ તો થાય જ. આમ, એકેય વિકલ્પમાં જીતની શક્યતા ન હતી. આ બંને ખતરનાક સંભાવનાઓ ટાળવા માટે એક માત્ર વિકલ્પ એ હતો કે માળખાની સુરક્ષા માટે સ્થાનિક તંત્રને કેન્દ્રીય દળોની મદદ લેવા કહેવું ….
શું બધાં સોગંદનામાં, ખાતરી, વચનો ખોટાં ધારીને, તેમનો ભંગ જ થવાનો છે, એમ ધારીને કેન્દ્ર સરકારે પગલાં લેવાં જોઈતાં હતાં? આમ, આ લૉજિસ્ટિક્સ(સરંજામ-વ્યવસ્થા)ની નહીં, બંધારણની ગૂંચ હતી. અયોધ્યામાં દળોની ગેરહાજરીનો નહીં, પણ એ દળોની કાર્યવાહી માટે રાજ્ય સરકારની મંજૂરીના પ્રશ્ન હતો. કેમ કે, રાજ્ય સરકારની સ્પષ્ટ મંજૂરી વિના દળોનો ઉપયોગ થઈ શકે નહીં …(પૃ.૧૮૩-૧૮૪)
(માળખું તોડી પાડવાની) ઘટના પછી ઘણી ડાહી વાતો થઈ છે અને પહેલેથી બધું જાણનારા હવે સંત થઈને ફરે છે. પણ આ બધો દેખાડો છે. કેમ કે, આખી આફતના સર્જકો તરીકે અને તોડફોડનું આખું નાટક ભજવાયા પછી, તેના માટે જવાબદાર લોકોને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરવું હતું — ભલે ખોટી રીતનું ગૌરવ લેવાથી તો એ રીતે. એટલા માટે ભા.જ.પ.ના નેતાઓ બાબરી તોડી પડાયા અંગે ઘણા સમય સુધી બડાશો મારતા હતા. (પૃ.૧૮૫)
રાજકીય પ્રક્રિયાને ધાર્મિક ક્ષેત્રમાં ખેંચી જવાનો જ નહીં, બીજા પક્ષોને પણ થોડાઘણા અંશે પોતાના રસ્તે ઢસડી જવાનો ‘જશ’ ભા.જ.પ.ને જાય છે. બીજા પક્ષો ભલે ભા.જ.પ.ના આક્રમણના પ્રતિકાર માટે એ રસ્તે ગયા હોય. પણ સરવાળે પરિણામ એ આવ્યું કે કોમી મુદ્દો (કમ્યુનલ કાર્ડ) બંને બાજુઓ માટે સ્વીકાર્ય જ નહીં, સન્માનજનક બન્યો — ભલે બંને બાજુઓ પાસે રહેલાં એ માટેનાં કારણ સાવ સામા છેડાંનાં હોય. (પૃ.૧૮૮)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 05 ઑક્ટોબર 2020; પૃ. 05-07