દિલ્હીમાં નિર્ભયાના નામે ઓળખાવાયેલી યુવતીની બળાત્કાર અને હત્યાનો કરુણ પ્રસંગ બન્યો, ત્યારે દેશ આખો આંદોલિત થઈ ઉઠ્યો હતો. વિરોધ પક્ષો ઉપરાંત ઘણા સંવેદનશીલ નાગરિકો પણ રસ્તા પર ઉતર્યા. ત્યાર પહેલાં કે પછી બનેલા બળાત્કારના બીજા સેંકડો બનાવ એટલા જ કરુણ હતા. પરંતુ કેટલાક બનાવ વિશેષ મહત્ત્વ ધારણ કરી લે છે અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની જાય છે. એવા વખતે, ‘આ એક જ બનાવને આટલું મહત્ત્વ કેમ અને બીજા બળાત્કારના બનાવો અગત્યના નથી?’ એવો સવાલ તાર્કિક લાગે. છતાં, આવી ‘વૉટઅબાઉટરી’ (‘તમે આની વાત કરો છો, પણ પેલું થયું ત્યારે તમે ક્યાં હતા?’) ન્યાયની વાત કરતા નાગરિકોને પરવડે નહીં. તેમણે એ ધ્યાન રાખવાનું હોય કે મુદ્દાની ચર્ચા અત્યાચાર પર અને વહીવટી તંત્રની – ન્યાયતંત્રની ભૂમિકા પર કેન્દ્રિત રહે.
આટલી પૂર્વભૂમિકા પછી વાત હાથરસના બળાત્કાર-પીડિતાના કેસની. સામૂહિક બળાત્કાર પછી જીભ કાપી નાખવા સહિત અરેરાટી ઉપજાવે એવી ઘાતકી હત્યા વિશે જાણ માત્રથી કંપારી અને રોષ ઉપજે. એટલો આઘાત ઓછો હોય તેમ, સ્થાનિક પોલીસ તંત્રે યુવતીના પીંખાયેલા મૃતદેહનો હવાલો તેના પરિવારને સોંપવાને બદલે, પરિવારને ઘરમાં ગોંધીને, અડધી રાત્રે મૃતદેહને સળગાવી મુક્યો – તેનો નિકાલ કરી નાખ્યો. (સારી સ્મૃતિ ધરાવનારા ગુજરાતીઓને કૌસરબી સાથે જે કરવામાં આવ્યું હતું તેની યાદ તાજી થઈ શકે.)
‘ઇન્ડિયા ટુડે’ જૂથ સાથે સંકળાયેલાં પત્રકાર તનુશ્રી પાંડેએ ભારે હિંમત દાખવીને, બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી યુવતીના પરિવાર સાથે ઉત્તર પ્રદેશની પોલીસનો દુર્વ્યવહાર ઉજાગર કર્યો. મૃતદેહના નિકાલની પોલીસની ઉતાવળનું રેકોર્ડિંગ પણ તનુશ્રીની ખાંખત-હિંમતના કારણે જાહેર થયું. કેમ કે, દીકરીને ગરિમાપૂર્વક છેલ્લી વિદાય આપવાનો – તેના લાગણીભેર અંતિમ સંસ્કાર કરવાનો મોકો પણ પોલીસે યુવતીના પરિવારને આપ્યો ન હતો. વાત જાહેર થયા પછી સરકાર ભીંસમાં આવી. હા, આટલું થયા પછી પણ સરકાર ભીંસમાં ન આવે તો તેની ભાવના સંકેલો કરવાની જ હોય.
આ કિસ્સામાં દલિત યુવતી પર કહેવાતી ઉપલી જ્ઞાતિના લોકો દ્વારા થયેલો સામૂહિક બળાત્કાર અને ક્રૂર હત્યા એ પહેલી અક્ષમ્ય બાબત છે. પરંતુ એવી બીજી પણ ઘણી અક્ષમ્ય બાબતો છેઃ
૧) સરકારની રહેમનજર તળે પીડિતાના પરિવાર સાથે પોલીસનો અને સમગ્ર તંત્રનો ભયંકર વ્યવહાર
૨) આરોપીઓની સાથોસાથ મૃતકના પરિવારને પણ નાર્કો ટેસ્ટ આપવાનું કહેવું
૩) આરોપીઓને અન્યાય ન થવો જોઈએ, એ મતલબનો શરૂ થયેલો ગણગણાટ
૪) તનુશ્રી પાંડે સામે કીચડ ઉછાળવાનું શરૂ થઈ ચૂક્યું છે.
૫) યુવતી દલિત છે એ બાબતને ગૌણ દર્શાવવા માટે થતો પ્રયાસ
૬) નિર્ભયાકાંડ વખતે વિપક્ષમાં રહીને મહિલા સુરક્ષાની વાતો કરનારા વર્તમાન સત્તાધીશો હાથરસના મુદ્દે વિપક્ષોની થોડીઘણી સક્રિયતા સાંખી શકતા નથી.
૭) ક્રિકેટરોની ઇજાના હાલચાલ ટ્વિટર પર પૂછતા વાણીશૂરા વડા પ્રધાન હાથરસ મુદ્દે એક શબ્દ બોલ્યા નથી કે એ વિશે કશું લખ્યું નથી. તે કદાચ રાહ જોતા હશે કે મોદીતરફી – મોદીવિરોધીનું ધ્રુવીકરણ બરાબર ગોઠવાઈ જાય ત્યાં સુધી થોભવું ને પછી આવીને શાણપણ ડહોળી જવું.
૮) દલિત રાજકારણનાં અગ્રણી માયાવતી ક્યાં ય જોવા મળતાં નથી.
e.mail : uakothari@gmail,com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 05 ઑક્ટોબર 2020; પૃ. 01