Opinion Magazine
Number of visits: 9504398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્સવર્કરની સંગાથે — 1

ગૌરાંગ જાની|Opinion - Opinion|21 September 2020

૧ : દશામાની પૂજા અને સેક્સવર્કર :

આ શીર્ષક જોઈ તમને કદાચ આશ્ચર્ય થશે પણ અમદાવાદ અને ગુજરાતની આ બહેનો માટે દશામાનું વ્રત અને તેની ઉજવણી વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. એક દાયકાથી વિશેષ આ બહેનો સાથે એચ.આઈ.વી. સંક્રમણ પ્રતિકારનું કામ કરવાના અનુભવોમાં દશામા પણ માધ્યમ બન્યાં હતાં.

બન્યું એવું કે વર્ષ ૨૦૦૫માં અમે અમદાવાદની સેક્સવર્કર બહેનોમાં એચ.આઈ.વી. અને જાતીય રોગોનું પ્રમાણ જાણવા આંતરરાષ્ટ્રીય કક્ષાનો અભ્યાસ કરવાની તૈયારી કરતાં હતાં. જ્યોતિસંઘની ઑફિસમાં પચાસથી વધુ બહેનો સાથે ચર્ચા કરતાં હતાં કે ૧૦ દિવસ ચાલનારા અભ્યાસમાં બહેનોને આખો દિવસ ટેસ્ટ કરાવવા પડે કે એ અંગેની માહિતી આપવાની હોય, તો તેઓની એક દિવસની રોજગારી જાય. આ ચિંતા વચ્ચે એક બહેને કહ્યું કે દશામાના વ્રતના ૧૦ દિવસ અભ્યાસ કરી શકાય. મેં પૂછ્યું કેમ ? એકસાથે બે-ત્રણ બહેનો બોલી ઊઠી ’એ દિવસોમાં અમે ધંધો નથી કરતાં. વ્રત રાખીએ છીએ ’અને અમે એ ૧૦ દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યો અને ૧,૯૩૦ બહેનો એ સર્વેમાં ભાગીદાર બની શકી. કોઈ અભ્યાસ કે પ્રોગ્રામ ભાગીદારીથી થાય ત્યારે ઓછું ભણેલી પણ પોતાના અસ્તિત્વને પરખનારી સેક્સવર્કર બહેનો પણ અદ્ભુત સૂચન કરી પાયાની ભૂમિકા ભજવી શકે છે.

૨ : અમદાવાદની સેક્સવર્કર બહેનોની સામાજિક સ્થિતિ :

મહાત્મા ગાંધીના આશીર્વાદથી સ્થપાયેલ મહિલાસંસ્થા જ્યોતિસંઘના ઉપક્રમે ૧૫ વર્ષ સુધી શહેરની સેક્સવર્કર બહેનો માટે HIV નિયંત્રણનો સરકારી પ્રોજેક્ટ અમલમાં હતો. એ દરમિયાન જ અમે ’સખી જ્યોત સંગઠન ’નામનું બહેનોનું અલગ સંગઠન બનાવી પ્રોજેક્ટ તેઓને સોંપ્યો. દોઢ દાયકા દરમિયાન એવા પાંચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિક અભ્યાસો થયા, જેણે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કર્યું. તેના ભાગ રૂપે એકત્રિત માહિતીમાં શહેરની આ બહેનોની સામાજિક સ્થિતિ આંકડાકીય રીતે જાણી શકીએ.

આ પ્રોજેક્ટના ટેક્નિકલ કન્સલ્ટન્ટ તરીકે મેં કામ કર્યું. તેના અનેક અનુભવો આપ સૌને વહેંચીશ. અમદાવાદમાં રેડલાઈટ એરિયા નથી (આપણે રેડલાઈટ કહીને તેઓનું અપમાન જ કરીએ છીએ) આ કારણે તેઓની સામાજિક-આર્થિક સ્થિતિ જુદી હોવાની. તેઓની સરેરાશ ઉંમર ૨૭.૫%. ૭૯% ગુજરાતના છે અને બાકીના ૨૧ ટકામાં મહદંશે બંગાળી બહેનો છે. ૯૫% હિન્દુ છે. ૭૫% પતિ સાથે રહે છે. ૭૦%ને વાંચતા-લખતાં આવડે છે. ૮૮%ને રોજના ૨થી ૩ પાર્ટનર છે અને માત્ર ૨.૫ %ને ૫ કે તેથી વધુ પાર્ટનર છે.

