સનસનીખેજ થઈ ખબર સૂતી,
છીનવી બાળનું છતર સૂતી.
આભ ઓઢી ધરાના પાથરણે,
જીવતીજાગતી કબર સૂતી.
પીળ કાઢો ને ચીર ઓઢાડો,
એક નારી લઘર-વઘર સૂતી.
બાળ એનો જીવાડશે એને,
થઈને ઇતિહાસમાં અમર સૂતી.
આપસૌને શરમમાં ડુબાડી,
ભર બજારે શરમ વગર સૂતી.
લે હવે બાઈ, મોક્ષ પામી જા,
આમ ના જો ટગર-ટગર સૂતી.
કોણ તારા મરશિયા લખવાનું?
પેન બેહોશ, બેઅસર સૂતી.
ક્યાંય આઘે નથી બની આ બીના,
લ્યો કવિ, આપને નગર સૂતી.