પ્રત્યાયનના — ગુજરાતીમાં કહીએ તો, કમ્યુનિકેશનના — મામલે પંકાયેલા વર્તમાન શાસનમાં મહત્ત્વની જાહેરાતોની પાછળ પાછળ અચૂકપણે સ્પષ્ટીકરણો જારી કરવાં પડે છે અને તે પણ પ્રેસ કૉન્ફરન્સ જેવા ખુલ્લા મંચ પર, સવાલોની ઝડી વચ્ચે નહીં, વન વે ટ્રાફિક પ્રકારના, જ્યાં કેવળ મનકી બીન મતવાલી બજતી હોય એવા એકપક્ષી સંવાદમાં. તે સૂચવે છે કે કમ્યુનિકેશનની આવડત માપવાની આપણી ક્ષમતાનું કેવું હૅકિંગ (અપહરણ) થયેલું છે.
નકરી સભારંજનીને ઉત્તમ કમ્યુનિકેશન તરીકે જાહેર કરી દેવાની આપણી ફીદાગીરી ઉપરાંત શબ્દાળુ વાણીવિલાસ અને અર્થપૂર્ણ સંવાદ વચ્ચેનો તફાવત અવગણવાની આપણી તત્પરતા ક્યારની ભયજનક સપાટી વટાવી ચૂકેલી છે. (આ રીતે ફીદા થનારાને પણ ‘ફીદા’ઈન કહી શકાય?) કમ્યુનિકેશનના એ રાબેતા મુજબ, આજથી વધુ છૂટછાટોની જાહેરાત થઈ અને તેમાં ખુલાસા પણ આવ્યા. કોરોનાનો પ્રકોપ, ખાસ કરીને અમદાવાદ જેવાં હૉટ સ્પૉટમાં કાબૂમાં આવતો જણાતો નથી. ત્યાંના કમિશનરે વધુ સંખ્યામાં ટેસ્ટ કરીને વધુ કેસ શોધવાની તત્પરતા બતાવી છે, ત્યારે ઓછા ટેસ્ટ કરીને કેસની સંખ્યા ઘટાડવાનું જણાવાતું હોય, એવી પણ વાત છે. ઉપરાંત ટેસ્ટિંગ માટેની કીટનો અને લોહીનાં સૅમ્પલથી ટેસ્ટ કરવાની પદ્ધતિમાં તો ટેસ્ટની વિશ્વસનીયતાનો મોટો સવાલ છે.
બીજી તરફ ગળે આવી ગયેલા નાનામોટા વ્યાવસાયિકોથી માંડીને દેશવિદેશની સરકારોને અર્થતંત્ર ફરી પાટે ચડાવવાની તાલાવેલી હોય તે પણ સમજાય એવું છે. આવા સંજોગોમાં સરકાર તરફથી છૂટછાટ મળે તો પણ, ચુસ્ત રીતે પહેરેલા માસ્ક વિના બહાર ન નીકળવું, માસ્કના મુખ્ય ભાગને ભૂલેચૂકે હાથ ન અડાડતાં, તેને દોરીથી જ વાપરવો અને રોજ સાબુનાં પાણીથી ધોઈને, બરાબર સૂકવીને જ ફરી વાપરવો — એ નિયમો ચુસ્તીથી પાળવાની સૌ નાગરિકોની પોતાના પ્રત્યેની, પરિવાર પ્રત્યેની અને સમાજ-દેશ માટેની પણ ફરજ છે.
રમજાન માસ શરૂ થયો છે ત્યારે મુસલમાનોએ નમાઝ માટે ભેગા થવાનું કે બીજા કોઈ પણ ખાનગી મેળાવડા યોજવાનું ટાળવું. એ આરોગ્ય-વિષયક ફરજ તો છે જ. સાથોસાથ, આવાં ધાર્મિક ઉત્સાહથી ભરેલાં અવિચારી પગલાં કોમવાદી રાજકારણ માટે બહુ આશીર્વાદરૂપ બની રહે છે, તે પણ ભૂલાવું ન જોઈએ. સાર એટલો કે સરકારી છૂટછાટો કોઈ જાદુઈ મંત્ર કે બિનધાસ્ત હરવાફરવાનો પરવાનો નથી. સરકારનો એવો દાવો પણ નથી. માટે દબાયેલી સ્પ્રિંગને છૂટછાટના સમયમાં છટકવા દેવાને બદલે તેની પર કાબૂ રાખવા જેવો છે. નાગરિક તરીકે તે આપણી ફરજ ગણો તો ફરજ અને પ્રદાન ગણો તો પ્રદાન છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020