૩ : ગુજરાતી સાહિત્યમાં રમણલાલ વ. દેસાઈ સર્જિત ’અપ્સરા’ના પાંચ ગ્રંથને બાદ કરતાં આપણી પાસે ગણિકા, રૂપજિવીની કે સેક્સવર્કરના જીવન અને ઇતિહાસ વિશેનો વારસો નથી.

વળી, એ પણ હકીકત છે કે ગુજરાતમાં સેક્સવર્કરને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવાના પણ વિશેષ પ્રયત્નો નથી થયા. આપણે સમાજ તરીકે તેઓને લાંછનના પ્રતીક તરીકે ઓળખીએ છીએ કે પછી રાજ્ય તેઓને કાનૂનના દાયરામાં કેદ કરી દે છે. અખબારો ’અનીતિનું ધામ’ કહીને પૂર્ણવિરામ મૂકે છે.

આ સ્થિતિમાં તેઓનો વૈજ્ઞાનિક અભ્યાસ અને તેઓને એચ.આઈ.વી. સંક્રમણથી બચાવવાની અનિવાર્યતા ઊભી થઈ એ સમયે સમાજશાસ્ત્રના એક શિક્ષક તરીકે મને રસ જાગ્યો કે આ સમુદાયની સંગાથે આગેકદમ કરું અને મારા વિદ્યાર્થીઓને પણ તેમાં જોડું. આમ, મહાત્મા ગાંધીના આશીર્વાદથી શરૂ થયેલી મહિલાસંસ્થા જ્યોતિસંઘ અને ગુજરાત સરકારના નિમંત્રણથી વર્ષ ૧૯૯૭માં પાર્ટનરશિપ ફોર સેક્સ્યુઅલ હેલ્થ પ્રોજેક્ટમાં ટેક્નિકલ કન્સલ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. વર્ષ ૧૯૯૪માં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચમાં સેક્સવર્કર અને કિન્નરો વિશેના અભ્યાસથી શરૂ કરી વર્ષ ૨૦૦૭ એમ દોઢ દાયકાની આ સફરયાત્રા શબ્દદેહે મૂકવાની તક ‘નિરીક્ષકે’ આપી એ મારો આનંદ.

૪ : અધ્યાપક, વિદ્યાર્થીઓ અને સેક્સવર્કર સંગઠન :

ભારતના યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે યુનિવર્સિટીના અધ્યાપક અને તેના વિદ્યાર્થીઓએ સાથે મળી સેક્સવર્કર બહેનોને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવાનું બીડું ઝડપ્યું. મને એ કહેતાં આનંદ થાય છે કે વર્ષ ૧૯૯૭માં મારા માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ જ્યોતિસંઘ સંસ્થાના ઉપક્રમે અને ગુજરાત અને ભારત સરકારની સહાયથી ISH (ઇન્ટરવેન્શન સેક્સુઅલ હેલ્થ) પ્રોજેક્ટ શરૂ કર્યો.

આ પ્રોજેકટમાં સામેલ થવા પાછળનો એક રસપ્રદ ઇતિહાસ પણ છે. ૧૯૯૭ના એપ્રિલ મહિનામાં ગુજરાત યુનિવર્સિટીના – સમાજવિદ્યા ભવનના રૂમ નંબર ૧૫માં અર્થાત્‌ મારી ચૅમ્બરમાં હું હતો અને બે વ્યક્તિઓ મને મળવા આવી. એક હતા ડૉ. લક્ષ્મણ મલોડિયા જેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એચ.આઈ.વી. નિયંત્રણના વિશેષજ્ઞ હતા અને બીજા શ્રી કે પ્રદીપ, જેઓ બ્રિટિશ સરકારના (DIFD)કન્સલ્ટન્ટ હતા. તેઓએ કહ્યું કે તેમને મારી મદદની જરૂર છે.

વાત એમ હતી કે જ્યારે હું ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ, અમદાવાદમાં સંશોધક તરીકે (વર્ષ ૧૯૯૨થી ૧૯૯૫) કામ કરતો, ત્યારે નૅશનલ એઇડ્સ કન્ટ્રોલ ઑર્ગેનાઝેશન (NACO)ના એચ.આઈ.વી. સંબંધિત સંશોધન પ્રોજેકટમાં કામ કર્યું હતું અને એના ભાગ રૂપે અમદાવાદની જ્યોતિસંઘ સંસ્થાનું નામ ભવિષ્યમાં એચ.આઈ.વી. નિયંત્રણ અર્થે સૂચવ્યું હતું. ગુજરાત સરકાર બ્રિટનના ટેક્નિકલ સહયોગથી આ પ્રોજેક્ટ જ્યોતિસંઘને આપવા તૈયાર થઈ. પણ સંસ્થાએ જાહેરખબર આપી કાર્યકરોની નિમણૂક માટે પણ એ પ્રોજેક્ટમાં અમદાવાદ શહેરની સેક્સવર્કર બહેનો સાથે કામ કરવાની તૈયારી કોઈએ બતાવી નહિ. પ્રોજેક્ટ કેવી રીતે આગળ વધારવો, તે સવાલ લઈને તેઓ મને મળવા આવ્યા.

મને યાદ છે તેઓ બહુ મોટી આશા લઈને મારી પાસે આવ્યાં હતા. મેં કહ્યું કે હું ચોક્કસ મદદ કરીશ. તેઓનો પ્રશ્ન હતો ’કેવી રીતે? “મેં કહ્યું કે મારી પાસે કામ કરે એવા વિદ્યાર્થીઓ છે. તેઓની એમ.એ.ની પરીક્ષા પૂર્ણ થવામાં હતી. તેઓએ કહ્યું કે તમે પણ જોડાઓ અને નેતૃત્વ લો. આમ, એ મિટિંગ બાદ ૧૦ દિવસમાં મારા વિદ્યાર્થીઓ સાથે આ ઐતિહાસિક પ્રોજેક્ટની શરૂઆત થઈ. વિદ્યાર્થીઓમાં જગદીશ વઢવાણા, વીરેન્દ્ર પટેલ, પારસ પટેલ, જસવંત ડાભી, શૈલેષ પારેખ, અંગીના પટેલ અને સમય જતાં મારા બીજાં વિદ્યાર્થીઓ અશોક પટેલ, મિલન પટેલ, ભૂમિ દવે, ઘનશ્યામ પટેલ, તૃપ્તિ સોલંકી, સેજલ ભાવસાર, દીપા પંચાલ, રાજેશ ગુમાને, માધવી ભટ્ટ, ગીતા રાજ્યગુરુ, સ્મિતાબહેન જોડાયાં.

૫ : સેક્સવર્કરની પ્રથમ મુલાકાત :

વર્ષ ૧૯૯૪ની વાત છે. ’ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ’ દ્વારા  ગુજરાતમાં HIV સંક્રમણ થઈ શકે એવા High Risk Behaviour Groups અર્થાત્‌ જોખમી વર્તન કરતાં જૂથોની ઓળખ કરવાનું સંશોધન શરૂ થયું. તેમાં મારે પ્રમુખ ભૂમિકા ભજવવાની હતી. તેના ભાગ રૂપે અમદાવાદ શહેરમાં સેક્સવર્કર બહેનો વિશે વિવિધ માહિતી મેળવવા જાણકારી ધરાવતી વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું. સાથે તે વિશેનું વાંચન શરૂ કર્યું. ર.વ. દેસાઈ અને પ્રમિલા કપૂરને વાંચ્યાં. પણ સેક્સવર્કર બહેનની પ્રત્યક્ષ મુલાકાત હજુ થઈ ન હતી, તેથી સમજ અધૂરી લાગતી.

બાળકો સાથે કામ કરતી એક સંસ્થા સાથેની ચર્ચામાં મને જાણવા મળ્યું કે અમદાવાદમાં લાલદરવાજા પાસે આવેલા સરદારબાગમાં દેહવ્યાપાર કરતી બહેનો રોજ આવે છે. ૯૪ના મે મહિનાની ગરમીમાં એ બાગની મુલાકાત લેવાની શરૂઆત કરી. સતત ત્રણ દિવસ બાગમાં રોજ ૩થી ૪ કલાક નિરીક્ષણ કર્યું. નોટ પેન પણ સાથે રાખ્યાં અને જરૂરી નોંધ ટપકાવી. પહેલા દિવસે એક રસપ્રદ ઘટના બની. હું બાંકડા પર બેઠો આસપાસ જોતો હતો. ત્યારે કાનમાંથી મેલ કાઢવાનો ધંધો કરતો એક ભાઈ પાસે આવ્યો અને મને પૂછ્યું કે મેલ કાઢી આપું. પાંચ રૂપિયા લઈશ. મેં હસતાં કહ્યું, જો મારો કાન તો ખૂબ ચોખ્ખો છે, પણ મારે તારી પાસેથી માહિતી જોઈએ. પછી મેં એને મારી વાત સમજાવી અને તેણે કેટલીક અગત્યની માહિતી આપી.

બીજા દિવસે મેં જોયું કે બાગમાં દસેક બહેનો એવી હતી કે જેમની હલચલ અન્યોથી ભિન્ન હતી. બાગની બહાર ઠંડું પાણી વેચતા લોકો અને તેઓને મદદ કરતાં બાળકો આ બહેનો પાસે આવતાં, કંઈક વાત કરતાં અને પછી એ બહેન ત્યાંથી બહાર જઈ રિક્ષામાં બેસી ક્યાંક જતી અને કલાકમાં તો પાછી આવી જતી. કાનમાંથી મેલ કાઢનારે મને કહ્યું કે આ બહેનો ધંધા માટે બહાર જાય છે અને ગ્રાહકને મળી પરત આવે છે.

ત્રીજા દિવસે બપોરે એક બહેન જેવી રિક્ષામાં બેઠી, મેં મારા સ્કૂટર પર તેનો પીછો કર્યો. એ વખતે વિચાર પણ આવ્યો કે આમ કોઈ મહિલાનો પીછો ના કરાય, પણ મારી પાસે એ સિવાય કોઈ માર્ગ ન હોતો. શહેરના રિલીફરોડને અડીને આવેલી એક ગલીમાં આવેલા ગેસ્ટહાઉસ પાસે એ રિક્ષા ઊભી રહી. બહેન અંદર ગઈ. તેની પાછળ હું પણ દાદર ચઢતો અંદર ગયો. એ બહેન તો એક રૂમમાં જતી રહી. ગેસ્ટહાઉસના રિસેપ્શન પર બેઠેલા એક યુવાનને મેં મારો પરિચય આપ્યો અને એ બહેનની મુલાકાત કરી આપવા વિનંતી કરી. મને ઉપરથી નીચે જોઈ રહેલા યુવકે કહ્યું પોલીસના માણસ તો નથીને !મેં મારું વિઝિટિગ કાર્ડ આપ્યું. થોડી વાર પછી એ બહેન રૂમની બહાર આવતાં મેં પરિચય આપી વાતની શરૂઆત કરી અને તેમનાં વિશે કેટલીક માહિતી મેળવી. બહેને કહ્યું કે કાલે બાગમાં આવજો. જ્યાં બીજી બહેનો સાથે મળી તમારી સાથે વાત કરીશ.

ચોથા દિવસે એ બહેન મળ્યાં અને બીજી બહેનો પણ મને ઘેરી વળી. મેં તેમને પૂછ્યું કે તમે ગ્રાહક સાથે કૉન્ડોમનો ઉપયોગ કરો છો ? બહેનો કૉન્ડોમ વિશે જાણતાં હતાં પણ તેમનું કહેવું હતું કે ગ્રાહકો એ માટે તૈયાર નથી. લાંબી વાતચીત પછી એ બહેન જેમનું નામ આશા હતું, તેમણે કહ્યું કે તમે મારા ઘરે આવશો? મેં હા પાડી અને સાથે બીજી બહેનો પાસેથી અનેક બાબતો જાણવા મળી. સંશોધનની ભાષામાં કહું તો icebreaking થયું. બીજે દિવસે એ બહેનના ઘરે મેં શુ જોયું અને અનુભવ્યું એ હવે પછી.

૬ : સેક્સવર્કર અર્થાત્‌ કુટુંબની કરોડરજ્જુઃ

સરદારબાગમાં આશાએ અન્ય બહેનો સાથે મને તેમને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું અને બીજા દિવસે આશાને ઘેર પહોંચ્યો. અમદાવાદના વટવા વિસ્તારના એક ફ્લૅટમાં તેનું ઘર હતું. મનમાં હતું કે મને કેમ ઘેર બોલાવ્યો પણ ઘરમાં દાખલ થયો. ત્યાં જ આશાએ ‘આવો સાહેબ’ કહીને સ્વાગત કર્યું. તેના બેઠકરૂમમાં એક મોટી ઉંમરની મહિલા, બે બાળકો અને એક યુવક હતાં. હું કંઈક વિચારું એ પહેલાં જ પેલાં બહેને કહ્યું : ભાઈ, હું આશાની સાસુ છું. આ તેનાં બે બાળકો અને આ આશાનો દિયર. પાણી પછી ચા આવી અને સાસુ કહેતાં ગયાં કે તેઓ મિલમાં નોકરી કરતાં અને મિલ બંધ થઈ ગઈ. તેઓના પતિ પણ મિલ કામદાર હતા. તેઓનું અવસાન થયું. આશાનો પતિ રિક્ષા ચલાવે છે પણ ઘરનું પૂરું થતું નથી.

સાસુ પુત્રવધૂનો આભાર માનતાં હતાં કે તેના દેહવ્યાપારને કારણે ઘરમાં બે પૈસા આવે છે. આ વાત સાંભળતાં હું દંગ રહી ગયો. શું જવાબ આપવો એ સૂઝ્યું જ નહીં અને સાચું કહું તો આંખો ભીની થઈ ગઈ. વેશ્યાનો ખ્યાલ ફિલ્મોએ જે ઊભો કર્યો છે, ભલે એ વાસ્તવિક હોય પણ, આશા તો એ એકે ફિલ્મી સેક્સવર્કર સાથે મેળ ખાતી ન હતી. ફિલ્મોમાં રેડલાઇટ વિસ્તારોની લિપસ્ટિકના થપેડા કરેલી, વાળમાં ગજરો લગાવેલી અને જુદી જ રીતે સજેલી રૂપજીવિનીઓનો ખ્યાલ ભાંગી ને ભુક્કો થઈ ગયો. મને એક સાથે બે સ્પષ્ટતા થઇ. એ જ સમયે ઊભી થયેલી સમજ મને અને પ્રોજેકટને ૪,૦૦૦થી વધુ સેક્સવર્કરનો પરિવાર ઊભો કરવામાં માર્ગદર્શક બની. શું હતી એ સમજ? પહેલી સમજ એ હતી કે રોજેરોજ પુરુષ ગ્રાહકો સાથે ધંધો કરતી આ બહેનો પુરુષો સાથે વાત કરવામાં ઠીક-ઠીક કમ્ફર્ટેબલ હતી, જેને કારણે હવે અમદાવાદમાં આ બહેનોને શોધવી મુશ્કેલ નહિ બને. બીજું અને અતિ મહત્ત્વનું જ્ઞાન મને એ મળ્યું કે આ શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં એવી સેક્સવર્કર બહેનો હશે જે પરિવાર સાથે હશે અને પરિવારને આર્થિક ટેકો કરતી હશે. આમ, હવે કુટુંબકેન્દ્રી બહેનો સાથે દરમિયાનગીરી કરવાની રણનીતિ બનાવવી પડે જે અઘરી હશે પણ ફળદાયી પણ બનશે. સાચે જ આશાએ એક નવી આશ સર્જી જે એક ઇતિહાસના નિર્માણ તરફ લઈ ગઈ. આભાર આશાનો  

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 08-09

Loading

21 September 2020 admin
← પાંચ કાવ્યો
પારદર્શી લેખક – ભાઈ નવીન બેંકરને શબ્દાંજલિ … →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved