તે દિવસે સ્વામી જે હસ્યા છે કંઈ! એ અમદાવાદ આવ્યા હતા અને મલ્લિકા સારાભાઈને ત્યાં (નટરાણીમાં) અમે વચગાળાનાં વરસોની સફર કરતાં ફુદીનાનું શરબત પી રહ્યા હતા. ખબર નહીં, મલ્લિકાબહેનની કે કોની કરામત, શરબતનું નામ પણ લગરીક ગળચટું તો કંઈક ખટમીઠું હતું – ગ્રીન લેડી. મેં કહ્યું, અહીં કોઈ તસવીર ઝડપે તો હું કૅપ્શન શું આપું, ખબર છે? ગ્રીન લેડી ઍન્ડ સેફ્રોન મંક!
હતું તો એમનું અખંડ વ્યક્તિત્વ પણ ઓળખાતા હતા તે આવા વિરોધાભાસોથી : ભગવામાં ખરા, પણ ભગવી રાજનીતિની સામે.
અલપઝલપ ખ્યાલ, દૂરનો સહેજસાજ પરિચય તો જેપી આંદોલનના દિવસોથી હશે. પણ પાકો પરિચય જેલમાંથી બહાર આવ્યા પછી તરતનાં વરસોમાં એકવાર હસમુખ પટેલ (વીરમપુર) અને હું એમની સાથે લાંબી મુલાકાત લેવા ગયા ત્યારથી થયો અને પછી તો ‘લોકસ્વરાજ’ અને એમની પત્રિકા – શું હતું એનું નામ – ‘જંગ જારી હૈ’ કે પછી ‘સંઘર્ષ જારી હૈ’ એવું કાંક, બેઉ વચ્ચે આપલેનો દોર પણ ઠીક ચાલ્યો. એકવાર એમણે અગ્રલેખ કરેલો – ઑનરેબલ ગુંડા મેમ્બર. અસામાજિક તત્ત્વો ગૃહમાં ચુંટાઈને બેસવા લાગ્યા એના પરની એ આકરી ટિપ્પણી હતી.
જેપીને જે રાજકારણ સોરવાતું નહોતું તેની સામે પ્રતિકારની અપીલને વશ વરતી રાજકારણમાં આવેલા અગ્નિવેશ આ જ ભાષામાં બોલે એ સ્વાભાવિક હતું. ગીતાકારે કહ્યું જ છે ને, જેને હું ચાહું છું એને ઉગ્ર બનાવું છું. હમણાં મેં ગીતાનો ઉલ્લેખ કર્યો પણ સ્વામી અગ્નિવેશ મૂળે તો આર્યસમાજ ઘરાનાના – આર્યસમાજના સુધાર આંદોલનમાંથી રાજનીતિમાં જવું એ ચોક્કસ જ એક વિરોધાભાસ હતો, પણ એ રીતે જો પરેલલ સંભારવો જ હોય તો – અગ્નિવેશ અલબત્ત ગાંધી નહોતા તે સ્વીકારતે છતે – દક્ષિણ આફ્રિકાના તરુણ બૅરિસ્ટર ગાંધીનો જ છે. જે રીતે ગાંધીને એમની ધર્મખોજે દક્ષિણ આફ્રિકામાં હિંદવાસીઓના હક્ક માટેની લડાઈમાં જોતરી નાગરિક બનાવ્યા, કંઈક અંશે જ તરંગલંબાઈ પરની બીના આ પણ છે.
આવી પ્રતિભા રુટિન રાજકારણમાં ઝાઝું ટકી ન શકે, અને ટકવા જેવું લાગે ત્યારે પણ એને એ ગોઠે નહીં. શ્રીકાકુલમ(આંધ્ર)નું આ સંતાન કોલકાતાનાં થોડાં વરસો પછી હરિયાણામાં સ્થાયી થયું ન થયું અને કટોકટીકાળે ચૌદ માસના કારાવાસ પછી જનતા પક્ષમાં સક્રિય પણ બન્યું. ભજનલાલના પ્રધાનમંડળમાં એ શિક્ષણ મંત્રી પણ થયા. પણ ચારપાંચ મહિનામાં જ એમને પોતાની સરકાર સામે લડવાપણું લાગ્યું અને એ છૂટા થયા. મુદ્દો એ હતો કે ફરીદાબાદમાં પોલીસ ગોળીબારે સંખ્યાબંધ કામદારોનો ભોગ લીધો હતો. સ્વામીને આ અગરાજ હતું. એમની ભૂમિકા કંઈક એવી હતી જેવી પ્રજાસમાજવાદી પક્ષના ઉચ્ચ પદાધિકારી તરીકે એક કાળે લોહિયાએ લીધી હતી. પટ્ટમ થાણુ પિલ્લાઈના નેતૃત્વ હેઠળની કેરળ સરકાર હસ્તક ગોળીબાર થયો ત્યારે સ્વરાજની કોઈ સમાજવાદી નેતૃત્વની સરકાર આમ ગોળીબાર વાટે રાજ ન ચલાવી શકે એવો પક્ષના પ્રમુખ અધિકારી તરીકે લોહિયાનો અધીન મત હતો. લોહિયાએ આ સંદર્ભમાં પોતાની સરકારનું રાજીનામું માંગતા સંકોચ કર્યો નહોતો.
સરકારમાંથી છૂટા થયેલા અગ્નિવેશ, પછીથી બંધુઆ મુક્તિ મોરચા પ્રકારની પ્રવૃત્તિઓથી કોળ્યા અને વ્યાપક અર્થમાં માનવમુક્તિની ચળવળોના હામી બની રહ્યા. એક પા આર્યસમાજનો સંસ્કાર એમને રૂઢિદાસ્ય અને ધર્મપાખંડ સામે લડવા પ્રેરતો તો બીજી પા માનવમુક્તિની ચળવળો એમને આકર્ષતી. આ આકર્ષણે એમની કને એક બાજુએ જો ‘સતી’ના ચાલ સામે ઝુંબેશ ચલાવડાવી કે મંદિરોમાં દલિત પ્રવેશની અહાલેક જગાવડાવી તો બીજી બાજુએ ઈંટોના ભઠ્ઠાથી માંડી નાનામોટા ઔદ્યોગિક એકમોમાં વેઠિયાની નિયતિ વેઠતા મોટા સમુદાયોને મુક્ત કરવાનો સંઘર્ષ પ્રેર્યો. આંદોલનને એ કાનૂની મોરચે પણ લઈ જતા અને ‘ફાઇટ ટુ ફિનિશ’ને ધોરણે લડતા રહેતા. એમના આ સંઘર્ષે એમને વિશ્વસ્તરે નામના અપાવી અને ઑલ્ટરનેટિવ નોબેલ લેખે પંકાયેલ રાઈટ લાઈવલી હુડ એવોર્ડ લગી લઈ ગઈ.
એક રીતે વિરોધાભાસ જેવા (ખરેખર જો કે એમ નહીં) એવા એેમનાં રાજકારણ અને જાહેરજીવનમાં સમજ ને નિસબતને ધોરણે રસ જગવતો એક મુદ્દો સેક્યુલરિઝમનો હતો. સાધારણપણે સેક્યુલરિઝમનું નામ લેતાં કેટલાંક વર્તુળોમાં ‘ડાબેરી’ એવું નાકટીચકું ચડતું જણાય છે. પણ કોમી એકતાને મુદ્દે એમની સાથેના સહયોગમાં એમને સંકોચ નહોતો. બીજી બાજુ, ડાબેરીઓ સાથે ચર્ચામાં એ ધર્મની માર્ક્સવાદી સમજથી ઉફરાટે ભૂમિકા પણ લઈ શકતા, અને તેમ કરતાં ‘સેક્યુલરિઝમ’ વિશે બે ટીકાવચનો પણ ઉચ્ચારી શકતા. મને યાદ છે, એક ચર્ચામાં મેં એમને કહ્યું કે તમે કોમી એકતાની વાત કરતાં કથિત નિધર્મી અભિગમની આલોચના કરો છો પણ આપણા રાજકારણમાં જે મુદ્દો છે તે જુદો છે. તમે કોમી ધોરણે વિચારો છો કે કેમ તે એક મુદ્દો છે, અને બીજો મુદ્દો જે અવિક્રેય (ઈનએલિયેનેબલ) અધિકારો સ્વતંત્રતા ને સમાનતાના ખ્યાલોએ પરિચાલિત છે તેનો છે. તમારો ‘ધર્મ’, આપણા સમયમાં આ ઇનએલિયેનેબલ વાનાંનો લિહાજ કરીને ચાલવા જેટલો સમજદાર છે કે નહીં તે પાયાનો સવાલ છે.
પ્રથમ પરિચય પછીનાં વીતતાં ચાલેલા વર્ષોમાં ગાંધી વિશેનું એમનું આકલન અને કદરબૂજ વધ્યાંની મારી છાપ છે. જંતરમંતરના એમના દફતરમાં એક જરી લાંબી બેઠકને અંતે મને એમનું પુસ્તક ભેટ આપતાં એમણે આ ગાંધીચર્ચાથી કેળવાયેલી સમજનો વિશેષો ઊલ્લેખ કર્યો હતો. દેખીતી રીતે જ, એમના જેવા પરિવર્તનવાંછુને પ્રતિલોમ ગાંધીની મોહનમૂર્તિનો વીંછુડો ડંખી ગયો હશે.
અણ્ણાના આંદોલન વખતે એ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે સભામાં એમનું લોકશિક્ષક તરીકેનું સ્વરૂપ સરસ ખીલ્યું હતું. સવારે નાગરિક બેઠકમાં અભ્યાસીઓએ ગુજરાતના વિકાસપ્રચારની વાસ્તવિકતાનો – ખયાલ આપતાં જે વક્તવ્યો રજૂ કર્યાં હતાં એના મુખ્ય મુખ્ય મુદ્દાઓનું એ ટાંચણ કરી લાવ્યા હતા અને જાહેર સભાના વિશાળ શ્રોતા સમુદાયને એ એકોએક મુદ્દો ખોલીને સમજાવતા હતા. પાખંડકારણ સામે મન્યુપૂર્વક આક્રમક તેવરથી પેશ આવતા સ્વામીનું એ એક જુદું જ રૂપ હતું.
પણ મૂળે પાખંડમર્દનની એમની દયાનંદ પરંપરાવશ કોઈક ભૂમિકાએ સભાને અંતે એમના પર અનપેક્ષિત હુમલાની પરિસ્થિતિ સરજી હતી. રાણા સંગને સારુ ઘા એ કોઈ નવાઈની બાબત ન જ હોય. તેમ છતાં આપણું જાહેર જીવન જે એક નરવી ગુંજાશ ગુમાવી રહ્યું છે એની એક નિશાની લેખે આવી ઘટનાઓ નિસાસો તો જગવે જ.
સરકાર અને લોક વચ્ચે છતી ચૂંટણીએ, છતાં પ્રતિનિધિત્વે કશુંક ખૂટે છે તે ખૂટે જ છે. કથિત માઓવાદીઓ સાથે મધ્યસ્થી તરીકે એમની સેવાઓ લેવાઈ રહી હતી એ જ ગાળામાં એક ‘માઓવાદી’ના પોલીસ એન્કાઉન્ટરે એમની મધ્યસ્થીની હવા કાઢી નાખી એટલું જ નહીં પણ એ વિશ્વસનીયતા ગુમાવી દે તે હદે એમનું ચારિત્ર્યખંડન કરાયું હતું એ સાંભરે છે. બૅંક વરસ પર ઝારખંડની મુલાકાત દરમ્યાન ‘પ્રો-નક્સલ’ના લેબલ તળે એ હુમલાનો ભોગ બન્યા તે પછી તબિયત પાછી ન વળી તે ન જ વળી.
એંશી વરસની સભર જિંદગી, છેવટ જતાં, વિષાદ જગવતી ગઈ એમ કહીને વાતનો બંધ વાળવો કે ધર્મની નવયુગી નાગરિકધર્મી બાષા હજુ ભોગ માગે છે એવી ઇતિહાસનિયતિનો ઘૂંટડો ગળે ઉતારવો, એ સમજાતું નથી.
[12 સપ્ટેમ્બર 2020]
e.mail : prakash.nireekshak@gmail.com