શું કહીશું એને, શનિ-રવિની કમાલ, કે સાથે અને સામે મૂકી શકાય એવા બે સમાચાર એક સાથે આપણે આંગણે અવતર્યાઃ કેન્દ્રીય લઘુમતી મંત્રી નકવીએ કહ્યું કે જો નિઝામુદ્દીન મરકઝ ઘટના બની ન હોત તો વખત છે ને આપણે લૉક ડાઉન-૩ નિવારી પણ શક્યા હોત. (જો કે આ વચનો મથાળું બનીને મોક્ષ પામ્યાં ત્યારે એમાંથી ‘મે બી’નો ભાવ બાષ્પીભૂત માલૂમ પડ્યો હતો!) પછી નકવીએ ઉમેર્યું કે એથી બધા મુસ્લિમોને માથે દોષ ઢોળવાની, ઇસ્લામોફોબિયાની, વાત બરાબર નથી.
ગમે તેમ પણ, નકવી મુસ્લિમ છેડેથી જ્યારે તંગ દોર પર મુખચાલની કોશિશમાં હતા ત્યારે દિલ્હી પોલીસની — સાજામાજા અમિત શાહ હસ્તકની દિલ્હી પોલીસની — એક સુધારપેરવી અગર ગુલાંટચેષ્ટા બહાર આવી હતીઃ મુસ્લિમદ્વેષને હવા આપતી ‘ફેક ન્યૂઝ’ પ્રવૃત્તિની તપાસ ચાલુ છે અને મરકઝ જોગ મૌલાના સાદના સંબોધનની ટેપ (જેમાં એમણે વાઇરસ સંક્રમણ સંબંધે કોઈ નિયંત્રણો પાળવાની ઇસ્લામી રાહે જરૂર નથી એવો સંદેશો આપ્યો હતો જે ખાસો વાઇરલ થયો હતો તે ઑડિયો ટેપ) અસલી નહીં, પણ ડૉક્ટર્ડ હોવાની સંભાવના એક તબક્કે કબૂલી લીધી, તો બીજે તબક્કે ભૂંસી પણ કાઢી.
નમો સરકારે ડાયસ્પોરાને ખાસ સાચવી લઈને વિશ્વસત્તાઓ સાથે એક તરેહની સૉફ્ટ પાવર ડિપ્લોમસી જરૂર કેળવી છે. એનો પડછાયો ઘરઆંગણે વતનવાટે લથડિયાં ખાતાં શ્રમિકો અને વિશેષ વિમાનસેવા મારફતે પાછા લવાતા વિદેશસ્થિત ભારતીયો (એમના પાળીતા શ્વાન માટેની સવિશેષ બિસ્કિટ સોઈ સમેત), એમ એક સાથે બે સમાચારોની સહોપસ્થિતિ લગી લંબાયેલો છે. ઘરઆંગણે લઘુમતી, દલિત કે શ્રમિક સૌ સાથેની સત્તાવાર ઉપેક્ષા, પેલી સૉફ્ટ પાવર સંભાવનાઓને સરવાળે ખોડંગાવી આપણને એક નબળી રાજવટ બનાવે છે, તેનો આપણને ખયાલ કેમ નહીં આવતો હોય?
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020