Opinion Magazine
Number of visits: 9446899
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાકાળમાં ખપમાં લેવાયેલા ભારતના જૂના-નવા કાયદા

સુબોધ પરમાર|Opinion - Opinion|12 May 2020

કોરોના વાઇરસથી થતો રોગ કોવિડ-૧૯ કાળ બનીને માણસોને ભરખી રહ્યો છે અને જે એના અજગર ભરડાથી બચી જશે તેમને આવનારા દિવસોમાં બગડતું અર્થતંત્ર, અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને પેટની ભૂખ મારશે.

ચીનના વુહાનમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સૌ પ્રથમ વખત WHO ચીનની ઓફિસે રિપોર્ટ થયા બાદ આજદિન સુધીમાં લાખો લોકોને આ બીમારીનો ચેપ લાગી ચૂક્યો છે અને આશરે બે લાખ લોકો મોતને શરણ થઈ ચૂક્યા છે. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ WHO દ્વારા દરેક દેશ કેવી રીતે પોતાને કોરોના મહામારી અંગે તૈયાર કરી શકે, તે અંગે સલાહ અને તકનિકી માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમન (૨૦૦૫) ઈમરજન્સી સમિતિની ભલામણોના આધારે તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આ મહામારીને વૈશ્વિક જન-આરોગ્ય ઇમરજન્સી (પબ્લિક હેલ્થ ઇમરજન્સી) ઘોષિત કરવામાં આવી. એ જ દિવસે કેરળમાં ભારતનો પ્રથમ કેસ નોંધાયો હતો.

કોરોના મહામારીના સમયગાળામાં ક્વૉરન્ટીન, લૉક ડાઉન, એપિડેમિક, એસેન્શિયલ, નોન-એસેન્શિયલ, PPE કીટ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ સેનિટાઇઝેશન જેવા શબ્દો અવારનવાર સાંભળવા મળી રહ્યા છે. કોરોનાને મહાત કરવામાં સરકાર એડી – ચોટીનું જોર લગાવી રહી છે, પણ મામલો હવે હાથમાથી સરકી ગયો હોય એમ લાગે છે (ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવામાં આવું જ થવાનું) ત્યારે આપણી આરોગ્ય જાળવણી વ્યવસ્થા (પબ્લિક હૅલ્થ કેર) સામે કેટલા ય પ્રશ્નો ઊભા થયા છે. આરોગ્ય જાળવણી વ્યવસ્થા ફક્ત હોસ્પિટલોની ઇમારતો અને અન્ય માળખાગત સુવિધાઓ કે ડૉક્ટર સહિતના મૅડિકલ સ્ટાફ પૂરતી સીમિત નથી. કાનૂની વ્યવસ્થા-કાયદા અને નીતિઓ, જે આરોગ્યવિષયક સત્તાઓ-જવાબદારીઓ નક્કી કરે, એ પણ અગત્યનાં છે. એ બધુ મળીને આખું આરોગ્યતંત્ર બને છે. કોરોના જેવી મહામારીના સમયે અસંખ્ય કાર્યો, જેમ કે રોગનું રિપોર્ટિંગ, એની દેખરેખ, દરદીઓને ઓળખીને અલગ તારવવા, રોગનો ફેલાવો ન થાય એ હેતુથી એકબીજાથી સલામત અંતરની જાળવણી, કરફ્યૂ, લૉક ડાઉન, આરોગ્ય સુવિધા, સાધનો અને સેવાઓની આયાત-નિકાસ, યોગ્ય માહિતીની આપ-લે, અફવાને ફેલાતી રોકવી વગેરે બાબતો અંગે નિર્ણયો ખૂબ જ અગત્યના પુરવાર થાય છે. આ નિર્ણયો યોગ્ય રીતે લેવાય, એ લેતી વખતે માનવ અધિકારોનું જતન થાય, તઘલકી નિર્ણયો ન લેવાય એ પણ એટલું જ અગત્યનું હોય છે. નિર્ણયો લેવાનો અધિકાર સરકારનો હોય છે પણ આ નિર્ણયો લેવાની સત્તા એને બંધારણને સુસંગત રહીને બનેલા કાયદાઓથી પ્રાપ્ત થતી હોય છે.

ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૫ મુજબ સંસદ અને રાજ્યની વિધાનસભાને અલગ અલગ બાબતોમાં કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી છે. અનુચ્છેદ ૨૪૬ની જોગવાઈઓ મુજબ કેન્દ્ર સરકારને અનુસૂચિ (શિડ્યુલ) ૭,  યાદી ૧(સંઘ યાદી)માં એન્ટ્રી ૨૮ મુજબ બંદર ક્વૉરન્ટીન તથા તેને સંબંધિત હોસ્પિટલો, ખલાસીઓ માટેની દરિયાઈ હોસ્પિટલોને લગતા કાયદા અને આનુષાંગિક બાબતો તથા  એન્ટ્રી ૮૧ મુજબ આંતરરાજય સ્થાનાંતર અને આંતરરાજ્ય ક્વૉરન્ટીનને લગતી બાબતો વિષે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી છે. તો યાદી ૨(રાજ્ય યાદી)માં એન્ટ્રી ૬ મુજબ જાહેર આરોગ્ય, સફાઈ અને દવાખાના તથા એન્ટ્રી ૮ મુજબ દારૂની હેરફેર, બનાવટ, વેચાણ એ રાજ્ય સરકારો હસ્તકની બાબત છે. એ જ રીતે યાદી ૩(સમવર્તી યાદી)માં એન્ટ્રી ૨૬માં, વકીલાત, દાક્તરી અને બીજા વ્યવસાયોને લગતા તથા એન્ટ્રી ૨૯ મુજબ મનુષ્યો, પશુઓ અને વનસ્પતિને અસરકર્તા ચેપી અથવા સંસર્ગજન્ય રોગોને એક રાજયમાંથી બીજા રાજયમાં ફેલાતા અટકાવવા બાબતના કાયદા ઘડવાની સત્તા રાજ્ય અને કેન્દ્ર બંનેને આપવામાં આવી છે. તેની અંતર્ગત કોરોનાની મહામારીને ફેલાતી રોકવા અને કાબૂમાં લેવા હાલમાં એપિડેમિક ડિસીઝ એક્ટ, ૧૮૯૭; આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૫; આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, ૧૯૫૫, ફોજદારી કાર્યસંહિતા, ૧૯૭૨ તથા ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની વિવિધ જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમની પ્રાથમિક ઓળખ કરી લઈએ.

એપિડેમિક ડિસીઝ એક્ટ, ૧૮૯૭

ફક્ત ચાર કલમ ધરાવતો આ કાયદો અત્યંત નાના કાયદામાંનો એક છે. અંગ્રેજી રાજ વખતે બૉમ્બેમાં આવેલી પ્લેગની મહામારીને ફેલાતી અટકાવવા માટે અંગ્રેજ સરકાર દ્વારા તે અમલમાં લાવવામાં આવ્યો હતો. તે ૧૨૩ વર્ષ પુરાણો કાયદો છે. તેનાથી મળતી સત્તાની રૂએ તત્કાલિન સત્તાધિકારીઓ પ્લેગના શંકાસ્પદ કેસોની તપાસ બેરોકટોક મુસાફરોમાં અને લોકોના ઘરોમાં પણ કરી શકતા. લોકમાન્ય ટિળકને તેમનાં કેસરી અને મરાઠા અખબારોમાં અંગ્રેજ સરકારની પ્લેગ પર કાબૂ મેળવવાની નિષ્ફળતાની ટીકા કરવા બદલ આ જ કાયદા હેઠળ ૧૮ મહિનાની જેલની સજા થઈ હતી. ૨૦૧૮માં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખેડકરમસિયા ગામમાં ૩૧ લોકોને કૉલેરાનો ચેપ લાગુ પડતાં આ કાયદા અન્વયે વડોદરા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. (ઇન્ડિયન એક્સપ્રેસ ૨૩ માર્ચ, ૨૦૨૦).

આ કાયદાની કલમ ૨, ૩ અને ૪ મુજબ રાજ્ય સરકારને લાગે કે રાજ્ય અથવા રાજ્યના કોઈ ભાગમાં ડેન્જરસ એપિડેમિક ડિસીઝના ફેલાવાની શક્યતા રહેલી છે ત્યારે પબ્લિક નોટિસથી તે યોગ્ય પગલાં ભરી શકે છે. આ કાયદાથી મળેલી સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત સરકાર દ્વારા તા. ૧૩ માર્ચ, ૨૦૨૦ના રોજ કોરોના વાઈરસ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને નિયમનો ઘડવામાં આવેલ છે, જે ગુજરાત એપિડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ નિયમન, ૨૦૨૦ તરીકે ઓળખાય છે. એ તેના પ્રસિદ્ધ કર્યાના એક વર્ષ સુધી અમલમાં રહેશે. અંગ્રેજોના જમાનાના મૂળ કાયદા કે ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમાં ક્યાં ય એપિડેમિક ડિસીઝ કે ડેન્જરસ એપિડેમિક ડિસીઝની વ્યાખ્યા કરવામાં  આવી નથી. એટલે અધિકારી પોતાની રીતે અર્થઘટન કરીને, પોતાની રીતે જ આ કાયદાની જોગવાઈઓ અમલમાં મૂકી શકે છે.

કલમ ૨-એ મુજબ જ્યારે કેન્દ્ર સરકારને આ પ્રકારે લાગે કે દેશના કોઈ પણ ભાગમાં ડેન્જરસ એપિડેમિક ડિસીઝ ફેલાવાની શક્યતા રહેલી છે ત્યારે તે પણ પગલાં લઈ શકે છે અને નિયમનો જાહેર કરી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ પગલાં રેલવે અથવા અન્ય રીતે મુસાફરી કરતા લોકોના નિરીક્ષણ માટે, દવાખાનામાં અલગ રાખેલા દરદીઓ માટે, શંકાસ્પદ લોકોને હંગામી ધોરણે કોઈ જગ્યાએ રાખ્યા હોય તેના નિરીક્ષણ માટે લઈ શકે છે.

કલમ ૩માં સજાની જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ આ કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા કોઈ નિયમન (રેગ્યુલેશન) અથવા તો કોઈ હુકમનો અનાદર કરનારને ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૮૮ મુજબ ગુના પ્રમાણેની સજા કરવામાં આવશે. દેશમાં કોરોના વાઇરસની મહામારીના પગલે સેવા આપી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા થયા અને આરોગ્યસેવાકર્મીઓ દ્વારા જે રીતે તેનો વિરોધ કરવામાં આવ્યો, તેના પગલે  ૨૨ એપ્રિલ, ૨૦૨૦ના રોજ  કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદામાં ઑર્ડિનન્સ લાવીને તાજેતરમાં જ સુધારો કરવામાં આવ્યો છે. તેમાં કલમ ૧માં હિંસાત્મક કાર્ય, સ્વાસ્થ્યકર્મી અને પ્રોપર્ટીની વ્યાખ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે.

કલમ ૨-એ માં સુધારો કરીને મૂળ કાયદામાં ફક્ત નૌકા અને બંદરો પરની મુસાફરીની વાત હતી, તેમાં ઉમેરો કરીને જમીન કે બંદર પરનાં કોઈ પણ સ્થળે જવા-આવવા માટે બસ, ટ્રેન, માલવાહન, એરક્રાફ્ટમાં મુસાફરી કરતી કોઈ પણ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરોગ્યકર્મી પર હુમલા અને સંપત્તિને નુકસાન કરવા પર પ્રતિબંધ મૂકતી નવી કલમ ૨-બી ઉમેરવામાં આવી છે.

કલમ-૩માં સુધારો કરીને આરોગ્યકર્મી પર હુમલો કરનાર અને એમાં મદદ કરનાર, સંપત્તિને નુકસાન કરનાર કે એમ કરવામાં મદદ કરનાર માટે સજાની જોગવાઈ ઉમેરવામાં આવી છેઃ ઓછામાં ઓછી ૩ મહિના અને વધુમાં વધુ પાંચ વર્ષ સુધીની જોગવાઈ, રૂ. પચાસ હજાર કરતાં ઓછો નહીં અને રૂ. બે લાખ સુધી વધારી શકાય તેટલો દંડ. વધુમાં, આરોગ્યકર્મી પર હુમલો કરીને ઇ.પી.કો કલમ ૩૨૦માં વ્યાખ્યાયિત કર્યા પ્રમાણે, ગંભીર ઇજા પહોચાડનારને ઓછામાં ઓછી છ માસની અને ૭ વર્ષ સુધી લંબાવી શકાય તેટલી અને રૂ. એક લાખ કરતાં ઓછા નહીં અને રૂ. પાંચ લાખ સુધી વધારી શકાય એટલા દંડની સજા કરવામાં આવશે.

મૂળ કાયદામાં ગુનાનું સંજ્ઞાન (કોગ્નિઝન્સ), તપાસ, માની લેવાની બાબતો, વળતર કે કેસ ચલાવવા બાબતની કોઈ જ જોગવાઈ કરવામાં આવી ન હતી. પરંતુ, આ ઑર્ડિનન્સથી કલમ ૩માં ૩-એ થી ૩-ઇ સુધીની કલમો ઉમેરવામાં આવી છે, જેમાં આ બાબતોને આવરી લેવામાં આવી છેઃ

કલમ ૩-એ મુજબ આ કાયદા અન્વયેના ગુના કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર છે. તેની તપાસ પોલીસ ઈન્સ્પેકટરથી નીચેના નહીં એવા અધિકારી દ્વારા કરવામાં આવશે. ફરિયાદ નોંધાયાના ૩૦ દિવસમાં જ તપાસ પૂરી કરવાની રહેશે. ઇન્કવાયરી કે ટ્રાયલ ઝડપથી પૂરાં કરવાનાં રહેશે. એક વખત સાક્ષીઓની ચકાસણી શરૂ થઈ જાય પછી રોજેરોજ સાક્ષીઓને તપાસવા જોઈશે. નિયત સમયમર્યાદામાં કેસ પૂરો ન થઈ શકે ત્યારે ન્યાયાધીશ તેમ ન થઈ શકવાનાં કારણ લખશે અને ગમે તે કારણ હોય વધુમાં વધુ છ માસમાં કેસનો નિકાલ કરવાનો રહેશે.

૩-બી મુજબ, કોર્ટની મંજૂરી લઇને જેની સામે હિંસા કરવામાં આવી છે તે માંડવાળ કરી શકશે. ૩-સી પ્રમાણે, જ્યાં સુધી પુરવાર ન થાય ત્યાં સુધી જેની સામે કેસ ચાલતો હશે તેણે જ તે ગુનો કર્યો છે, એમ કોર્ટ માનશે. ૩-ડી મુજબ, આરોપી જ્યાં સુધી સાબિત ન કરે ત્યાં સુધી તે ગુનાઈત માનસિકતા ધરાવે છે તેમ કોર્ટ માનશે.

૩-ઇ પ્રમાણે, આરોપી દ્વારા હિંસાનો ભોગ બનેલા આરોગ્યકર્મી અથવા તો જેની સંપત્તિને નુકસાન થયું છે તેને વળતર ચૂકવવાની જોગવાઈ કરવામા આવી છે. હાલના સમયગાળામાં કર્ણાટક અને કેરળ રાજ્ય દ્વારા ઑર્ડિનન્સ લાવીને પોતાના રાજ્યના એપિડેમિક ડિસીઝ એક્ટ બનાવ્યા છે, જે અંતર્ગત આ બંને રાજ્યમાં હવેથી એપિડેમિક ડિસીઝ, એક્ટ, ૧૮૯૭ની જોગવાઈઓ લાગુ પડશે નહીં.

આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૫ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ)

આ કાયદો આપત્તિ પહેલાં અને આપત્તિ પછીની પરિસ્થિતિને પહોચી વળવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદાની કલમ ૨-ડીમાં આપત્તિની વ્યાખ્યા કરવામાં આવી છે. કાયદાની કલમ ૩ મુજબ રાષ્ટ્રીય આપત્તિ નિયમન ઑથોરિટીની સ્થાપના કરવામાં આવી છે જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે એ જ રીતે કલમ ૧૪ અન્વયે રાજ્ય સ્તરની ઑથોરિટી બનાવશે જેના અધ્યક્ષ રાજ્યના મુખ્યમંત્રી હોય છે. કલમ ૬ મુજબ નેશનલ ઑથોરિટી પાસે આપત્તિના સમયે નીતિઓ, યોજનાઓ માર્ગદર્શિકાઓ બનાવવાની અને અમલમાં મૂકવાની સત્તા છે. તા. ૨૪ માર્ચ, ૨૦૨૦ના રોજ આ કલમ હેઠળ મળેલી સત્તાની રૂએ ભારત સરકારના મંત્રાલયો (વિભાગો), રાજ્ય સરકારો અને રાજ્ય ઑથોરિટીને કોવિડ-૧૯ના ફેલાવાને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સૂચિત કરવામાં આવ્યું છે.  આજ હુકમમાં કલમ ૧૦(૨)(આઈ) મુજબ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીને આ બાબતમાં માર્ગદર્શિકા જાહેર કરવા પણ જણાવવામાં આવ્યું છે. હાલમાં જે પણ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવે છે, તે આ કલમ હેઠળ મળેળ સત્તાની રૂએ જાહેર કરવામાં આવે છે.

આ કાયદાની કલમ ૪૬ મુજબ આપત્તિને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ફંડ ઊભું કરવાની જોગવાઈ છે. હાલમાં આ કાયદાની કલમ ૬૯ મુજબ ગૃહ મંત્રાલયને મળેલી સત્તા આરોગ્ય મંત્રાલયને હસ્તાંતરિત કરવામાં આવી છે.

કલમ ૫૧-થી ૬૦માં આ કાયદા અંતર્ગત વિવિધ ગુના, સજા અને કેસ ચલાવવા બાબતોની જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૫૧માં અધિકારીના આદેશનું પાલન કરવામાં અવરોધ માટેની સજા, કલમ ૫૨માં ખોટો દાવો કરવા માટેની સજા, કલમ ૫૩માં નાણા અથવા સામગ્રીની ઉચાપત માટે સજા (કરોડોના ફંડનો હિસાબ મળશે?), કલમ ૫૪માં ખોટી ચેતવણી, જેનાથી લોકોમાં ગભરાટ ફેલાય એ માટેની સજા, કલમ ૫૫માં સરકારી વિભાગોએ કરેલા ગુના, કલમ ૫૬માં અધિકારીની ફરજમાં નિષ્ફળતા અથવા આ અધિનિયમની જોગવાઈઓના ઉલ્લંઘનમાં તેમની મૂક સંમતિ, કલમ ૫૭માં અધિગ્રહણ સંબંધી કોઈ પણ હુકમના ઉલ્લંઘન બદલ સજા અને કંપનીઓએ કરેલા ગુના વગેરે બાબતોની જોગવાઈઓ છે. કલમ ૬૦ મુજબ સમુચિત સરકાર દ્વારા અધિકૃત કરેલી વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ આ અધિનિયમ હેઠળ ગુનાની ન્યાયિક નોંધ લઈ શકશે નહિ.

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ (એસેન્સિયલ કૉમોડિટીઝ એક્ટ)

આ કાયદાની કલમ ૨–એ મુજબ આવશ્યક ચીજવસ્તુઓ એટલે આ કાયદાની અનુસૂચિમાં દર્શાવેલી ચીજવસ્તુઓ. આ અનુસૂચિમાં કેન્દ્ર સરકાર જાહેરનામાથી નવી વસ્તુઓ ઉમેરી કે બાદ કરી શકે છે, જેની સમયમર્યાદા છ માસ કરતાં વધુ નહીં હોય. જો કે આ સમયગાળો કેન્દ્ર સરકાર વધારી પણ શકે છે. કલમ ૩ મુજબ કેન્દ્ર સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન, વિતરણ, કિમત વગેરે પર નિયંત્રણ લાવી શકે છે. હાલમાં માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુઓની શ્રેણીમાં મૂકવામાં આવ્યા, જેથી તેમની સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી અટકાવી શકાય. કલમ ૬-એ મુજબ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવાથી ક્લેકટરને આ ચીજવસ્તુઓ જપ્ત કરવાની સત્તા આપવામાં આવેલી છે. પરંતુ ચીજવસ્તુઓ જપ્ત કરતાં પહેલાં કારણદર્શક નોટિસ આપવી જરૂરી છે.

ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦

આ કાયદાના પ્રકરણ ૧૪માં કલમ ૨૬૯માં જીવનને જોખમમાં મૂકે તેવો ચેપ ફેલાવાની સંભાવનાવાળું બેજવાબદારીભર્યું કૃત્ય, કલમ ૨૭૦માં જીવન જોખમમાં મૂકે તેવા ચેપી રોગના ફેલાવાનું દ્વેષભાવપૂર્વક કરેલું કૃત્ય, કલમ ૨૭૧માં જાણી જોઈને ક્વૉરન્ટીન નિયમોનો ભંગ કરવો વગેરે જેવા ગુનાઓમાં ૬ માસથી લઇને ૨ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની જોગવાઈ કરવામાં આવેલી છે.

હાલમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી કલમ ૧૮૮ જાહેરનામાના ભંગને લગતા ગુનાઓની છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૯૫ની જોગવાઈ મુજબ આ કલમ હેઠળના ગુનાનું સંજ્ઞાન કોર્ટ ત્યારે જ લઈ શકે, જ્યારે અધિકૃત અધિકારી કાયદા અન્વયે  ફરિયાદની વ્યાખ્યા મુજબ કોર્ટમાં ફરિયાદ કરે. ફક્ત દિલ્હીમાં તા. ૨૩ માર્ચથી ૧૩ એપ્રિલ વચ્ચે ૮૪૮ એફ.આઇ.આર. લૉક ડાઉનના જાહેરનામાના ભંગ બદલ નોંધાઈ હતી. આ મુદ્દે  સુપ્રીમ કોર્ટમાં  જાહેર હિતની અરજી પણ કરવાં આવી હતી.

અન્ય કાયદાકીય બાબતો

એરક્રાફ્ટ એક્ટ, ૧૯૩૪ કલમ ૮-એ મુજબ કેન્દ્ર સરકારને જાહેર આરોગ્યની જાળવણી માટે નિયમો બનાવવાની સત્તા પ્રાપ્ત છે. ઇન્ડિયન એરક્રાફ્ટ (પબ્લિક હેલ્થ) રૂલ્સ, ૧૯૫૪ નિયમો દ્વારા એરપોર્ટ સત્તાધિકારીઓને કોવિડ-૧૯ અસરગ્રસ્ત દેશોમાં મુસાફરી કરી હોય એવા લોકોને સ્ક્રીન કરવાની અને ભારતમાં આવ્યા બાદ તેમને ટ્રૅક કરવાની (તેમની ભાળ રાખવાની) મંજૂરી મળેલી છે. આ જ રીતે, દરિયાઈ મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે ભારતીય પોર્ટ (બંદર) અધિનિયમ, ૧૯૦૮ અને તે અન્વયે બનાવેલા ભારતીય બંદર આરોગ્ય નિયમો, ૧૯૫૫ અમલમાં છે. ખરેખર જો આ કાયદાઓની રૂએ મળેલી સત્તાનો ઉપયોગ કરીને શરૂઆતથી આ રોગને અટકાવવામાં આવ્યો હોત તો તેનો વ્યાપ સીમિત કરી શકાયો હોત.

દેશમાં કેટલાય કાયદાઓ છે, જેની અંતર્ગત જાહેર આરોગ્યને લગતી તથા મહામારીને ફેલાતી અટકાવવાની  બાબતો આવરી લેવાઈ છે. વર્ષ ૧૯૫૫ અને ૧૯૮૭માં કેન્દ્ર સરકાર દ્વારા મૉડેલ પબ્લિક હૅલ્થ એક્ટ બનાવવામાં આવેલો, પરંતુ એનું પાલન કરાવવાની બાબતમાં રાજ્ય સરકારને મનાવવામાં નિષ્ફળતા મળી હતી. આ કાયદામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેબલ ડિસીઝ (હાલમાં નેશનલ સેન્ટર ફોર કમ્યુનિકેબલ ડિસીઝ) દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધીમાં આ ફેરફારોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. વર્ષ ૨૦૦૯માં કેન્દ્ર સરકાર નેશનલ હેલ્થ બિલ લાવી હતી. તેમાં આરોગ્યને મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં  આવ્યો હતો. આ બિલની મહત્ત્વની જોગવાઈઓમાં કોઈ પણ દવાખાના દ્વારા વ્યક્તિની પૈસા આપી શકવાની અક્ષમતા હોય તો પણ યોગ્ય સારવારની બાંહેધરી આપવામાં આવી છે. જો કે આ ખરડો સંસદમાં અટવાયેલો છે અને તેનો ક્યારે મોક્ષ થશે એ કહેવાય નહીં.

ઇશાન ભારતનાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાત રાજ્યોના નાગરિકો દેશમાં અલગ અલગ જગ્યાએ રહે છે. તેમનો દેખાવ ચીનના લોકો સાથે મળતો આવતો હોવાથી (અને કોરોના વાઇરસ ચીનમાંથી ફેલાયેલો હોવાને કારણે) સ્થાનિકો આપણા જ દેશના ઇશાન હિસ્સાના લોકો પ્રત્યે ભેદભાવ રાખતા હોવાના કિસ્સા ધ્યાન પર આવ્યા. આથી ગૃહ વિભાગે ૨૧ માર્ચ, ૨૦૨૦ના રોજ એડવાઇઝરી જાહેર કરીને આવા બનાવો વખતે કડક હાથે કામ લેવાનું જાહેર કર્યું છે. પરંતુ, આ પ્રકારના બનાવોને નિયંત્રણમાં લેવા માટે હાલમાં કોઈ કડક કાયદો અમલમાં નથી જે ખૂબ જ ગંભીર બાબત છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોને મળેલી આ કાયદાકીય સત્તાઓ અને મોજૂદ ફોજદારી કાયદાઓ છતાં કાયદાના સમુચિત ઉપયોગનો અને કાયદાપાલનના અતિરેકનો સવાલ રહે છે. લૉક ડાઉનને કારણે અદાલતોનું કામ બહુ સીમિત સમય માટે અને સીમિત માધ્યમોથી થઈ રહ્યું છે ત્યારે મહામારી માનવ અધિકારોના ભંગનું ટાણું બની રહેવાની ધાસ્તી રહે છે અને કેસોના ભારણથી આગામી દિવસોમાં ગરીબો માટે ન્યાય કદાચ મૃગજળ બનીને રહી જશે. ૨૦૦૫નો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પણ હાલની મહામારીમાં પૂરતો અને અસરકારક રહ્યો નથી. એ સ્થિતિમાં વધુ સર્વગ્રાહી અને લોકતાંત્રિક કાયદાની જરૂર વર્તાય છે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020

Loading

12 May 2020 admin
← લૉક ડાઉનમાં હડધૂત થયેલા લાખો માઇગ્રન્ટ શ્રમિકો અને આપણું ‘ગુલાગ પ્રજાસત્તાક’
આ મુશ્કેલ સમયમાં (13) →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved