હું કોઈ અંધારિયા કૂવાને થાળે ઊભો છું
જે પૂરી ધરતીને વચ્ચેથી છેદી રહ્યો છે.
તું ધરતીને બીજે છેડે છો.
બસ, આપણે તો એક ફોનના દોરડાથી જોડાયેલાં છીએ
આપણો અવાજ તરી જાય છે એક દોરાની આરપારથી
કાંપતો હોવા છતાં પણ આ દોરો જ
ભીનાશ અને અંધકારમાં, એક આપણો સેતુ છે.
આપણો અવાજ ધીમે ધીમે અરસપરસ તરફ ગતિ કરે છે
એટલો સમય લાગે છે કે વાત કાનાફૂસીમાં પલટાઈ જાય છે.
સમયની દેગડીમાં ખદબદે છે શોકગીતો
હું બેચેન થઈ જાઉં છું વારંવાર
પરંતુ દિલની ધડકન અને શ્વાસની ધમણને સલામત રાખે છે દોરો.
દોરામાંથી ટપકી રહ્યું છે રક્ત
ધરતીને બીજે છેડે તને ચાવી રહ્યો છે એક મગરમચ્છ
મને નથી ખબર કે કેટલી ઘાયલ થઈ છે તું
પરંતુ મને તારો કણસાટ સંભળાઈ રહ્યો છે,
મારી ભીતર અંકિત થઈ રહ્યું છે તારું દર્દ
અંધકાર અને ફાસલો કેટલા લાચાર કરી દે છે આપણને
ધરતીને બે અજાણ છેડે રહેતાં હું ને તું અને
આપણી વચ્ચે નિરંતર વહેતો
જિંદગીનો આ આલાપ કેટલો બેસૂરો અને હૃદયહીન છે.
મારી અને તારી વચ્ચે બસ એક સંબંધ છે
જેથી એકબીજાનું રક્ત સૂંઘી લઈએ છીએ
ભલેને આપણે બે છેડે રહેતાં હોઈએ.
આ કોઈ લોહીની સગાઈથી ઓછી બાબત છે?
દોરો સુખને નહીં તો દુ:ખને તો જોડે જ છે.
મને માફ કરજે, દોસ્ત,
આપણે તો ધરતીના અસંભવ સમયમાં
જીવવાની કોશિશ કરી રહ્યાં છીએ.