મારા દેશનું નામ
ખબર નથી.
મારા દેશનો ધર્મ
ખબર નથી.
મારા દેશની જાતિ
ખબર નથી.
હા, મારા દેશની એક પરંપરા છે
પરંપરા પાછી રૂઢિચુસ્ત છે
પરંપરાનું નામ
ખબર નથી.
પણ
પરંપરા વિશે આમ કહી શકું :
પાણીને એની સાથે ફાવતું નથી
ભૂખને એનું વળગણ છે
હવાથી એ વિખરાઈ જાય છે
વરસાદથી એ ઊભરાઈ જાય છે
એની ગોદડીમાં, ઠંડી ઠૂંઠવાઈ જાય છે
હજી ઉમેરણ કરી શકું :
બાલ કે વૃદ્ધ
કિશોર કે યુવાન
સ્ત્રી કે પુરુષ
મારાં દેશવાસીનાં
ભાલમાં પરંપરા
આંખમાં પરંપરા
બેસી ગયેલા ગાલમાં પરંપરા
ચામમાં પરંપરા
બહાર આવવા મથી રહેલા હાડમાં પરંપરા
એના શરીરમાં રક્તવાહિનીઓ નહીં
પરંપરાવાહિનીઓ છે
મારો દેશવાસી પરંપરા ખાય છે
ને પરંપરા કાઢે છે
મારા દેશમાં પરંપરા જીવે છે
જન્મે છે ને મરે છે તો બસ મારો દેશવાસી
મારો આ દેશ જોવા
તું આવીશને?
—
(*પરંપરાનો અર્થ અહીં અભાવ સમજવો)
[રચના જૂની છે, પણ લૉક-ડાઉનમાં શ્રમજીવીવિશ્વની સ્થિતિને અનુકૂળ લાગે છે એટલે મોકલું છું.]