Opinion Magazine
Number of visits: 9449609
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘માણસ ગંધાય, માણસ ખાઉં’ વૈશ્વિકીકરણ અને કોરોના

ભરત મહેતા|Opinion - Opinion|31 May 2020

પૃથ્વીને આપણે નારંગી કે સંતરા જેવી કહીએ છીએ. કાર્લ માર્ક્સે આ જ રૂપકનો ઉપયોગ કરીને તેમના મહાગ્રંથ 'દાસ કેપિટલ'માં લખ્યું છે કે 'આ મૂડીવાદીઓ પૃથ્વીના ગોળાને સંતરાની માફક નિચોવશે.'  અમેરિકા પોતાને ત્યાં કનાવા ઘાટીમાં માંડ બનાવી શકે તેવો ઝેરી વાયુ ભારતના હૃદયસમા ભોપાલમાં બનાવતા અચકાતું નથી, અને બંધ કંપનીના લિકેજના કારણે 30 હજાર નાગરિકો મરી જાય છે ! 1990 પૂર્વેની આ ઘટના યુરોપના દેશો સલામત સ્થળ અને સસ્તા શ્રમ માટે શું કરી શકે એની ચેતવણીરૂપ હતી. 1990 પછીના નવ્ય ઉદારવાદમાં આવી ઘટનાઓ વધી. કોરોના એનું જ પરિણામ જણાય છે. કોરોનાએ દુનિયા આખીને પોતાની ઝપેટમાં લીધી છે. તે એક વૈશ્વિક મહામારી છે અને વૈશ્વિકીકરણ સાથે એનો પ્રગાઢ સંબંધ છે.

કોરોનાના આ અનુભવ પછી આપણને એ સમજાયું છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓની નફો મેળવવાની અમાનુષી તરકીબો અને બીજી તરફ વૈશ્વિકીકરણના પ્રભાવમાં રાજ્ય દ્વારા ક્રમશ: આરોગ્ય સુવિધાઓનું ખાનગીકરણ એના પ્રસાર માટે ઘણી હદે જવાબદાર છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ આ વાઇરસ પ્રયોગશાળામાં નથી બન્યો એ ભલે કહ્યું. એ વાત સાવ સાચી પણ છે. છતાં આ સંકટ માનવસર્જિત છે તે સ્વીકારવું પડશે. 1906માં લખાયેલી અપ્ટન સિંક્લરની નવલકથા 'જંગલ'માં માંસ ઉત્પાદન કરતી કંપનીનું વર્ણન કરતાં લખાયું છે કે, 'તમે ત્યાંથી પસાર થાવ તો તમને ભૂંડની કિકીયારીઓ સિવાય બીજું કશું નહીં સંભળાય.' ગઈ સદીની આ કિકીયારીઓ આજે તો ખૂબ જ વધી ગઈ છે.

ખાસ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓએ ખાણીપીણીનું બજાર કબજે કરવા માટે અપ્રાકૃતિક ધોરણે ઉત્પાદન કરી ખેતી (જમીન) અને પશુઓ સાથે અકલ્પ્ય અત્યાચાર કર્યો છે. થોડાં વર્ષ પૂર્વે આવેલો સ્વાઇન ફ્લુ પણ કોરોનાની જેમ પશુ-પક્ષીજન્ય જ હતો અને એની સાથે જ કામ કરતાં, પશુ જેવી મજૂરી ફૂટતાં મજૂરો દ્વારા એ સંક્રમિત થયેલો. આ ઘટનાનું પહેલું ઠેકાણું ચીનના વુહાનનું 'વેટ માર્કેટ' ચીંધાય છે. જેમ ભૂંડનું મોટા પાયે ઉત્પાદન કરતાં મૅક્સિકોમાંથી સ્વાઈન ફ્લુ આવેલો, એ જ રીતે વુહાન ભૂંડના માંસના નિકાસનું મોટું કેન્દ્ર છે. દુનિયામાં છવાયેલી મૅકડોનાલ્ડ અને KFC જેવી કંપનીઓ આ ખરીદે છે.

ભૂંડના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા સ્થાનવાળી અમેરિકન કંપની' સ્મિથફિલ્ડ ફૂડ કંપની' છે. જે પ્રતિ વર્ષ 2.8 કરોડ ભૂંડ કાપે છે! એપલ, નાઇકી, પેપ્સી, જનરલ મોટર્સની માફક આ કંપનીનાં થાણાં ચીનમાં જ આવેલાં છે. ત્યાર બાદ (ભૂંડ ઉત્પાદનમાં) વિશ્વમાં પાંચમાં ક્રમે આવતી ડેનમાર્કની 'ડેનિસ' અને સાતમા ક્રમે આવતી જર્મનીની 'ટોની' સહુ ચીનમાં સક્રિય છે! વળી આ બધી કંપનીઓનાં શેરબજારને કારણે અન્ય જોડાણો પણ થાય છે. 'ગોલ્ડમેન ઝાક્સ' કંપનીએ ચીનમાં 30 કરોડ ડૉલર મરઘાં ફાર્મ પાછળ અને ૨૦ કરોડ ડૉલર ભૂંડના માંસ ઉત્પાદન કરતી કંપની પાછળ રોક્યા છે. વિશ્વમાં 945 અબજ ડૉલરનો માંસનો કારોબાર છે.

આહાર તરીકે વપરાતાં માંસ કે શાકભાજીનું અપ્રાકૃતિક ધોરણે ઉત્પાદન થાય, ત્યારે આવા પ્રશ્નો સર્જાતા હોય છે. ભૂંડ કે મરઘીને સતત દવાઓ અપાય છે, એટલાં ગીચોગીચ રખાય છે કે તે  હાલીચલી પણ ન શકે. મરઘીની પાંખ ખાવામાં કામ લાગતી નથી તેથી કંપનીઓને શ્રમ અને સમયનો બગાડ થાય છે! તેથી એમના જીનમાં ફેરફાર કરી પાંખ આવે જ નહીં અથવા તો નાની આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી. વિજ્ઞાનીઓએ 'ગોલ્ડમેન ઝાક્સ' કંપનીને આવી 'જીન-થેરેપી' યોગ્ય નથી એવું સૂચન કરેલું, પણ જેના માટે મરઘી કમાઉ દીકરો હોય તે આવાં સૂચનોને ગણકારે નહીં. WHO પણ આવાં પ્રતિબંધો લાદતું નથી. આવાં પ્રયોગોનું જ પરિણામ સાર્સ, ઇબોલા, સ્વાઇન ફ્લુ, જીકા, મર્સ અને હવે કોરોના જેવાં વાઇરસ છે. રોબ વાલેસના પુસ્તક ‘બિગ ફાર્મ્સ મેક બિગ ફ્લુ’માં આની ઝીણી વિગતો છે.

ખેતી કે પશુપાલનનું આ ઉત્પાદન ઔદ્યોગિક મૉડેલનું પરિણામ છે. ખેતીમાં પેસ્ટીસાઈડ્સ, હર્બીસાઇડ્સ આવું જ કરી રહ્યા છે. ડાઉ કેમિકલ, મોન્સાન્ટો, બાયર જેવી કંપનીઓ શાકાહારમાં આવું જ કરી રહી છે. આ બાયર કંપનીએ જ હિટલરને ઝેરી ગેસ પૂરો પાડયો હતો. મોન્સાન્ટોએ વિયેટનામને તબાહ કરનાર 'એજન્ટ ઓરેન્જ' ગેસ કે નેપામ બૉમ્બ અમેરિકાને પૂરાં પાડયાં હતા. પંજાબના ખેડૂતોને થતા કેન્સરમાં મોટા પાયે પેસ્ટિસાઇડ્ઝ કારણભૂત મનાય છે. પંજાબથી જયપુર ચાલતી ટ્રેન જે સારવાર માટે જતી હોય છે, તેને પંજાબમાં મજાકમાં 'કેન્સર એક્સપ્રેસ' કહેવામાં આવે છે.

વર્ષ 2018માં WHOએ 172 દેશોમાં 1,483 પ્રકારની મહામારીની વકી હોવાનું જણાવ્યું હતું. ગ્લોબલ પ્રિપેડનેસ બોર્ડે (G.P.M.B.) સપ્ટેમ્બર 2019માં કોરોના જેવાં વાઇરસની ચેતવણી 'અ વર્લ્ડ એટ રિસ્ક' નામના તેના રિપોર્ટમાં આપી હતી. વર્ષ 2007-08થી મંદીના કારણે મૂડીવાદ ખુદ જ ICUમાં હોવાથી આવી ચેતવણી તરફ આંખ આડા કાન કરાયા. વિશ્વબજાર આજે 270 ટ્રિલિયન ડૉલરના દેવામાં છે. એમાં કલ્યાણરાજ્યની કલ્પના જ ક્યાંથી હોય? રાજ્યની નાગરિકો તરફની  ઉપેક્ષા ચિત્રિત કરતી અમેરિકન દસ્તાવેજી ફિલ્મકાર માઈકલ મૂરની ફિલ્મ 'જોન પીલ્જર' આ સંદર્ભે જોવા જેવી છે. ત્રણ દાયકાના વૈશ્વિકીકરણનું પરિણામ એ છે કે આ વિશ્વની મહાસત્તા પાસે દવા કે વેન્ટિલેટર્સ નથી! બીજી તરફ વિશ્વના 2,153 લોકો પાસેની સંપત્તિ, વિશ્વના 4 અબજ, 60, કરોડ વ્યક્તિની સંપત્તિ બરાબર છે. આ ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ વૈશ્વિકીકરણ છે. જ્યાં આવું નથી ત્યાં ચિત્ર જુદું છે. ક્યુબામાં કોરોના તો નથી, પરંતુ વિશ્વના 62 દેશોમાં એમના ડૉક્ટર સેવા આપે છે. સમાજવાદી વૈશ્વિકીકરણ અને સામ્રાજ્યવાદી વૈશ્વિકીકરણનો આ ફરક છે.

કોરોનાથી માત્ર નાગરિકો જ નથી મરી રહ્યા. નાગરિક-જાગૃતિનું પણ મૃત્યુ થયું છે. 2019નું વર્ષ, 1848 કે 1967ની માફક વિશ્વમાં જનઆંદોલનથી ગૂંજતું વર્ષ હતું. ઘરઆંગણે JNU, શાહીનબાગ કે CAAની લડત નોંધી શકાય. આવી મહામારી તાનાશાહીને લડત દાબી દેવા મોકો આપે છે. આજે ‘પિંજરા તોડો’ની બહેનો પર, નવલખા કે આનંદ તેલતુંબડે જેવા લેખકો પર કાર્યવાહી થઈ રહી છે. સેંગર અને સાધ્વી પ્રજ્ઞા છુટ્ટાં ફરે છે, પણ સ્થળાંતરિત મજૂરો વિશે લખનાર હિમાચલના 6 પત્રકારો પર સરકાર FIR દાખલ કરે છે. ફેસબુક પર સરકારની ટીકા કરનાર કૈલાશ ભટ્ટની ધરપકડ કરાય છે! બીજી તરફ શ્રમકાનૂનને હળવા કરવા ઉદ્યોગપતિઓને ભરચૂર લોન માફી અને પછી લોન આપી, નવ જાહેર એકમોનું લીલામ પ્રજાના પ્રતિરોધ વિના કરી શકાય છે. કેન્યામાં કોરોના કરતાં પોલીસ ગોળીબારથી મરનારની સંખ્યા વધુ છે. કોલંબિયામાં પોલીસ અને  કેદીઓ સામ સામે આવી ગયા છે. ઉત્તર પ્રદેશમાં યોગીજી સ્થળાંતરિત મજૂરોને મદદ કરતા નથી, કરવા દેતા ય નથી! ધરપકડ પર ધરપકડ કરી રહ્યા છે.

લૉક ડાઉનમાં નાગરિક માછલીઘરની માછલીઓ જેવો થઈ ગયો છે. ઘણા એવું કહ્યા કરે છે કે કોરોનાએ અમીર-ગરીબનો ભેદ રહેવા દીધો નથી. આ એક ભ્રમ છે. વતનમાં નહીં જઈ શકનાર સુરતના મજૂરોએ આત્મહત્યા કરી છે. વતન જઈને માને પગે પડે, એ પહેલાં જ હાથ-પગ પર ટ્રેન ફરી વળી છે કિલોમીટરના કિલોમીટર આ ટોળાં ચાલી રહ્યાં છે. એમના રક્તથી રંજિત હાઈવે રૂપક બની ગયો છે. અમેરિકામાં મરનારામાંના 70 ટકા આફ્રિકન-અમેરિકન છે. નેતાઓ, અમીરોનો મૃત્યુઆંક શૂન્ય છે. આજીવિકા માટે ફાંફા પડતાં હોય તેમની વાત જુદી છે. સામાજિક દૂરતા ઝૂંપડપટ્ટીમાં સપનાં સમાન છે. ધારાવી ઝૂંપડપટ્ટીમાં 16 લાખ લોકો પણ રહે છે! મુકેશ અંબાણીની લોક ડાઉનમાં કમાણી 17 ટકા વધી છે. અમેરિકાનું ચિત્ર પણ આવું જ છે. ત્યાં કોરોનાને કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી છે, તો બીજી તરફ ઉદ્યોગપતિની સંપત્તિમાં 434 અબજ ડૉલરની વૃદ્ધિ થઈ છે. એમેઝોનના CEO જેફ બેઝોસની સંપત્તિ 34.5 અબજ ડૉલર વધી. ફેસબુકના માર્ક ઝૂકસબર્ગની સંપત્તિ 25 અજબ ડૉલર વધી. અમેરિકાના શીર્ષસ્થ પાંચ ઉદ્યોગપતિઓ — જેફ બેઝોસ, બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, લેરી એરિસન (ઓરેકલવાળા) અને વૉરેન બફેટની કુલ સંપત્તિમાં આ દિવસોમાં ૧૯ ટકા વૃદ્ધિ થઈ છે. જેમ પૂર આવે અને પછી એની તબાહીનાં દૃશ્યો નજરે પડે, એવી રીતે કોરોનાનો પ્રભાવ આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.

છતાં, અત્યારે પણ અમાનવીય દૃશ્યો નજરે પડી રહ્યાં છે. 60 વર્ષથી ઉપરના નાગરિકને સ્પેનમાં ICUની સગવડ માટે મનાઈ છે. ટ્રમ્પે પણ વૃદ્ધો માટે આવું જ કહ્યું છે. અમેરિકન અબજોપતિ ટોમ ગેલિસાનોએ 'બ્લૂમબર્ગને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થાને જાળવવા કેટલાંકે મરવું પડશે ! સંક્રમિત થઈને માંડ માંડ બચેલાં બ્રિટનના પ્રધાનમંત્રીએ પણ આવા જ ઉદ્ગાર કાઢેલા. ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલ 'હવે તો ભગવાન બચાવે તો ખરું' એ મતલબનું કહી રહ્યા છે. ગુજરાત હાઇ કોર્ટે ગુજરાત સરકારને ઓછાં ટેસ્ટિંગ બદલ ખખડાવી છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનના અધ્યક્ષ દુષ્યંત દવેએ મજૂરોના સંદર્ભે સુપ્રીમ કોર્ટે એફિડેવિટની ચકાસણી ન કરી, તેની ટીકા કરી છે. ટ્રમ્પ પ્રાર્થનાઓ કરવાનું કહી રહ્યા છે. કોરોના સિવાયના દરદીઓ માટે સરકારી કે ખાનગી દવાખાના બંધ છે બિહારમાં 18 જિલ્લાઓમાં એક પણ વેન્ટિલેટર નથી. અમસ્તા પણ ભારતમાં પ્રતિ વર્ષ લાખો નાગરિકો આરોગ્યની અપૂરતી સુવિધાના કારણે મૃત્યુ પામે છે. સંકટમાં આંકડો વધશે. 94 ટકા શ્રમશક્તિ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. ખબર નથી એનું શું થશે. ILOના અંદાજ મુજબ ભારતમાં 40 કરોડ લોકો બેરોજગાર થશે!

કોરોના ટેસ્ટિંગ ભારતમાં દસ લાખે 137, ઇટલી-જર્મનીમાં 15,000 પાકિસ્તાનમાં 262 અને શ્રીલંકામાં 152 ! આ શરૂઆતનો  આંકડો હતો. વળી, પરીક્ષણ ગંભીર રીતે થતાં નથી. કનિકા કપૂરે જ ક્રમશ: સાત વાર ટેસ્ટ કરાવવાં પડેલા! કોરોના પછીના ગાળામાં દુનિયાભરમાં પર્યાવરણ, સ્વાસ્થ્ય, ગરીબી, જળ-જંગલ-જમીનના આંદોલનો, મજૂરોને સુવિધા માટેની લડતો તીવ્ર બનશે. અત્યારે જ ભારતના મહાનગરોમાંથી મજૂરો ચાલ્યા જતાં ઝૂંપડપટ્ટી પર કબજો જમાવવા બિલ્ડર લૉબી સક્રિય થઈ ચૂકી છે.

14મી સદીમાં પ્લેગના કારણે 33 ટકા યુરોપ નષ્ટ થઈ ચૂક્યું હતું. તેથી લોકોએ ચર્ચ પરથી આસ્થા ગુમાવી, જેને કારણે વૈજ્ઞાનિક ચેતના પ્રગટી અને નવજાગૃતિકાળ આવ્યો. કાશ, કોરોના પછી આપણે ત્યાં આવું કંઈક થાય. ઇતિહાસ ક્યારે ય 'આવજો' નથી કહેતો, 'ફરી મળીશું' એમ જ કહે છે.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 31 મે 2020

Loading

31 May 2020 admin
← મહામારી અને યુવાનોનો રાજનીતિ પ્રત્યેનો અભિગમ
આ મુશ્કેલ સમયમાં (19) →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved