Opinion Magazine
Number of visits: 9506115
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઢાઈ ટક્કેચી સંસ્કૃિત’

રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|5 February 2014

નરેન્દ્ર મોદી આજે રાહુલ ગાંધીને પડકારવા જેટલી શક્તિ મેળવી શક્યા છે એમાં રાહુલના બાપ -દાદાઓનો ફાળો છે. બોલો કઈ રીતે? 

ગુજરાતમાં બ્રાહ્મણ ઘનશ્યામ ઓઝાની જગ્યાએ પટેલ ચીમનભાઈ આવે કે પટેલ ચીમનભાઈની જગ્યાએ પછાત ક્ષત્રીય જાતિમાંથી આવતા માધવસિહ સોલંકી આવે અને માધવસિંહ સોલંકીની જગ્યાએ આદિવાસી અમરસિંહ ચૌધરી આવે તો પરિવારને કોઈ ફરક નહોતો પડતો. … પરિવારની વગ અને સત્તા સુરક્ષિત હતાં માટે પરિવારે સશક્તિકરણના રહેંટને અટકાવ્યા વિના ચાલવા દીધો હતો, બલકે એ વધારે ઝડપથી અને સરળતાથી ચાલી શકે એ માટે એના પૈડામાં ઊંજણ પુરવાનું કામ પરિવારે કર્યું હતું.

•

ટીવી-ચેનલ ટાઈમ્સ નાઉના અર્ણવ ગોસ્વામીને આપેલી મુલાકાતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ વંશવાદમાં માનતા નથી, તેઓ કોઈ પણ કોન્ગ્રેસીને એક સરખી તક આપવા માગે છે અને કોંગ્રેસના ઢાંચાને લોકતાંત્રિક બનાવીને પક્ષને વિસ્તારવા માગે છે. રાહુલ વારંવાર સંકેત આપતા રહે છે કે તેઓ નેહરુ-ગાંધી પરિવારના છેલ્લા વારસ હશે અને હવે પછી કોંગ્રેસે પરિવારની (પરિવાર=નેહરુ-ગાંધી પરિવાર) કાખઘોડી વિના ચાલતા શીખવું પડશે. મારી સમજ મુજબ તેમની પ્રાથમિકતા સત્તાપ્રાપ્તિ નથી, પરંતુ કોંગ્રેસને આંચકો ન આવે એ રીતે ધીરેધીરે પરિવારમુક્ત કરવાની છે. આ રીતે ગાંધીપરિવાર પણ કોંગ્રેસમુક્ત થવા માગે છે.

વંશવાદ માટે કોંગ્રેસને અને નેહરુ-ગાંધી પરિવારને યોગ્ય રીતે જ ભાંડવામાં આવ્યા છે. વંશવાદને કારણે પક્ષની અંદર લોકતંત્રનો અંત આવ્યો છે, પક્ષમાં પરિવારની એકાધિકારશાહી ચાલે છે, પરિવારને પડકારી શકે એવા વ્યાપક જનસમર્થન ધરાવતા લોકપ્રિય નેતાઓની ખસી કરી નાખવામાં આવી છે અને કોંગ્રેસમાં ખુશામતખોરીની બોલબાલા છે. ઓછું કૌવત ધરાવતા ચાલુ લોકો પરિવારની ખુશામત કરીને સત્તાસ્થાને ગોઠવાઈ જાય છે જેને કારણે દેશનું જાહેરજીવન અભડાયું છે. વંશવાદે જે કોંગ્રેસ-કલ્ચર વિકસાવ્યું છે એ આજે ભારતીય રાજકીય કલ્ચર બની ગયું છે. કેટલાક લોકો પરિવારને એટલી હદે ધિક્કારે છે કે તેઓ દેશના આજના દરેક પ્રકારના અનર્થ માટે પરિવારને જવાબદાર ઠેરવે છે.

કોંગ્રેસમાં અને દેશમાં પરિવારના વિકસેલા અને પછી પરિવારે પોષેલા વંશવાદે અનેક અનર્થો પેદા કર્યા છે એ વાતમાં કોઈ શંકા નથી, પણ એનું એક જમા પાસું પણ છે. જાણીતા અંગ્રેજી રૂઢીપ્રયોગ Blessing in disguiseનો અર્થ થાય છે છૂપા આશીર્વાદ. અનેકવાર એવું બને છે કે કોઈ અનિચ્છનીય બાબત આડકતરો ફાયદો કરાવી આપતી હોય. તમને આશ્ચર્ય થશે, પણ પરિવારને કારણે અને કોંગ્રેસે અપનાવેલા વંશવાદને કારણે દેશને આડકતરો મોટો ફાયદો થયો છે. એ ફાયદો જેવોતેવો નથી, છૂપા આશીર્વાદરૂપ છે. એ કઈ રીતે એ જોઈએ.

૧૯૫૨માં લોકસભા માટેની અને પ્રાંતોની વિધાનસભાઓ માટેની પહેલી સામાન્ય ચૂંટણી થઇ ત્યારે એ ચૂંટણીઓ લડનારાઓ, જીતનારાઓ અને પ્રધાન બનનારાઓ કોણ હતા એના પર એક નજર કરવા જેવી છે. સ્થળસંકોચને કારણે એની વિગતો આપતો નથી, પણ એમાંના ખુલ્લી બેઠકો પરનાં ૯૫ ટકા લોકો ઉચ્ચ કુલીન સવર્ણો હતા. એ લોકો આઝાદીની લડતમાં અગ્રેસર હતા, સુશિક્ષિત હતા, સાધનસંપન્ન હતા અને સત્તાના બિનહરીફ દાવેદાર હતા. જે કંઈ હરીફાઈ હતી એ તેમની વચ્ચેની આંતરિક હતી. પછાત જનજાતિઓ હજુ તેમને પડકારવાની સ્થિતિમાં નહોતી. તમે જવાહરલાલ નેહરુની પહેલી કેબીનેટના પ્રધાનો અને પ્રાંતોના મુખ્ય પ્રધાનોની યાદી બનાવશો તો ધ્યાનમાં આવશે એમાંના લગભગ બધાજ લોકો બ્રાહ્મણ અથવા કાયસ્થ કે એમની સમકક્ષ હતા જેઓ ભારતની કુલ વસ્તીમાં પાંચ ટકાનો હિસ્સો પણ નથી ધરાવતા. ભટકતી જાતિમાંથી આવતા મરાઠી સાહિત્યકાર લક્ષમણ માને આને ‘ઢાઈ ટક્કેચી સંસ્કૃિત’ તરીકે ઓળખાવે છે. અઢી ટકા બ્રાહ્મણોની સંસ્કૃિત હિંદુ સંસ્કૃિત, ભારતીય સંસ્કૃિત કે રાષ્ટ્રીય સંસ્કૃિત તરીકે ઓળખાય છે.

પછાત જનજાતિઓ જ્યાં સુધી જાગૃત નહોતી થઇ ત્યાં સુધી આ ઢાઈ ટક્કેચી સંસ્કૃિત અને શાસનમાં તેમની નિર્વિરોધ ઈજારાશાહી સામે કોઈ પડકાર પેદા નહોતો થયો. આ પડકાર ભારતમાં ૧૯૫૨ પછી ધીરેધીરે, લોકતાંત્રિક માર્ગે, કોઈ પણ પ્રકારની હિંસા વિના, કોઈ પણ પ્રકારના મોટા આંચકા વિના પેદા થવા લાગ્યો અને કુવા પરના રહેંટની માફક સમાજમાં સ્થાનફેર થવા લાગ્યો. આજે કેન્દ્રમાં અને દેશભરમાં સત્તાસ્થાને બેઠેલા લોકો પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેમાંના અંદાજે ૭૦ ટકા લોકો પછાત જાતિઓમાંથી આવે છે. આવી જ રીતે પત્રકારત્વ, તબીબી વ્યવસાય, વકીલાત, શિક્ષણ કે એવા બીજા કોઈ પણ ક્ષેત્ર પર નજર કરશો તો જોવા મળશે કે એમાં પણ સવર્ણોની ઈજારાશાહી ખતમ થઇ રહી છે. પરિવારના વંશજ રાહુલ ગાંધીને આજે પડકારનારા નરેન્દ્ર મોદી અત્યંત પછાત ઘાંચી જાતિમાંથી આવે છે અને રાહુલના પિતા રાજીવ ગાંધી જ્યારે કેમ્બ્રિજમાં ભણતા હતા ત્યારે નરેન્દ્ર મોદી રેંકડી પર ચા વેચતા હતા. આવી અદ્દભુત શાંત સામાજિક ક્રાંતિ પૂર્વીય સાંસ્થાનિક દેશોમાંથી માત્ર ભારતમાં થઇ છે અને એમાં પરિવારનું આડકતરું યોગદાન છે.

ભારતની અહિંસક સામાજિક ક્રાંતિમાં પરિવારના આડકતરા યોગદાનને સમજવું હોય તો એ પહેલાં બીજા પૂર્વીય સાંસ્થાનિક દેશોમાં શું થયું છે એ સમજવું જરૂરી છે. જેમકે ભારતની સાથે જ આઝાદ થનાર પાકિસ્તાનમાં પણ શાસકોની પહેલી પેઢી ઉચ્ચ કુલીન મુસલમાનોની હતી. ઊંચનીચના ભેદભાવ કોઈને કોઈ સ્વરૂપમાં જગત આખામાં છે અને મુસલમાનો એમાં અપવાદ નથી. પાકિસ્તાનના ૯૫ ટકા નહીં; સો ટકા શાસકો ઉચ્ચ કુલીન હતા, ઉચ્ચ શિક્ષિત હતા અને કેટલાક જમીનદારો હતા. ડિટ્ટો ભારત જેવી જ સ્થિતિ હતી. ફરક એ છે કે ભારતમાં અહિંસક સામાજિક ક્રાંતિ થઇ શકી, જ્યારે પાકિસ્તાનમાં એ શક્ય ન બની. આનાં કેટલાંક મહત્ત્વનાં કારણોમાં એક મહત્ત્વનું કારણ એ છે કે પાકિસ્તાનમાં લોકતાંત્રિક માર્ગે સશકતીકરણ દ્વારા સામાજિક પરિવર્તનને પોષણ આપનારો પરિવાર નહોતો જે ભારતમાં હતો. આ વાત પહેલી નજરે જરા વિચિત્ર લાગશે, પણ એને સમજવાની કોશિશ કરીએ.

પરંપરાગત વગ અને હાથમાં આવેલી સત્તા બને ત્યાં સુધી છોડવી નહીં એવો માનવ-સ્વભાવ છે. ઘરમાં વડીલો પણ બને ત્યાં સુધી રસ્તામાંથી ખસીને નવી પેઢી માટે રસ્તો કરી નથી આપતા એટલે ઘરમાં બે પેઢી વચ્ચે સંઘર્ષ થાય છે. આ દુનિયાનો દસ્તૂર છે અને એમાં કોઈ દેશનો કોઈ સમાજ અપવાદ નથી. ૧૯૪૫ પછી જેટલા દેશો આઝાદ થયા એ બધામાં શાસકોની પહેલી પેઢી પરંપરાગત વગ ધરાવનારા ભદ્રવર્ગની હતી. એમાંના કોઈ સ્વેચ્છાએ પરંપરાગત વગ અને એને કારણે મળેલી સત્તા છોડવા નહોતા માગતા. બીજી બાજુ ધીરેધીરે જાગૃત થઇ રહેલી બહુમતી પ્રજા પહેલાં અધિકાર અને પછી સત્તામાં ભાગ માગવા લાગી હતી. ભદ્રવર્ગ સત્તા છોડવા નહોતો માગતો અને આમવર્ગ સત્તામાં ભાગીદારી માગતો હતો એમાંથી સંઘર્ષ થયો હતો. ૧૯૪૫ પછી જેટલા દેશો આઝાદ થયા હતા એમાંના મોટાભાગના દેશોએ લોકતંત્રનો માર્ગ અપનાવ્યો હતો, પરંતુ હવે પહેલી પેઢીના ભદ્રવર્ગના શાસકો સામે પ્રશ્ન ઉપસ્થિત થયો કે સત્તા બચાવવી કે લોકશાહી? જો લોકશાહી બચાવવી હોય તો બહુમતી આમવર્ગની તરફેણમાં ખસી જવું પડે અને બહુમતીની દયા સાથે જીવવું પડે. જો લોકશાહી બચાવે તો એક દિવસ નરેન્દ્ર મોદી નક્કી કરે કે બ્રાહ્મણ મુરલીમનોહર જોશીને ટીકીટ આપવી કે નહીં? આ અસ્તિત્વનો પ્રશ્ન હતો હતો અને વસમો નિર્ણય હતો. ભારતની આગળપાછળ આઝાદ થયેલા મોટાભાગના દેશોના ભદ્ર વર્ગીય શાસકોએ લોકતંત્રની જગ્યાએ પોતાની સત્તા બચાવવાનો નિર્ણય લીધો હતો, જેમાં એ બધા દેશોએ લોકશાહી ગુમાવી દીધી હતી. પાકિસ્તાનમાં હજુ આજે પણ ભદ્રવર્ગનું શાસન છે.

ભારત આ બાબતમાં નસીબદાર છે અને એની નસીબદારીનાં કેટલાંક કારણોમાં એક કારણ પરિવાર છે. યોગાનુયોગ એવું થયું કે ભારતીય લોકશાહીમાં ભારતની આમજનતા પરિવાર સાથે હતી અને પરિણામે પરિવારની વગ અને સત્તા સુરક્ષિત હતી. સામાજિક પરિવર્તનની ક્રાંતિની કોઈ અંગત અસર પરિવારને થવાની નહોતી. પરિવારની વગ અને સત્તા સુરક્ષિત હતી એટલે એણે સામાજિક પરિવર્તનના રહેંટને અટકાવ્યા વિના ચાલવા દીધો હતો. મુંબઈ પ્રાંતના મુખ્ય પ્રધાનપદે બ્રાહ્મણ મોરારજી દેસાઈની જગ્યાએ મરાઠા યશવંતરાવ ચવાણ આવે અને ચવાણની જગ્યાએ હજી પછાત મારુતિરાવ કન્નમવર આવે કે ગુજરાતમાં બ્રાહ્મણ ઘનશ્યામ ઓઝાની જગ્યાએ પટેલ ચીમનભાઈ આવે કે પટેલ ચીમનભાઈની જગ્યાએ પછાત ક્ષત્રીય જાતિમાંથી આવતા માધવસિહ સોલંકી આવે અને માધવસિંહ સોલંકીની જગ્યાએ આદિવાસી અમરસિંહ ચૌધરી આવે તો પરિવારને કોઈ ફરક નહોતો પડતો. ઉલટું ઝડપથી થઇ રહેલા પરિવર્તનમાં પરિવારને ફાયદો હતો, કારણ કે કોઈ સમાજ કે સમાજની વ્યક્તિ પોતાનું સ્થાન મજબૂત નહોતાં કરી શકતા. પરિવારની વગ અને સત્તા સુરક્ષિત હતી માટે પરિવારે સશકતીકરણના રહેંટને અટકાવ્યા વિના ચાલવા દીધો હતો, બલકે એ વધારે ઝડપથી અને સરળતાથી ચાલી શકે એ માટે એના પૈડામાં ઊંજણ પૂરવાનું કામ પરિવારે કર્યું હતું. અન્ય દેશોમાં ભદ્રવર્ગ અને આમવર્ગ વચ્ચે સીધો સત્તાસંઘર્ષ થયો હતો જેમાં એ દેશોએ લોકશાહી ગુમાવી દીધી હતી, જ્યારે ભારતમાં સત્તાપરિવર્તની પ્રક્રિયાને પરિવારે પ્રોત્સાહન આપ્યું હતું, વેગ આપ્યો હતો અને સંઘર્ષ ન થાય એ માટે બફરનું કામ કર્યું હતું. લોકસમર્થનમાંથી જે સત્તા નીપજતી હતી એ સીધી પરિવારને જતી હતી એટલે ભારતનો ભદ્ર શાસકવર્ગ પરિવારનો ઓશિયાળો હતો. અન્ય દેશોથી ઉલટું, આ ઓશિયાળાપણાને કારણે ભારતનો શાસક ભદ્રવર્ગ પરિવર્તનના રેહેંટને ફરતો રોકી નહોતો શક્યો.

આ કોઈ યોજના નહોતી. નહોતી કોંગ્રેસની, નહોતી પરિવારની કે નહોતી બીજા કોઈની. એ જો યોજના હતી તો દૈવીયોજના હતી એમ જ કહેવું પડે. આઝાદી પછી દેશ પગભર થતો હતો, લોકશાહી હજુ તો પાંગરતી હતી ત્યારે દેશને એક એવો માળી પરિવાર મળી ગયો હતો જેની સત્તા સલામત હોવાને કારણે તેણે લોકશાહીના બગીચામાં દરેક પ્રકારના ફૂલને ઉગવા દીધાં હતાં. આમ આપણે પરિવર્તનની પ્રક્રિયાના સંકટના કાળમાંથી પસાર થઇ ગયા એમાં પરિવારનું આડકતરું કે છૂંપું યોગદાન છે. નરેન્દ્ર મોદી આજે રાહુલને લલકારી રહ્યા છે એમાં રાહુલના બાપદાદાઓનો ફાળો છે. કંઈક અંશે પરિવાર થકી આપણે નસીબદાર છીએ એવું નથી લાગતું?

(સૌજન્ય: લેખકની ‘નો-નોનસેન્સ’ કટાર)

Loading

5 February 2014 admin
← My mother and the Mahatma
‘સ્મરણો દરિયાપારનાં’ : એક મૂલ્યાંકન →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved