Opinion Magazine
Number of visits: 9506038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પવનકુમાર જૈન : ગતિ અને વિગતિનો કવિ

કનુ સૂચક|Opinion - Literature|27 November 2013

પવનકુમાર જૈનનું નામ સાંભળ્યું છે ? એ પ્રશ્નનો જવાબ ‘હા’ આપે તેવા થોડા માણસો જ મળે અને ક્યાંક ક્યાંક જ મળે. સાહિત્યમાં ક્યાંક ક્યાંક જેવા આ જણે તેણે ખેડેલા ક્ષેત્રોમાં પાડેલાં પગલાંએ કદાચ કેડી નથી બનાવી, પરંતુ પવનકુમારનાં એ પગલાંઓએ કોઈ ભૂંસી ન શકે તેવી અલગ છાપ પાડી છે. આ બેપરવા પગલાંઓ મરજી પ્રમાણે મસ્તીથી ચાલ્યાં છે. વામન લાગતાં એ પગલાં જોતજોતામાં અર્થના આકાશને અકળ શક્તિથી વાંભી લે છે. અજાયબી આનંદ બની આપણા સકળ માનસ અસ્તિત્વને આવરી લે છે. મુઠ્ઠી જેવી કંતાયેલી, કૌવત વગરની પવનની એકવડી કાયા જગતના બધાને જગ્યા આપવા સંકોચાતી રહી. પરંતુ તેના નામ પ્રમાણે કોઈ એક વિચારધારાની મુઠ્ઠીમાં જે ક્યારે પણ સપડાયો નહીં એવા પ્રવાહી પારા સમાન પવનકુમારને ઓળખના દાયરામાં મૂકવાનો આ ઉપક્રમ છે.

એ મિત્ર હતો ? પવન કોઈને મિત્ર કહે પહેલાં તે શબ્દની પરિભાષાના અંગોપાંગનું વિશ્લેષણ તેના મનમાં ચાલતું હશે જેથી તે કોઈની પણ સાથે અતિ નિકટ તો થઈ જ ન શકે. તેના વિષે લખતાં વાસ્તવની નજીક પહોંચવાનો પ્રયાસ જ કરી શકાય, સફળ થવાની આશા વગર જ. તેના જ શબ્દોમાં ‘મેં મૈત્રીને એના ઉત્તમોત્તમ કાળમાં જ અટકાવી દેવાનો પ્રયત્ન કર્યો.’  પવનને જેટલો જોયો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે તે અંગે પૂર્ણ પ્રમાણિકતાથી પ્રયાસ કરું છું. તેમાં તેના અંગત જીવનના પાસાને પણ તેણે જે અમારી વચ્ચેની સાથે વાતચીતમાં જે કહેવાયું હોય તેને જ સ્પર્શ કરીશ. તેના સર્જનાત્મક પાસા તરફ નજર નાખતાં પણ પવનની દિશા પ્રાપ્ત થાય તે શંકાનો જ વિષય છે. આવા એક અનોખા વ્યક્તિત્વને ન સમજાય તેવું કહીને ગર્તામાં મૂકી ન દેવાય. પામવાની પ્રક્રિયામાં એવી અનુભૂતિ થાય કે ‘પવન સાચે જ આવો અનોખો હતો !’ તો પણ સંતોષ થશે.

પવન સાથે પરિચયની શરૂઆત ૧૯૯૩-૯૪માં કવિ લેખક સુધીરભાઈ દેસાઈએ કરાવ્યો. પવનનું નિવાસસ્થાન મારા નિવાસસ્થાનથી માત્ર પાંચ મિનિટમાં ચાલતાં પહોંચી જવાય એટલું જ. ‘સમય હોય તો થોડી વાર આવું ?’ કહી આવે અને કલાકો સુધી તેની સાથે વાતો થાય. વ્યાવહારિક જ્ઞાનમાં તેની અપરિપક્વ સમજ. સાહિત્યની સમજ ઘણી, પરંતુ તે સમજમાં અન્ય સમજ સાથે સમાધાનની તૈયારી બિલકુલ નહીં. આસવપ્રીતિ છોડ્યા પછીના તેના અનુભવની ગાથા રસપૂર્વક કહે અને તેમાં આ ગંભીર પ્રકૃતિના માણસની હાસ્યવૃત્તિ અદ્દભુત ખીલે. તમાકુની લત છૂટતાં વાર લાગી. એ આદત તો મને પણ હતી. ૨૦૦૨માં એક દિવસ નક્કી કરી મેં તે છોડ્યું. પછી સંત કબીરની જેમ ‘આદત આપણને નહીં પરંતુ આદતને આપણે ચોંટી રહીએ છીએ.’ તે કહેવાનો હક મળી ગયો. ઝડપથી નહીં પરંતુ ધીમે ધીમે તેણે પણ એક વધુ લતથી છુટકારો મેળવ્યો. મોડે  મોડે સિગારેટ પણ છોડી. ૯૩-૯૪માં પ્રખ્યાત નિર્ણાયકોની સેવાઓ લઈ કાવ્ય, વાર્તા, નિબંધ, બાળસાહિત્ય, નવલકથા વિગેરે સાહિત્ય પ્રકારોમાં છેલ્લાં ત્રણ વર્ષમાં અને પ્રથમ વખત પ્રગટ થયેલ પુસ્તકો માટે સ્પર્ધાનું આયોજન કર્યું. નિયમ મુજબ તો પ્રકાશિત થયેલ પુસ્તકોમાં જ પારિતોષિક માટે સ્વીકારી શકાય પરંતુ પવનકુમાર જૈને તેમની અપ્રકાશિત વાર્તાઓનો હસ્તલિખિત સંગ્રહ મોકલ્યો. સ્પર્ધાનો હેતુ તો પ્રથમ વખતના સાહિત્યકારોને પ્રોત્સાહન આપવાનો જ હતો એટલે તેમનો એ સંગ્રહ સ્પર્ધા માટે સ્વીકાર્યો. વાર્તાઓ વાંચી અને નિર્ણય સારો લીધો છે તેવું લાગ્યું. નિર્ણાયકોએ પણ તેને દ્વિતીય પારિતોષિક આપી પુષ્ટિ કરી. આ પછી એ વાર્તા સંગ્રહ છપાયો કે નહિ તે ખબર નથી.

આ સંગ્રહની એક વાર્તા ‘પીઠ્ઠું.’ સાહિત્ય સંસદની બેઠકમાં તેમણે વાંચી હતી. કવિતાઓ પણ તેમણે વાંચી હતી. ‘પીઠ્ઠું’ શીર્ષક જ વાર્તા વિષયને સ્પષ્ટ કરતું અને વિશિષ્ટ હતું. વાર્તાનો નાયક રાતની અંધારી એકલતા ચીરતો અંધારિયા પીઠ્ઠામાં પહોંચે છે. ત્યાં એક ટેબલ પાસે ખુરશી નાખી પીઠ્ઠાની માલિક સ્ત્રી અલિપ્ત એકલી, માત્ર નાના દીવાના અજવાળે દેખાતી છાયા જેવી, પાછળ જ તેનું નિવાસસ્થાન અને તેનો બંધ ઓરડો, વાર્તાનાયક જાણે છે કે ત્યાં મૃતજનની યાદમાં એક મીણબત્તી અરવ સળગ્યા કરે છે, જુદે જુદે ખૂણે દારૂ પીતા બેઠેલાં માણસો, માલકણ બાઈ પાસેથી બોટલ લઈ માણસોથી દૂર ખૂણો શોધી બેસી જતો વાર્તા નાયક મોડી રાતે ખાલી પીઠ્ઠાને છોડી અંધકારમાં ઓગળી જતી કથા છે.

લેખક ક્યારે પણ શબ્દ વેડફતો નથી. શબ્દ પણ દારૂમાં ઝબોળાઈ અંધારી એકલતામાં વાર્તાનાયકની જેમ જ ઓગળી જાય છે. સૂનમુન કરી મૂકે તેવી આ વાર્તાની કૃતિ, કર્તા તરફ ગતિ કરાવે પરંતુ માત્ર અનુભૂતિના સ્તર સુધી જ, સ્પર્શ તો ન જ કરી શકો ત્યાં પામવાની તો વાત જ કેવી ! અને હા, પવન જેવું જ અસ્તિત્વ પવનકુમાર જૈનનું છે. પવનનું  જે સર્જનાત્મક પ્રદાન તેનાં કાવ્યો અને વાર્તાઓમાં પ્રગટ થયું છે તે પ્રકાશિત થવા ખાતર નથી થયું. અનુભૂતિની તીવ્રતાએ તેને વિવશ કરેલ હશે. મારે પણ કંઈક કહેવું છે તેમ નહીં પણ જે વાસ્તવ છે તેની વાત સંકોચ વગર તીવ્રતાથી કહે છે. તે ભાષા અને અર્થનો વિનિયોગ અત્યંત કાળજીપૂર્વક કરે છે. અર્થવ્યંજનાનો બોધ કરવા પ્રતીકોના અને કલ્પનોના ઉપયોગમાં એની એ કાળજી વિશેષ દેખાઈ આવે છે. તેના સર્જનમાં પ્રગટ થતી વ્યંજના અનુભવના સહજમાંથી આવતી હોવાથી તેના પ્રતીકો દ્વિઅર્થી શબ્દોના પ્રયોગથી દૂર રહીને પણ તે સાધી શકે છે. અભિવ્યક્તિમાં પણ અતિરેક કે ડંખ વગર સત્ય તરફનો અભિગમ છે.

તેની કવિતામાં અંગત છે. સાહિત્ય તરફની સમજ છે. સામાજિક આક્રોશ છે. પર્યાવરણની ખેવના છે. વિલક્ષણ ભાવ છે. ભાવને વ્યક્ત કરવા વિચક્ષણ શબ્દ પ્રાયોજના છે. ગતિ પણ છે અને અટકાવની વિગતિ પણ છે. દુ:ખ છે. શમણાં જુએ છે અને તેનાથી ડરે પણ છે. મન દુભાયેલું છે પણ તેની જવાબદારી કોઈ પર ઢોળતો નથી. વિષમતાઓ તો પળેપળની અને ઉકેલ અધૂરાં તે તેનાં સર્જનનાં પાસાંઓ છે, જે જરા પણ પાસેદાર નથી. તેની થોડી કવિતાઓ અહીં મૂકીને તે સ્પષ્ટ કરીએ.

દારૂનો પ્યાલો

મુશ્કેલીઓનાં ધાડાં આવતાં જોઈ

હું કાચીંડાની જેમ રંગ નથી બદલી 

શકતો.

કાચબાની જેમ ઢાલ નીચે 

ડોક નથી છુપાવી શકતો,

(અને તેથી) દારૂના પ્યાલામાં 

ડૂબી મરું છું. 

આ ૧૯૭૫માં લખાયેલી કૃતિને અને અન્ય કોઈ પણ કૃતિને સર્જકના અંગત જીવન સાથે જોડવાનો ઉપક્રમ ન કરીએ તે જ યોગ્ય ગણાશે કારણ કે વ્યક્તિમાંથી સમષ્ટિમાં રચાતો સહૃદય સંસ્પર્શ જ સર્જનનો અંતિમ પડાવ હોય છે.

બીજી એક કૃતિ : 

શરમ-ભરમ

નભની ઝીણી ચાદર નીચે
સૂર્ય, ચંદ્રને ને નક્ષત્રો નાગાં,
નદી, ઝરણ ને દરિયો નાગાં,
પહાડ, કરાડ ને કોતર નાગાં,
હાથી, હરણ ને સસલાં નાગાં,
કાબર, કોયલ ને પારેવાં નાગાં,
કુત્તા, બિલ્લી, બંદર નાગાં,
સાપ, છછુંદર, વીંછી નાગાં,
મીન, મકર ને મેંઢક નાગાં,
જૂઈ, મોગરા, ગલગોટા નાગાં,
નારંગી, ટેટી ને તડબૂચ નાગાં,
ગાજર, મૂળા, રીંગણ નાગાં,
નજર કરો ત્યાં સહુએ નાગાં.
શરમ-ભરમ બસ
માનવમનમાં,
તેથી, એવો એ
પહેરે વાઘા.

આ કૃતિના લય આંદોલન અને આવર્તનથી મદારી ડુગડુગી વગાડતો વગાડતો ગાતો જતો હોય અને અંતમાં ચોટ આપતી અને અર્થબોધની પંક્તિઓથી સમાપન કરે છે. અભિધાથી વ્યંજના તરફની ગતિનું આ સરસ ઉદાહરણ છે.

પવનકુમારની કૃતિઓ અનેક સામયિકો પ્રગટ કરતાં રહેતાં. તે કૃતિઓ વિવેચકોનું ધ્યાન આકર્ષતી અને તે કૃતિ અને કવિને બિરદાવતી વિવેચના પણ થતી. તેમ છતાં વર્ષો પછી તેનો  ‘૬૫ કાવ્યો’નો સંગ્રહ લઈ ઘેર આવ્યો ત્યારે તે અત્યંત ખુશ હતો. તે પ્રગટ થયા પહેલાંની મથામણોની વિગતવાર વાત કરી કલાકો સુધી ગોષ્ઠી કરી. તેઓ જ્યાં ‘ગોવિંદ નિવાસ’ વિલેપાર્લેમાં રહેતા, તે ઘર તોડી નવું બનાવવાની વાત ચાલતી હતી. એટલે અવારનવાર તે અંગે સલાહ લેવા તે આવતો. અમે અમેરિકા જતાં હતાં ત્યારે પણ તે અંગે તે સલાહ લઈ ગયો. અમે પરત આવ્યાં તે પહેલાં જ તે મકાન અને પછી, દેહ છોડી, એ દોસ્ત ચાલી નીકળ્યો.

તેને મકાન કરતાં વધુ જે ચિંતા કોરતી રહી તે તેની વહાલી નાની બહેન લવલીના. તે માનસિક વિકલાંગ છે.  ‘૬૫ કાવ્યો’ના  સંગ્રહની ‘ચોપડી’  તેણે તેને જ અર્પણ કરી છે. સંગ્રહના ૧લા કાવ્યમાં પવન પોતાની વિકલાંગ નાની બહેનનાં હેતની વાત કરે છે અને પોતાના હેતને વાચા આપે છે.

‘વા’લીબેનનું હેત.’

પોતાનો ઘસાઈને ફાટી ગયેલો
ટુવાલ મને ભેટ આપતાં
મારી ભોળી બહેન પૂછે છે:
આ તમને હાથ-પગ લૂછવા
કામ લાગશે ને ?

અકિંચન શબરીના
એંઠા બોરની મીઠાશ
ઠેર ઠેર વેરાયેલી પડી છે.
જરા માણી જુઓ.
રામ બની જશો.

છેલ્લી ત્રણ પંક્તિઓમાં વાપરેલા વિરામચિહ્નોથી કૃતિને વિરામ મળ્યો છે તે પવનના ટૂંકા કાવ્યોની વિલક્ષણતા ઠેર ઠેર માણવા મળે છે. ‘કૂકડો ન બોલે તો પણ સવાર તો પડે જ પરંતુ સૂનુંસૂનું તો લાગશે ને!’ 

૨૪ જાન્યુઆરી ૧૯૪૭માં મુંબઈમાં જ જન્મ અને ૧૨ નવેમ્બર ૨૦૧૩માં મુંબઈમાં જ વિદાય લેનાર ભાઈ  પવનકુમાર જૈન તારા વગર સૂનું તો લાગે જ છે.

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

27 November 2013 admin
← Honoring Hate : Public Felicitation of Riot Accused
બચપણ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved