(આજકાલ વ઼ૉટ્સએપ, ફેસબુક કે ઇ-મેલ કે બીજા કોઇ પણ માધ્યમના પરદે કોરાના સામે કવચ, પ્રતિકાર, લડત અને વિજય મેળવવા માટેના દેશી ઔષધોના એટલા બધા નુસખા ઉભરાય છે કે વૈદ્ય-ગાંધીની દુકાનોને સારા તડાકા પડી રહ્યા છે. એ જોઈને એલોપથી અને હોમિયોપથીના મેડિકલ સ્ટોરવાળા પણ હળદર-સૂંઠના ગાંગડે મૌખિક વૈદું આચરતા થઈ ગયા છે. દેશી ઔષધો પરત્વેના પૂરા આદર સાથે પણ દરેક જાગ્રત વ્યક્તિએ વિચારવું તો પડે જ કે શું આ નવાગંતુક અજાણ્યા રોગ કોવિડ-19, કે જેની સામેનું શસ્ત્ર હજુ દુનિયા શોધી નથી શકી, તેની સામે આ બધાં ઓસડિયાં કારગર નીવડી શકે? જો એનો જવાબ ‘હા’માં પેદા કરી આપવો હોય, તો શું એ વૈજ્ઞાનિક ધોરણે સિદ્ધ કરી શકાય એમ છે? એનો ભાવનગરના ડૉ. ફિરદૌસ દેખૈયાની ફેસબુક વૉલ પરથી મળેલો જવાબ, સરળીકરણ માટે થોડા મામૂલી સંમાર્જન સાથે. — રજનીકુમાર પંડ્યા)
***
ઇલેક્ટ્રોનિક મીડિયા અને મુદ્રિત માધ્યમો ઉપરાંત મુખોમુખો કોઈપણ નવી સારવારપદ્ધતિ અદ્ધરોઅદ્ધર જ અમલમાં નથી આવતી. હું એક ડૉક્ટર છું. ધારો કે મને કોઈ એમ કહે કે હળદર કોવિડનો રામબાણ ઇલાજ છે. (ઉદાહરણ તરીકે હળદરને બદલે કોઈ ભૂરી દવા કે પારજાંબલી કિરણોને પણ લઈ શકાય.) તો સૌ પ્રથમ, કોવિડ-19 નવી બીમારી હોવાથી, આ પ્રકારની અગાઉની બીમારીઓમાં હળદર કેટલી ઉપયોગી છે એ મારે તપાસવું પડે. તેને કહેવાય રેફરન્સ. એ સાબિતીઓ માટે આધારભૂત નક્કર પુરાવા જોઈએ. જો હળદર કોવિડમાં કામ કરે એ માત્ર મારો તુક્કો જ હોય તો એને કહેવાય કેવળ હાઇપોથિસીસ એટલે કે ધારણા.
આ ચોક્કસ ઉદાહરણમાં હળદર આયુર્વેદિક પદાર્થ હોવાથી મારે કોવિડની સારવાર માટે તેને દવા તરીકે સ્વીકારતાં પહેલાં આયુર્વેદનાં હળદર વિશેનાં આધારભૂત સંશોધનો તપાસવાં પડે, જેનો સ્રોત ચરકસંહિતા કે ઉપનિષદથી લઈને અત્યારનાં આયુર્વેદિક કે એલોપથિક સંશોધનો સુધીનું કંઈ પણ હોઈ શકે. હળદરને કોવિડનો રામબાણ ઇલાજ સાબિત કરવા માટે મારે સૌ પહેલાં એની ક્લિનિકલ ટ્રાયલ કરવી પડે. તેમાં ત્રણ પ્રશ્નોના ઉત્તર મેળવવા પડે :
• શું આ સારવાર કામ કરશે?
• શું એ બીજી સારવાર પદ્ધતિઓથી બહેતર છે?
• શું આની કોઇ આડઅસરો કે પશ્ચાદ્દ અસર છે?
આ ઉપરાંત એનો ડોઝ (દરેક રોગમાં અલગ અલગ ડોઝ પણ અજમાવવામાં આવે છે. એ નક્કી કરવા માટે પણ આધાર જોઈએ), સારવારનો સમયગાળો, સારવારનું વિરામબિંદુ એટલે કે ક્યારે સારવાર પૂરી કરવી, એ સારવાર જીવનની ગુણવત્તા પર કેવી અસર કરે છે — એવાં ઘણાં લક્ષ્યાંકો નક્કી કરીને એની અજમાયશ શરૂ કરવા માટે એક પ્રપોઝલ બનાવવી આવશ્યક છે.
***
1. સારવાર અસરકારક છે કે નહીં એ નક્કી કરવા માટે દરદીઓનાં ઓછામાં ઓછાં બે જૂથ બનાવવાં પડે. એકમાં હળદર વાપરીને તેનાં પરિણામ તપાસવાં પડે. બીજામાં એ વાપર્યા વગરનાં પરિણામો તપાસવા પડે. કારણ કે આ તો પ્રયોગ છે. હળદરનો માનવજાત માટે બીજા અનેક રોગોમાં ઉપયોગ સાબિત થઈ ચુકેલો છે. એટલે આ પરીક્ષણમાં હું સીધો માનવ પર પ્રયોગ કરી શકું. પણ એની જ્ગ્યાએ કોઇ નવું ઔષધ હોય તો પહેલાં શરીરની બહાર, પછી જાનવરો પર જેમ કે ગિનીપીગ, ઉંદર વગેરેમાં પ્રયોગ કર્યા પછી જ માણસમાં પ્રયોગ કરી શકાય. એવા પ્રયોગ માટે જે તે માણસોને માહિતગાર કરીને એમની સંમતિ મેળવી લેવી પડે.
2. બીજી સારવાર પદ્ધતિઓથી એને બહેતર સાબિત કરવા માટે બીજી પદ્ધતિઓનાં સંશોધનો દ્વારા જે પરિણામ પ્રકાશિત થયાં હોય એની સાથે એને એ જ માપદંડો વડે સરખાવવાં પડે. એમાં આંકડાશાસ્ત્ર પણ લગાડવું પડે. આમાં અને બીજી પદ્ધતિઓમાં નોંધપાત્ર તફાવત હોય તો જ એ બહેતર સાબિત થાય. પરિણામોની તુલના કરતી વખતે મામૂલી તફાવતને તો નજરઅંદાજ કરવાનો હોય છે. પદ્ધતિ Aમાં 100માંથી 50 કિસ્સામાં સારું પરિણામ મળે અને પદ્ધતિ Bમાં 100માંથી 56 કિસ્સામાં સારું પરિણામ મળે, તો માત્ર એટલા તફાવતને કારણે એવો નિષ્કર્ષ કાઢી ન શકાય કે સારવાર માટે પદ્ધતિ B પદ્ધતિ A કરતાં બહેતર છે. જટિલ આંકડાશાસ્ત્રીય ગણતરીઓ પછી એ નક્કી થાય કે એ તફાવત ખરેખર નોંધપાત્ર છે કે નહીં.
3. જેની અગાઉથી જાણ હોય એવી આડઅસરોની સંબધકર્તા દરદીઓને અગાઉથી જાણ કરવી પડે. એ સિવાય કંઈ પણ થાય એ માટે કોઈ પ્રયોગકર્તા જવાબદાર નથી એ મતલબની દરદીની લેખિત સંમતિ લેવી પડે.
હવે આ આખો પ્લાન પ્રમાણભૂત-ઑથોરાઇઝ્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રજૂ કરવો પડે. એ સંસ્થાનું બોર્ડ હોય. તેમાં આવી અજમાયશ કરવાની મારી દરખાસ્ત સ્વીકૃત થાય પછી જ હું એ પ્રયોગ અધિકૃત રીતે આરંભી શકું. આ બોર્ડનું કામ એ છે કે મારી દરખાસ્તનાં કાનૂની, નૈતિક અને પારસ્પારિક હિતઘર્ષણ સહિતનાં બધાં પાસાંઓ તપાસીને પછી જ મંજૂરી આપે. મારા પ્રયોગના દરેક તબક્કે મારે આ કમિટીને રિપોર્ટ કરવો પડે.
આ તબક્કા વટાવ્યા પછી મારી ક્લિનિકલ ટ્રાયલ ચાલુ થાય. તેના 3 તબક્કા છે:
* માત્ર 6થી 10 માણસ જેટલા નાના જૂથ પર પ્રયોગ થાય.
* ઉપરના ફેઝમાં સારું પરિણામ મળે, તો પછી 20-300 જેટલા માણસોના જૂથમાં પ્રયોગ થાય
* ફેઝ-2ની સફળતા પછી 300-3000 સુધીના જૂથમાં પ્રયોગ થાય.
આ ત્રણેય ફેઝમાં મને હળદરનું સરસ પરિણામ મળે એટલે મારી સારવારને માન્યતા મળી કહેવાય. પણ તેમ છતાં હજી એ સ્થાપિત ચિકિત્સા પદ્ધતિ નથી; ભલે મીડિયામાં જાહેરાત થાય કે આ ડૉક્ટરે કોવિડનો અસરકારક ઈલાજ શોધી કાઢ્યો. પણ હવે એ સારવાર બહોળા સમુદાયમાં અમલમાં મૂકાય. પછી એનો ફેઝ-4 શરૂ થાય, જેમાં મારો એના વિશેનો અભ્યાસ ચાલુ રહે. એ અભ્યાસમાં મને સફળતા મળે, પછી જ મારું રિસર્ચ કારગર સાબિત થાય.
તો આટલાં દળણાં દળવા પડે. બાકી આવા આધાર વગર મીડિયામાં મોટા મોટા ઇન્ટરવ્યૂ આપીને વાતને વાઇરલ કર્યેથી વાતની સત્યતા સાબિત નથી થતી. ઊલટાના કાયદાની ચુંગલમાં ફસાયા તો એવી પ્રસિદ્ધિ કોઈ મદદે નહીં આવે. એટલે જ આવા નુસખાઓ માધ્યમોમાં વહેતા મુકવા માગનારાઓને હું કહેવા માગું છું કે જો આ ફક્ત તમારા તુક્કાઓ જ હોય તો એને અમલમાં ન મૂકો અને જનતાને એની જાણ વગર પ્રયોગનું સાધન ન બનાવો. બાકી, સારવારશાસ્ત્ર એટલું આળું છે કે ધારો કે એક દવાના ચાર ડોઝ જ માર્ગદર્શિકા પ્રમાણે નિર્દેશિત હોય, તો પછી હું ડૉક્ટર તરીકે પણ ત્રણ કે પાંચ ડોઝ મારી મુનસફીથી આપી નથી શકતો. ત્યાર પહેલાં એ મારે સાબિત કરી આપવું પડે એ ડોઝ જરૂરી હતા.
માટે, આવા કોઈ પણ ઈલાજ વિશે મીડિયામાં આવે એટલે દોડાદોડી ન કરવી જોઇએ. પહેલાં એ દાવા વહેતા કરનારાઓને પૂછવું ઘટે કે તમે કયા આધારે આ દાવાઓ કરો છો? વિચાર કરો કે હાઇડ્રૉક્સિ-ક્લોરોક્વિન, રેમડેસિવિર, ટોસિલિઝુમાબ જેવી અત્યારે વપરાતી દવાઓ વિશે પણ WHO સહિત દરેક સંસ્થા તરફથી સંશોધન જેમ જેમ આગળ વધતું જાય છે એમ ગાઇડલાઇન્સ સતત બદલાતી જાય છે. આ બધું કોઈ આધાર વગર નથી થતું. આપણી હાલત અત્યારે એવી છે કે પ્રમાણભૂત સારવાર હજી નથી, એટલે એમાં શંકા-કુશંકાઓને લીધે વૈકલ્પિક સારવાર મેદાનમાં આવે છે, જેમાં ગેરંટી સાથેના દાવાઓ કરાય છે. લોકો એની પાછળ દોડે છે. વસ્તુત: આવા ઈલાજોની પાછળ દોડનારામાં અને ભૂવાઓ પાસે ઇલાજ કરાવનારા કે તાવીજ-દોરા કરાવનારામાં કોઈ ફરક નથી.
એક વાત ચોક્કસ છે કે મેલેરિયાને જેમ ક્લોરોક્વિન મળી, શીતળાને એની રસી મળી એમ કોરોના વાઇરસનો પણ રામબાણ ઈલાજ મળશે જ અને એમાં વિજ્ઞાન સિવાય કોઈ આપણો ઉદ્ધાર નહીં કરી શકે.
e.mail : drfirdausd@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 24 ઑગસ્ટ 2020; પૃ. 02-03