ઘરના એક ખૂણે
વારેઘડીએ જાગી જતો,
ખાંસી ખાતો દાદો ને સાથે ટૂંટિયું વાળીને સૂતી દાદી.
બીજા ખૂણે મા-બાપ.
ત્રીજા ખૂણે ટાઢો પડેલો ચૂલો
ને
ચોથા ખૂણે
પશાભઈ રોડ કન્ટ્રાટીના
ઊંધા પડેલાં તગારા, તીકમ, પાવડા.
વચ્ચોવચ
મારાં બે છોકરાં,
થાકેલા શ્વાસ ઉચ્છવાસની હૂંફે
માની સોડમાં લપાયેલાં.
દૂરથી
પોલીસ વાનની સાઈરન કાને પડતાં જ
રોડ પરના
ખાટલામાંથી સફાળો ઊભો થઈ,
ખાટલો ઊભો કરતાં જ,
સંતાઈને બેસી જાઉં છું ઉંબરે.
આવનારી પોલીસ વાન આવે
ને પછી જાય …
ફરી ખાટલે,
ફરી પોલીસ વાનની સાઈરન
કે પોલીસની સિસોટીના ડંડા કાને પડે ને
ફરીથી ખાટલો ઊભો,
ફરી પાછું ખાટલે,
ફરી ખાટલો ઊભો
ને
ફરી પાછો સંતાઉ,
સંતાવાની સંતાકૂકડી ચાલ્યા કરે
ત્યાં તો ક્યારે પેલો સૂરજદાદો,
છાનોમાનો આવીને
હસતો હસતો
બારીમાંથી ઘરમાં ઘૂસી જાય
એ સમજ જ ના પડે …!
મને ઘડીક
ઘરમાં રે'વાનું મળે.
(17 એપ્રિલ, 2020)