અહીં ‘હોવા”નું આપણું તો કાચું !
ક્યારે આવીને કોઈ માપી જશે હળવેથી
આપણા અહમ્ની તૉરી,
ક્યારે આવીને કોઈ કાપી જશે અધવચ્ચે
આપણા આયુષની દોરી.
માયા ને મમતાના મધમીઠા સ્વાદ મધ્યે
નજરે પડતું ના કશું સાચું !
અહીં ‘હોવા’નું આપણું તો કાચું !
અઢળક ઉધામા કોરા શ્વાસોમાં ધબકે
ને મઝધારે અટકી જાય વાણી,
પહેરેલો દેહ લાગે ઉપરથી શાણો તોયે
આતમની વારતા ક્યાં જાણી?
આડાં-ઊભાં ને કદી ઊંચાંનીચાં ગામ
બળ્યાં રોજરોજ છાપામાં વાંચુ !
અહીં “હોવા”નું આપણું તો કાચું !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 ઍપ્રિલ 2020