Opinion Magazine
Number of visits: 9446716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—52

દીપક મહેતા|Opinion - Opinion|11 July 2020

મુંબઈમાં હતાં એક નહિ, બે કોરોનેશન થિયેટર

મરાઠી માણૂસ ‘કોરોનેશન’ નામ આપીને બ્રિટિશરો પ્રત્યેની ભક્તિ પ્રગટ કરે?

દાદાસાહેબ : પોતાના પુરોગામીઓને ભૂલી જવા એ તો સૃષ્ટિનો ક્રમ છે

“જ્યુરીએ ભલે ગમે તે ચુકાદો આપ્યો હોય, પણ મારું માનવું છે કે હું સંપૂર્ણપણે નિર્દોષ છું. અદાલતની સત્તા ભલે છેવટની મનાતી હોય, પણ વ્યક્તિઓ અને દેશોનું ભાવિ અદાલત કરતાં ઉચ્ચતમ સત્તાને અધીન હોય છે. અને બનવા જોગ છે કે એ ઊંચેરી સત્તાનો સંકેત હોય કે જે ચળવળનું હું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યો છું તે મારી મુક્તિ કરતાં મારી યાતના વડે વધુ સારી રીતે પાર પડી શકે.”

લોકમાન્ય ટિળક

– આ શબ્દો છે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના અને બોલાયા હતા બોમ્બે હાઈ કોર્ટની સેન્ટ્રલ કોર્ટના ખંડમાં, ૧૯૦૮માં. આજે આ શબ્દો આરસની તકતી પર કોતરાયેલા સેન્ટ્રલ કોર્ટની બહાર જોવા મળે છે. લોકમાન્ય ટિળકની કારકિર્દી દરમ્યાન બ્રિટિશ સરકારે તેમના ઉપર ત્રણ વખત રાજદ્રોહનો આરોપ મૂકી ખટલો ચલાવ્યો હતો અને બે વખત તેમને જેલની સજા થઈ હતી. તેમાં ૧૯૦૮-૧૯૦૯નો ખટલો સૌથી વધુ ગાજ્યો હતો. પોતાના ‘કેસરી’ નામના દૈનિકમાં ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’ અને બીજા કેટલાક લેખો લખવા માટે તેમને છ વર્ષની કેદની સજા થઈ હતી અને તે સજા ભોગવવા માટે તેમને બર્માના માંડલેની જેલમાં મોકલ્યા હતા. આ જેલ આંદામાનની જેલ પછી સૌથી વધુ આકરી ગણાતી હતી. જ્યુરીના નવ સભ્યોમાંથી સાતે અંગ્રેજ સભ્યોએ ટિળકને દોશી ઠરાવ્યા હતા, જ્યારે બે ‘દેશી’ સભ્યોએ નિર્દોષ ઠરાવ્યા હતા. બહુમતી સભ્યોની ભલામણને સ્વીકારીને આ ચુકાદો આપ્યો હતો જસ્ટિસ દિનશા દાવરે. ૧૯૧૪ સુધી ટિળક માંડલેની જેલમાં રહ્યા. બહાર આવ્યા પછી થોડા જ વખતમાં તેમની ઉપર રાજદ્રોહ માટે ત્રીજો ખટલો સરકારે માંડ્યો પણ આ વખતે તેઓ નિર્દોષ સાબિત થયા.

આને કારણે મહારાષ્ટ્રમાં, અને ખાસ કરીને મુંબઈમાં, ૧૯૦૮થી ૧૯૨૦ સુધી લોકોનું, ખાસ કરીને મોટા ભાગના મરાઠીભાષીઓનું વલણ બ્રિટિશ સરકાર વિરોધી હતું. દિલ્હી દરબાર માટે શહેનશાહ પાંચમા જ્યોર્જ અને મહારાણી જ્યારે મુંબઈ આવ્યાં ત્યારે શહેરમાં તેમની સવારી નીકળી હતી તે ગિરગામ રોડ પરથી નહિ, પણ કાલબાદેવી રોડ પરથી પસાર થઈ હતી. રસ્તાની પસંદગી પાછળ તે વખતની મરાઠીભાષીઓની બ્રિટિશ રાજવટ વિરુદ્ધની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવી હોય એ શક્ય છે.

રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મ જે કોરોનેશન થિયેટરમાં રિલીઝ થઈ તેના માલિકનું નામ ઘણી જગ્યાએ નાનાભાઈ ગોવિંદ ચિત્રે આપવામાં આવે છે. પણ મરાઠી સંસ્કૃતિ અને સ્વાભિમાનના ગઢ જેવા ગિરગામ વિસ્તારમાં પોતાના થિયેટરને કોઈ મરાઠી માણૂસ ‘કોરોનેશન’ નામ આપીને બ્રિટિશ રાજવટ પ્રત્યેની પોતાની ભક્તિ પ્રગટ કરે એ માનવું મુશ્કેલ છે. બીજી બાજુ, ગાંધીજીએ આઝાદીની લડતનું સુકાન હાથમાં લીધું તે પહેલાં પ્રમાણમાં ઓછા પારસીઓ, હિંદુ ગુજરાતીઓ અને મુસ્લિમો આ ચળવળને ટેકો આપતા હતા. અને શરૂઆતથી જ મુંબઈમાં જે થિયેટર – નાટક કે ફિલ્મ માટે – બંધાયાં તેમાંનાં ઘણાં પારસીઓ કે વહોરાઓની માલિકીનાં હતાં. એટલે આ કોરોનેશન થિયેટરના માલિક પણ કોઈ પારસી કે વહોરા હોય એવો સંભવ નકારી શકાય નહિ. બનવા જોગ છે કે નાનાભાઈ ચિત્રેને રોજિંદો કારભાર આવા કોઈ માલિકે સોંપ્યો હોય અને એટલે દાદાસાહેબ ફાળકેએ થિયેટર ભાડે રાખવા માટે તેમની સાથે વાટાઘાટ કરી હોય. વિક્ટોરિયા, મેજેસ્ટિક, ઈમ્પીરિયલ, એડવર્ડ, એમ્પાયર, રોયલ ઓપેરા હાઉસ જેવાં નામો તેના માલિકોની બ્રિટિશ રાજવટ માટેની ભક્તિની ચાડી ખાય છે ને આમાંનાં કેટલાંકના માલિકો પારસી કે વહોરા હતા. મુંબઈની અંગ્રેજી, પારસી ગુજરાતી, ગુજરાતી, અને હિન્દુસ્તાની (ઊર્દૂ) રંગભૂમિના આરંભથી જ પારસીઓ તેની સાથે નિકટતાથી સંકળાયેલા હતા અને મરાઠી રંગભૂમિ પણ પારસી રંગભૂમિથી પ્રભાવિત થઈ હતી. થોડી સારી કમાણી થાય એટલે એ વખતની નાટક કંપનીઓ પોતાનું થિયેટર બંધાવતી. એટલે મુંબઈનાં ઘણાં થિયેટરોના પહેલા માલિક પારસીઓ હતા. પછી એ વેચાઈને બીજાના હાથમાં ગયાં હોય તે જૂદી  વાત. 

પણ આ કોરોનેશન થિયેટર આવેલું ક્યાં? રાજા હરિશ્ચન્દ્રની જાહેરાતમાં તેનું સરનામું ‘સેન્ડહર્સ્ટ રોડ, ગિરગાંવ’ છાપ્યું છે એટલે તે આ લાંબા રસ્તાના ગિરગાંવ વિસ્તારના કોઈક સ્થળે આવ્યું હોવું જોઈએ. ફિલ્મોનાં ઇતિહાસ, ભૂગોળ, કળા, તંત્ર વગેરેના અઠંગ અભ્યાસી અમૃતભાઈ ગંગર કહે છે કે આ થિયેટર આજની ડોક્ટર પારેખ સ્ટ્રીટ પર ક્યાંક આવેલું. આ સ્ટ્રીટનો એક છેડો આજના વલ્લભભાઈ પટેલ રોડ (સેન્ડહર્સ્ટ રોડ) પર પડે છે અને બીજો છેડો લગભગ હરકિસનદાસ હોસ્પિટલની સામે પડે છે. આ ડોકટર પારેખ સ્ટ્રીટ નામ ક્યારે પડ્યું અને તેનું અગાઉનું નામ શું હતું તે જાણી શકાયું નથી. પણ આ સ્ટ્રીટના સેન્ડહર્સ્ટ રોડ તરફના છેડા પર ક્યાંક કોરોનેશન થિયેટર આવ્યું હોય.

