જીવું કે હું મરું, બોલ તું,
ભૂખમાં શું કરું, બોલ તું.
નાવ મારી છે મઝધારમાં,
કેમ દરિયો તરું, બોલ તું.
ગોદડી હોય તો પાથરું,
પેટ ક્યાં પાથરું, બોલ તું.
ક્યાં જવું, ક્યાં રહેવું હવે,
ના રહ્યું છાપરું, બોલ તું.
મૂળમાં ઘા લાગ્યો કારમો,
કેમ હું પાંગરું, બોલ તું.
વાત હું મનની કોને કહું,
કેટલું કરગરું, બોલ તું.
ભૂખમાં દેહ સોંપી દીધો,
ક્યાં રહી આબરૂ, બોલ તું.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020