બહુ ઊંડો છે દીકરા મારા
આખું જીવતર ભર ભર કર્યો
તો ય પુરાણો નથી.
તારા બાપના ને મારા પરસેવાને
ખેતરની માટીમાં
સીંચ્યા છે ત્યારે
રાજના કોઠારમાં
અનાજના ડુંગર ખડકાણા છે
પણ એમાં
મુઠ્ઠી ધાન આપણું નથી
આ ઊંચાં ઝાડ
આપણે વાવ્યાં'તાં
પણ એનો છાંયો
આપણો નથી
આપણાં પંડને પીલીને
એમણે તિજોરીઓ છલકાવી છે
એમાંથી દોકડો ય નહીં મળે તને ને મને
ટાઢોડામાં બેહીને એમનાં કૂતરાં ય
ખાશે મનભાવતું પેટ ભરીને
આપણને તો
હૈડ હૈડ જ મળશે
એમનાં તો સરોવર ભર્યાં ભર્યાં
આપણા તો વીરડા ય સુકાણા
હવે તરહ લાગે તો
આપણાં જ આંસુ પીવાનાં
હાલ્ય મારા વાલા, હાલ્ય
આપણી તો આ ધગધગતી સડક
ને માથે ધોમધખતો તાપ
જીવશું તો ભાળશું
આપણું ખેતર ને ખોરડું
ને ત્યારે ઠરશે સંતાપ
હાલ્ય મારા દીકરા, હાલ્ય
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020