પણ વેઇટ અ મિનિટ! એ અરસામાં મુંબઈમાં કોરોનેશન નામનાં એક નહિ પણ બે થિયેટર હતાં! આ લખનારના અંગત સંગ્રહમાં એક ૧૪ પાનાંની ઓપેરા બુક છે, હિન્દુસ્તાની (ઊર્દૂ) નાટક ‘ખુદ-પરસ્ત’ની. ‘ધી ન્યૂ જોધપુર બીકાનેર થીયેત્રિકલ કુપની ઓફ રાજપુતાનાએ આ નાટક ૧૯૧૭ના એપ્રિલની બીજી તારીખથી મુંબઈના કોરોનેશન થિયેટરમાં ભજવવાનું શરૂ કર્યું હતું. ઓપેરા બુકને પહેલે પાને છાપ્યું છે : ‘ગ્રાંટ રોડ કોરોનેશન થીએટર.’ બહારગામની કંપની મુંબઈ આવીને પોતાનાં નાટક ભજવવાની હોય અને તેની ઓપેરા બુક છપાવે ત્યારે થિયેટરના સરનામામાં ભૂલ કરે નહિ. એ છપાઈ છે પણ મુંબઈમાં, ‘ધી ભુલેશ્વર પ્રીન્ટીંગ પ્રેસ, ગુલાલ વાડી ઘર નંબર ૪૨’ ખાતે, અને પ્રિન્ટર હતા સખારામ ગુણાજી. એટલે કે ૧૯૧૭માં ગ્રાન્ટ રોડ પર પણ ‘કોરોનેશન’ નામનું એક થિયેટર હતું.

એટલે કે એ જમાનામાં મુંબઈમાં એક નહિ પણ બે કોરોનેશન થિયેટર હતાં, અને તે પણ એકબીજાંથી બહુ દૂર નહિ. એક સેન્ડહર્સ્ટ રોડ પર, બીજું ગ્રાન્ટ રોડ પર. હવે જરા વિચાર કરો. બે અલગ અલગ વ્યક્તિ પોતાના થિયેટરનું એક જ નામ રાખે એવું બને ખરું? કાયદાની મુશ્કેલી ન હોય તો ય એમ કરવું ફાયદાનું કામ ખરું? પણ આ બંને થિયેટરના માલિક એક જ હોય તો? તો પોતાનાં બંને થિયેટરનું એક જ નામ તેઓ રાખી શકે. તો એમ કેમ ન બની શકે કે ૧૯૧૨ના અરસામાં સેન્ડહર્સ્ટ રોડ પર બંધાવેલા થિયેટરમાંથી તેના માલિક એટલું કમાયા હોય કે તેમણે ગ્રાન્ટ રોડ પર બીજું થિયેટર બંધાવ્યું (કે ખરીદી લીધું) હોય. અને જો બંને થિયેટરનાં નામ એક જ રાખે તો બ્રાંડ નેમનો ફાયદો બીજા, નવા થિયેટરને મળે. અલબત્ત,આ કેવળ શક્યતાનું અનુમાન છે. ‘રાજા હરિશ્ચન્દ્ર’ ફિલ્મનો ફક્ત આમંત્રિતો માટેનો શો ઓલિમ્પિયા થિયેટરમાં યોજાયો હતો. આ થિયેટર પણ ગિરગામ વિસ્તારમાં જ આવેલું હતું. જો કે કેટલાકનું કહેવું છે કે તે ચંદારામજી સ્કૂલ નજીક આવેલું હતું. આ ઉપરાંત અમેરિકન-ઇન્ડિયા અને ન્યૂ અલહમબ્રા નામનાં થિયેટર પણ ગિરગામ વિસ્તારમાં આવ્યાં હતાં.

ત્રિભુવનદાસ ગજ્જર

દાદાસાહેબ અને કેટલાક ગુજરાતીઓ વચ્ચે પણ નિકટનો સંબંધ હતો. દાદાસાહેબ વડોદરાના કલાભવનમાં ભણવા ગયા ત્યારે તેમના અધ્યાપક હતા ડો. ત્રિભુવનદાસ ગજ્જર. તેમની પાસેથી તેઓ ચિત્ર, શિલ્પ અને ફોટોગ્રાફી જેવી કલાઓ શીખ્યા હતા. દાદાસાહેબની કારકિર્દીને ઘડવામાં ગજ્જરનો ઘણો ફાળો. તેઓ પછીથી મુંબઈ સ્થાયી થયા હતા. આજે જ્યાં વિદેશ સંચાર ભવન આવેલું છે ત્યાં અગાઉ રાણી વિક્ટોરિયાનું આરસનું ભવ્ય પૂતળું હતું. ૧૮૯૮માં કોઈએ તેના મોઢે કાળો રંગ લગાડી દીધો હતો. એ કાઢવા માટે સરકારે ઇન્ગલંડથી ખાસ નિષ્ણાતોને બોલાવ્યા, પણ તેઓ એ રંગ કાઢી ન શક્યા. ત્યારે પ્રા. ગજ્જરે એ રંગ કાઢી આપ્યો હતો જેથી તેમની ખ્યાતિ ઇન્ગલંડ અને બીજા દેશોમાં ફેલાઈ હતી. વળી દાદાસાહેબ કલાભવનમાં ભણતા હતા ત્યારે તેમને ભાઉરાય રણછોડરાય દેસાઈનો પરિચય થયો હતો. તેઓ ગોધરાના મોટા જમીનદાર હતા અને નૃસિંહાચાર્યના શિષ્ય હતા, જે વડોદરામાં વસતા હતા. એટલે ભાઉરાય અવારનવાર વડોદરા જતા. એક ફોટોગ્રાફી સ્ટુડિયો કાઢવાની ઇચ્છા દાદાસાહેબે તેમની પાસે વ્યક્ત કરી. એટલે ગોધરાના સ્ટેશન રોડ પર ભાઉરાયે પોતાની જગ્યા આપી જ્યાં દાદાસાહેબે ફોટોગ્રાફી સ્ટુડિયો શરૂ કર્યો. આજે હવે એ જગ્યાએ ‘સ્વાગત ગેસ્ટ હાઉસ’ ચાલે છે. તેઓ ગોધરા હતા ત્યારે ભાઉરાયના કુટુંબના કેટલાક મંગળ પ્રસંગે તેમણે જે ફોટા પાડ્યા હતા તે આજે પણ ભાઉરાયના પૌત્ર અને જાણીતા કવિ અને અભ્યાસી ડો. સુધીર દેસાઈ પાસે ગોધરામાં સચવાયા છે. (ભાઉરાય અંગેની કેટલીક વિગતો અને ફોટા માટે સુધીરભાઈનાં પુત્રી અને જાણીતાં કવયિત્રી સંસ્કૃતિરાણી દેસાઈનો આભાર.)

ભાઉરાય દેસાઈ

દાદાસાહેબ અને તેમની ફિલ્મોનું પણ એક ગુજરાતી કનેક્શન છે. તેમની લંકાદહન ફિલ્મને અસાધારણ સફળતા મળ્યા પછી તેમની સાથે આર્થિક ભાગીદારી કરવાની ઓફર આવવા લાગી. લોકમાન્ય ટિળકે મનમોહનદાસ રામજી અને રતનશેઠ ટાટા દ્વારા પાંચ લાખ રુપિયાની મૂડીથી એક લિમિટેડ કંપની શરૂ કરવાની ઓફર કરી. તો મુંબઈના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વી.એસ. આપટે, મયાશંકર ભટ્ટ, એલ.બી. ફાટક, માધવજી જેસિંહ, અને ગોકુલદાસ દામોદરે પણ ઓફર કરી. દાદાસાહેબને આપ્ટેની ઓળખાણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત ડો. ભાંડારકરે કરાવી હતી. દાદાસાહેબે આ બીજી ઓફર સ્વીકારી અને ૧૯૧૭માં ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’ની શરૂઆત થઈ. જો કે કેટલાક મતભેદોને કારણે ૧૯૧૯માં દાદાસાહેબ આ કંપનીમાંથી છૂટા થયા. પછીથી ‘સેતુબંધ’ ફિલ્મ બનાવવા માટે મયાશંકર ભટ્ટે દાદાસાહેબને પચાસ હજાર રૂપિયા ધીર્યા હતા. (સાભાર, ઉત્કર્ષ મઝુમદાર, નાટક, ફિલ્મ, અને ટી.વી.ના અગ્રણી અભિનેતા)

ખુદ-પરસ્ત નાટકની ઓપેરા બુક

દાદાસાહેબ ફાળકેએ લગભગ ૨૫ વરસની કાર્કિર્દીમાં ૧૦૦ જેટલી ફિલ્મ અને ૩૦ જેટલી ટૂંકી ફિલ્મ બનાવી. રાજા હરિશ્ચન્દ્ર બનાવ્યા પછી ૧૯૧૮માં શ્રી કૃષ્ણજન્મ બનાવી, ૧૯૧૯માં કાલીયમર્દન, ૧૯૨૦માં કંસવધ. તેમણે ઘણી મોટી સંખ્યામાં પૌરાણિક પાત્રો અને પ્રસંગો લઈને ફિલ્મ બનાવી. તેમાંની કેટલીક : મોહિની ભસ્માસુર,લંકાદહન, સતી સુલોચના, ગણેશઅવતાર, પાંડવ વનવાસ, શિશુપાલવધ, રામ-રાવણ યુદ્ધ, દ્રૌપદી વસ્ત્રાહરણ. તેવી જ રીતે મહારાષ્ટ્રના મધ્યકાલીન સંત-કવિઓ વિષે પણ તેમણે ઘણી ફિલ્મ બનાવી : તુકારામ, સંત નામદેવ, સંત સકુબાઈ, ગોરા કુંભાર, સંત જનાબાઈ, વગેરે. પણ પછી મૂંગી ફિલ્મનો યુગ પૂરો થયો હતો. ‘રાજા હરિશ્ચંદ્ર’ના આમંત્રિતો માટેના શોમાં હાજર હતા તે અરદેશર ઈરાનીએ બનાવેલી  ‘આલમ આરા’થી બોલપટ(ટોકી)નો જમાનો આવ્યો. ૧૯૩૨માં દાદાસાહેબે પોતાની પહેલી ટોકી બનાવી, સેતુબંધ, અને ૧૯૩૭માં હિન્દી/મરાઠીમાં બનાવી બીજી ટોકી, ગંગાવતરણ.

પણ હવે દાદાસાહેબનો જાદુ ઓસરી ગયો હતો. બોલપટની દુનિયામાં તેઓ આગંતુક જેવા જણાતા હતા. અગાઉની જાહોજલાલી પણ ઓસરી ગઈ હતી. લોકો તેમનું નામ પણ ભૂલવા લાગ્યા હતા. નિવૃત્તિનાં છેલ્લાં વર્ષો તેમણે નાશિકમાં ગાળ્યાં. એ વખતે એક માસિકે તેમને વિશેનો ખાસ અંક પ્રગટ કરવાનું નક્કી કર્યું અને તે માટે તેમનો ફોટો મગાવ્યો. જવાબમાં દાદાસાહેબે લખ્યું: ‘જે ફિલ્મ ઉદ્યોગને મેં જન્મ આપ્યો તે ફિલ્મ ઉદ્યોગ મને ભૂલી ગયો છે. હવે તમે મને યાદ કરવાનો પ્રયત્ન શા માટે કરો છો? પોતાના પુરોગામીઓને ભૂલી જવા એ તો સૃષ્ટિનો ક્રમ છે. એટલે તમે પણ એમ કરો એ જ બહેતર છે.’ 

ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત સુપ્રસિદ્ધ મરાઠી કવિ, નાટકકાર, લેખક વિ.વા. શિરવાડકર ઉર્ફે કુસુમાગ્રજ ૧૯૩૬માં દાદાસાહેબની ગોદાવરી સિનેટોન લિમિટેડમાં જોડાયા, સતી સુલોચના નામની ફિલ્મ માટે સ્ક્રીન પ્લે લખ્યું અને તે ફિલ્મમાં લક્ષ્મણનું પાત્ર પણ ભજવ્યું. વર્ષો પછી એ જ શિરવાડકરે લખેલા યુગપ્રવર્તક મરાઠી નાટકનો એક સંવાદ યાદ આવે: ‘વિધાતા, તું આટલો કઠોર કેમ થાય છે? એક બાજુ, જેને અમે જન્મ આપ્યો છે તે અમને ભૂલી જાય છે, અને બીજી બાજુ જેણે અમને જન્મ આપ્યો તે તું પણ અમને ભૂલી જાય છે.’

આવી બીજી ગુમનામ વ્યક્તિઓ વિશેની વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 11 જુલાઈ 2020

Loading

11 July 2020 admin
← દિવાલ ચણાય છે
… તો ભારતને જોડવામાં ગાંધીજીને સફળતા મળી હોત →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved