કોવિડ-૧૯ની મહામારીને ખતમ કરવા માટેની દેશવ્યાપી તાળાબંધીને પચાસ દિવસ પૂરા થયા છે, ત્યારે અત્યાર સુધીની પરિસ્થિતિનું આકલન કરીને નીચેના પ્રશ્નોના તથ્યો આધારિત જવાબો મેળવવા ખૂબ જરૂરી છે :
૧. આ તાળાબંધી કેટલી જરૂરી હતી? ૨. મહામારીને અટકાવવામાં તે કેટલી અસરકારક રહી છે? ૩. અત્યારની પરિસ્થિતિ શું છે? ૪. આવનારા દિવસોમાં શું કરવાની જરૂર છે?
વાઇરસને રોકવા માટે ૧.૩૫ અબજ લોકોની વસતિવાળા આખા દેશને બંધ કરી દેવાનો આ કદાચ પહેલો દાખલો હશે. છતાં, ખતરનાક બીમારીથી બચવા માટે એમ કરવું જરૂરી છે, એમ માનીને આપણે સૌએ તેને ટેકો આપ્યો છે – અનેક મુશ્કેલીઓ વેઠીને તેનું પાલન પણ કરી રહ્યા છીએ. સરકારના પ્રખર આલોચકોએ પણ તાળાબંધીની જરૂરિયાતના મુદ્દે સરકારની કોઈ ટીકા નથી કરી. સંકટના સમયે આમ આખો દેશ એક થાય એ ઘણી સરાહનીય બાબત છે. આમ છતાં, અને કદાચ એટલે જ, પચાસ દિવસ પછી ઉપરના પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ જરૂરી છે. લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે એ આપણી ફરજ પણ છે.
એ તો સૌ સ્વીકારે છે કે આ તાળાબંધી તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેને કારણે આપણે ખૂબ મોટી આર્થિક અને સામાજિક કિંમત ચૂકવી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં હજી વધારે કિંમત ચૂકવવાની થશે. આપણે એ પણ જાણીએ છીએ કે આ પગલાંઓને લીધે સરકારોની અને ખાસ કરીને પોલીસની દંડાત્મક સત્તામાં અસીમ વધારો થઈ ગયો છે, જેનો દુરુપયોગ પણ થઈ શકે છે અને તે જોવા પણ મળી રહ્યો છે. દેશમાં જ્યાં ઇચ્છીએ ત્યાં રહેવાના અને કામ ધંધો કરવાનો મૂળભૂત અધિકાર અને સ્વતંત્રતા પણ કોરાણે મુકાઈ ગયાં છે. તેમ છતાં એક વાઇરસે પેદા કરેલા અસાધારણ સંકટનો સામનો કરવા માટે આ પગલાંને આપણે વાજબી માન્યાં છે. એટલે આ લેખમાં વર્તમાન સ્થિતિમાં ઊભા થયેલા બીજા મુદ્દા બાજુ પર રાખીને, લેવાયેલાં પગલાં કેટલાં જરૂરી હતાં અને કેટલાં અસરકારક પુરવાર થયાં છે, એની જ ચર્ચા કરીશું.
01 માર્ચથી 12 મે, 2020 સુધીમાં ભારતમાં પ્રતિદિન દસ લાખની વસ્તીએ નોંધાયેલા કોવિડ-19ના નવા કેસ, સ્રોત : ભારત સરકાર
ભારતમાં કોરોના મહામારીની તરાહ અને સ્થિતિ
ઉપરનો આલેખ આપણા દેશમાં ૧લી માર્ચથી ૧૨ મે ૨૦૨૦ સુધી દરરોજ કોવિડ-19ના કેટલા નવા કેસ નોંધાયા તે દર્શાવે છે. ડાબી ધરી દરરોજ નવા કેટલા કેસ નોંધાયા તે દર્શાવે છે. (આ આંકડા પાંચ દિવસની ચાલુ સરેરાશના સ્વરૂપમાં હોય છે, જેથી રિપોર્ટીંગની ભૂલોને કારણે પેદા થતી વિસંગતિ દૂર થઈ જાય). જમણી ધરી દસ લાખની વસતિએ કુલ કેટલા નવા કેસ નોંધાયા તે દર્શાવે છે. આલેખ દર્શાવે છે કે ૨૪ માર્ચના રોજ જ્યારે તાળાબંધી લાદવામાં આવી ત્યારે દૈનિક નવા કેસની સંખ્યા ૯૫ (દર દસ લાખની વસતિએ ૦.૦૬ની) જેટલી હતી. ત્યાં સુધીમાં કુલ ૪૬૯ કેસ નોંધાયા હતા અને ૧૦ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આ તમામ કેસ વિદેશપ્રવાસેથી પાછા આવેલા કે તેમનાં કુટુંબીજનો કે તેમના સીધા સંપર્કમાં આવેલા લોકોના જ હતા.
આલેખ પરથી જોઈ શકાય છે કે ૨૫મી માર્ચ પછી પણ નવા કેસની સંખ્યા સતત વધતી જ રહી છે અને ૧૨ મે સુધીમાં રોજના ૩,૭૦૦ (દસ લાખની વસતિએ ૨.૮) કેસ સુધી પહોંચી ગઈ છે. શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૭૪,૨૮૧ કેસ (દસ લાખે ૫૪) થયા છે અને કુલ મૃત્યુ ૨,૪૧૫ (દસ લાખે ૧.૭૮) થયાં છે. આ તમામ કેસ એવા છે જેમનો ટેસ્ટ પૉઝિટિવ હોય. આઇ.સી.એમ.આર.ના પ્રતિનિધિએ ૨૧મી એપ્રિલના રોજ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યા મુજબ, લગભગ ૮૦ ટકા કેસમાં રોગનાં કોઈ લક્ષણ જોવા મળતાં નથી. બીજા ૧૫ ટકા કેસમાં હળવાંથી મધ્યમ લક્ષણો જોવાં મળે છે અને ફક્ત પાંચ ટકા જ ગંભીર લક્ષણો ધરાવે છે, જેમને વૅન્ટિલેટરની જરૂર પડી શકે છે.
આ આંકડા શું દર્શાવે છે?
સૌ પ્રથમ તો આંકડા એ દેખાડે છે કે માર્ચ મહિનામાં દેશમાં કોરોનાને લઈને એવી કોઈ જ કટોકટી ઊભી નહોતી થઈ કે જેને ડામવા માટે આવી દેશવ્યાપી તાળાબંધી કરી દેવી પડે. ૨૪ માર્ચ સુધીમાં દેશમાં કોરોનાના પાંચસોથી ઓછા કેસ નોંધાયા હતા અને એમાંથી દસ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આની તુલનામાં આપણા દેશમાં દરરોજ ટી.બી.ના સરેરાશ ૭,૩૭૦ નવા કેસ થાય છે અને રોજ ૧,૨૬૦ જેટલાં લોકો મૃત્યુ પામે છે. તેમ છતાં, હજી સુધી કોઈએ ટી.બી.થી થતાં મૃત્યુથી બચાવવા માટે તાળાબંધી કરવાની હાકલ કરી નથી.
એવું કહેવાય છે કે આ એક નવો જ રોગ છે, જેની સામે કોઈ દવા કે રસી નથી અને એણે બીજા દેશોમાં તબાહી મચાવી જ દીધી હતી, એટલે આપણા દેશમાં એને ઊગતો જ ડામી દેવા માટે તાળાબંધી જરૂરી હતી. નવા રોગને ઊગતો ડામી દેવાનો ઉદ્દેશ્ય તો ઉમદા જ હતો અને એની સામે કોઈને વાંધો ન જ હોય. પરંતુ એ માટે શું તાળાબંધી જ ઉપાય હતો? તે માટેનો સારામાં સારો ઉપાય તો એ દિવસોમાં વિદેશથી આવનારા બધા જ લોકોને પંદર દિવસ માટે ક્વૉરન્ટીન કરી દેવાનો હતો, જેથી એમાં કોઈ પણ વ્યક્તિ ચેપવાળી હોય તો તે પોતાના ઘરે જતાં પહેલાં સાજી અને વાઇરસમુક્ત થઈ જાય. પરંતુ આપણે તેમ ન કર્યું. માત્ર તેમને ચકાસીને જેમનામાં લક્ષણો હતાં એવા જ લોકોને અલગ કરીને ક્વૉરન્ટીન કરેલા. આના કારણે લક્ષણો વગરના ઘણા લોકો બહાર આવી ગયા અને રોગ ફેલાવવા લાગ્યા. માર્ચના અંતમાં પણ, છેલ્લા એક મહિનામાં વિદેશ યાત્રાથી પરત ફર્યા હોય તેમને અને તેમના સંપર્કોને શોધીને એમને પંદર દિવસ માટે અલગ (ક્વૉરન્ટીન) કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હોત, તો પણ એ આખા દેશને બંધ કરી દેવા કરતાં સહેલું હતું.
બીજી વાત આ આંકડા એ કહે છે કે જો તાળાબંધી કરવી જ હતી, તો પણ પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે જતા અટકાવવા માટે કોઈ કારણ નહોતું. ત્યારે આખા દેશમાં પાંચસોથી પણ ઓછા કેસ હતા અને તે પણ વિદેશ-યાત્રાથી પાછા આવેલાં કે એમનાં કુટુંબીજનોમાં જ હતા. એટલે તે સમયે સ્થળાંતરિત શ્રમિકોને આ રોગનો ચેપ લાગ્યો હોવાની સંભાવના શૂન્ય હતી. અને એટલે તે પોતાની સાથે વાઇરસ લઈ જશે અને પોતાના વતનનાં ગામો અને નગરોમાં તે ફેલાવશે એ વાત સાવ કાલ્પનિક હતી. તેમ છતાં, આપણે તેમને વતન જવા દેવાનો કોઈ સમય પણ ન આપ્યો અને વ્યવસ્થા પણ કરી નહીં. એટલું જ નહીં, નાનાં બાળકો, વૃદ્ધ કે સગર્ભા બહેનો સહિત તેઓ જ્યારે પોતાની રીતે પગે ચાલીને જવાં માંડ્યાં, ત્યારે એમને રસ્તામાં જ રોકી દીધાં કે કામચલાઉ જેલોમાં પૂરી દીધાં અને કેટલાયે કેસમાં તેમની સાથે પ્રાણીથી પણ બદતર વ્યવહાર કર્યો. પોતાના બાવડાના બળે પ્રામાણિક રોજી રળતાં આ લોકોને બીજાની દયામાયા પર જીવવાને મજબૂર બનાવી દીધાં. સ્થળાંતરિત શ્રમિકો સાથેનો આ વ્યવહાર તાળાબંધી પરનો મોટામાં મોટો ધબ્બો છે.
ત્રીજી બાબત આ આંકડા એ જણાવે છે કે તાળાબંધી અને સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા આપણે મહામારીને ઊગતી જ ડામી દેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છીએ. હકીકતમાં તો કેસોની સંખ્યા દિવસેદિવસે વધતી જ રહી છે અને હવે તો કુલ કેસોની સંખ્યા ૭૪,૨૮૧ જેટલી થઈ ગઈ છે અને રોજના ૩,૭૦૦ નવા કેસ નોંધાયા છે. તબીબી નિષ્ણાતો એક દલીલ એવી કરે છે કે આ તાળાબંધીનો ઉદ્દેશ્ય વાઇરસને શરૂઆતમાં જ ખતમ કરી દેવાનો નહીં, પરંતુ તેની ઝડપ ઓછી કરી દેવાનો હતો, જેથી એક દિવસના મહત્તમ કેસોની શિખરસંખ્યા (ટોચ) નીચે લાવી શકાય અને આપણી આરોગ્યવ્યવસ્થા વધારે પડતા કેસોના ભારથી તૂટી ન પડે.
પરંતુ એ પણ ખાસ મોટા પાયે થઈ રહ્યું હોય એવું જોવા મળતું નથી. નવા કેસ વધવાનો દર કદાચ થોડોઘણો ધીમો થયો હશે, પરંતુ હજી તો આપણે ટોચ પર પહોંચ્યા નથી. અને અત્યારે તો હવે જે ઝડપથી કેસ વધી રહ્યા છે એ જોતાં કોઈ ખાસ ફરક પડશે એમ જણાતું નથી.
આની સાથે જોડાયેલો મુદ્દો એ છે કે એ સ્થિતિમાં એક રસ્તો શરૂઆતમાં મહામારીને રોક્યા વિના આગળ વધવા દેવાનો છે, જેથી કરીને વધારે ને વધારે લોકો એની સામે ઇમ્યુનિટી મેળવતા જાય અને આપણે ‘હર્ડ ઇમ્યુનિટી’ પ્રસ્થાપિત કરી શકીએ. શરૂઆતમાં કોઈમાં આ વાઇરસ સામેની ઇમ્યુનિટી હોતી નથી, એટલે તે ઝડપથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવા માંડે છે. પરંતુ જેમ જેમ વધારે ને વધારે લોકોને એનો ચેપ લાગતો જાય છે, તેમ તેમ તે સૌ તેની સામે ઇમ્યુનિટી પણ મેળવતા જાય છે અને એટલે ફરી એમને એ રોગ લાગી શકતો નથી. આવી ઇમ્યુનિટી ધરાવનાર વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં વધતું જાય એટલે વાઇરસ માટે ઇમ્યુનિટી વગરની વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું મુશ્કેલ બનતું જાય છે અને વાઇરસ નવી વ્યક્તિને ચેપ આપ્યા વગર જ મરવા માંડે છે. આમ થોડા વખતમાં આ મહામારી ખતમ થઈ જાય છે, સમાજમાં ઇમ્યુનિટી વગરની ઘણી વ્યક્તિઓ હોવા છતાં. સમાજમાં લોકો રોગ થવાને કારણે તેની સામે ઇમ્યુનિટી મેળવી લઇને પોતાને જ નહીં, બાકીના ઇમ્યુનિટી વગરના લોકોને પણ રોગ સામે રક્ષણ આપે છે. આ બાબતને હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) કહે છે.
હર્ડ ઇમ્યુનિટી પછી જરૂર પડે તો પાછળથી સોશિયલ ડિસ્ટન્સિંગ કે તાળાબંધી જેવા ઉપાય પણ લાગુ કરી શકીએ, જેથી હર્ડ ઇમ્યુનિટી અને આ ઉપાયો એમ બંને મળીને મહામારીને ઝડપથી ખતમ કરી દે. સાથે સાથે જેમને એનાથી વધારે જોખમ છે એવા ૬૫ વર્ષથી મોટાં તેમ જ બીજી ગંભીર બીમારી ધરાવનારાઓને પહેલેથી અલગ રાખીને રોગથી બચાવી શકીએ. પરંતુ એમ ન કરતા આપણે શરૂઆતથી જ આખા દેશમાં તાળાબંધી લાગુ કરી દીધી. એમ કરવાથી મહામારી વધારે સમય સુધી રહે છે અને હર્ડ ઇમ્યુનિટી સ્થપાતી નથી, પરિણામે પ્રતિબંધો ઉઠાવી લઇએ ત્યારે મહામારી પાછો ઊથલો મારે છે અને ફરી શરૂ થઈ જાય છે.
અત્યારની પરિસ્થિતિ શી છે?
વધતા જતા કેસ સાથે પણ આપણા દેશની પરિસ્થિતિ હજુ એટલી ખરાબ નથી અને બીજા દેશોની સરખામણીમાં તો ઘણી સારી છે. અત્યાર સુધીમાં આપણે ત્યાં ૭૪,૨૮૧ જેટલા કેસ થયા છે એટલે કે દસ લાખે ૫૪ કેસ. તેમાંથી ૨,૪૧૫ મરણ થયાં છે. પ્રતિદિન નવા કેસની સંખ્યા ૩,૭૦૦ (દસ લાખે ૨.૮) જેટલી છે. આની સરખામણીમાં અમેરિકાના કુલ ૧૨ લાખ (દસ લાખે ૩,૬૦૦) કેસ નોંધાયા છે અને ૭૦,૦૦૦ (દસ લાખે ૨૦૦) લોકો મૃત્યુ પામ્યા છે. યુરોપમાં ૧૪ લાખ કેસ તથા ૧.૪૪ લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
આપણી સ્થિતિ સારી છે તે તાળાબંધીને લીધે છે એવી પણ એક દલીલ થઈ રહી છે. પરંતુ એ સાચું નથી. તાળાબંધી, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેથી પરિસ્થિતિ થોડી હળવી થઈ શકે છે, આવો ધરખમ તફાવત નથી પડતો. અને એમ હોત તો આંકડાઓમાં એ જરૂર દેખાત.
આપણી પરિસ્થિતિ સારી છે એનું એક કારણ કદાચ એ છે કે દક્ષિણ-પૂર્વી એશિયાના અન્ય દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડની જેમ આપણા દેશમાં પણ જે વાઇરસ આવ્યો એ નરમ પ્રકારનો છે, જ્યારે દક્ષિણ કોરિયાથી ઇરાન થઇને ઇટાલીથી ન્યૂયોર્ક ગયેલો વાઇરસ વધારે તીવ્ર પ્રકારનો હતો. બીજું કારણ એ પણ હોઈ શકે કે આપણે ત્યાં આ મહામારી શિયાળો પૂરો થયા પછી, માર્ચ મહિનામાં ફ્લુની સીઝન પૂરી થયા પછી શરૂ થઇ એટલે પણ એ નરમ હોય. એ જે હોય તે, પણ આપણે ભૂલવું ન જોઇએ કે તાજેતરમાં જે ઝડપથી કેસ વધવા માંડ્યા છે તે જોતાં હજી પણ પરિસ્થિતિ વણસી શકે છે. એટલે બધું સારું છે એમ માનીને શાંતિથી બેસી શકીએ એમ નથી.
હવે શું કરવું જોઇએ?
એ તો સ્પષ્ટ છે કે તાળાબંધી કે સોશિયલ ડિસ્ટન્સિંગ કે જેમને ચેપ લાગ્યો હોય એ બધાને શોધીને અલગ હૉસ્પિટલમાં ક્વૉરન્ટીન કરી દઈને મહામારીને આગળ વધતી અટકાવવાના પ્રયત્નો કેસ ઓછા હતા ત્યારે પણ નિષ્ફળ ગયા છે. એટલે હવે જ્યારે કેસ ખૂબ વધી ગયા છે ત્યારે એ ઉપાયો ચાલુ રાખવાનો કોઇ મતલબ નથી. તેને બદલે, નવો જ અભિગમ અપનાવીને આ તાળાબંધીના પ્રતિબંધોને દૂર કરવા જોઈએ અને જેમને તેનાથી જોખમ નથી એ લોકોમાં આ રોગ ફેલાવા દેવો જોઈએ, જેથી ઝડપથી હર્ડ ઇમ્યુનિટી પ્રસ્થાપિત થવા માંડે. આપણી બધી શક્તિ અને ધ્યાન વૃદ્ધો તેમ જ ગંભીર બીમારીવાળાં લોકોને આ રોગથી બને ત્યાં સુધી બચાવવા માટે તેમ જ રોગ થાય તો તેમને તરત જ યોગ્ય સારવાર મળી રહે તેના પર કેન્દ્રિત કરવું જોઇએ. વેલોર મૅડિકલ કોલેજના ડૉ. જયપ્રકાશ મુલીયિલ જેવા પ્રતિષ્ઠિત એપીડેમીયો-લૉજિસ્ટ ૧૪મી એપ્રિલે તાળાબંધીનો પહેલો તબક્કો પૂરો થયો ત્યાર પહેલાંથી આ અભિગમ અપનાવવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ આપણે એ ધ્યાને નથી લીધી. કમ સે કમ હવે તો એ ધ્યાને લઈએ, એ સમયનો તકાજો છે.
મહામારીને ખતમ કરવા માટે એને વધવા દેવાનો આ અભિગમ સહેલાઈથી ગળે ઊતરે એવો નથી અને કેસ જ્યારે કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોય, ત્યારે તો એ અપનાવવાની બીક લાગે એ પણ સ્વાભાવિક છે. પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે વ્યવહારમાં (એની રસી ન મળે ત્યાં સુધી) એકમાત્ર હર્ડ ઇમ્યુનિટી જ આ મહામારીને ખતમ કરી શકે છે. અને એ પણ ન ભૂલવું જોઈએ કે આ રોગના ૮૦-૯૦ ટકા કેસો કાં તો લક્ષણો વગરના કે ખૂબ હળવાં લક્ષણોવાળા જ છે, જેમને કોઈ સારવારની જરૂર નથી. એટલે ૭૦,૦૦૦ કેસમાંથી પણ ૭,૦૦૦થી ૧૪,૦૦૦ એવા કેસ છે જેમને કદાચ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે અને માત્ર ૩,૫૦૦થી ૭,૦૦૦ કેસમાં જ ઑક્સિજન કે વૅન્ટિલેટરની જરૂર પડી શકે એમ છે. આ અભિગમ અપનાવવાનો અર્થ એ થાય કે:
૧. તમામ ચેપી કેસ અને તેમના સંપર્કોને શોધીને એમને ક્વૉરન્ટીન કરવાના બધા પ્રયાસ બંધ કરી દેવા જોઈએ. આ ઉપાયો કારગત નથી નીવડ્યા અને વધતા જતા કેસો જોતાં એનો અમલ કરવો-કરાવવો અશક્ય છે.
૨. જેટલું બને એટલું જલદી તાળાબંધીનો અંત લાવીને, બને એટલી ઝડપથી ઉદ્યોગો, ધંધા, રસ્તા, રેલવે તેમ જ વિમાન દ્વારા થતા જાહેર પરિવહન પરના તમામ પ્રતિબંધ હટાવવા જોઈએ અને શાળાઓ-કોલેજોને ખોલવાં જોઈએ.
૩.માસ્ક પહેરવો, બે મીટરનું અંતર જાળવવું જેવા સામાજિક અંતર જાળવવાના નિયમોના ફરજિયાત અમલીકરણનો અંત લાવવો જોઈએ. જે લોકો તેનું પાલન કરવા માગતા હોય તે ચોક્કસ એમ કરી શકે છે.
૪. વૃદ્ધો અને ગંભીર રોગો ધરાવતી વ્યક્તિઓને કાયમ, પોતાનાં ઘરોમાં પણ, કડક સામાજિક અંતર (માસ્ક, અંતર વગેરે)નું પાલન કરવાની સલાહ આપીને ચેપથી બચાવીએ. અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, તે ઘરના અન્ય સભ્યો સાથે પણ બને તેટલું અંતર જાળવીને અલગ રૂમમાં રહે એવી સલાહ આપવી જોઈએ.
૫ તેમને ન્યૂમોનિયા અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણ જણાય તો તેમને તરત જ સમયસર સારવાર આપવી જોઈએ.
૬. તમામ ખાનગી હૉસ્પિટલો-ડૉક્ટરોને કોવિડ-૧૯ દરદીઓની સારવાર કરવાની મંજૂરી આપવી જોઈએ. અલબત્ત, એક શરતે કે તે જે દરદીઓને સારવાર આપશે એમની સ્થિતિ અંગેના દૈનિક રિપોર્ટ એમણે આપવાના રહેશે. આવા સંજોગોમાં દેશની સંપૂર્ણ આરોગ્ય સેવાઓને સાંકળવી જરૂરી છે.
૭. આ મહામારી કેવી રીતે આગળ વધે છે એનું નજીકથી અને ઝીણવટપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઇ રહી છે કે નહીં એના પર નજર રાખવા માટે નિયમિત રીતે સૅમ્પલ કેસોમાં એન્ટિબોડી ટેસ્ટ કરતા રહેવું જોઈએ. આ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પણ રાજ્ય અને જિલ્લા સ્તરે પણ થવું જોઇએ અને મહામારીની સ્થિતિને આધારે જુદા જુદા રાજ્યો માટે જુદી જુદી વ્યૂહરચનાઓ અપનાવવી જોઈએ.
સ્પષ્ટ છે કે આ વાતો આપણે અત્યાર સુધી જે કરતા અને સાંભળતા આવ્યા છીએ તેનાથી વિપરીત છે અને એટલે સ્વીકારવી મુશ્કેલ છે. આશા રાખીએ કે આપણે બદલાતી પરિસ્થિતિને અનુરૂપ નવો માર્ગ અપનાવવાની વિનમ્રતા અને સાહસ ધરાવીએ. એનાથી આ રોગ વિશેની ખોટી બીક પણ આપણા મનમાંથી નીકળી જશે. તાળાબંધી અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની સૌથી મોટી આડઅસર એ પેદા થઇ છે કે એણે આ રોગ વિશે એવો તો હાઉ પેદા કરી દીધો છે કે આપણે આપણા પાડોશીઓને પણ બીક અને શંકાની નજરે જોતાં થઈ ગયાં છીએ અને વર્ષોથી આપણને ઘરકામમાં મદદ કરતાં બહેનો કે ભાઇઓથી પણ ડરી રહ્યાં છીએ. આ માહોલમાંથી આપણે જેટલી ઝડપથી બહાર આવી જઇએ એટલું સારું.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 14 મે 2020