અર્થશાસ્ત્રીઓને મતે હાલના અર્થતંત્રના મૉડલ માટે ગેરકાયદે ડ્રગ્ઝનો વ્યાપાર એક પાયારૂપ બાબત છે. ડ્રગ વૉર પણ એટલું જ કટ્ટર છે, અને તે ડ્રગ્ઝનો ખાત્મો બોલાવવા નહીં પણ વ્યાપાર વ્યવસ્થિત ચાલે તે માટે થતું વૉર છે.
આપણે છેલ્લા કેટલાક વખતી ડ્રગ્ઝ, રૅવ પાર્ટીઝ અને ડ્રગ કાર્ટેલ જેવા શબ્દો સતત સાંભળીએ છીએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્ઝનું બહુ ચલણ છે, એ તો બધું સામાન્ય છે અને વીડ-ગાંજો-મારિઆનાથી માંડીને કોકેઇન, હેરોઇન જેવા કેટલા ય શબ્દો આપણા કાને અથડાય છે. આ તો એક અપમૃત્યુને પગલે ચલણમાં આવી ગયેલા શબ્દો છે, અને તમામ માણસ પોતે બધું જ જાણે છે, એ રીતે ડ્રગ ટ્રાફિકિંગને મામલે પણ એક્સપર્ટ બની ગયો છે. પણ તમે જાણો છો કે કેટલાક અર્થશાસ્ત્રીઓને મતે હાલના અર્થતંત્રના મૉડલ માટે ગેરકાયદે ડ્રગ્ઝનો વ્યાપાર એક પાયારૂપ બાબત છે? ડ્રગ વૉર પણ એટલું જ કટ્ટર છે, અને તે ડ્રગ્ઝનો ખાત્મો બોલાવવા નહીં, પણ વ્યાપાર વ્યવસ્થિત ચાલે તે માટે થતું વૉર છે.
ડ્રગ્ઝનો ગેરકાયદે વ્યાપાર વૈશ્વિક અર્થતંત્રમાં મોટો રોલ ભજવે છે અને મની લોન્ડરિંગ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ડ્રગ્ઝનું કોકડું પરસ્પર બહુ જ ગુંચવાયેલું છે. ફ્રી માર્કેટ ઇકોનોમીમાં પૈસાની મુવમેન્ટ પર કોઇ ચોક્કસ બંધનો નથી હોતા અને સરકાર નાણાંનું મૂલ્ય નિયંત્રિત કરી શકે છે – આ એવો વિરોધાભાસ છે જેને કારણે આમ જોવા જઇએ તો વિશ્વમાં ‘ફ્રી માર્કેટ’ જેવું ખરેખર કંઇ જ નથી. દરેક દેશમાં નિયમો અલગ હોઇ શકે છે, પણ વ્યાપાર વાણીજ્ય અંતે તો ટેક્સેશન અને નિયમાધિન જ છે. આખા વિશ્વના જી.ડી.પી.નાં એક ટકા જેટલા ડ્રગ મની છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. યુ.એન.ની ડ્રગ એન્ડ ક્રાઇમ ઑફિસના પૂર્વ વડા એન્તોનિયો મારિઆ કોસ્તાએ કહ્યું હતું કે કે ઇન્ટર બેંક્સ લોન એવા પૈસાથી ફંડ થાય છે જે ડ્રગ ટ્રેડ અને અન્ય ગેરકાયદે કામમાંથી આવ્યા હોય. તેમના મતે જો આમ ન હોત તો ૨૦૦૮ની મંદીમાં બેંકિંગનો પૂરેપૂરો સફાયો થઇ ગયો હોત. જે બેંક્સ બચી શકી તે ગેરકાયદેસરના નાણાંથી જ બેઠી થઇ હતી. ડ્રગ ટ્રેડમાંથી કયા દેશોને ફાયદો થાય છે, તેની વાત કરવા જઇએ તો જિઓ પોલિટકલ દ્રષ્ટિએ અફધાનિસ્તાનમાં થતી અફીણની ખેતી, યુરોપમાં ડ્રગ્ઝ પહોંચાડવા સ્પેઇનનો ઉપયોગ, કોલંબિયામાં કોકેઇન ઉદ્યોગ પરથી ઘણી બાબતો સમજી શકાય છે. હવે જરા આસપાસ નજર કરીએ તો પાકિસ્તાનના ડ્રગ કાર્ટેલ્સ કેવી રીતે કામ કરે છે એ સમજવું પડે. દરિયાઇ રસ્તે મોટા પાયે ડ્રગ ટ્રાફિકિંગ પાકિસ્તાન તરફથી થતું રહ્યું છે. મેથાફેટામાઇનની દરિયાઇ માર્ગે લેવડ-દેવડ નવો ટ્રેન્ડ છે, તો અફઘાનિસ્તાનમાં ઊગેલાં અફીણ પર પાકિસ્તાનની લેબ્ઝમાં પ્રોસેસ થતી હોય છે. ડ્રગ્ઝ અને દાઉદને ગાઢ સબંધ છે એવું તો ઘણા લાંબા વખતથી કહેવાય છે.
હવે બીજા બધા ડ્રગ્ઝને બાજુમાં મૂકીને જે વીડ-ગાંજા કે મારિઆનાની સતત વાત થાય છે એની ચર્ચા કરીએ. કેનબિઝ ઇન્ડિકા નામના ભાંગના છોડમાંથી ચરસ-ગાંજો-ભાંગ વગેરે બને છે. આ છોડ બિચારો નશીલો નથી, પણ તેની પર પ્રકાશ પડે એટલે તેમાંથી ટેટ્રાહાલ્કેનાબિનોલ નામનો નશીલો પદાર્થ બને છે. આ જ છોડનાં સૂકાં પાનને ઉકાળીને ભાંગ બને છે. આ છોડનાં પીળાં ફૂલમાં પાનના ગુચ્છા જેવી કળીઓ થાય છે, અને આ ફૂલમાંથી મારિઆના એટલે કે ગાંજો બને છે જે ‘ફુંકવા’નો હોય છે, અને છોડની ડાળી અને પાનમાંથી રેઝિન્સ બને ત્યારે તેમાંથી બને છે ચરસ અથવા હશીશ જે પણ હુક્કા કે પાઇપથી જ ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં ગાંજાનો ઇતિહાસ ઓગણીસમી સદીના પહેલા દસકાથી શરૂ થાય છે, જ્યારે તેની દાણચોરી શરૂ થઇ. મધ્ય ભારતમાં જે ગાંજા-અફીણની ખેતી થતી તે ચીન પહોંચાડાતું. બિહારમાં ઊગતાં અફીણ પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પકડ હતી. એક સમયે મુંબઇના પારસીઓએ ચીન સાથેના અફીણના વ્યાપારને હસ્તગત કર્યો હતો. ભારતની અનેક વ્યાપારી જ્ઞાતિઓએ ગાંજાના વ્યાપારમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પણ પારસીઓને આ વ્યાપારનો સૌથી વધુ લાભ મળ્યો હતો. આ ફાયદાનું કારણ હતું કે પારસીઓ મુંબઇ પર સારી એવી પકડ ધરાવતા હતા, જ્યાં બ્રિટિશરોની પકડ ઓછી હતી, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઝૂકાવ, પહોંચ અને પકડ કોલકાત્તામાં વધારે હતા. અંગ્રેજોને ચીનમાં અફીણનું માર્કેટ વિસ્તારવામા બહુ રસ હતો અને તેમને માટે ઉત્પાદનનો બેઝ હતો ભારત, જ્યાં હજી અફીણનું માર્કેટ બહુ વિસ્તર્યુ નહોતું. ચીનમાં અફીણના વ્યસનીઓની સંખ્યા મોટી હતી, સરકારે અફીણ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં ય વેપારીઓએ દાણચોરી ચાલુ રાખી હતી.
બ્રિટન અને ચીન વચ્ચે થયેલા ઓપિયમ વૉર્સ અફીણની આયાત ત્યાં ચાલુ રહે એટલા માટે જ છેડાઈ હતી. આ તરફ મુંબઇ એટલે કે બોમ્બેના અમુક વ્યાપારીઓએ ટેક્સ્ટાઇલનો ધંધો ચાલુ કરી દીધો હતો, કારણ કે ચીન સાથેના વ્યાપારમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની મારફતે ક્લિયર થતા બિલ્સનું તંત્ર પડી ભાંગ્યુ હતું. અંગ્રેજો માટે અફીણ એક રોકડિયો પાક હતો, અને ઉત્તર ભારતના ૧.૩ મિલિયન ખેડૂતો ગાંજાની ખેતી કરતા. હજારો કામદારો ગંગા કાંઠે આવેલી અફીણની ફેક્ટરીઓમાં કામ કરતા અને ત્યાં બીજમાંથી દૂધિયું પ્રવાહી બહાર કાઢતા, પાંદડા સુકવતા અને તેની લાટીઓ બનાવી અફીણની ગોળીઓ લાકડાની પેટીઓમાં પૅક કરતા.
ઇતિહાસકાર વિલિયમ ડાર્લિમ્પરે નોંધ્યું છે કે અંગ્રેજો હોંગકોંગને પોતાના માટે ઑફશોર બેઝ બનાવીને નશીલા પદાર્થોને મામલે પોતાની ઇજારાશાહીને સાંચવી લેવા માગતા હતા. અફીણને કારણે ભારતમાં અંગ્રેજોના શાસનને જાણે ટેકો મળી રહ્યો હતો. સામ્રાજ્યવાદી અંગ્રેજો માટે અફીણ એ તેમના શાસન માટે આવકનો સૌથી મોટો, બીજા ક્રમાંકનો સ્રોત હતો. આજે પણ વૈશ્વિક ફાર્મા માર્કેટ માટે ઊગાડાતું કાયદેસરનું અફીણ ભારતમાં જ થાય છે. આજે અફઘાનિસ્તાનમાંથી હેરોઇન આખા વિશ્વમાં પહોંચે છે અને અફઘાનિસ્તાન આપણાથી કંઇ બહુ દૂરનો દેશ તો છે નહીં અને એમાં પાછું પાકિસ્તાન અને એવું બધું તો અડખ-પડખે એટલે બધા છેડા ક્યાંકને ક્યાંક તો મળેલા જ છે. અફીણની ખેતી કરનારા ખેડૂતોની હાલત કંઇ બહુ સારી નહોતી, તેમને કોઇ મોટા ફાયદા નહોતા થતા ન તો આ અફીણ ઊગાડવામાં થતો ખર્ચો ય તે પહોંચી વળતા. કરારને લીધે માથે પડેલી જંજાળમાંથી નીકળવાના નિષ્ફળ પ્રયાસોને પગલે તેઓ આ કળણમાં વધુ ઊંડા ખૂંપતા જતા. અંતે ૧૯૧૫માં ચીન સાથેનો અફીણનો વ્યાપાર ભાંગી પડેલો, પણ અંગ્રેજોએ ભારતમાં અફીણ પર જે પકડ જમાવી હતી તે તો તેઓ દેશ છોડીને ગયા ત્યાં સુધી યથાવત્ રાખી.
કેનાબીઝ કે ભાંગ કે અફીણ એ સૌથી વધુ વપરાતો નશીલો પદાર્થ છે. ૧૯૮૪ સુધી તો તેનો ઉપયોગ કાયદેસર ગણાતો. ભારતમાં ગાંજાના છોડની સાબિતી ૫,૦૦૦-૪,૦૦૦ બી.સી.માં રેકોર્ડ થઇ છે. ભારતમાં અમુક નશીલા પદાર્થો પરનો પ્રતિબંધ યુ.એસ. નીતિના પ્રભાવ હેઠળ લદાયો. એક ૨૦૧૮ના સંશોધન અનુસાર જો ગાંજા પર ટેક્સ લાદવામાં આવે તો દિલ્હીને ૭૨૫ કરોડ રૂપિયા અને મુંબઇએ ૬૪૧ કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો થાય, જે ગાંજાના વ્યાપાર, ઉપલબ્ધિ અને ઉપયોગનું સત્ય છે.
બાય ધી વેઃ
અફીણ જે ઇતિહાસમાં હતું તે વર્તમાનમાં પણ છે. લૉકડઉનમાં કાયદેસરના અફીણની ખેતી કરનારા ખેડૂતોને ભારે તાણ થઇ છે કારણ કે પાક સૂકાવા માંડ્યો જેના કારણે તેમનુ લાઈસન્સ રદ્દ થઇ શકે તેવા સંજોગો ખડા થઇ ગયા. આ ગાંજા કથાના અમુક અગત્યનાં દ્રશ્યો છે. ભારતમાં પંજાબમાં ગાંજો અને નશીલા દ્રવ્યોનો કેવો ખેલ ચાલે છે તે બધા જ જાણે છે, એમાં પાછી અનુરાગ કશ્યપે ઊડતા પંજાબ ફિલ્મ પણ બનાવી હતી, જે વાસ્તવિકતાની નજીક હતી. મુદ્દો એ છે કે એક નશીલા છોડ પરની ઇજારાશાહી, તેનું અર્થતંત્ર, તેને લીધે થતું મની લૉન્ડરિંગ જે બહુ મોટો પ્રભાવ ધરાવે છે તે કોરાણે મુકાઇ ગયું છે અને તેની આસપાસના કોઇ ભળતાં જ દાવપેચ પર ધ્યાન અપાઇ રહ્યું છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 સપ્ટેમ્બર 2020